Monday, December 2, 2024
Homeતંત્રીલેખકુર્આન માનવજાત માટે માર્ગદર્શન

કુર્આન માનવજાત માટે માર્ગદર્શન

જો કોઈ માણસ સવારે ઊઠે અને તેની બાજુમાં પૈસા ભરેલી થેલી પડેલી જુએ, તો તેનું વલણ શું હશે? એક વર્તન એ હોઈ શકે કે બેગ ઉપાડીને કચરામાં ફેંકી દે, બીજું વર્તન એ હોઈ શકે કે ખુશ થઈને પૈસા ભરેલી થેલી વિશે કોઈ વિચાર કર્યા વિના તેનો ભરપૂર આણંદ માણે, ત્રીજું વર્તન એ હોઈ શકે કે થેલી જોયા બાદ તરત જ મનમાં ઉઠતા અનેક સવાલો તરફ જવું કેઃ “આ થેલી ક્યાંથી આવી? અને કેમ આવી? મારે આ થેલી સાથે શું કરવું જોઈએ?” અને પછી એવા પગલાં ભરવા કે જેનાથી પાછળથી કોઈ પસ્તાવો ન થાય. સંસાર સંબંધી મનુષ્યનો કિસ્સો પણ પહેલા બે વર્તન જેવો જ છે. આધુનિકતાએ માણસને માત્ર ભૌતિક વસ્તુઓ સુધી સીમિત કરી દીધો છે, એ જ કારણ છે કે માણસ ભૌતિક વિકાસની ટોચે પહોંચી ગયો છે. વિજ્ઞાને એવી પ્રગતિ કરી છે કે તેણે દ્રવ્યના કણની પણ છાતી ફાડી નાંખી છે, પરંતુ જે વ્યક્તિ આ અદ્‌ભુત વિકાસમાં પોતાની ભૂમિકા ભજવી રહી છે, એ જ વ્યક્તિ એ વિચારવા તૈયાર નથી કે “હું ક્યાંથી આવ્યો? મારો સર્જનહાર કોણ છે? સર્જનહારે મને કેમ બનાવ્યો? અને આ મૃત્યુ પછી મારી સાથે શું થશે?” હકીકત એ છે કે માણસે તેના જ્ઞાનના સ્ત્રોતને સીમિત રાખ્યો છે અને માત્ર ભૌતિક વસ્તુઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, મેટાફિઝિક્સને લગતા પ્રશ્નો તેના માટે અસંગત બની ગયા છે. સાથે જ, તે દુનિયાની રંગીન મોહમાયામાં અને સ્વાર્થી ઇચ્છાઓની ગુલામીમાં એટલો ડૂબી ગયો છે કે તેના મનમાં ક્યારેય આ પ્રશ્નો ઊભા થતા નથી.

માણસ પણ એક તર્કસંગત જીવ હોવાથી અને જ્યારે તે તમામ પ્રકારના પૂર્વગ્રહો અને પરંપરાગત વિચારોથી મુક્ત થઈને વિચારવાનું શરૂ કરે છે, ત્યારે આ પ્રશ્નો તેના મનને વારંવાર સતાવતા રહે છે. પરંતુ જેમ જેમ તે પોતાના પ્રશ્નોના જવાબો શોધવા વિજ્ઞાન અને ફિલસૂફીની દુનિયામાં જાય છે તેમ તેમ તે નિરાશ થાય છે. કારણ કે વિજ્ઞાન પાસે આ પ્રશ્નોના જવાબ નથી અને ફિલસૂફી તેને વધુ ગૂંચવે છે. એક પ્રશ્ન એવો પણ છે કે માણસને આ પ્રશ્નોના જવાબ શોધવાની શું જરૂર છે, તે તેના વિના જીવી શકે છે. પરંતુ જો વિચાર કરવામાં આવે તો ખબર પડે છે કે આ પ્રશ્નોના ઉકેલ વિના માણસ એક અસંયમિત પ્રાણીની જેમ જીવન જીવી રહ્યો છે. નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન, ક્રૂરતા અને શોષણ, અનૈતિકતા, લૂંટફાટ આ બધું માણસનું ભાગ્ય બની ગયું છે. કારણ કે તે પોતાને કોઈની સમક્ષ ઉત્તરદાયી માનતો નથી, ન તો તેનો કોઈ રચનાત્મક હેતુ છે, ન તો તે વિશ્વના કોઈ પણ સિદ્ધાંતો અને નૈતિકતાનું પાલન કરી શકે છે, તેથી મનુષ્યનું વ્યક્તિગત અને સામૂહિક જીવન જુલમ અને શોષણથી ભરેલું છે અને શાંતિ અને સલામતીથી ખાલી છે. આથી જ માનવીએ આ પ્રશ્નોના ઉત્તર મેળવીને પોતાના અસ્તિત્વ અને વિકાસનો માર્ગ શોધવો જરૂરી છે.

કુર્આન એ બધા મૂળભૂત સવાલોના જવાબ આપે છે જે માનવ મનમાં ઉદ્‌ભવે છે. કુર્આનના મતે આ દુનિયા અને માનવ એક સર્જનહાર દ્વારા બનાવવામાં આવ્યા છે. સર્જનહારે આ દુનિયા એક ખાસ યોજના અનુસાર બનાવી છે જેમાં માનવોને પેદા કરવા અને તેમને એક પરીક્ષણમાં મૂકવાનો સમાવેશ થાય છે. આ પરીક્ષણ એ છે કે કોણ આ દુનિયામાં રહીને પોતાની મરજી અને સ્વતંત્રતા હોવા છતાં સર્જકનું આજ્ઞા પાલન કરે છે. કુર્આન જણાવે છે કે માનવ એક નૈતિક જીવ છે અને તેમાં નૈતિક અનુભૂતિ હોય છે. સર્જકે માનવને જે મરજી અને સ્વતંત્રતા આપી છે તેને નૈતિકતા જેવા સુંદર ગુણોથી સુશોભિત કરવી અનિવાર્ય છે. નહીં તો માનવ પ્રાણીઓ કરતાં પણ નીચો થઈ જાય છે. કુર્આન જણાવે છે કે દુનિયાના બધા માનવો એક જ પુરુષ અને એક જ સ્ત્રીમાંથી ઉત્પન્ન થયા છે. આ વિચાર જ માનવોમાં સમાનતા અને ભાઈચારો જાળવી રાખી શકે છે. કુર્આન જણાવે છે કે માનવતા માટે સૌથી મોટી ચિંતા મૃત્યુની હોવી જોઈએ કારણ કે મૃત્યુ એ જીવનનો અંત નથી પરંતુ એક વિરામ છે જેના પછી એક અનંત જીવન છે અને એક નવી દુનિયા છે જેને કુર્આન કયામત, બદલાનો દિવસ અથવા આખિરત કહે છે. આ દિવસે સર્જકની અદાલત લાગશે અને દરેક માનવને પોતાના જીવન વિશે જવાબ આપવો પડશે અને સ્વર્ગ અને નર્કનો ર્નિણય કરવામાં આવશે. આ પવિત્ર કુર્આનના મૂળભૂત ઉપદેશો છે જે દરેક પ્રાચીન અને આધુનિક માનસિકતા માટે જરૂરી છે, તેનો અર્થસાર હંમેશ સ્થાપિત રહેશે, કારણ કે માણસને હંમેશાં આ માર્ગદર્શનની જરૂર પડશે. આ મૂળભૂત ઉપદેશો ઉપરાંત, કુર્આન માનવ જીવનના તમામ ક્ષેત્રો પર સૈદ્ધાંતિક અને વિગતવાર માર્ગદર્શન આપે છે. આ માર્ગદર્શન દરેક સમય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. માનવ સમસ્યાઓ તેના વિના ક્યારેય ઉકેલી શકાતી નથી, પછી ભલે તે સમસ્યા વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક સંસ્થાઓ સાથે સંબંધિત હોય, અથવા રાજકારણ અને અર્થતંત્ર સાથે હોય. દુર્ભાગ્યે, આધુનિક યુગનો માણસ કુર્આનથી દૂર છે તેનું એક કારણ એ છે કે કુર્આનનો સંદેશ તે લોકો સુધી પહોંચાડવામાં આવ્યો નથી. બીજું કારણ એ છે કે કુર્આન વિશે ખોટી માન્યતાઓ અને ગેરસમજો ફેલાવવામાં આવી છે, જેના કારણે લોકો શંકા અને ગેરસમજોના ભરડામાં ફસાઈને કુર્આન તરફ આકર્ષિત થતા નથી. પરંતુ હકીકત એ છે કે જ્યારે પણ વ્યક્તિ જાગૃતિ સાથે કુર્આન વાંચે છે અને પૂર્વગ્રહોથી મુક્ત હોય છે, ત્યારે તે તેનાથી પ્રભાવિત થયા વિના રહી શકતો નથી. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments