જ્યારે પણ દુનિયામાં અત્યાચાર થાય છે, ત્યારે માનવતા કણસી ઊઠે છે, પરંતુ આજે ગાઝાના આકાશમાં ધુમાડો, લોહી અને મૌન છવાયેલું છે. પેલેસ્ટાઇન, ખાસ કરીને ગાઝા પટ્ટી, જ્યાં 20 લાખથી વધુ અત્યાચારનો ભોગ બનેલા પેલેસ્ટાઇનના લોકો વસવાટ કરે છે, તે એક એવી જગ્યા બની ગઈ છે જ્યાં આશા, માનવતા અને વૈશ્વિક ન્યાયનો સીધો સંહાર થઈ રહ્યો છે. ઇઝરાયલના સતત સૈન્ય હુમલાઓ અને ર્નિદયી ઘેરાબંધીએ ગાઝાને સંપૂર્ણપણે તબાહ કરી દીધું છે.
હજારો નિર્દોષ નાગરિકો શહીદ થયા છે, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હોસ્પિટલો, શાળાઓ, ઘરો અને મૂળભૂત માળખાકીય સુવિધાઓને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહી છે. સૌથી દુ:ખદ પાસું એ છે કે ગાઝામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે – ન પાણી, ન ખોરાક, ન દવા અને ન ઈંધણ. આ બધું કુદરતી આફતોનું પરિણામ નથી, પરંતુ ઇઝરાયલ દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા પગલાં છે, જેથી ભૂખને યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય.
આટલા પીડાદાયક જુલમ અને અત્યાચારના સમયે, જ્યારે માનવતા કણસી રહી છે, ત્યારે દુનિયા મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. મોટી વૈશ્વિક શક્તિઓ કાં તો ઇઝરાયલને ખુલ્લો ટેકો આપી રહી છે અથવા શરમજનક મૌન ધારણ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સંસ્થાઓ જે માનવ અધિકારોના રક્ષણનો દાવો કરે છે, તેઓ પણ આ જુલમ પર શાંત છે. આ મૌન માત્ર ઇઝરાયલ જેવા આક્રમક દેશને વધુ ર્નિભય બનાવી રહ્યું છે એટલું જ નહીં, બલ્કે નરસંહારને દુનિયાની નજરમાં “સામાન્ય” બનાવી રહ્યું છે.
આપણે આપણી આંખોથી એ હૃદય કંપાવનારા દૃશ્યો જોયા છે જ્યારે ભૂખ્યા લોકો રાશન લેવા માટે ઊભા હતા અને ઇઝરાયલી સેનાએ તેમના પર ગોળીઓ વરસાવી દીધી, જેના પરિણામે સોથી વધુ લોકો, જેમાં નિર્દોષ બાળકો પણ સામેલ હતા, શહીદ થયા. ભૂખથી તડપતા બાળકોની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા અને સમાચારોમાં હૃદયને હચમચાવી દે છે. શું આ માનવીય દુનિયા છે? શું આપણી પાસે ખરેખર જીવંત અંતરાત્મા છે?
આ પરિસ્થિતિઓમાં ચૂપ રહેવું એક રીતે જુલમનો સાથ આપવા સમાન છે. આજે પેલેસ્ટાઇન દુનિયા માટે એક નૈતિક કસોટી બની ગયું છે. હવે સવાલ એ નથી કે તમે કયા ધર્મ, રાષ્ટ્ર કે વિચારધારા સાથે સંબંધ ધરાવો છો, પરંતુ એ છે કે તમે ક્યાં ઊભા છો – પીડિતની સાથે કે જાલિમની સાથે?
ઇતિહાસ આ વાતને ચોક્કસ યાદ રાખશે.
આ પૃષ્ઠભૂમિમાં આપણે સમજવું પડશે કે પેલેસ્ટાઇનનો મુદ્દો માત્ર એક રાષ્ટ્ર કે પ્રદેશનો નથી, બલ્કે સમગ્ર માનવતાની કસોટી છે. જ્યારે દુનિયાની મોટી શક્તિઓ જુલમીનો સાથ આપે અને વૈશ્વિક સંસ્થાઓ મૌન ધારણ કરે, ત્યારે સામાન્ય લોકોને જ માનવતાના રક્ષણ માટે મેદાનમાં આવવું પડે છે. હવે સમય આવી ગયો છે કે આપણે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે ઇઝરાયલના જુલમ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ અને પેલેસ્ટાઇનના પીડિત લોકોના હકમાં ઊભા રહીએ. આપણે સોશિયલ મીડિયા પર જાગૃતિ ફેલાવતી ઝુંબેશ ચલાવી શકીએ છીએ, જાહેર સભાઓ, પ્રદર્શનો અને રેલીઓનું આયોજન કરી શકીએ છીએ, આપણા વિસ્તારો, શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇનની પરિસ્થિતિ પર ચર્ચા, વીડિયો અને ડોક્યુમેન્ટરીઝનું પ્રદર્શન કરી શકીએ છીએ, દીવાલો પર જાગૃતિના પોસ્ટરો, બેનરો અને આર્ટ ગેલેરી લગાવી શકીએ છીએ, અને લેખિત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે લેખો, કવિતાઓ અને વીડિયો સંદેશાઓ દ્વારા લોકોના હૃદય સુધી આ સંદેશ પહોંચાડી શકીએ છીએ. દરેક વ્યક્તિ જે મૌન ભંગ કરીને પીડિતનો સાથ આપે, તે ઇતિહાસમાં પોતાનું નામ માનવતાના રક્ષકોમાં લખાવી શકે છે. હવે ર્નિણય આપણે કરવાનો છે કે આપણે માત્ર પ્રેક્ષક બનીને રહીશું, કે જુલમ વિરુદ્ધ ધ્વજ ઊંચો કરશું. •••