સૃષ્ટિમાં દરેક વસ્તુ ઇચ્છિત કે અનિચ્છિત રીતે અલ્લાહના આદેશોનું પાલન કરી રહી છે. કેમકે તેમની પાસે પસંદગીની સ્વતંત્રતા નથી. અલ્લાહે તેમને જે કાર્ય કરવા નિર્ધારિત કર્યા છે તેના ઉપર અમલ કરવા તેઓ પાબંદ છે. આપણે રાત્રે ઝગમગ કરતાં તારાઓના સમૂહ, ઊંચા ઊંચા વિશાળકાય અનેરા પર્વતો, હૃદયને આનંદિત કરતો ઠંડો પવન, ચંદ્રનો શીતળ પ્રકાશ અને અંધકારની છાતી ચીરી ઉદય થતો સૂર્ય, લીલાછમ ખેતરો અને વૃક્ષોના ડાળે ઝૂલતા પાંદડાઓ, પક્ષીઓનો કલરવ, જોયા છે. કુદરતનું દરેક દૃશ્ય નયનરમ્ય અને દિલને મોહી લેનાર છે. ક્યારેય વિચાર્યું છે કે પ્રકૃતિમાં આટલી શાંતિ, નિર્દોષતા અને સુંદરતા કેમ છે !!! એક જ શબ્દમાં તેનો જવાબ છે ‘અદ્લ’.
અલ્લાહે ઇન્સાનનું સર્જન કર્યું, જે સૃષ્ટિની દરેક વસ્તુથી જુદો, ચઢિયાતો અને બેનમૂન હતો. ઇન્સાનને અલ્લાહે જ્ઞાનની સમજ અર્પણ કરી અને તેને પસંદગીની સ્વતંત્રતા તથા સમગ્ર સૃષ્ટિને વશ કરવાની મર્યાદિત શક્તિઓ આપી. દુનિયામાં ઇન્સાનનું અવતરણ બીજા જીવોની જેમ એક સામાન્ય જીવ જેવું ન હતું, બલ્કે અલ્લાહે તેને પોતાનો ખલીફા (પ્રતિનિધિ) બનાવીને મોકલ્યો. ખલીફા માલિકના એ નાયબને કહેવામાં આવે છે જે પોતાના વાસ્તવિક માલિકના આદેશોને લાગુ કરે અને તેની ઇચ્છા પ્રમાણે જીવન પસાર કરે. મનુષ્ય જીવન એ પરીક્ષા ખંડ છે, અલ્લાહ વિવિધ પરિસ્થિતિઓ, સંસાધનો, પ્રતિભાઓ, સવલતો, વગેરે આપીને અજમાવે છે કે વ્યક્તિ કેવા કર્મ કરે છે. આ પરીક્ષાને વાસ્તવિક બનાવવા અલ્લાહે પોતાની જાતને અદૃશ્ય રાખી અને મનુષ્ય સાથે શેતાનને પણ અવતરિત કરવામાં આવ્યો જે તેને સાચા માર્ગથી વિચલિત કરે છે, અનુચિત કાર્ય કરવા ઉશ્કેરે છે, ખોટી આકાંક્ષાઓમાં ઉલઝાવે છે. ખલીફા બનાવવાનો આશય આ હતો કે મનુષ્ય પોતાના જ્ઞાનનું સંવર્ધન કરે, પોતાના સર્જનાત્મક અને નવીન વિચારો થકી આ પૃથ્વીને શણગારે અને સમગ્ર સંસારને અમન અને શાંતિનું પારણું બનાવે. આ કાર્ય માટે જે શિક્ષણ અને માર્ગદર્શનની જરૂર હતી તે પોતાના પેગંબરો વડે આપવામાં આવ્યા. આ માર્ગદર્શિકા અદ્લના સિદ્ધાંત ઉપર સ્થાપિત હતી.
ઇલાહી (ઈશ્વરીય) માર્ગદર્શન સૂર્યના તાપ અને પ્રકાશની જેમ સમગ્ર માનવજાતિનો વારસો છે. અને દુનિયાને ન્યાય અને શાંતિનો નમૂનો બનાવવા માટેનો એકમાત્ર માર્ગ છે. તેનું અમલીકરણ કરવામાં આવે તો ન માત્ર વ્યક્તિગત જીવનમાં પરંતુ સામૂહિક જીવનમાં પણ શાંતિનો ધ્વજ ફરકાવી શકાય છે. આજે સમગ્ર દુનિયા ઉપર એક નજર કરી જુઓ, ચારે બાજુ જે ખૂનામરકી છે, જે બર્બરતા, ધોકાબાજી, હિંસા અને અશાંતિ છે તેનું મૂળ કારણ ‘અદલ’ની ઉણપ છે. કોઈ વ્યક્તિ કે સમૂહ, કોઈ દેશ કે સમાજ જ્યારે પોતાના રચયિતા અલ્લાહના કાનૂનને છોડી પોતાના સ્વાર્થ કે નિર્ધારિત લાભ માટે અન્યાય કરે ત્યારે પૃથ્વીનો તે ભાગ ફસાદ અને અત્યાચારનો ગઢ બની જાય છે.
દુનિયામાં શાંતિની સ્થાપના માટે ન્યાયની નહીં ‘અદ્લ’ની જરૂર છે.
અદ્લ એ મૂળ અરબી ભાષાનો શબ્દ છે. પવિત્ર કુર્આનમાં અદ્લ શબ્દનો ઉપયોગ સમાનતા, અધિકાર, સંતુલન, ન્યાયના અર્થમાં કરવામાં આવ્યો છે. ઉર્દૂમાં, ‘ઇન્સાફ’ શબ્દ સામાન્ય રીતે ‘અદ્દલ’ માટે સમાનાર્થી તરીકે વપરાય છે, જે શૈક્ષણિક અને શાબ્દિક દૃષ્ટિકોણથી યોગ્ય નથી. ઇન્સાફ (ન્યાય)નો અર્થ છે ‘અડધો કરવો’. આમ, તેનો અર્થ ફક્ત અધિકારોની સમાન વહેંચણી સુધી સીમિત થઈ જાય છે, પરંતુ કુર્આનમાં જે ‘અદ્લ’ શબ્દનો ઉપયોગ થયો છે તે માત્ર અધિકારોની સમાન વહેંચણી સુધી સીમિત નથી, કારણ કે માત્ર સમાનતા પ્રકૃતિની વિરુદ્ધ છે. વાસ્તવમાં ન્યાયની જરૂરિયાત સમાનતાને બદલે સંતુલન અને પ્રમાણ સ્થાપિત કરવાની છે. સમાનતા અદ્લની રૂહ છે, નાગરિક અધિકારો અને નાગરિક સ્વતંત્રતાઓમાં આ ભાવના મોજૂદ છે. પરંતુ જ્યાં સુધી માતા-પિતા અને બાળકો વચ્ચેની સામાજિક સમાનતાનો સંબંધ છે ત્યાં તે નૈતિક રીતે યોગ્ય નથી. શરીઅત અનુસાર, અદ્લ માટે જરૂરી છે કે દરેક વ્યક્તિના કાયદાકીય, બંધારણીય, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક, સામાજિક અને નૈતિક અધિકારો સંપૂર્ણ જવાબદારી અને અલ્લાહ સમક્ષ ઉત્તરદાયિત્વની ભાવના સાથે આપવામાં આવે. કુર્આનમાં અદ્લ માટે કિસ્ત શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.
જેનો જે હક છે અથવા જે જેવા હકને લાયક છે તેને તે હક આપવામાં આવે તે અદ્લ છે. દા.ત. પેનનું કાર્ય લખવાનું છે તેનાથી કાપવાનું કામ લેવામાં આવે તો તે તેના ઉપર જુલ્મ છે, પગરખાંનું કાર્ય પગમાં પહેરવાનું છે,તેને માથા પર મૂકવા તેની ઉપર જુલમ કહેવાશે. ટૂંકમાં કોઈ પણ વસ્તુથી તેની પ્રકૃતિ વિરુદ્ધ કાર્ય લેવું તેના ઉપર જુલમ છે. એટલે અદ્લ પ્રાકૃતિક નિયમનું નામ છે. આપણાં શરીરનું સંતુલન બગડે તો માણસ બીમાર પડી જાય છે અને ડોક્ટરનું કામ શરીરને ફરીથી તે જ સ્થિતિમાં લાવવાનું હોય છે.
અદ્લનો વિરુદ્ધાર્થી શબ્દ જુલ્મ છે. જ્યાં હક આપવામાં નથી આવતા ત્યાં જુલમ અને અત્યાચાર વધી જાય છે. ઇસ્લામે અદ્લની સ્થાપના ઉપર વિશેષ ભાર મૂક્યો છે. અદ્લની પ્રસ્થાપના સફળતાની ચાવી છે. જ્યાં સંતુલન બગડે છે ત્યાં બગાડ ઉત્પન્ન થાય છે. એ પોતાનું શરીર હોય કે સૃષ્ટિ, કુટુંબ હોય કે સમાજ, પશુ પક્ષી હોય કે પર્યાવરણ, અર્થવ્યવસ્થા હોય કે રાજનૈતિક પ્રણાલી.અદ્લ એવા મૂલ્યનું નામ છે જે અનૈતિક આચરણ, અન્યાયી શાસન,અધિકારોનું ઉલ્લંઘન, જવાબદારીનો અભાવ, ભેદભાવ, અસમાનતા જેવા દૂષણોને નાબૂદ કરી દે છે.
બે બાળકો વચ્ચે ભેદભાવ થાય કે પતિ-પત્ની અથવા માતા-પિતા કે સાસુ-સસરા અથવા કુટુંબના બીજા લોકો, જો બીજાના અધિકાર ન આપે તો પરિવારનું સંતુલન બગડી જાય છે. કલેશ અને ઝઘડા થાય છે. સમાજમાં વિવિધ સમુદાયો વચ્ચે ભેદભાવ કરવામાં આવે, પક્ષપાત કરવામાં આવે તો પણ સામાજિક તુલામાં વિક્ષેપ ઊભો થાય છે. ન્યાયાલયમાં કોઈ પણ વસ્તુના આધારે જો અન્યાય કરવામાં આવે તો તેના પરથી વિશ્વાસ ઊઠી જાય છે. કાયદાઓના અમલીકરણમાં ભેદભાવ અથવા કાયદાઓ બનાવવામાં કે આર્થિક નીતિઓ ઘડવામાં પક્ષપાત કરવાથી પણ સમાજમાં પીડિત માનસિકતાનો ભાવ ઉત્પન્ન થાય છે, જેના ઊંડા પ્રત્યાઘાતો પડે છે. આ સમગ્ર સમસ્યાઓનો એક માત્ર ઉપચાર અદ્લની પ્રસ્થાપના છે.
વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક સ્વાર્થથી ઉપર ઊઠી ઇસ્લામે દરેક પરિસ્થિતિમાં અદ્લ ઉપર કાયમ રહેવાનું શિક્ષણ આપ્યું છે. કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે,
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! અદ્લ (ન્યાય)ના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે, આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાયથી હટો નહીં અને જો તમે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે.”
(સૂરઃ નિસાઃ૧૩૫)
અને સમાજમાં સંબંધોની સુવાસ અને ભાવનાઓમાં મીઠાશ ઉત્પન્ન કરવા અને સામાજિક દૂષણોને નાથવા માટે અલ્લાહ આદેશ આપે છે,
“અલ્લાહ અદ્લ (ન્યાય) અને એહસાન (ઉપકાર અને ભલાઈ) કરવા અને સગાઓ સાથે સદ્ર્તાવનો હુકમ આપે છે અને બૂરાઈ અને અશ્લીલતા અને અત્યાચાર અને અતિરેકની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો.” (સૂરઃનહ્લ – ૯૦)
પસંદગી અને નિમણૂકનો આધારઃ
માનવી સામાજિક અસ્તિત્વ ધરાવે છે અને સામાજિક વ્યવસ્થાના સંચાલન માટે કોઈ વ્યક્તિને બાગડોર સોંપવામાં આવે છે. નેતૃત્વ માટે ઇસ્લામે રંગ ભેદ, ભાષા અને વર્ણથી ઉપર ઊઠીને યોગ્યતાને આધાર બનાવ્યો છે જેની ઉણપ આજે સમગ્ર ભારતીય સમાજમાં જોવા મળે છે.એ નેતૃત્વ સંગઠનનું હોય કે સંસ્થાનું, સમાજનું હોય કે દેશનું, કાર્યના અમલીકરણ માટે જવાબદારી આપવી હોય કે કોઈ વિશેષ કાર્ય માટે કોઈની પસંદગી કરવાની હોય, અલ્લાહ ફરમાવે છે;
“મુસલમાનો ! અલ્લાહ તમને હુકમ આપે છે કે અમાનતો અમાનતદાર લોકો (ઉર્િંરઅ ર્ક ્િેજં)ને સોંપો, અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક કરો, અલ્લાહ તમને સર્વોત્તમ શિખામણ આપે છે અને ચોક્કસપણે અલ્લાહ બધું જ સાંભળે અને જુએ છે”.
(સૂરઃનિસા-૫૮)
ન્યાયપ્રણાલીમાં અદ્લ :
આજે આપણાં દેશમાં નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.ન્યાય પ્રણાલીની સ્વતંત્રતા નિયંત્રિત કે મર્યાદિત કરવામાં આવી રહી છે. નિર્ધારિત ચુકાદાઓ મેળવવા માટે પસંદગીના ન્યાયાધીશને કેસ સોંપવામાં આવે છે અથવા નિયમોને નેવે મૂકી તેમની વરણી કરવામાં આવે છે . અથવા કેટલીક વાર નિર્ધારિત લાભ મેળવવા ન્યાયાધીશો પણ ન્યાયની તુલામાં દાંડી મારે છે. અલ્લાહે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે,
“તેથી હે મુહમ્મદ ! હવે તમે તે દીન (ધર્મ) તરફ બોલાવો, અને જેવી રીતે તમને આદેશ આપવામાં આવ્યો છે, તેના જ ઉપર દૃઢતાપૂર્વક કાયમ થઈ જાઓ, અને આ લોકોની ઇચ્છાઓનું પાલન ન કરો, અને આમને કહી દો કે, ”અલ્લાહે જે ગ્રંથો પણ અવતરિત કર્યા છે હું તેના પર ઈમાન લાવ્યો. મને આદેશ આપવામાં આવ્યો છે કે હું તમારી વચ્ચે ન્યાય કરૂં. અલ્લાહ જ અમારો રબ (માલિક અને પાલનહાર) પણ છે અને તમારો રબ પણ. અમારા કર્મો અમારા માટે છે અને તમારા કર્મો તમારા માટે. આપણી વચ્ચે કોઈ તકરાર નથી. અલ્લાહ એક દિવસે આપણને સૌને એકત્ર કરશે અને તેની જ તરફ સૌને જવાનું છે.”
(સૂરઃશૂરા-૧૫)
અને બીજા સ્થાને કહ્યું,
“અને ફેંસલો કરો તો પછી બરાબર ન્યાયપૂર્વક કરો, કેમ કે અલ્લાહ ન્યાય કરનારાઓને પસંદ કરે છે.” (સૂરઃમાયદા-૪૨)
આર્થિક મામલામાં ન્યાય :
આવી રીતે બીજી જગ્યાએ આર્થિક ન્યાયની હિદાયત આપી છે, કોઈ પણ રીતે ગ્રાહકને છેતરવામાં ન આવે, વ્યાજ લેવામાં ન આવે, જૂઠ અને છેતરપિંડી કરવામાં ન આવે, ભાવ વધારવા માટે વસ્તુઓની સંગ્રહખોરી કરવામાં ન આવે, બેફામ નફો ન રળવામાં આવે. એવી નીતિઓ ન બનાવવામાં આવે જેથી ગરીબોનુ શોષણ થાય.વારસા વહેંચણી કાયદાકીય રીતે કરવામાં આવે. અનાથો અને વિધવાઓનો માલ કબજે ન કરવામાં આવે, એટલે કોઈ પણ રીતે બીજાનો માલ સંપત્તિ ખાવામાં ન આવે. અલ્લાહ ફરમાવે છેઃ
“અને તમે લોકો ન તો પરસ્પર એકબીજાની સંપત્તિ અનુચિત રીતે ખાઓ અને ન અધિકારીઓ સમક્ષ તેને એ આશયથી રજૂ કરો કે તમને બીજાઓની સંપત્તિનો કોઈ ભાગ ઇરાદાપૂર્વક અન્યાયી રીતે ખાઈ જવાની તક મળી જાય.” (સૂરઃ બકરહ-૧૮૮)
કુર્આનના આદેશો કોઈ ફિલસૂફી નથી, ન જ કોઈ ભલામણ માત્ર છે, બલ્કે આ સિદ્ધાંતો ઉપર એક સમગ્ર સમાજનું નિર્માણ કરીને બતાવ્યું છે. હઝરત મુહમ્મદ સ. અ. વ. અને ખૂલફાએ રાશિદીન-તેમના નાયબના પવિત્ર જીવન પ્રસંગોમાંથી અમુક દાખલાઓ અહીં આપી શકાય . જેમકે, એક વાર ખૂબ જ પ્રતિષ્ઠિત કબીલા બનૂ મખ્ઝૂમની એક મહિલાએ ચોરી કરી, કુરૈશ તેમના સન્માનના લીધે તેને સજાથી બચાવવા માંગતા હતા. તેથી હઝરત ઉસામા બિન ઝૈદ રદિ. દ્વારા તેની ભલામણ કરાવવામાં આવી. ભલામણ સાંભળતાં જ, પયગંબર હઝરત મુહમ્મદ સ. અ. વ.નો ચહેરો લાલ થઈ ગયો અને તેમણે કહ્યુંઃ “બની ઇઝરાયેલનો નાશ આ જ કારણે થયો હતો. તેઓ ગરીબોને સજા આપતા હતા અને અમીરોને છોડી દેતા હતા. સોગંધ એ જાતના જેના હાથમાં મારૂં જીવન છે, જો મારી પુત્રી ફાતિમાએ ચોરી કરી હોત તો તેનો હાથ કપાઈ ગયો હોત.”
એક વખત એક મુસલમાન અને યહૂદી વચ્ચે ઝઘડો થયો. બંને આપ સ.અ.વ.ની સેવામાં હાજર થયા. આપે બંનેની વાતો સાંભળી ચુકાદો યહૂદીની તરફેણમાં આપ્યો.
આપ સ. અ. વ.ના કાકા હઝરત અબ્બાસ પણ બદ્રના કેદીઓમાં હતા. તેમણે તેમને કોઈ ખાસ છૂટ આપી ન હતી. તેમની વેદના જોઈને આપ સ.અ.વ. આખી રાત સૂઈ ન શક્યા.
હઝરત અબુ બકર સિદ્દીક રદી.નો અદ્લ સંબંધી ઉપદેશ સમાજના દરેક સત્તાધીશો માટે એક દાખલો છે. જેમાં આપે કહ્યું હતું કે તમારામાંના દરેક મારી સામે નબળા છે. જ્યાં સુધી હું તેની પાસે નબળા વ્યક્તિનો હક પાછો નહીં અપાવું.
હઝરત ઉમર તેમના તમામ ગવર્નરોને હજના પ્રસંગે જનતા સમક્ષ રજૂ કરતા હતા. તેઓ તેમની સામે જાહેરમાં ફરિયાદ કરી શકતા હતા. ઇજિપ્તના ગવર્નરના પુત્રએ એક સામાન્ય માણસને ચાબુક માર્યો હતો. લોકોની સામે જાહેરમાં તેનાથી બદલો લેવામાં આવ્યો અને ગુનેગાર તરફથી કોઈ બહાનું સ્વીકારવામાં ન આવ્યું.
ખિલાફાહ-એ-રશિદામાં, કાઝીએ એકવાર હઝરત અલી રદિ. વિરુદ્ધ ચુકાદો આપ્યો, જો કે તે સમયે આપ ખલીફા હતા.
અદ્લ એવી વસ્તુ છે જેણે વિશ્વ વ્યવસ્થા જાળવી રાખી છે. જો દુનિયામાંથી ન્યાય હટાવવામાં આવશે તો આ ફેક્ટરી નાશ પામશે. અરાજકતા,અંધેર,રાજદ્રોહ અને ભ્રષ્ટાચારનું સર્વત્ર રાજ થશે . આ બગાડ અને અશાંતિને ખતમ કરવાનો એકમાત્ર રસ્તો અદ્લ (ન્યાય)ના કાયદાનો અમલ છે.
ન્યાયને વળગી રહેનારાઓને સારા સમાચાર આપવામાં આવ્યા છે. કયામતના દિવસે જે લોકો ને અલ્લાહના અર્શના છાયડામાં સ્થાન આપવામાં આવશે તેમાં એક ઇમામે આદિલ (ન્યાય કરનાર શાસક) હશે. જ્યારે કે તે દિવસે તેના સિવાય બીજો કોઈ પડછાયો નહીં હોય. એક જગ્યાએ કહેવામાં આવ્યું કે કયામતના દિવસે સર્વોચ્ચ સ્થાન ન્યાયિક શાસકને આપવામાં આવશે.
ન્યાયનું આ વ્યવહારૂ મોડેલ છે અને તેને અપનાવવામાં જ આપણો ઉદ્ધાર છે. જો આપણે એક આદર્શ સમાજની રચના કરવા માંગતા હોઈએ તો ‘અદ્લ’ના આ મૂલ્યને જીવંત કરવું પડશે. તેથી મુસલમાનોની વિશેષતાનું વર્ણન કરતાં અલ્લાહ ફરમાવે છે,
“અમારા સર્જનોમાં એક જૂથ એવું પણ છે જે તદ્દન સત્ય અનુસાર માર્ગદર્શન કરે છે અને સત્ય અનુસાર અદ્લ (ન્યાય) કરે છે.” (સૂરઃ આ’રાફ-૧૮૧) •••