Friday, March 29, 2024
Homeકેમ્પસ વોઇસકેળવણી અને કસોટી

કેળવણી અને કસોટી

અંગ્રેજોએ શરૃ કરેલી શિક્ષણપદ્ધતિ આપણે અપનાવી લીધી અને છેલ્લા દોઢસો-પોણા બસો વર્ષોથી આપણે એના ચીલે ચાલી રહ્યા છીએ. એમાં કંઇક નવું કરવાનું આપણે વિચારતા નથી કે નવું કરવાની કોઇ નેમ પણ લાગતી નથી. આપણી આજની શિક્ષણ પદ્ધતિમાં રહેલી કચાશ કે ખામીઓ વિશે ચર્ચા કરવાનો અહીં કોઇ આશય નથી. કહેવાનું એટલું જ છે કે એમાં સુધારો વધારો કરવાની આવશ્યક્તા છે. આજની શિક્ષણ પદ્ધતિને લીધે વિદ્યાર્થી જ્ઞાની બનવાને બદલે માત્રને માત્ર પરીક્ષાર્થી બનીને રહી ગયો છે. વિદ્યાર્થી આખા વર્ષમાં કરેલી ગોખણપટ્ટીને અંતે પરીક્ષામાં જવાબ તો સારા લખી આવે છે પણ જીવનની પરીક્ષામાં ગડથોલું ખાઇ જાય છે. ટેક્સ્ટબુકના પાઠની સાથે શિક્ષણ અને પ્રશિક્ષણ સમાંતર રીતે ચાલવું જોઇતુ હતું જેથી વિદ્યાર્થી વર્ષાન્તે પરીપક્વ થઇ બહાર આવે. પરંતુ આવું થતું નથી. માહિતીનો સંગ્રહ થતો રહે છે. પરીક્ષાઓ આવતી જતી રહે છે. રહી જાય છે તો બસ વિદ્યાની પ્રાપ્તિ! ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ’ એ કહેવત હવે જુની થઇ ગઇ છેે. કોઇ વિદ્યાર્થી એટલો સહનશીલ નથી રહ્યો કે માસ્તરની સોટી ખાઇને ચુપચાપ બેઠો રહે. અને માસ્તરોય હવે ‘મારતાંય નથી ને ભણાવતાંય નથી’ એમ કહીએ તો અતિશ્યોક્તિ નથી. આમાં માત્ર વિદ્યાર્થીઓનો જ વાંક ગણવો? ના, મા-બાપ સમાજ અને કેળવણીકારો પણ વિદ્યાર્થીઓ જેટલાં જ જવાબદાર છે. મા બાપોએ વિદ્યાર્થીના મનમાં આ વાત ઠસાવી દીધી છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા કરતાં ડીગ્રી વધારે મહત્વની છે. ડીગ્રી હશે તો સારી કમાણી, સારૃં સ્ટેટસ અને સારી છોકરી મળશે! કાકા કાલેલકરે કદાચ એટલે જ લખ્યું હશે કે “મા બાપો ઉપદેશ કરે છે એક જાતનો કેળવણી આપે છે બીજી જાતની અને બાળકો પાસે અપેક્ષા રાખે છે. ત્રીજા જ પ્રકારની જીવવાની આવી આવી સ્થિતિમાં ઉઘાડી આંખવાળો વિદ્યાર્થી કરે શું?”

આવામાં વિદ્યાર્થી બિચારો ગોખણપટ્ટી ન કરે તો બીજું શું કરે? ઓછા પગારવાળા શિક્ષકો અને ફિક્સ પગારવાળા વિદ્યા સહાયકો યોગ્ય રીતે ન ભણાવી શકે તો વાંક કોનો? આવા શિક્ષકોને શાળા કરતાં તો વધુ પૈસા ખાનગી ટ્યુશન થકી મળી રહે છે. એટલે વિદ્યાર્થી બિચારો લેવા જાય છે વિદ્યા પરંતુ એને શાળામાં પણ આં વિદ્યા મળતી નથી. એકલો એકલો ગંભીરતાથી કેટલું ભણી શકે? અને ઉપરથી આ ફેસબુક, વોટ્સએપ અને ગીત-સંગીતની માયા! એમાં જ એનો મોટા ભાગનો સમય ખવાઇ જાય છે. આને ટેકનોલોજીનું વરદાન ગણવું કે શ્રાપ? સવાલનો જવાબ મા બાપોએ, શિક્ષકોએ અને શિક્ષણશાસ્ત્રીઓએ વિચારવા જેવો છે. અને એમણે આત્મ પ્રશિક્ષણ કરવું જોઇએ કે ભણવું-ભણાવવું એટલે શું? યોગ્ય જવાબ શ્રીમનુભાઇ પંચોળી ‘દર્શક’ની કલમે મળે છે. “ભણાવવું એટલે શું? ભણાવવું એટલે જ્ઞાન આપવું અને સાથે મરદાનગી આપવી. આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શીખવવાનું છે. આપણા શિક્ષણમાંથી, સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઇએ કે જેથી સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને અન્યાય નિવારણ માટે લડે. શિક્ષણનું ખરૃં કામ આ છે.”

વાત થોડી લાંબી થઇ ગઇ. પરંતુ એ આવશ્યક હતી. મૂળ વાત એ છે કે સારા માણસ બનવું હોય તો ‘સાચું’ શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે. આપણી શિક્ષણપ્રથા કે નીતિઓ સામે ગમે તેટલો વિરોધ હોય પરંતુ હકીકત તો એ જ છે કે પરીક્ષાઓ આવતી રહેશે. એમાં કોણ કેટલા ગુણ મેળવે છે એ હોશિયારી ઉપરાંત શીખવાની કેટલીક પદ્ધતિઓ ઉપર પણ આધાર રાખે છે.
અત્યાર સુધી એવું મનાતું હતું કે માણસ ઇશ્વરે આપેલા શ્રેષ્ઠ અંગ અર્થાત્ મગજનો ઉપયોગ ઓછો કરે છે. પરંતુ અત્યારના કેટલાક મનોવિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોના કરેલા પ્રયોગોથી એ તથ્ય સામે આવ્યું છે કે માનવની બુદ્ધિ અને હોશિયારી વધારેને વધારે વિકસિત થઇ રહી છે. એની સાબિતી એ જ છે કે માનવજાતે છેલ્લા ૧૮૫૦ વર્ષોમાં કરી છે અને એમાં પણ છેલ્લા ત્રણેક દાયકાની શોધોએ. માનવજાતનું જીવન જ બદલી નાખ્યું છે. પ્રગતિનો આ સિલસિલો હજી ચાલુ જ છે. મનોવૈજ્ઞાનિકોએ પણ સ્વીકારે છે કે વ્યક્તિ યોગ્ય પદ્ધતિઓ અને કૌશલ્યથી શીખવાની ક્ષમતા વધારી શકે છે. વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી આવી કેટલી બાબતોની અહીં ચર્ચા કરી છે.

(૧) આખું ચિત્ર પહેલા જુઓ :

અહીં ચલચિત્ર (ફિલ્મ) જોવાની વાત નથી. જ્યારે કોઇપણ પુસ્તક વાંચતા હોવ ત્યારે તરત જ એમાં ડૂબી ન જાવ. આખા પ્રકરણ અને આખું પુસ્તક ઉપલક દૃષ્ટિએ જોઇ જાવ અને એ જાણવાનો પ્રયત્ન કરો કે શેના વિશે છે. એના શીર્ષક, પ્રકરણોના શીર્ષક, ફોટા અને સાર સમજવાનો પ્રયત્ન કરો. રીપોર્ટ કે લેખ વાંચતા હોવ તો દરેક ફકરાનું પ્રથમ વાક્ય જરૃર વાંચો. પુસ્તક હોય તો એની અનુક્રમણિકા જરૃર જુઓ. આ બધી જ બાબતો જ્યારે તમે વાંચશો ત્યારે શીખવામાં સરળતા રહેશે.

(૨) શાંતિથી વાંચો :

કેટલાક લોકો કહે છે કે ઝડપથી વાંચવું જોઇએ જેથી એકાગ્રતા વધે અને સમય પણ બચે. આનાથી કદાચ આ બે લાભ થતા હશે પરંતુ મુખ્ય લાભ થતો નથી. તમારૃ વાંચેલું તમારા દિમાગમાં વ્યવસ્થિત રીતે સંગ્રહ થતું નથી. માટે સારી રીતે યાદ રાખવું હોય તો અને સમજવું હોય તો શાંતિથી દરેક અક્ષરને યોગ્ય ઉચ્ચાર સાથે વાંચવું, સમજવું જોઇએ.

(૩) યાદશક્તિ વધારે એવી ટેકનીકનો ઉપયોગ કરો :

મોટાભાગના વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે વાંચેલું યાદ રહેતું નથી. શું કરીએ? આવા વિદ્યાર્થીઓ રસપૂર્વક એકાગ્રતાથી વાંચન કરે એ અગત્યનું છે. વૈજ્ઞાનિક તારણ એમ કહે છે કે જે બાબતમાં આપણને રસ નથી હો તો એને આપણે જલ્દી ભૂલી જઇએ છીએ. એનો અર્થ એવો થયો કે રસપૂર્વક, એકાગ્રતાથી વાંચન કરવામાં આવે તો વધારે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ. યાદશક્તિ વધારે એવી ટેકનીક શીખવાને અંગ્રેજીમાં ‘નિમોનીક’ કહેવામાં આવે છે. કોર્નેગી મેલન વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાનના અધ્યાપક વીલીયમ ચેગ્જે એકવાર કહ્યું હતું કે, જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં સ્મરણશક્તિ બે પ્રકારની હોય છે. ટૂંકાગાળાની અને લાંબાગાળાની. ટુંકાગાળાની યાદશક્તિ થોડી સકંડો કે થોડી મીનીટો માટે હોય છે જ્યારે લાંબાગાળાની યાદશક્તિ જીવનપર્યંત રહી શકે છે.

ફ્રાન્સિસ બેલિગ્ન નામની લેખિકાએ કહ્યું હતું કે, સારી યાદશક્તિ વિકસાવવાનું રહસ્ય આ વાતમાં છે કે ટુંકાગાળાની યાદશક્તિને કેવી રીતે લાંબાગાળાની યાદશક્તિમાં ફેરવી શકાય અને જ્યારે જરૃર પડે ત્યારે આવશ્યક માહિતી મેળવી શકાય.
‘નિમોનિક’ દ્વારા ટુંકાગાળાની યાદશક્તિને લાંબાગાળાની યાદશક્તિમાં ફેરવવા માટેની ટેકનીક શીખવાડવામાં આવે છે. આપણે એ યાદ રાખવું જોઇએ કે મગજ અને યાદશક્તિ સ્નાયુ જેવા છે. જેટલું વધારે ઉપયોગ કરવામાં આવે એટલું વધારે મજબૂત બને.

(૪) માહિતી/ જ્ઞાનને વર્ગીકૃત કરી ગોઠવણ કરો :

કોઇપણ માહિતીને સળંગ યાદ રાખવી મુશ્કેલ હોય છે પરંતુ જો એને વર્ગીકૃત કરી સબટાઇટલ આપી યાદ રાખવામાં આવે તો ઝડપથી અને લાંબાગાળા માટે યાદ રહે છે.

(૫) એકાગ્રતા વધારો :

એકાગ્રતાપૂર્વક, એક ધ્યાન થઇ અભ્યાસ કરવામાં આવે તો ઓછા સમયમાં સારૃ યાદ રહે છે. યુવાનીના આ ગાળામાં મન ચંચળ હરણ જેવું હોય છે. ભટકી જાય છે. પરંતુ જ્યારે વાચન કરતા હોવ ત્યારે દૃષ્ટિ સમક્ષ એ ધ્યેય રાખવું જોઇએ કે આ ભણવાથી વાંચવાથી મને શું લાભ મળશે અને કેટલા ઓછા સમયમાં કેટલું વધારે યાદ કરી શકીશ. એકાગ્રતા ભંગ થાય તો ફરીથી મનને અભ્યાસમાં પરોવવું જોઇએ. આ એક મુશ્કેલ કામ છે પણ અશક્ય નથી. અભ્યાસ કરતી વખતે એનો સમય અને સ્થળ પણ નક્કી કરી લેવા જોઇએ. મોબાઇલ ફોન કે ટેબ્લેટ બંધ કરી દેવા જોઇએ. ખલેલ પહોંચાડે એવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.

(૬) શીખવાની વિવિધ પદ્ધતિઓ અપનાવવી જોઇએ :

ડાયાગ્રામ દોરવાં, નોટ્સ લખવી, રૃપરેખા બનાવવાની આદત પાડવાથી ઝડપથી અભ્યાસ કરી શકાય છે. સહજ રીતે અભ્યાસની પદ્ધતિ વિકસાવવી જોઇએ.

– ક્રિએટીવ કે સર્જનાત્મક બનો.
– તમારી પ્રગતિ ઉપર દેખરેખ રાખો.
– હંમેશા વ્યસ્ત હોવાનો અર્થ એ નથી કે હંમેશા પ્રોડક્ટીવ કે ઉત્પાદક હોવું.
બોર્ડની પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments