Sunday, May 12, 2024
Homeકેમ્પસ વોઇસSIOએ સ્ટુડન્ટ મેનિફેસ્ટો બહાર પાડ્યો; સમાવિષ્ટ શિક્ષણ અને સામાજિક ન્યાય પર ધ્યાન...

SIOએ સ્ટુડન્ટ મેનિફેસ્ટો બહાર પાડ્યો; સમાવિષ્ટ શિક્ષણ અને સામાજિક ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ

પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે 17 ફેબ્રુઆરીના રોજ, સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) એ સ્ટુડન્ટ મેનિફેસ્ટો બહાર પાડ્યો, જેનો હેતુ ભારતમાં શિક્ષણ, લઘુમતીઓ અને સામાજિક કલ્યાણને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવાનો છે. સંગઠનના રાષ્ટ્રીય સચિવો અબ્દુલ્લા ફૈઝ અને ડો. રોશન મોહિઉદ્દીન સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ રમીસ ઇ.કે. સાહેબે મીડિયાને સંબોધન કર્યું અને મેનિફેસ્ટોની વિગતો રજુ કરી.

વિદ્યાર્થી ઢંઢેરામાં વિદ્યાર્થી સમુદાયની મહત્વપૂર્ણ માંગણીઓ શામેલ છે, જેને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) 2024ની સામાન્ય ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવવા માંગે છે. આ મેનિફેસ્ટો નીચેના મુદ્દાઓને સંબોધે છે:

  • બધા માટે તકો સુનિશ્ચિત કરવા માટે નિષ્પક્ષ, સમાન અને યોગ્ય આરક્ષણ પ્રણાલી અમલમાં મૂકવી જોઈએ.
  • સામાજિક-આર્થિક રીતે પછાત જિલ્લાઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને સમતોલ વિકાસ માટે સીમાંત વિસ્તારોના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
  • રોહિત એક્ટને લાગુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ન્યાય અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવે.
  • મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ પુનઃસ્થાપિત કરવી જોઈએ અને લઘુમતીઓ માટે શિષ્યવૃત્તિ વધારવી જોઈએ. લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણની સમાન પહોંચ માટે આર્થિક મદદ કરવી જોઈએ.
  • ભેદભાવ અને પૂર્વગ્રહથી મુક્ત સમાજ માટે ભેદભાવ વિરોધી કાયદો બનાવવો જોઈએ.
  • લોકોની ગોપનીયતા અને ડેટાના રક્ષણ માટે કડક વ્યક્તિગત ડેટા સંરક્ષણ કાયદા અને ગોપનીયતા ચાર્ટર ઘડવામાં આવે.
  • પર્યાવરણીય યોજનાઓ અને ટકાઉ વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે રૂ. 1000 કરોડનું ભંડોળ આપવું જોઈએ.
  • યુવાનોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપીને સમગ્ર ભારતમાં આરોગ્ય અને માનસિક સુખાકારી કેન્દ્રો ખોલવા જોઈએ.
  • બધા માટે સુલભ શિક્ષણની પ્રતિબદ્ધતા જાળવીને, પ્રાથમિક સ્તરથી યુનિવર્સિટી સ્તર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ સુનિશ્ચિત કરવું જોઈએ.
  • રોજગાર ગેરંટી કાયદો લાવવો જોઈએ જેથી દેશના યુવાનો માટે નોકરીની સુરક્ષા અને તકોનો માર્ગ મોકળો થાય.

પ્રેસ કોન્ફરન્સમાં, SIO ના નેતૃત્વએ ભારતના શૈક્ષણિક લેન્ડસ્કેપમાં ચિંતાજનક વલણો વિશે વાત કરી. 74.04% નો એકંદર સાક્ષરતા દર હોવા છતાં, જે વિશ્વની સરેરાશ 86.3%ની નીચે છે, ઘણા રાજ્યો ભાગ્યે જ રાષ્ટ્રીય સ્તરને વટાવી શક્યા છે.

SIO ના રાષ્ટ્રીય અધ્યક્ષ રમીસ ઈ.કે. એ કેન્દ્રને ધાર્મિક લઘુમતીઓ માટેની મુખ્ય શૈક્ષણિક યોજનાઓ બંધ કરવા, અન્યોનો અવકાશ ઘટાડવા અને લઘુમતી મંત્રાલય હેઠળના કાર્યક્રમો પર ખર્ચ ઘટાડવા અને શિક્ષણ બજેટનો હિસ્સો ઘટાડીને જીડીપીના 2.9% સુધી કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી કેમ કે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા નિર્ધારિત 6% લક્ષ્ય કરતાં ઘણું ઓછું છે.

તેમણે ભારતની GDPના 2.1% ફાળવણી અને જાપાન, કેનેડા અને ફ્રાન્સ જેવા દેશો વચ્ચેના સ્પષ્ટ તફાવત તરફ ધ્યાન દોર્યું, જે જાહેર આરોગ્ય સંભાળ માટે લગભગ 10% ફાળવે છે.

બેરોજગારી હવે ભારતની સૌથી મોટી સમસ્યા છે. સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં, વડાપ્રધાન કાર્યાલયે કહ્યું છે કે 1 માર્ચ, 2023 સુધી તમામ મંત્રાલયોમાં લગભગ 10 લાખ પદ ખાલી હતા. જો કે સરકાર યુનિવર્સિટીઓ અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ગંભીર નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે પરીક્ષાઓ અને પસંદગી પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતા છે.

મુસ્લિમ વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેટની ચિંતાજનક સ્થિતિને સંબોધતા, ડૉ. રોશન મોહિઉદ્દીને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓબજેક્ટીવ સ્ટડીઝ એ 23.1% ડ્રોપઆઉટ દર નોંધ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 18.96% કરતા વધારે છે. મુસ્લિમ વિદ્યાર્થીઓની નોંધણી શૈક્ષણિક વર્ષ 2019-20માં 5.5% હતી, જે ઘટીને 2020-21માં 4.6% થઈ છે. ડૉ. રોશને શૈક્ષણિક સ્વતંત્રતાની ચિંતાજનક પડતી પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમ કે V-Dem સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ એકેડેમિક ફ્રીડમ ઈન્ડેક્સમાં 179 દેશોની વચ્ચે ભારતનું સ્થાન નીચલા 30% માં પ્રતિબિંબિત થાય છે.

તેમણે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓને ટાંકીને માનસિક સ્વાસ્થ્ય કટોકટી અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં 15 થી 30 વર્ષની વયના લોકોમાં મૃત્યુનું મુખ્ય કારણ આત્મહત્યા દર્શાવવામાં આવ્યું હતું, જેમાં સરેરાશ 34 વિદ્યાર્થીઓ દર 42 મિનિટે પોતાનો જીવ લે છે.

અબ્દુલ્લા ફૈઝે, એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને DOTO ડેટાબેઝને ટાંકીને, નફરતના ગુનાઓમાં તીવ્ર વધારા તરફ ધ્યાન દોર્યું અને જીવનની સુરક્ષા અને ધાર્મિક ભેદભાવ સામે લડવા માટે તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરી.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ અને યુવાનો આ દેશમાં સૌથી મોટા મતદાતા જૂથ છે અને રાજકીય પક્ષોએ મત માંગતી વખતે ખાસ કરીને તેમની જરૂરિયાતો અને માંગણીઓ પૂરી કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ મેનિફેસ્ટો રાજકીય પક્ષોને દેશના ભવિષ્યમાં રોકાણ કરવા માટે આહવાન કરી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને યુવાનો ખાલી વચનોથી અથવા વિભાજનકારી રાજકીય એજન્ડાઓથી વિચલિત થવાના નથી. તેના બદલે તેઓ મજબૂત ચૂંટણી ઢંઢેરાની માંગ કરે છે જે સુલભ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગાર, શાંતિ અને સલામત વાતાવરણની ખાતરી આપતું હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments