ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ ભાષાઓ, ધર્મો અને સંસ્કૃતિના લોકો રહે છે. આ વિવિધતા હોવા છતાં, તાજેતરનાં વર્ષોમાં એક દુ:ખદ વલણ જાેવા મળ્યું છે કે પડોશીઓ વચ્ચેની એ નિકટતા, સહાનુભૂતિ અને પ્રેમ જે ક્યારેક આપણી ગલીઓ અને મોહલ્લાઓની ઓળખ હતી, તે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. એટલું જ નહીં, એક તાજા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે શહેરી વસ્તીનો એક મોટો વર્ગ એકલતા (Loneliness)નો શિકાર છે. આ પરિસ્થિતિ માત્ર માનસિક તણાવ જ નથી વધારતી, પરંતુ સામાજિક વિઘટન, અવિશ્વાસ અને નફરતના બીજ પણ વાવે છે.
કોવિડ-૧૯ પછી સામાજિક જીવનના ઘણા નવા પાસાઓ સામે આવ્યા. ભારતના મોટાભાગના શહેરોમાં લોકોએ એકલતા અને મિત્રોની અછતનો સ્વીકાર કર્યો. એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં લગભગ ૪૩% શહેરી ભારતીયોએ કહ્યું કે તેઓ પોતાને એકલા અનુભવે છે. બીજી તરફ, એક તાજેતરના અહેવાલ My Gate Trust Circle મુજબ, મહામારી પછી લગભગ ૭૫-૮૧% નાગરિકોએ જણાવ્યું કે તેઓ હવે પોતાના પડોશીઓને તેમના ‘ટ્રસ્ટ સર્કલ‘નો ભાગ માને છે. આ વિરોધાભાસ – એક તરફ એકલતાની વધતી જતી લાગણી અને બીજી તરફ પડોશીઓ પર વધતો વિશ્વાસ – આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સામાજિક સુમેળ અને શાંતિ માટે પડોશીઓ સાથેના સારા સંબંધો કેટલા જરૂરી છે.
ઇસ્લામે ચૌદસો વર્ષ પહેલાં જ માણસને આ પાઠ આપ્યો હતો કે પડોશીના હકોનું ધ્યાન રાખવું એ ઈમાનનો અનિવાર્ય ભાગ છે. પવિત્ર કુર્આનમાં કહેવામાં આવ્યું છે, “અને સારો વ્યવહાર કરો પડોશી સંબંધીઓ સાથે, અજાણ્યા પડોશી સાથે, બાજુના સાથી અને મુસાફર સાથે.” (અલ-નિસા: ૩૬).
પયગંબર મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “અલ્લાહની સોગંધ! તે મોમિન નથી જેનો પડોશી તેની પીડાથી સુરક્ષિત ન હોય.” આ સ્પષ્ટ નિર્દેશ છે કે પડોશી સાથે સારો વ્યવહાર કર્યા વિના ઈમાન પૂર્ણ થઈ શકતું નથી. પડોશી સાથે સહયોગ અને ભલાઈ કરવી એ માત્ર એક સામાજિક ભલાઈ જ નહીં, પરંતુ એક ધાર્મિક ફરજ પણ છે.
વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે કોમવાદી નફરત અને સામાજિક અંતર વધી રહ્યાં છે, ત્યારે બધા દેશવાસીઓ પર અને ખાસ કરીને મુસ્લિમો પર આ જવાબદારી બમણી થઈ જાય છે કે તેઓ પડોશીઓના હકોના સંદર્ભમાં પોતાના જીવનને એક વ્યવહારિક ઉદાહરણ બનાવે. આ માત્ર ધર્મની શિક્ષાઓનો તકાજાે નથી, પરંતુ ભારતની બહુસાંસ્કૃતિક ઓળખને મજબૂત કરવા માટે પણ અનિવાર્ય છે. જ્યારે મુસ્લિમો પોતાના પડોશીઓ સાથે સંબંધો મજબૂત કરશે, ત્યારે ઇસ્લામનો વ્યવહારિક દાવો રજૂ થશે.
ભારતમાં વિવિધ સમુદાયો વચ્ચે વધતું જતું ગેરસમજનું અંતર (Miscommunication) અને Communication Gap પણ ચિંતાજનક છે. મીડિયાના નકારાત્મક વલણ અને રાજકીય ધ્રુવીકરણથી દિલમાં અંતર વધ્યું છે. આવી પરિસ્થિતિમાં જે સંબંધ આ અંતરને ઘટાડી શકે છે તે છે પડોશીનો સંબંધ. જાે મુસ્લિમો અને બધા દેશવાસીઓ પરસ્પર પડોશીઓ સાથે સારો વ્યવહાર અને સહયોગનો સંબંધ સ્થાપિત કરે, તો તેનાથી માત્ર નફરતના પ્રચારની હવા નહીં નીકળી જાય, પરંતુ રાષ્ટ્રીય એકતાનો પાયો પણ મજબૂત થશે.
આજનો યુગ ડિજિટલાઇઝેશન અને પોસ્ટમોર્ડનિઝમનો છે, જ્યાં વ્યક્તિની પોતાની ઓળખને બધું જ માનવામાં આવે છે. સોશિયલ મીડિયાએ આપણને વર્ચ્યુઅલ રીતે જાેડી દીધા છે, પરંતુ વાસ્તવમાં માણસ પહેલાં કરતાં વધુ એકલો છે. લોકો કલાકો સુધી ઓનલાઇન રહે છે, પરંતુ વાસ્તવિક સંબંધો નબળા પડી રહ્યા છે. આ વ્યક્તિગતતા (Individualism) માત્ર પારિવારિક સંબંધોને જ નબળા નથી કરી રહી, પરંતુ મોહલ્લા અને પડોશના સંબંધોને પણ પતન તરફ લઈ જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ઇસ્લામનો પાડોશીઓ સાથેનો સંબંધનો ખ્યાલ ખૂબ જ અર્થપૂર્ણ અને સમયની જરૂરિયાત છે. પડોશી સાથે ભલાઈ, મદદ અને સહયોગ જ આ ખાલીપણાને ભરવા માટે શ્રેષ્ઠ ઉપચાર છે.
પયગંબર મુહમ્મદ (સ.અ.વ.)ના જીવનમાં પડોશીના હકોના અસંખ્ય ઉદાહરણો જાેવા મળે છે. આપે યહૂદીઓ અને ખ્રિસ્તી પડોશીઓ સાથે પણ સારો વ્યવહાર કર્યો, માંદગીમાં ખબરઅંતર પૂછ્યા, સુખ-દુ:ખમાં ભાગ લીધો અને તેમના હકોનું રક્ષણ કર્યું. આપણે પણ આ જ સુન્નત પર અમલ કરીને આપણા પડોશીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવા જાેઈએ. આ માટે કેટલાક વ્યવહારિક પગલાં નીચે મુજબ હોઈ શકે છે:
સલામ અને ખબરઅંતર પૂછવાની આદત: રોજિંદા મુલાકાતમાં સલામ અને ભલાઈ પૂછવાનો નાનો પ્રયાસ દિલના અંતરને ઘટાડે છે.
સામૂહિક કાર્યક્રમો: મોહલ્લા સ્તરે સાંસ્કૃતિક કાર્યક્રમો, મીલાદ, ઈદ અને અન્ય પ્રસંગોએ પડોશીઓને આમંત્રણ આપીને તેમને સામેલ કરો.
ડિજિટલ પ્લેટફોર્મનો સકારાત્મક ઉપયોગ: વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા ગ્રુપ બનાવીને મોહલ્લાના મુદ્દાઓ જેવા કે સ્વચ્છતા, ટ્રાફિક નિયમો, સુરક્ષા પર સાથે મળીને કામ કરી શકાય છે.
મદદ અને સહયોગની પરંપરા: બીમારી, મુશ્કેલ સમય અથવા કોઈ અકસ્માતમાં તાત્કાલિક સહયોગનો ભાવ માત્ર દિલ જ નથી જીતતો, પરંતુ લાંબા સમય સુધી વિશ્વાસ પણ પેદા કરે છે.
પર્યાવરણીય જવાબદારી: ગલી-મોહલ્લાની સફાઈ, વૃક્ષારોપણ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જેવા કામો સામૂહિક સહાનુભૂતિનું પ્રતીક છે.
આ એવા વ્યવહારિક પગલાં છે જે માત્ર ઇસ્લામિક શિક્ષાઓ અનુસાર જ નહી, પરંતુ આધુનિક શહેરી જીવનની જરૂરિયાતો સાથે પણ સુસંગત છે.
આજે જ્યારે દુનિયા વ્યક્તિગતતાના જાળમાં ફસાયેલી છે, ત્યારે ભારતીય સમાજને પડોશીઓના હકો અને સંબંધોનું ફરીથી નિર્માણ કરવાની તાત્કાલિક જરૂર છે. ભારતીય મુસ્લિમો માટે તો આ એક ધાર્મિક ફરજ પણ છે અને દેશના જવાબદાર નાગરિક તરીકે બધા દેશવાસીઓ માટે રાષ્ટ્રીય સેવા પણ છે. જાે આપણે આપણા મોહલ્લા, ગલી અને શહેરમાં પાડોશી સાથેના સંબંધની શિક્ષાઓને જીવંત કરીશું, તો એક ઉત્તમ ભારતીય સમાજનું નિર્માણ થશે. આ જ સમયની સૌથી મોટી જરૂરિયાત અને વાસ્તવિક સફળતા છે.