હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને અમ્ર ઇબ્ને આસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લ. એ ફરમાવ્યું, “તમારામાંથી કોઇ ત્યાં સુધી મોમિન ન હોઇ શકે જ્યાં સુધી તેના દિલની ઇચ્છાઓ તેની તા’બે ન થઇ જાય જે હું લઇને આવ્યો છું.” (તિબરાની)
આ હદીષ અર્થ અને ભાવાર્થની રીતે ઘણી હદીષોથી મળતી આવે છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે કે,
“નહીં, હે મુહમ્મદ! તમારા રબના સોગંદ! આ લોકો કદાપિ મોમિન (ઇમાનવાળા) થઇ શકશે નહીં જ્યાં સુધી પોતાના પરસ્પરના ઝઘડાઓમાં તેઓ તમને ફેંસલો કરવાવાળા ન માને, પછી તમે જે કંઇ ફેસલો કરો તેના માટે પોતાના હૃદયમાં સહેજ પણ સંકોચ ન અનુભવો, બલ્કે તેને સંપૂર્ણપણે માની લે.” (સૂરઃનિસા-૬૫)
“કોઇ મોમિન (ઇમાનવાળા) પુરૃષ અને કોઇ મોમિન (ઇમાનવાળી) સ્ત્રીને એ અધિકાર નથી પહોંચતો કે જ્યારે અલ્લાહ અને તેનો રસૂલ કોઇ મામલામાં ફેંસલો કરી દે તો પછી તેને પોતાના તે મામલામાં સ્વયં ફેંસલો કરવાનો અધિકાર પ્રાપ્ત રહે, અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલની અવજ્ઞા કરે તો તે સ્પષ્ટ પથભ્રષ્ટતામાં પડી ગયો.” (સૂરઃઅહઝાબ-૩૬)
“હે લોકો, જેઓ ઇમાન લાવ્યા છો! પોતાના પિતાઓ અને ભાઇઓને પણ પોતાના મિત્ર (સાથી) ન બનાવો જો તેઓ ઇમાન ઉપર કુફ્રને પ્રાથમિક્તા આપે. તમારા પૈકી જે લોકો તેમને મિત્ર બનાવશે, તેઓ જ જાલિમ હશે. હે નબી! કહી દો કે જો તમારા પિતાઓ અને તમારા પુત્રો અને તમારા ભાઇઓ અને તમારી પત્નીઓ, અને તમારા સગા સંબંધીઓ અને તમારા તે ધન દોલન જે તમે કમાવ્યા છે, અને તમારા તે વેપાર ધંધા જેના મંદ પડી જવાનો તમને ભય છે, અને તમારા તે ઘર જે તમને પસંદ છે, તમને અલ્લાહ અને તેના રસૂલ અને તેની રાહમાં જિહાર (સંઘર્ષ)થી વધુ પ્રિય છે તો રાહ જૂઓ જ્યાં સુધી અલ્લાહ પોતાનો નિર્ણય તમારા સામે લઇ આવે, અને અલ્લાહ અવજ્ઞાકારીઓનું માર્ગદર્શન નથી કરતો.”(સૂરઃતોબા ૨૩,૨૪)
આવી જ રીતે બુખારીની હદીષ છે, હઝરત અનસ રદિ.થી રિવાયત છે, “તમારામાં કોઇ વ્યક્તિ ત્યાં સુધી મોમિન ન હોઇ શકે જ્યાં સુધી કે હું તેને તેનાથી, તેના બાળકોથી અને બીજા તમામ લોકોથી વધારે મેહબૂબ થઇ જાઉં.” એમ ન ફરમાવ્યું કે રસૂલથી મુહબ્બત કરો પરંતુ એમ ફરમાવ્યું કે સૌથી વધારે મુહબ્બત રસૂલથી જ હોવી જોઇએ.
હઝરત રુએમ રદિ.થી મુહબ્બત વિશે પુછવામાં આવ્યું તો આપે ફરમાવ્યું, “મુહબ્બત નામ છે દરેક પરિસ્થિતિમાં મુઆફિકત (ગોઠવાવવું) કરવી.” દરેક ગુના આનાથી જ પેદા થાય છે કે નફ્સની મનેચ્છાઓને અલ્લાહ અને તેના રસૂલ સલ્લ. ઉપર તરજી (પ્રાધાન્યતા) આપવામાં આવે. હઝરત યહ્યા બિન મઆઝ રહે. કહે છે કે, “જે અલ્લાહથી પ્રેમનો દાવો કરે અને તેની હદોની પાબંદી ન કરે જે જુઠો છે.” આવી જ રીતે બિદઅતો પણ શરીઅત ઉપર નફસાની મનેચ્છાઓને પ્રધાન્ય આપવાથી પેદા થાય છે. આવી જ પરિસ્થિતિ લોકો સાથે પ્રેમની છે. આમ આ જરૂરી છે કે રસૂલ સલ્લ. જે લઇને આવ્યા છે તેને અનુસરવામાં આવે. તેથી મોમિન અલ્લાહથી મુહબ્બત કરે છે અને જેઓ અલ્લાહને મુહબ્બત કરે છે અલ્લાહ તે બધા સાથે મુહબ્બત કરે છે. રસુલુલ્લાહ સલ્લ.એ ફરમાવ્યું, “(આખિરતના દિવસે) વ્યક્તિ તેની સાથે જ હશે જેની સાથે તે મુહબ્બત કરે છે.”