ભારત હાલમાં શૈક્ષણિક પરિવર્તનના એક મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) એ દેશની શૈક્ષણિક પ્રણાલીને એક નવો વળાંક આપવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં માત્ર અભ્યાસક્રમ પર જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ, વ્યવહારુ કૌશલ્યો, સર્જનાત્મકતા અને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે શું આપણી શાળાઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ આ પરિવર્તન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે?
શિક્ષણશાસ્ત્રીઓનું માનવું છે કે કોઈ પણ શૈક્ષણિક ક્રાંતિની સફળતા માત્ર નીતિઓ બનાવવાથી શક્ય નથી બનતી, પરંતુ વાસ્તવિક પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે શિક્ષક તાલીમબદ્ધ હોય, શાળાનું નેતૃત્વ જાગૃત હોય અને શૈક્ષણિક સંસ્થાઓ વ્યવહારિક સ્તરે પરિવર્તન લાવવા સક્ષમ બને. આ જ પૃષ્ઠભૂમિમાં “હોલિસ્ટિક એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા શરૂ કરાયેલ “સ્કૂલ અપસ્કિલિંગ પ્રોગ્રામ – બેચ ૩” અસાધારણ મહત્ત્વ ધરાવે છે.
આ પ્રોગ્રામ માત્ર એક ટ્રેનિંગ કોર્સ નથી, બલ્કે ભારતીય શાળાઓના શૈક્ષણિક ધોરણો, શિક્ષણ પદ્ધતિ, શાળાકીય નેતૃત્વ અને વ્યવહારુ તાલીમમાં સુધારો લાવવાનો એક ગંભીર અને વ્યવસ્થિત પ્રયાસ છે. ખાસ વાત આ છે કે આ પ્રોગ્રામ NEP 2020ની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે, જેથી શાળાઓ અને શિક્ષકો બદલાતા શૈક્ષણિક ચિત્ર સાથે કદમ મિલાવી શકે.
શિક્ષણની બદલાતી વિભાવના
એક સમય હતો જ્યારે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો અને પરીક્ષાના ગુણ પૂરતું મર્યાદિત માનવામાં આવતું હતું, પરંતુ હવે સમગ્ર વિશ્વમાં શિક્ષણ પ્રણાલી બદલાઈ રહી છે. આજે શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી, બલ્કે વિદ્યાર્થીઓમાં વિચારવાની, સમજવાની, પ્રશ્નો પૂછવાની, સમસ્યાઓ ઉકેલવાની અને વ્યવહારિક જીવનમાં સફળ થવાની ક્ષમતા કેળવવાનો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ પણ આ જ વિચારસરણીને પ્રોત્સાહન આપ્યું છે. આ જ કારણ છે કે હવે કોમ્પિટન્સી બેઝ્ડ ર્લનિંગ (Competency Based Learning), એક્સપિરિયન્શિયલ લર્નિંગ (Experiential Learning), સ્કિલ-બેઝ્ડ એજ્યુકેશન (Skill-Based Education) અને સ્ટૂડન્ટ્-સેન્ટર્ડ ટીચિંગ (Student-Centered Teaching) જેવા વિચારો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા આ છે કે ભારતીય શાળાઓ હજુ પણ પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકી નથી.
શિક્ષકોનો મોટો વર્ગ હજુ પણ નવી શૈક્ષણિક સંજ્ઞાઓ અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓથી સંપૂર્ણ પરિચિત નથી. ઘણી શાળાઓમાં આજે પણ એ જ જૂની પરીક્ષા-કેન્દ્રીત પદ્ધતિ ચાલી રહી છે, જેમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા દબાઈ જાય છે. આ જ ખાલીપો પૂરવાનો પ્રયાસ “સ્કૂલ અપસ્કિલિંગ પ્રોગ્રામ” કરી રહ્યો છે.
માત્ર વ્યાખ્યાન નહીં, વ્યવહારુ તાલીમ
ભારતમાં શિક્ષક તાલીમી કાર્યક્રમો (Teacher Training Programs) પર અવારનવાર એવો આક્ષેપ થતો રહ્યો છે કે તેઓ માત્ર ઔપચારિકતા બનીને રહી જાય છે. શિક્ષકો સેમિનારમાં ભાગ લે છે, પ્રમાણપત્ર મેળવે છે અને ફરી પાછા પોતાની જૂની પદ્ધતિ પર આવી જાય છે.
પરંતુ “સ્કૂલ અપસ્કિલિંગ પ્રોગ્રામ”ની સૌથી મોટી ખાસિયત આ છે કે તે સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટેશન બેઝ્ડ ટ્રેનિંગ (Implementation Based Training) પર આધારિત છે. એટલે કે શિક્ષકોને માત્ર સૈદ્ધાંતિક માહિતી જ આપવામાં નહીં આવે, બલ્કે વર્ગખંડમાં વાસ્તવિક પરિવર્તન કેવી રીતે લાવવું તે પણ શીખવવામાં આવશે.
પ્રોગ્રામ અંતર્ગત શિક્ષકોને આ બાબતો દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે:
- 1. વ્યવહારુ અસાઇનમેન્ટ્સ (Practical Assignments)
- 2. વર્ગખંડ તાલીમ (Classroom Practice)
- 3. સતત માર્ગદર્શન (Mentorship)
- 4. માસિક સમીક્ષા બેઠકો
- 5. મૂલ્યાંકન પદ્ધતિ (Evaluation System)
આ વ્યવસ્થિત પ્રક્રિયાને કારણે તાલીમની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર જોવા મળશે. આથી જ આ પ્રોગ્રામને માત્ર એક કોર્સ નહીં પરંતુ “શૈક્ષણિક પરિવર્તનની ચળવળ” તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.
NEP 2020 અને શિક્ષકોની નવી જવાબદારીઓ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ પ્રથમ વખત શિક્ષકોના વ્યવસાયિક વિકાસ (Professional Development)ને શૈક્ષણિક સુધારાના કેન્દ્રમાં રાખ્યો છે. હવે સરકાર અને વિવિધ શૈક્ષણિક બોર્ડ દ્વારા શિક્ષકો, આચાર્યો અને શાળાના સંચાલકો માટે ર્વાષિક ઓછામાં ઓછી ૫૦ કલાકની તાલીમ ફરજિયાત બનાવવામાં આવી રહી છે.
આ ફેરફાર સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી સમયમાં માત્ર પદવી કે અનુભવ પૂરતો નહીં હોય, બલ્કે સતત તાલીમ, આધુનિક શિક્ષણ કૌશલ્ય અને શૈક્ષણિક નેતૃત્વ જ કોઈ પણ શાળાની સફળતાનું માપદંડ બનશે.
આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને “સ્કૂલ અપસ્કિલિંગ પ્રોગ્રામ”માં નીચેના મહત્ત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે :
- પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (Foundational Literacy & Numeracy)
- ડિજિટલ શિક્ષણ કૌશલ્ય (Digital Teaching Skills)
- વર્ગખંડ વ્યવસ્થાપન (Classroom Management)
- વિદ્યાર્થીઓની સક્રિયતા (Student Engagement)
- નેતૃત્વ વિકાસ (Leadership Development)
- મૂલ્યાંકન પદ્ધતિઓ (Assessment Methods)
- ક્ષમતા-આધારિત શિક્ષણ (Competency-Based Education)
૭૦ થી વધુ શાળાઓ સુધી પહોંચ
હોલિસ્ટિક એજ્યુકેશન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ પ્રોગ્રામની પ્રથમ બે બેચ દ્વારા દેશભરની ૭૦ થી વધુ શાળાઓ લાભાન્વિત થઈ ચૂકી છે. વિવિધ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધા બાદ શિક્ષણના સ્તરમાં, વિદ્યાર્થીઓના રસમાં અને શાળાના સંચાલનમાં સકારાત્મક ફેરફાર અનુભવ્યો છે.
શિક્ષણશાસ્ત્રીઓના મતે ભારત જેવા વિશાળ દેશમાં માત્ર સરકારી નીતિઓથી શિક્ષણનું સ્તર સુધારી શકાતું નથી, પરંતુ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ આગળ વધીને વ્યવહારિક ભૂમિકા ભજવવી પડશે. આ જ કારણ છે કે આવા કાર્યક્રમો ભવિષ્યની શૈક્ષણિક જરૂરિયાત બની ગયા છે.
શાળાના સર્વાંગી વિકાસની વિભાવના
આ પ્રોગ્રામની એક મહત્ત્વની વિશેષતા આ પણ છે કે આ માત્ર શિક્ષકોની તાલીમ પૂરતો મર્યાદિત નથી, બલ્કે સમગ્ર શાળા વ્યવસ્થાને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આજે એક સફળ શાળા માત્ર સારા શિક્ષકોથી નથી બનતી, બલ્કે તેમાં નીચેની બાબતો પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે:
- મજબૂત નેતૃત્વ
- અસરકારક વહીવટ
- સકારાત્મક શાળા સંસ્કૃતિ (School Culture)
- વાલીઓ સાથે બહેતર સંવાદ
- વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી
- શૈક્ષણિક આયોજન (Academic Planning)
તેથી જ આ પ્રોગ્રામમાં સ્કૂલ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (School Leadership & Management Development)ને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ઓનલાઇન તાલીમ: અંતરિયાળ વિસ્તારો માટે આશાનું કિરણ
આ પ્રોગ્રામનો સમયગાળો ૬ મહિનાનો રાખવામાં આવ્યો છે અને તેનું આયોજન ઓનલાઇન મોડ (Online Mode)માં કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા ખાસ કરીને એવી શાળાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જે અંતરિયાળ કે ઓછાં સંસાધનો ધરાવતા વિસ્તારોમાં આવેલી છે.
કોરોના પછી ભારતમાં ઓનલાઇન શિક્ષણ અને તાલીમની પ્રવૃત્તિઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. હવે જાે આ ટેકનોલોજીનો વ્યવસ્થિત અને ગંભીર રીતે ઉપયોગ કરવામાં આવે તો તે શૈક્ષણિક ક્રાંતિનો પાયો બની શકે છે.
જમાઅતે ઇસ્લામી હિંદ સાથે જોડાયેલી શાળાઓ માટે વિશેષ મહત્વ
મધ્યસ્થ શૈક્ષણિક બોર્ડ, જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન એ વાતનું પ્રતીક છે કે જમાઅત સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પણ બદલાતા આધુનિક પ્રવાહોને ગંભીરતાથી અનુભવી રહી છે.
આજે વાલીઓ માત્ર નૈતિક અને ધામિર્ક વાતાવરણ જ નહીં, બલ્કે ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શિક્ષણ શૈલી, બહેતર અંગ્રેજી, ડિજિટલ કૌશલ્ય અને અસરકારક નેતૃત્વ પણ ઇચ્છે છે. જાે આપણી શાળાઓ આધુનિક શૈક્ષણિક ધોરણો મુજબ પોતાની જાતને અપગ્રેડ નહીં કરે તો ભવિષ્યમાં મુશ્કેલીઓ વધી શકે છે.
તેથી જ “સ્કૂલ અપસ્કિલિંગ પ્રોગ્રામ” જમાઅત સાથે જોડાયેલી શાળાઓ માટે એક મહત્ત્વપૂર્ણ તક બનીને સામે આવ્યો છે, જ્યાં નૈતિક મૂલ્યોની સાથે આધુનિક શૈક્ષણિક કૌશલ્યોને સાંકળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ: સમયની સૌથી મોટી જરૂરિયાત
ભારતને આજે માત્ર નવી શાળાઓની જ નહીં, બલ્કે ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂર છે. નવી પેઢીને માત્ર પરીક્ષાઓ પાસ કરનારા વિદ્યાર્થીઓ નહીં, બલ્કે સભાન, પ્રતિભાશાળી, આત્મવિશ્વાસુ અને ચારિત્ર્યવાન નાગરિકો બનાવવા એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
આ લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે:
- શિક્ષકો તાલીમબદ્ધ હોય.
- શાળાઓ આધુનિક જરૂરિયાતોને અનુરૂપ હોય.
- શૈક્ષણિક નેતૃત્વ સક્રિય હોય.
- અને સંસ્થાઓ સતત સુધારણાની પ્રક્રિયામાંથી પસાર થાય.
“સ્કૂલ અપસ્કિલિંગ પ્રોગ્રામ – બેચ ૩” આ દિશામાં એક પ્રશંસનીય અને આશાસ્પદ પ્રયાસ છે. જો આ પ્રકારના કાર્યક્રમોને ગંભીરતા અને સાતત્ય સાથે પ્રોત્સાહન આપવામાં આવે, તો ભારતના શૈક્ષણિક ચિત્રમાં વાસ્તવિક અને સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો પાયો છે, અને મજબૂત રાષ્ટ્રો હંમેશાં મજબૂત શૈક્ષણિક પ્રણાલીમાંથી જ જન્મ લે છે. કદાચ આ જ આ પ્રોગ્રામનો અસલી સંદેશ છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો: મો. ૮૦૮૫૬૯૯૭૬૬

