ચંદ્રકાંત બક્ષી એ લખ્યું હતું કે હિન્દુઓ ઇતિહાસ અંધ પ્રજા છે.ફિકશન fiction એટલે કે દંતકથા અને માઇથોલોજી એટલે કે પૌરાણિક કથાઓને ઇતિહાસ સમજે છે. આભાર મુસ્લિમોનો કે તેઓએ ઇતિહાસ લખ્યો. હવે, સ્વાભાવિક છે કે જે ઇતિહાસ લખે તેમાં પોતાનો ઝુકાવ ઈન્કલીનેશન આવી જાય. પરંતુ આપણને કમસેકમ ભૂતકાળની માહિતી તો મળી રહે છે.
માનવ સમાજે જેટ ગતિથી પ્રગતિ કરી તે પહેલાં પણ ઇતિહાસથી તેને ઘણી દિલચશ્પી રહી છે. એક તરફ ઇતિહાસ તેને પ્રેરણા આપે છે, તો બીજી તરફ ભૂતકાળમાં થયેલી ભૂલોને ઓળખવાની અને સુધારવાની તક પણ પૂરી પાડે છે. આજના શિક્ષણમાં ઇતિહાસને એટલે જ ખૂબ મહત્વ અપાયું છે. શાળા શિક્ષણમાં ઇતિહાસ એટલેજ વિગતે ભણાવવામાં આવે છે.
હમણાં આપણા વડાપ્રધાને 1000 વર્ષ પહેલાંનો એટલે કે ઈસ્વીસન 1026 નો ઇતિહાસ યાદ કર્યો. સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનું ગોઠવ્યું.મહેમુદ ગજનવીએ 2500 કિલોમીટર દૂર અફઘાનિસ્તાનના ગજનીથી આવી ગુજરાતના પ્રભાસ પાટણમાં મંદિરનો નાશ કર્યો તે અનુસંધાને લોકોએ આપેલ કાલ્પનિક કુરબાનીને રજૂ કરી પોતાની રાજકીય રોટલો શેકવા નો એ જ જૂનો મંત્ર અજમાવી જોયો.
રામ મંદિર અભિયાન એટલે કે બાબરી મસ્જિદની શહીદીથી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ સીધો લાભ મેળવ્યો હતો અને અનેક ચૂંટણી જીતી. હવે, આ જ વિચારને ધબકતો રાખવા ઇતિહાસને મચડી પોતાની તરફેણમાં મૂકવાની આ એક સીધી ચાલ છે. 2001માં મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં અને 2014 થી વડાપ્રધાન તરીકે દેશભરમાં, તેઓ સતત કોમી ધ્રુવીકરણ નું રાજકારણ સફળતાથી અજમાવી રહ્યા છે. અને તેના સિવાય તેમની પાસે બીજો કોઈ મુદ્દો પણ નથી. તો આવો ચકાસીએ આ પરિપ્રેક્ષ્યમાં સોમનાથ મંદિરનો ઇતિહાસ….
સોમનાથ મંદિર ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાં પ્રથમ અને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્રમાં વેરાવળ પાસે પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. તેનો વાસ્તવિક ઐતિહાસિક ઇતિહાસ ખૂબ જ રસપ્રદ અને દુ:ખદ છે, જેમાં વારંવાર વિનાશ અને પુન:ર્નિર્માણની કથા છે.
પૌરાણિક માન્યતા (પૌરાણિક ઇતિહાસ):
પુરાણો અનુસાર સોમનાથ મંદિરની સ્થાપના ચંદ્રદેવ (સોમ) દ્વારા સોનાથી કરવામાં આવી હતી. રાવણે ચાંદીથી, ભગવાન શ્રીકૃષ્ણે ચંદનથી અને પછી રાજાઓએ પથ્થરથી બનાવ્યું હોવાનું કહેવાય છે. પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ આ મંદિરની સમયરેખા આ મુજબ છે.
પ્રાચીન કાળ — મધ્ય કાલીન યુગમાં (આશરે ૨૦૦૦ વર્ષ પહેલાં) પહેલું મંદિર અસ્તિત્વમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ઈ.સ. ૬૪૯ — વલ્લભી વંશના રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવું મંદિર બનાવ્યું.
ઈ.સ. ૭૨૫ — સિંધના આરબ શાસક જુનયદે પ્રથમ વખત મંદિર પર હુમલો કરી નાશ કર્યો.
સૌથી કુખ્યાત હુમલો — ઈ.સ. ૧૦૨૬માં અફઘાનિસ્તાનના સુલતાન મહમૂદ ગઝનવીએ મંદિર પર આક્રમણ કર્યું. તેણે જ્યોતિર્લિંગ તોડ્યું, અનેક ભક્તોની હત્યા કરી અને અબજોની
પત્તિ લૂંટી લીધી. આ હુમલો ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત છે.
ત્યારબાદ પણ મંદિર વારંવાર તોડાયું:
૧૨૯૯ — અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાન દ્વારા
૧૩૯૫ — ઝફર ખાન (ગુજરાત સુલતાનતના સ્થાપક) દ્વારા
૧૬૬૫ અને ૧૭૦૬ — મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા (છેલ્લો મોટો વિનાશ)
દરેક વખતે હિંદુ રાજાઓ અને ભક્તોએ તેને ફરીથી બાંધ્યું:
સોલંકી રાજા ભીમદેવ પ્રથમ, કુમારપાળ, મહિપાળ દેવ વગેરેએ જીર્ણોદ્ધાર કર્યો.
આધુનિક ઇતિહાસ અને પુનઃસ્થાપના:
આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલની પહેલથી ૧૯૪૭-૫૦માં મંદિરનું આધુનિક પુનર્નિર્માણ થયું. સોમપુરા શિલ્પીઓએ સોલંકી શૈલીમાં બનાવ્યું.
૧૧ મે ૧૯૫૧ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદએ જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરી.
(માહિતી સ્ત્રોત AI)
ગુજરાતના ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ પ્રભાસ અને સોમનાથ ના નામે પુસ્તક લખ્યું છે. તે જ રીતે કાંતિલાલ મહેતાએ સોમનાથ : ઇતિહાસ અને પુરાણ લખ્યું છે. આનો અભ્યાસ કરતા જણાય છે કે 1000 વર્ષ પહેલા મહેમુદ ગજની 2500 કિલોમીટર દૂરથી 30,000 ઘોડા, 54000 નું પાયદળ લઈ ,30000 ઉંટો ઉપર સામાન લાદીને તથા બીજા 20000 ઊંટો ઉપર પોતાની જરૂરિયાતનો સામાન લાદીને નીકળી પડે છે. તમે કલ્પના કરો કે 1000 વર્ષ પહેલા આટલા લાંબા રૂટમાં પાણીની અને ખોરાકની શું વ્યવસ્થા કરી હશે. રસ્તામાં જે બીજા રાજાઓ તથા પ્રકૃતિના પડકાર હતા તેને પહોંચી વળવા માટે શું તૈયારી કરી હશે. યુદ્ધના મોરચે સપ્લાય ચેન મહત્વની છે અને તેની વ્યવસ્થા 1000 વર્ષ પહેલા કેટલી કપરી હશે તે સમજી શકાય છે. તેનું જાસૂસી અને માહિતી તંત્ર ખૂબ જ સુદ્રઢ હતું. મહેમુદે પોતાની આ યુદ્ધ યાત્રામાં રસ્તામાં બીજા કોઈ મંદિર તોડ્યા કે લૂંટ્યા હોય તે નોંધાયું નથી, તે પણ સમજવું રહ્યું. એવું કહેવાય છે કે સોમનાથનું મંદિર સોનામોહરોથી સમૃદ્ધ હતું અને આ સોનામહોરો લૂંટવાનો તેનો મુખ્ય ઇરાદો હતો. મંદિર ઘ્વન્સ કર્યા પછી અને બધો ખજાનો લૂંટ્યા પછી પરત જવા માટે ત્રણ રસ્તા હતા. એક માળવાનો, બીજો આબુનો અને ત્રીજો કચ્છના રણનો.આ નોધવું રહ્યું કે ગજનીએ કચ્છના રણનો આકરો રસ્તો પસંદ કર્યો. આ રસ્તે તેને ઘણી અડચણો પડી. રણમાં માર્ગ ભૂલ્યો અને લશ્કર તથા સાધનોની ભારે ખુવારી થઈ. પરંતુ આ બધું પાર કરીને તે પરત ગજની પહોંચ્યો. ભીમદેવ સોલંકી જેને પાટણથી પહેલા પલાયન કર્યું હતું તેને બીજી વાર પણ એ કિલ્લો જે ત્રણ તરફથી પાણીથી ઘેરાયેલો હતો, છતાં પણ ફરીથી પલાયન કરવું પડ્યું. હમીરજી ગોહિલની રક્ષા કાજે લડાઈ અને કેસરિયા ની વાત આવે છે તે પણ કાલ્પનિક લાગે છે કારણ કે ઐતિહાસિક રીતે તેમનો સમય ગજનીના આક્રમણ પછીનો છે. તેમનો પાળીઓ બનાવેલો છે અને દીર્ઘ સંઘર્ષની કથાઓ ઐતિહાસિક બતાવવામાં આવે છે, પરંતુ તે ઐતિહાસિક તથ્યો સાથે મેચ થતી નથી.
આટલા ઐતિહાસિક તથ્યો જોયા પછી સ્પષ્ટ સમજાય છે કે રાજકીય હાથા તરીકે આ ઇતિહાસનો ઉપયોગ સંઘ પરિવાર કરવા માંગે છે. જવાહરલાલ નહેરુ આના વિરોધી હતા અને વલ્લભભાઈ પટેલ, ક મા મુનશી અને રાજેન્દ્ર પ્રસાદ આ મંદિરનો જીર્ણોદ્ધાર સરકાર કરે તેના પક્ષના હતા. આ કથાનક એટલે કે નેરેટિવ રાજકીય રીતે ખૂબ જ હાથવગું છે અને તેનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ગાંધીજીએ એક પ્રાર્થના સભામાં જણાવ્યું હતું કે જુનાગઢ સરકાર મંદિરના નિર્માણ માટે રાજ્યનું ભંડોળ આપી શકે નહીં. સરદાર વલ્લભભાઈ પટેલે પણ ગાંધીજીને ખાતરી આપી હતી કે પુન: નિર્માણ જનતાના દાન થકી કરવામાં આવશે. કમા મુનશી એ જય સોમનાથ નામની જે નવલકથા લખી છે તે સાચે જ નવલકથાની રીતે ખૂબ જ સારો પ્રયત્ન છે. પરંતુ તેમાં બધી કલ્પનાઓ તેમને અસ્મિતાના નામે જોડી દીધી છે અને ઇતિહાસને બિલકુલ ખોટી રીતે રજૂ કર્યો છે તે સ્વીકારવું રહ્યું. રોમીલા થાપર અને રામ પુનયાની જેવા ઇતિહાસકારો ને લેફટીસ્ટ ગણાવી સંઘ પરિવારે ફગાવી દીધા છે. પોતાનો કાલ્પનિક ઇતિહાસ શાળાઓના અભ્યાસક્રમ સહિત બધે જ ઘુસાડવાનો સંઘ પરિવારે સતત પ્રયત્ન કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ આ કથાનકને ફેલાવવામાં કૂદી પડ્યા છે અને બદલો લેવાની હાકલ કરી છે. પણ આ બદલો લેવાનો કોની સામે? ઇતિહાસમાં ઘણા અત્યાચારો નોંધાયેલા છે, જેનો ઉલ્લેખ ડોભાલ કરી શકતા નથી. બુદ્ધવિહારો અને જૈન મંદિરોનો નાશ, દલિતો અને મહિલાઓ પરના અત્યાચાર, સતીપ્રથા જેવા ઘણા ઇતિહાસો તેઓ સિફતથી ટાળી દે છે. રાણા પ્રતાપ અને શિવાજીની કાલ્પનિક કથાઓને સંઘ પરિવાર ખૂબ ચગાવે છે. તેઓ વીરતાથી લડી વિજયી થયા હતા તેમ બતાવે છે. તેને સાચી ઐતિહાસિક વાસ્તવિકતાની સામે મૂકે છે અને લોકો એમ માની પણ લે છે કે તેઓ અનુક્રમે અકબર અને ઔરંગઝેબ સામે હાર્યા ન હતા. લોકો પોતાના લોસ્ટ હીરો આમાં શોધ્યા કરે છે. સ્વાભાવિક છે કે ધ્રુવીકરણ આ બધા પ્રયાસોથી આસાનીથી થાય છે અને પ્રજા જે આમ પણ ઇતિહાસથી અને સાચા ઇતિહાસથી ખૂબ જ દૂર છે ત્યારે રાજકીય લાભ સહેલાઈથી અંકે કરી શકાય છે.
ઇતિહાસ હકીકતમાં સમાજને વિભાજિત કરવા અને ભૂતકાળના અન્યાય ને કાયમી બનાવવાનું સાધન નથી. 1000 વર્ષ છોડો પણ 100 વર્ષ પછીના ઇતિહાસ માં આપણા વડાપ્રધાનની આ ચેષ્ટાની કેવી રીતે નોંધ લેવાશે તે વિચારીએ તો પણ આ હરક્તની બાલિશતા સમજમાં આવી જાય છે.ઇતિહાસ તો બતાવે છે કે ભૂતકાળમાં કયા ખોટા કાર્યો થયા છે અને હવે તે થવા ન જોઈએ. ટૂંકમાં, આ બધા તાયફા ના બદલે આપણી પ્રજા ગૌરવ અને આદર સાથે જીવે અને બધા નાગરિકો તેમના અધિકારો સાથે આનંદમાં રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
લેખક નિવૃત મુખ્ય ઇજનેર, ગેટકો (જીઇબી) છે. મોઃ ૯૯૨૫૨ ૧૨૪૫૩
