આજના ભારતમાં દ્વેષ અને ધિક્કાર અચાનક ફાટી નીકળતો નથી; તે ઘુમરાતો રહે છે. તે હવે આંચકો આપતો નથી; તે સ્થિર થઈ ગયો છે. તે જાહેર જીવનમાં ખલેલ નથી પાડી રહ્યો, પરંતુ તે પાર્શ્વભૂમિનો લય બની ગયો છે—રાજકીય ભાષામાં ગૂંથાયેલ, ટેલિવિઝન સ્ટુડિયો દ્વારા પોષિત, અને નાગરિકોની રક્ષા માટે રચાયેલી સંસ્થાઓ દ્વારા શાંતિથી યોગ્ય-વૈધ ઠેરવાયેલ. આપણે જે જોઈ રહ્યા છીએ તે અસહિષ્ણુતાનો અચાનક ઉભરો નથી, પરંતુ એક માળખાગત પરિવર્તન છે: ક્રૂરતાને સામાન્ય બનાવવામાં આવી છે, અને ભેદભાવને શાસનની રૂઢ પ્રથા તરીકે ગોઠવવામાં આવ્યો છે.
આ પરિવર્તન રાતોરાત થયું નથી. તે સાવધાનીપૂર્વક, ઈંટ પર ઈંટ, હેડલાઇન પર હેડલાઇન, ભાષણ પર ભાષણ ગોઠવીને રચાયું છે.
કાયમી શંકાની રાજનીતિ:
દેશભરમાં હવે સમગ્ર સમુદાય કાયમી શંકાના શાસન હેઠળ જીવવા મજબૂર છે. લખનૌમાં મુસ્લિમ સફાઈકર્મીઓ પાસે આધાર કાર્ડ, એનઆરસી દસ્તાવેજો માંગવામાં આવે છે અને દાયકાઓથી રહેઠાણ હોવા છતાં “ઘૂસણખોર” તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. ક્રિસમસ ઉજવનારા ખ્રિસ્તીઓ પર સાજિશ અને ધર્મપરિવર્તનના આરોપ મૂકવામાં આવે છે. ઉત્તરપૂર્વના વિદ્યાર્થીઓ પોતાની ભારતીય નાગરિકતા દર્શાવતા હોવા છતાં જાતિવાદી રીતે પરાયા તરીકે દર્શાવવામાં આવે છે. દરેક કિસ્સામાં પુરાવા પહેલાં આરોપ ઘડવામાં આવે છે; દોષ માન્ય માનવામાં આવે છે, અને નિર્દોષતાને સતત સાબિત કરવી પડે છે.
આ કાયદો-વ્યવસ્થા અથવા રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન નથી. આ તો નાગરિકતાની વ્યાખ્યાને જ ફરીથી ઘડવાનો પ્રયત્ન છે. હવે ‘belonging’ (પોતાનાપણાનો ભાવ) બંધારણીય અધિકાર રહ્યો નથી; તે બહુમતી દ્વારા આપવામાં આવતો વિશેષાધિકાર બની ગયો છે. દસ્તાવેજો સુરક્ષાની ખાતરી નથી આપતા; વફાદારીના પ્રદર્શન આવી ખાતરી આપે છે. રાજ્યની નજર સર્વત્ર સમાન રીતે નથી પડતી; તે ખાસ કરીને કેટલાક ખાસ લોકો, ભાષાઓ, નામો અને પ્રાર્થના પદ્ધતિ પર અટકી રહે છે.
સલમા જેવી વ્યક્તિ માટે—જે સત્તર વર્ષથી લખનૌની ઈમારતોમાં સફાઈ કરે છે—એવું છે કે દરરોજ એ અનિશ્ચિતતા સાથે જાગવું કે તેની મહેનતને ‘belonging’ એક જોડાણ તરીકે માનવામાં આવશે કે ફક્ત સહિષ્ણુતા તરીકે. તેની કહાની અપવાદ નથી; તે તો ફક્ત એક નમૂનો છે. જ્યારે સૌથી ગરીબ કામદારોને જ ખતરા તરીકે રજૂ કરવામાં આવે છે, ત્યારે પૂરા સમાજને, માનવતાને શરત રૂપે જોવાની તાલીમ આપવામાં આવી રહી હોય છે.
જે કંઈ ઘટી રહ્યું છે તે વ્યક્તિગત દ્વેષભાવના નથી; તે નીતિગત માહોલ છે. રાજકીય ભાષણોમાં નિયમિત રીતે મુસ્લિમોને ઘૂસણખોર, લોકસાંખ્યિક ખતરા અથવા આંતરિક દુશ્મન તરીકે વર્ણવવામાં આવે છે. આ શબ્દો પ્રતીકાત્મક નથી; તેઓ જમીન તૈયાર કરે છે. જ્યારે નેતાઓ શુદ્ધિકરણ અને સફાઈની ભાષા બોલે છે, ત્યારે શ્રોતાઓ તેના અર્થને સમજી જાય છે. હિંસા માટે સ્પષ્ટ આદેશ આપવાની જરૂર પડતી નથી; તેને આમંત્રિત કરવામાં આવે છે.
આ વાતાવરણમાં “હિંદુ રાષ્ટ્ર”ની કલ્પના ફૂલે-ફાલે છે. તેને સંપૂર્ણ બહિષ્કારની જરૂર નથી; તેને સતત અસુરક્ષાની જરૂર છે. ચિંતા હેઠળ રાખવામાં આવેલો અલ્પસંખ્યક સમુદાય વધુ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ રીતે દ્વેષ-ધિક્કાર શાસનનું સાધન બની જાય છે—અસરકારક, ચાલક અને ચૂંટણીમાં સ્પષ્ટ રીતે લાભદાયક.
આર્થિક નિષ્ફળતા, બેરોજગારી, કૃષિ સંકટ અને કલ્યાણ યોજનાઓમાં ઘટાડાનો હવે ઈમાનદારીપૂર્વક સામનો કરવામાં આવતો નથી. તેના બદલે, આ બધું કાલ્પનિક શત્રુઓ પર ઢોળવામાં આવે છે. જવાબદારીની જગ્યાએ બલિનો બકરો બનાવવાની રાજનીતિ આવે છે. નીતિની જગ્યાએ ભય સ્થાન લે છે.
મીડિયા: વોચડૉગથી રિંગમાસ્ટર સુધી
મીડિયામાં દ્વેષનું જેટલું સરળીકરણ સ્પષ્ટ રીતે દેખાય છે, એટલું બીજે ક્યાંય નથી. ટેલિવિઝન સ્ટુડિયો પત્રકારત્વ ભૂલાવીને થિયેટર બની ગયા છે. પ્રાઇમ-ટાઇમ ચર્ચાઓ અદાલત જેવી બની ગઈ છે, જ્યાં મુસ્લિમો તેમની આસ્થા, ખોરાક, પ્રજનન, પ્રેમ, ભાષા અને વફાદારી માટે સતત કઠેરામાં ઉભા રહે છે. પ્રશ્ન ક્યારેય એ નથી કે ગરીબી કેમ યથાવત્ રહે છે અથવા સંસ્થાઓ કેમ નિષ્ફળ જાય છે; પ્રશ્ન હંમેશાં એ જ રહે છે કે કોણ અહીંનું છે અને કોણ નહીં.
જ્યારે મુસ્લિમોને લિંચ કરવામાં આવે છે, ત્યારે તેનું કવરેજ ક્ષણિક કે સંકેતાત્મક ભાષામાં થાય છે. જ્યારે મુસ્લિમ દુકાનોનો બહિષ્કાર થાય છે, ત્યારે તેને “સ્થાનિક તણાવ” તરીકે ઓળખાવવામાં આવે છે. જ્યારે કોઈ મુસ્લિમ બાળકની હત્યા થાય છે, ત્યારે તે ઘટના કલાકોમાં જ રાષ્ટ્રીય સ્મૃતિમાંથી ગાયબ થઈ જાય છે. બીજી તરફ, હિંસાના ખુલ્લા આહ્વાનોને અભિવ્યક્તિની સ્વતંત્રતા તરીકે ચર્ચવામાં આવે છે અને દ્વેષપૂર્ણ ભાષણોને સાહસિક અભિપ્રાય તરીકે રજૂ કરવામાં આવે છે.
આ બેદરકારી નથી; આ જાણીબૂઝીને રચાયેલ વ્યવસ્થા છે. જ્યારે દ્વેષ દરરોજ પુનરાવર્તિત થાય છે, ત્યારે આક્રોશની ધાર બુઠ્ઠી થઈ જાય છે. જ્યારે માત્ર નિશ્ચિત દુઃખ જ દર્શાવવામાં આવે છે, ત્યારે દર્શકોને પસંદગીપૂર્વક ચિંતા કરવાનું શીખવવામાં આવે છે. હિંસા હવે નૈતિક અપરાધ રહી નથી; તે નિયમિત કાર્યક્રમ બની ગયો છે. દ્વેષ મનોરંજનમાં ફેરવાઈ જાય છે અને ક્રૂરતા ઉપભોગ યોગ્ય સામગ્રી બની જાય છે. દર્શકોને સમજવા કે સહાનુભૂતિ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા નથી; તેમને નિર્ણાયક બનવા, ઉપહાસ કરવા અને તાળી પાડવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આવા મીડિયા વાતાવરણમાં દુઃખો દૂર થતા નથી; તેમને નાના બનાવવામાં આવે છે, સામાન્ય કરવામાં આવે છે અને સાધારણ બનાવી દેવામાં આવે છે.
કાયદો એક પક્ષપાતી સાધન તરીકે:
આ પ્રકારની સામાન્યકરણ પ્રક્રિયાનું સૌથી વિનાશક પરિણામ કાયદાના શાસનનો ધીમે ધીમે થતો ક્ષય છે. કાગળ પર ભારતનું બંધારણ કાયદા સમક્ષ સમાનતા, જીવનનું ગૌરવ અને ધર્મની સ્વતંત્રતાની ખાતરી આપે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કાયદાનો અમલ હવે ખૂબ જ પસંદગીયુક્ત બની ગયો છે. હવે અમલ સિદ્ધાંતોને નહીં પરંતુ ઓળખને અનુસરે છે. ખાસ કરીને હાંશિયાના સમુદાયોના પ્રદર્શનકારોની ઝડપથી અને મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવે છે, જ્યારે પ્રબળ રાજકીય હિતો સાથે જોડાયેલા ટોળાં, પોલીસની નજર સામે ખુલ્લેઆમ ફરી શકે છે.
પીડિતો સામે, ગુનેગારો સામે નહીં, ચિંતાજનક ઝડપથી એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવે છે. હિંસાનો ભોગ બનેલ લોકોને પોતાની નિર્દોષતા, ઈરાદાઓ અને અહીં સુધી કે પોતાની નાગરિકતા સાબિત કરવા મજબૂર કરવામાં આવે છે, જ્યારે હિંસાને ઉશ્કેરનાર અથવા અંજામ આપનાર લોકોને રાજકીય રક્ષણ, જાહેર સમર્થન અથવા શાંત વહીવટી ઉદાસીનતા થકી સીધો સહયોગ મળી રહે છે. અટકાયત કેન્દ્રોની ચર્ચા જાહેર વક્તવ્યમાં અત્યંત સહજ રીતે કરવામાં આવે છે, જાણે કે કોઈ સાબિત ગુના વિના લોકોને સ્વતંત્રતાથી વંચિત કરવા એ ગંભીર બંધારણીય ઉલ્લંઘન નહીં, પરંતુ એક સામાન્ય વહીવટી પ્રક્રિયા હોય.
આવા વાતાવરણમાં ન્યાય હવે અધિકાર રહ્યો નથી; તે શરતાધીન બની ગયો છે. અધિકારો તમામ નાગરિકોને સમાન રીતે ખાતરીપૂર્વક આપવામાં આવતા નથી; તેઓ ધર્મ, પ્રદેશ, જાતિ અને રાજકીય અનુકૂળતા અનુસાર વહેંચવામાં આવે છે.
લિન્ચિંગ, કસ્ટોડિયલ હિંસા અથવા જાતિવાદ પ્રેરિત હુમલામાં પોતાના બાળકો ગુમાવનાર પરિવારો માટે કાનૂની પ્રણાલી પોતે જ વધુ એક તણાવનું સ્થળ બની જાય છે. અદાલતી સુનાવણીઓ અંતહીન રીતે લંબાય છે. તપાસો અટકી જાય છે. સાક્ષીઓને ડરાવી ધમકાવી ચૂપ કરાવવામાં આવે છે. પોલીસ સ્ટેશન અથવા અદાલતની દરેક મુલાકાત જૂના ઘા ફરીથી તાજા કરી નાખે છે. જવાબદારી તરફ જવાનો જે માર્ગ હોવો જોઈતો હતો, તે ધીમી અને થકાવી નાખે તેવી પ્રક્રિયા બની જાય છે, જે ગુનેગારથી વધુ પીડિતને જ સજા કરે છે. રાજ્ય માત્ર આ પરિવારોને સુરક્ષા આપવામાં નિષ્ફળ જ નથી જતું; બલ્કે તે તેમને એટલા સુધી થકવી નાખે છે કે તેઓ આશા છોડી દે છે.
પસંદગીયુક્ત ન્યાયની આ રીત સમાજને એક ભયજનક સંદેશ આપે છે. તે લોકોને શીખવે છે કે કયા જીવન રોષ, શોક અને સુરક્ષા માટે લાયક ગણાય છે અને કયા જીવનને કોઈ પરિણામ વિના ભંગ કરી શકાય, મિટાવી શકાય અથવા ભૂલી શકાય છે. કેટલાક જીવન માટે જાહેર રીતે શોક વ્યક્ત કરવામાં આવે છે, જ્યારે અન્ય જીવનને શાંતિથી બલિદાનયોગ્ય ગણવામાં આવે છે.
સામાન્યકરણની માનસિકતા:
કદાચ આ સમયની સૌથી ખતરનાક વિશેષતા ક્રૂરતાનો દેખાવ નથી, પરંતુ એ છે કે તે કેટલી સહેલાઈથી ભુલાવી દેવાય છે. હિંસા ગાયબ થઈ નથી; તેને ઓળખવાની આપણી ક્ષમતા ગાયબ થઈ ગઈ છે. જ્યારે અન્યાય સામાન્ય બની જાય છે, ત્યારે તે રોજિંદા જીવનમાં ખલેલ પાડવાનું બંધ કરે છે અને ધીમે ધીમે તેનો ભાગ જ બની જાય છે.
જેઓ પર શંકા કે નજર રાખવાની પ્રક્રિયાની અસર નથી પડી, તેમના માટે જીવન મોટેભાગે અગાઉ જેવું જ દેખાય છે. કામ ચાલુ રહે છે, રોજિંદુ રૂટિન યથાવત રહે છે, તહેવારો ઉજવાય છે, અને સ્ક્રીનો તો હંમેશાં બંધ કરી શકાય છે. આ અંતર અવિશ્વાસ પેદા કરે છે: ખરેખર પરિસ્થિતિ એટલી ખરાબ છે? સામાન્યકરણ વિશેષાધિકાર પર ફૂલે ફાલે છે. જ્યારે અન્યાય તમારા દરવાજે પહોંચતો નથી, ત્યારે તેને અતિશયોક્તિ, મીડિયા સનસનાટી અથવા રાજકીય પ્રચાર તરીકે નકારી કાઢવું સહેલું બની જાય છે.
પરંતુ જેમને નિશાન બનાવવામાં આવે છે, તેમના માટે જીવન સતત દબાણ હેઠળ જીવાય છે. દરરોજ ભય સાથેનો સોદો બની જાય છે—ક્યારે પોલીસ દરવાજો ખખડાવશે તેનો ભય, ક્યારે ટોળું હુમલો કરશે તેનો ભય, રેકોર્ડ થવાની, ફરિયાદ થવાની અથવા ખોટી રીતે સમજવામાં આવવાની ભીતિ. સામાન્ય ક્રિયાઓ જોખમી બની જાય છે: નિર્ભયપણે બોલવું, જાહેરમાં પ્રાર્થના કરવી, ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવો અથવા પોતાની ગૌરવની માંગ કરવી. અહીં ફક્ત શારીરિક નિયંત્રણ લાદવામાં આવતું નથી, પરંતુ માનસિક પ્રભુત્વ સ્થાપિત કરવામાં આવે છે. આ માત્ર રાજકીય દમન નથી; આ સતત ચાલતી માનસિક યુદ્ધની એક રીત છે.
આવી સમાજવ્યવસ્થા સ્થિર રહી શકતી નથી. જે રાષ્ટ્ર એક સમૂહને અમાનવીય બનાવવાની જાતે જ તાલીમ આપે છે, તે ધીમે ધીમે કોઈની પણ રક્ષા કરવા માટેની નૈતિક ભાષા ગુમાવી બેસે છે. અલ્પસંખ્યકોને નિશાન બનાવવા માટે ઊભા કરાયેલા યંત્રો ત્યાં જ સીમિત રહેતા નથી. આજે તેનો ઉપયોગ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે થાય છે. આવતીકાલે અસહમતિ ધરાવનારાઓ અને કામદારો તેની ઝપટમાં આવશે. સત્તાવાદ ક્યારેય ત્યાં અટકતો નથી જ્યાંથી તેની શરૂઆત થાય છે.
સત્તાવાદ ક્યારેય તેના પ્રથમ ભોગીઓથી સંતોષ માનતો નથી. તે વિસ્તરે છે, પોતાને અનુકૂળ બનાવે છે અને આગળ વધે છે. તે જ્યાંથી શરૂ થાય છે ત્યાં અટકતો નથી; તે માત્ર ત્યારે જ અટકે છે જ્યારે તેનો સામનો કરવામાં આવે છે.
ચૂંટણી રણનીતિ તરીકે દ્વેષ:
આ બધું ચાલુ કેમ રહે છે? કારણ કે તે કામ કરે છે. દ્વેષ રાજકીય રીતે અત્યંત અસરકારક છે. તે ભયને વફાદારીમાં બદલીને મત એકત્રિત કરે છે. વાસ્તવિક ભૌતિક સુધારા વિના પણ તે ભાવનાત્મક એકતા પેદા કરે છે. તે સત્તાધીશોને કામગીરી, જવાબદારી અથવા પરિણામો વિના સત્તામાં ટકી રહેવાની છૂટ આપે છે. શાસન કરતાં ધ્રુવીકરણ ઘણું સસ્તું પડે છે, અને વિકાસ કરતાં ભય ઘણો વધુ વિશ્વસનીય સાધન બને છે.
આ સમયને ખાસ કરીને વધુ અંધકારમય બનાવે છે તે માત્ર સત્તારૂઢ વિચારધારા નથી, પરંતુ તેનો સામનો કરવામાં વિપક્ષની નિષ્ફળતા છે. બહુમતીવાદને પડકારવાને બદલે, વિપક્ષ મોટા ભાગે એ જ માળખાની અંદર સ્પર્ધા કરે છે અને એ જ કથાનકના નબળા, સાવચેત સંસ્કરણો રજૂ કરે છે. આમ કરીને તેઓ એક ખતરનાક વિચારને પોષે છે: કે સમાનતા સંવાદયોગ્ય છે, કે બંધારણીય અધિકારોને રાજકીય સુવિધા માટે સ્થગિત કરી શકાય છે, અને કે અલ્પસંખ્યકોની સુરક્ષા વૈકલ્પિક છે.
પરિણામે, મુસ્લિમોને રાજ્ય સામે યોગ્ય દાવા ધરાવતા નાગરિક તરીકે નહીં, પરંતુ સંભાળવા, કાબૂમાં રાખવા અથવા ચૂપ કરાવવા જેવા બોજા તરીકે જોવામાં આવે છે. ન્યાય ખુલ્લેઆમ નકારવામાં આવતો નથી; તેને મુલતવી કરવામાં આવે છે, નબળો કરવામાં આવે છે અને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે, ત્યાં સુધી કે તે અદૃશ્ય થઈ જાય છે. રાજકીય રેખાઓને પાર કરીને વહેંચાયેલી આ અઘોષિત સહમતિ લોકશાહીને ખોખલી બનાવી ચૂકી છે. રાજકારણ પ્રદર્શન બની જાય છે, રોષ નાટક બની જાય છે, અને નાગરિકત્વને માત્ર દેખાવ પૂરતું સીમિત કરી દેવામાં આવે છે.
ઇતિહાસ માફ કરતો નથી. જે સમાજો ક્રૂરતાને સામાન્ય બનાવી દે છે, તેઓ સ્થિર થતા નથી; તેઓ ધીમે ધીમે ક્ષીણ થાય છે. નાઝી જર્મનીથી લઈને જિમ ક્રો યુગના અમેરિકા અને દમનકારી દક્ષિણ આફ્રિકા સુધી—આ નમૂનો સ્પષ્ટ અને નિર્વિવાદ છે. એકવાર કોઈ અલ્પસંખ્યકના દુઃખને સામાન્ય અથવા મનોરંજનરૂપ માનવામાં આવે, ત્યારે સંસ્થાઓ અંદરથી સડવા લાગે છે. કાયદાઓ અર્થહીન બની જાય છે. હિંસા વધે છે. અને “બીજા”ને (other) નિશાન બનાવવા માટે ઊભું કરાયેલું એ જ યંત્ર અંતે અંદર તરફ વળી જાય છે—અસહમતિ ધરાવનારાઓ, વિમર્શકો અંતે તે સમાજને જ ગળી જાય છે, જેણે તેને વધાવ્યો હતો. ભારત કોઈ અપવાદ નથી. કોઈપણ સંસ્કૃતિ આ તર્કથી અસ્પૃશ્ય નથી.
વિચારયોગ્ય સવાલ:
આ ક્ષણ માત્ર સહાનુભૂતિથી કંઈક વધુની માંગ કરે છે. તે સમસ્યાની સ્વીકૃતિની માંગ કરે છે. જ્યારે દ્વેષ રોજિંદો બની જાય છે, ત્યારે શું આપણે તેને હજી પણ દ્વેષ તરીકે જોઈ શકીએ છીએ? જ્યારે ક્રૂરતા કાયદાકીય આવરણમાં લપેટાઈને ચર્ચા તરીકે પ્રસારિત થાય છે, ત્યારે શું આપણે હજી પણ રોષ અનુભવી શકીએ છીએ? અને જ્યારે સત્તા આપણને આપણા પડોશીને ખતરા તરીકે જોવા કહે છે, ત્યારે શું આપણે હજી પણ તેને માનવી તરીકે ઓળખી શકીએ છીએ?
કારણ કે જ્યારે દ્વેષ સત્તાની ભાષા બની જાય છે, ત્યારે મૌન તટસ્થતા નથી રહેતું; તે ભાગીદારી બની જાય છે. પ્રજાતંત્રો કોઈક નાટકીય ક્ષણે તૂટી પડતા નથી. તેઓ શાંતિથી ધીમે ધીમે ક્ષીણ થાય છે. અપમાન પર થતા હાસ્ય દ્વારા, સામાન્યકરણ દ્વારા, અને “વાસ્તવિકતા” તથા “વ્યવહારુ રાજકારણ”ના વેશમાં છુપાયેલી નિર્લિપ્તતા દ્વારા તેઓ અંદરથી ખોખલા બને છે. જ્યારે અન્યાય વ્યક્તિગત લાગે છે, જ્યારે ટકોરા આપણા પોતાના દરવાજે આવે છે, ત્યાં સુધીમાં પાયાઓ પહેલેથી જ નબળા થઈ ચૂક્યા હોય છે.
અહીં જ વિદ્યાર્થીઓ, વિચારકો અને સામાન્ય નાગરિકોની ભૂમિકા મહત્વપૂર્ણ બને છે. યુનિવર્સિટીઓ પ્રશ્ન પૂછવાની જગ્યા હોવી જોઈતી હતી, આજ્ઞાપાલનની નહીં; અસહમતિની જગ્યા, ભયની નહીં. વિદ્યાર્થીઓએ પોતાને પૂછવું જોઈએ કે તેઓ કયા પ્રકારના દેશને વારસામાં મેળવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. શિક્ષકોએ મૌનની આરામદાયક સ્થિતિને નકારવી જોઈએ. પત્રકારોએ રાજકીય પહોંચ કરતાં સત્યને પસંદ કરવું જોઈએ. અને સમાજે નક્કી કરવું જોઈએ કે શું તે આભાસી સુરક્ષા સામે માનવતાનો સોદો કરી લેશે?
ભારત સામેનો વિકલ્પ કઠોર અને અનિવાર્ય છે: દ્વેષની આ યંત્રવ્યવસ્થાને અટકાવવી, અથવા એવું ભવિષ્ય સ્વીકારવું જ્યાં ભય નાગરિકત્વને વ્યાખ્યાયિત કરે, વફાદારી માત્ર પ્રદર્શન સુધી સીમિત થઈ જાય, અને માનવતા વૈકલ્પિક બની જાય.
લેખક: રાષ્ટ્રીય સચિવ, SIO ઓફ ઈન્ડિયા અને ડાયરેક્ટર, સેન્ટર ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ.
