ઈશ્વરના અંતિમ સંદેશવાહક હઝરત મુહમ્મદ ﷺના જીવનનું સૌથી સચોટ શીર્ષક ‘મુહબ્બત‘ છે. આપનું આખું જીવન માનવ પ્રેમ માટે સમર્પિત જાેવા મળે છે અને જે કોઈ આપની નજીક જાય છે, તે આપ ﷺની સાથે અપાર મુહબ્બત કરવા લાગે છે.
ઈશ્વર પ્રત્યેના ઊંડા પ્રેમનું પરિણામ તેમના બંદા પ્રત્યે અત્યંત મુહબ્બતની લાગણીમાં પરિણમે છે અને ઈશ્વરના બંદાઓ પ્રત્યેની અપાર મુહબ્બતનું સ્વાભાવિક પરિણામ બંદાઓ તરફથી મળતી મુહબ્બત છે. દુનિયાને આશ્ચર્ય થાય છે કે છેવટે મુસલમાનો પયગંબર મુહમ્મદ ﷺ સાથે આટલી મુહબ્બત કેમ કરે છે? એક સામાન્ય શિક્ષિત બિન-મુસ્લિમ એ સમજી શકતો નથી કે અરબમાં જન્મેલા મુહમ્મદ ﷺ સાથે વિશ્વભરના મુસલમાનોની આટલી મુહબ્બતનું રહસ્ય શું છે? મુસલમાનો વિશ્વ સમુદાયને એ જણાવવામાં નિષ્ફળ રહ્યા છે કે તેઓ હઝરત મુહમ્મદ ﷺ સાથે કેમ અને કેટલી મુહબ્બત કરે છે… આ ‘કેમ’ નો જવાબ ફક્ત એટલો જ નથી કે મુહમ્મદ ﷺ સાથેની મુહબ્બત આપણા ઈમાનનો ભાગ છે, પરંતુ એ જણાવવું જરૂરી છે કે હઝરત મુહમ્મદ ﷺ લોકો સાથે કેવા પ્રકારની મુહબ્બત કરતા હતા? તેમનો માનવતા પર શું ઉપકાર છે?
કરોડો લોકોના દિલમાં હઝરત મુહમ્મદ ﷺ માટેની મુહબ્બત અને આપના માટે સર્વસ્વ કુર્બાન કરી દેવાની ભાવના પયગંબર માટે ઈશ્વરનું વરદાન અને ઈનામ છે. હઝરત મુહમ્મદ ﷺનું વ્યક્તિત્વ જ એવું છે કે ખુદા પણ આપની સાથે મુહબ્બત કરે છે, તેમના પર સલામ મોકલે છે અને સલામ મોકલવા માટે આગ્રહ રાખે છે. હઝરત મુહમ્મદ ﷺ સાથેની આપણી મુહબ્બતનું સૌથી મોટું રહસ્ય એ છે કે આપે વિભાજનની અસંખ્ય રેખાઓમાં વિભાજિત અને ફાટફૂટ ધરાવતી માનવતાને જીવનની સુંદરતા અને રહસ્ય સમજાવ્યું. એકેશ્વરવાદની કલ્પનાને આ દાર્શનિક સુંદરતા સાથે રજૂ કરી અને આપના અનુયાયીઓએ તેને એવી રીતે અપનાવી કે તમામ ભૌગોલિક અને વંશ-જાતીની દીવાલો તોડીને દરેક ખૂણેથી લોકો સમૂહ-દર-સમૂહ ઈશ્વરની શીતળ છાયામાં ઠંડક અને આરામની લાગણી અનુભવવા લાગ્યા.
“લોકો! તમારો રબ એક છે અને તમારો પિતા (એટલે કે આદમ અ.સ.) પણ એક છે. નિશ્ચિતપણે કોઈ આરબ કોઈ બિન-આરબ કરતાં મોટો નથી અને કોઈ બિન-આરબ કોઈ આરબ કરતાં મોટો નથી અને કોઈ ગોરો કોઈ કાળા કરતાં શ્રેષ્ઠ નથી અને કોઈ કાળો કોઈ ગોરા કરતાં શ્રેષ્ઠ નથી; સિવાય કે તકવા (એટલે કે અલ્લાહથી ડરનાર જ અલ્લાહની નજરમાં દરજ્જામાં મોટો અને શ્રેષ્ઠ છે).” આ અવાજ આપે એવા જાેરશોરથી બુલંદ અવાજે ઉઠાવ્યો કે લડાયક અને લોહીના તરસ્યા લોકો મુહબ્બત અને રહેમત (દયાળુતા)ના પ્રતીક બની ગયા. અંતિમ ઈશ્વરીય સંદેશ-કુઆર્નમાં આપને “રહમતુલલિલ આલમીન” એટલે કે સમગ્ર દુનિયા માટે રહેમત કહેવામાં આવ્યા છે. આપ ﷺએ પોતાના વાણી અને વર્તન (સુન્નત)થી દુનિયા સમક્ષ ‘રહેમત મોડેલ‘ રજૂ કર્યું. આપે સમાજ, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિના તમામ ક્ષેત્રો માટે રહેમત મોડેલ રજૂ કર્યું.
એક કબીલાનો ઊંટ બીજા કબીલાના ગૌચરમાં ભૂલથી ચાલ્યો જવાની ઘટનાથી ઉશ્કેરાઈને જે આરબો વર્ષો સુધી ભયાનક રીતે પરસ્પર લડતા રહેતા હતા, તે ઉગ્ર અને લડાયક કોમને અલ્લાહના પયગંબરે આત્મ-સંયમ અને અનુશાસનનું એવું શિક્ષણ આપ્યું, એવો સૌંદર્યબોધ જગાડ્યો કે યુદ્ધના મેદાનમાં પણ તેઓ ઈશ્વરની સામે નતમસ્તક થવાનું ભૂલતા ન’હોતા.
સલામ આપના ઉપર, જેમણે જીવનનું રહસ્ય સમજાવ્યું
માનવ સમાનતા અને ગરિમા (human dignity) માટે હઝરત મુહમ્મદ ﷺનો જીવનપર્યંત પ્રયાસ, માનવતા પ્રત્યેની આપની મુહબ્બતનો તે પુરાવો છે કે જેનો ઉપકાર ક્યારેય ચૂકવી શકાય તેમ નથી.
આરબ જગતમાં સદીઓ જૂની ગુલામી પ્રથાનો અંત અને દબાયેલી-કચડાયેલી કોમ્યુનિટીઝને માનવ પ્રતિષ્ઠા અને સમાનતાના સ્થાન પર પુન:સ્થાપિત કરવી, માનવ ઇતિહાસની અસાધારણ ઘટના છે. આ એક કડવી હકીકત છે કે જે સમયે પયગંબર સાહેબ દુનિયામાં આવ્યા હતા તે સમયે ગુલામીનું ચલણ હતું. શક્તિશાળી તાકતો કે સમૂહો જેમના પર આક્રમણ કરવા ઇચ્છે, તેના પર આક્રમણ કરતા હતા,તેમને લૂંટી લેતા હતા અને તેમને ગુલામ બનાવતા હતા. રોમ, યૂનાન અને ઈરાન વગેરે સામ્રાજ્યોમાં લાખો ગુલામો દુ:ખ અને પીડાનું જીવન ભોગવી રહ્યા હતા, કોઈને તેમની પરવા ન’હોતી. આરબ દેશોમાં પણ ગુલામોની હાલત પશુઓ કરતાં વધુ સારી ન’હોતી. આરબ લોકો, દાસો સાથે મોટી અવમાનના અને અપમાનનો વ્યવહાર કરતા હતા. વાસ્તવમાં આરબમાં દાસોનું કોઈ સ્થાન ન’હોતું. તેમની પાસે કોઈ નાગરિક અધિકાર ન’હોતો. જાે માલિક તેમને મારી નાખે તો કોઈ તેમને પૂછતું ન’હોતું. કારણ કે તેમને પોતાના સ્વામીની સંપત્તિ માનવામાં આવતા હતા. તે સમયે એવો કોઈ કાયદો નહોતો જે તેમનું રક્ષણ કરી શકે. માનવતાના હિતેચ્છુ પયગંબર હઝરત મુહમ્મદ ﷺ માનવતાને જે બેડીઓમાંથી બચાવી, તેમાં ગુલામીની બેડી સર્વોપરી છે. તેમણે ગુલામીના અંતની ઘોષણા કરી. જે સમાજમાં ગુલામો સાથે પશુઓ કરતાં પણ વધુ ખરાબ વ્યવહાર થતો હતો, તમે ગુલામોને સ્વામીની સામે લાવીને ઊભા કરી દીધા.
પયગંબર મુહમ્મદ ﷺના મિશનનો એક મહત્ત્વપૂર્ણ પહેલુ સામાજિક અને આર્થિક ન્યાય સ્થાપિત કરવાનો હતો. તેમણે ઝકાત (અનિવાર્ય દાન) અને સદ્કા (સ્વૈચ્છિક દાન) જેવી વ્યવસ્થાઓ સ્થાપિત કરી, જેનાથી ધનિક અને ગરીબ વચ્ચેની આર્થિક અસમાનતાને ઓછી કરી શકાય અને સામાજિક-આર્થિક કલ્યાણને પ્રોત્સાહન આપી શકાય. ઝકાત ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે, જે ધનિક વ્યક્તિઓને પોતાની સંપત્તિનો એક ભાગ ગરીબો અને જરૂરિયાતમંદો માટે દાન કરવાની અનિવાર્યતા પર ભાર મૂકે છે, જેથી સમાજમાં ધનનું યોગ્ય રીતે વિતરણ થઈ શકે. આ મોડેલ આજના મૂડીવાદી સિસ્ટમને પડકારે છે, જ્યાં ધન ફક્ત કેટલાક લોકો પાસે કેન્દ્રિત થાય છે. પયગંબર મુહમ્મદ ﷺના ધન વિતરણના સિદ્ધાંતને અપનાવીને સમાજમાં અસમાનતાને ઓછી કરી શકાય છે અને ગરીબી નાબૂદીની દિશામાં કદમ વધારી શકાય છે.
પયગંબર મુહમ્મદ ﷺએ વેપાર અને આર્થિક નીતિઓમાં ઈમાનદારી અને નિષ્પક્ષતા પર ભાર મૂક્યો. તેમણે વ્યાજ (રિબા)ને નિષિદ્ધ કરી દીધું અને વેપારમાં શોષણની નિંદા કરી. ગરીબો, અનાથો, વિધવાઓ અને નબળા વર્ગોની મદદ માટે બૈતુલમાલ (રાજ કોષ)ની સ્થાપના કરી. આ પ્રકારે આપે એક સમતાવાદી સમાજનું નિર્માણ કર્યું, જ્યાં સમાજના દરેક વ્યક્તિનું કલ્યાણ સુનિશ્ચિત કરી શકાય.
હઝરત મુહમ્મદ ﷺસાથે કરોડો ઈન્સાનની મુહબ્બતનું એક રહસ્ય આ પણ છે કે આપ માનવ સંસ્કાર અને અખલાક (ચારિત્ર્ય)ના શિખર પર બિરાજમાન જાેવા મળે છે. આપની સચ્ચાઈ, ઈમાનદારી, ચરિત્રની પવિત્રતા અને સ્વભાવની નરમાઈના તો તમારા કટ્ટર વિરોધીઓ પણ પ્રશંસક અને ઘાયલ હતા. હઝરત મુહમ્મદ ﷺના જીવનચરિત્રકાર પ્રોફેસર કે. એસ. રામાકૃષ્ણારાવના શબ્દોમાં :
“ઐતિહાસિક દસ્તાવેજાે સાક્ષી છે કે શું મિત્ર, શું દુશ્મન, હઝરત મુહમ્મદ ﷺના તમામ સમકાલીન લોકોએ જીવનના તમામ મામલાઓ અને તમામ ક્ષેત્રોમાં પયગંબરે ઇસ્લામના ઉત્કૃષ્ટ ગુણો, તમારી બેદાગ ઈમાનદારી, તમારા મહાન નૈતિક સદ્ગુણો તથા તમારી નિષ્કપટ નિશ્ચલતા અને દરેક શંકાથી મુક્ત તમારી વિશ્વસનીયતાને સ્વીકાર્યું છે. અહીં સુધી કે યહૂદી અને તે લોકો જેમને તમારા સંદેશ પર વિશ્વાસ ન’હોતો, તેઓ પણ તમને પોતાના ઝઘડાઓમાં પંચ કે મધ્યસ્થી બનાવતા હતા, કારણ કે તેમને તમારી નિરપેક્ષતા પર પૂરો ભરોસો હતો. તે લોકો પણ જે તમારા સંદેશ પર ઈમાન રાખતા ન’હોતા, એ કહેવા પર મજબૂર હતા ‘હે મુહમ્મદ ﷺ! અમે તમને જૂઠા નથી કહેતા, પરંતુ તેનો ઇનકાર કરીએ છીએ જેણે તમને કિતાબ આપી તથા જેણે તમને રસૂલ બનાવ્યા.” (Mohammad The prophet of Islam)