“એક ન્યાયની તપાસ માટે નીકળેલા અધિકારીને તપાસ દરમ્યાન કોઈ પરદાવાળી મહિલા સાથે તેના ધાર્મિક નિયમ મુજબ કે તેની આગવી ઈચ્છા અનુસાર પરદામાં રહીને તપાસ કરવાની છૂટછાટ આપવામાં આવશે નહિ.”: દિલ્હી હાઇકોર્ટ
ગત અઠવાડિયે દિલ્હી હાઇકોર્ટમાં એક મુસ્લિમ મહિલા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે નોંધ્યું કે નવેમ્બર 5-6 2023ના રોજ રાત્રિના ત્રણ વાગ્યે કેટલાક પોલીસ અધિકારીઓ તેમના ઘરમાં જબરદસ્તીથી ઘૂસી ગયા અને તેમને અપમાનિત કરીને તેમની મરજી વિરૂદ્ધ તેમને પરદા વગર પોલીસ સ્ટેશને લઈ ગયા અને ત્યાં તેમને 13 કલાક સુધી રાખ્યા. મહિલાના વકીલ મો. સુફિયાન સિદ્દીકીએ ઉચ્ચ ન્યાયાલયમાં કેટલીક દલીલો કરીને પરદા વિશે મુસ્લિમોની સાંસ્કૃતિક અને ધાર્મિક લાગણીને ઉજાગર કરવાના પ્રયત્નો કર્યા અને તેમણે જણાવ્યું કે ભારતમાં અલગ અલગ જાતિની મહિલાઓ ધાર્મિક પહેરવેશનો ઉપયોગ કરીને મહિલાઓના માન મર્યાદાઓને જાળવી રાખે છે. પોલીસ અધિકારીઓ કે જે ન્યાયતંત્રના અગ્રણીઓ છે તેઓ આ વાત સારી રીતે જાણતા હોવા જોઈએ કે આ દેશનું સંવિધાન મહિલાઓને તેમના ધર્મ અનુસાર પહેરવેશનો અધિકાર આપે છે. (બંધારણની કલમ-19). સામે પક્ષના વકીલ સુવર્ણા કાન્તા શર્માજીએ જણાવ્યું કે પોલીસ તપાસ દરમ્યાન કોઈ પણ વ્યક્તિ ગુમનામ કે પરદામાં રહી શકે નહિ. બંધારણની કલમ-25 હેઠળ હિજાબ પહેરવાનો અધિકાર મળતો નથી. ન્યાયતંત્રએ પરદાવાળી મહિલાઓને કોઈ વિશેષ અધિકાર આપવાની ના પાડતા જણાવ્યું કે અધિકારીઓને છૂટ છે કે તેઓ કોઈ અલગ રૂમની વ્યવસ્થા ન કરે અને ખુલ્લામાં તપાસ કરી શકે છે. કેમ કે આમ કરતા કંઇક એવી વસ્તુ છુપાવી શકાય છે જે ન્યાયને બદલી શકે છે. ઉચ્ચ ન્યાયાલયે તેનો ચુકાદો આપતાં 64 પાનાંમાં નોંધ્યું છે કે પોલીસ કાર્યવાહીમાં જાતિવાદ એટલે કે મહિલા કે પુરુષ માટે અલગ અલગ કાયદા નથી તેમજ ધર્મ કે કોમ્યુનિટીને અનુલક્ષીને પણ કોઈ છૂટ આપવામાં આવશે નહિ. ઉચ્ચ ન્યાયાલયે એ પણ નોંધ્યું કે હવેના મોડર્ન એરામાં પરદાનશીન શબ્દ જૂનો થઈ ગયો છે. અને જજે એ પણ નોંધ્યું કે હિન્દુ અને શીખ મહિલાઓ પણ હવે તો ઘૂંઘટ કે શરીર ઢાંકવાને જરૂરી સમજતી નથી. પરદામાં રહેવું કે નહિ એ દરેક મહિલાની વ્યક્તિગત પસંદગી પર છે. ઉચ્ચ ન્યાયાલયે આ અહેવાલનો નિકાલ કરતા નોંધ્યું છે કે આ રીતના કેસમાં પોલીસ અધિકારીને છૂટ છે કે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલાઓ સાથે વ્યવહાર કરે.
સૌજન્યઃ ઇન્ડિયા ટુમોરો