Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપીરાણાનો 'કચરાનો પહાડ': અહમદાબાદના વિકાસ પાછળ છુપાયેલી એક ભયાનક વાસ્તવિકતા

પીરાણાનો ‘કચરાનો પહાડ’: અહમદાબાદના વિકાસ પાછળ છુપાયેલી એક ભયાનક વાસ્તવિકતા

અહમદાબાદ: “આ ગુજરાતનો કચરાનો સૌથી મોટો પહાડ છે અને લોકો તેની બરાબર સામે રહે છે. અહમદાબાદના લોકો, તમે કેમ છો?” આ ગંભીર સવાલ સાથે પીરાણા ડમ્પિંગ ગ્રાઉન્ડની એ કડવી સચ્ચાઈ સામે આવી છે, જે મુખ્ય પ્રવાહના મીડિયામાં ભાગ્યે જ આટલી વિગતવાર જોવા મળે છે. પીરાણા પાસે વસતા હજારો પરિવારો માટે શ્વાસ લેવો એ પણ એક મોટો સંઘર્ષ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માસ્ક પહેરીને જીવવા મજબૂર છે, કારણ કે લેન્ડફિલનો ઝેરી ધુમાડો સીધો તેમના ઘરોમાં પ્રવેશે છે, જેનાથી મકાનોની સ્થિતિ પણ જર્જરિત થઈ ગઈ છે.

આ વિસ્તારમાં વસતા ઘણા મુસ્લિમ પરિવારો એવા છે જેઓ 2002ના ગુજરાત રમખાણોમાં પોતાનો જીવ બચાવવા અહીં આવ્યા હતા. એક મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “તેઓએ ગર્ભમાંથી બાળકને તલવારની અણીએ બહાર કાઢ્યું હતું, માતા તે જ ક્ષણે મૃત્યુ પામી હતી. એ બાળકે તો ગોધરા ટ્રેન સળગાવવા માટે નહોતું ગયું ને?” રમખાણોમાં સર્વસ્વ ગુમાવ્યા બાદ આ પરિવારો આજે પ્રદૂષણ અને ગંદકીના નરકમાં જીવી રહ્યા છે. જ્યાં એક સમયે ગાંધીજીના ચરખાથી લોકો ગુજરાન ચલાવતા હતા, ત્યાં આજે વહીવટી તંત્ર માત્ર ફોટા પડાવવા માટે ચરખો પકડે છે તેવો રોષ પણ વ્યક્ત કરાયો છે.

સ્વાસ્થ્યની સ્થિતિ અત્યંત ગંભીર છે; અહીં કચરાના ડુંગરની સામે ઘરોમાં ‘દવાઓનો ડુંગર’ જોવા મળે છે. 13 વર્ષીય માહિર છેલ્લા બે વર્ષથી શ્વાસની બીમારીથી પીડાય છે અને નેબ્યુલાઈઝર મશીન વગર રહી શકતો નથી. તે કહે છે, “હું છેલ્લા બે મહિનાથી બહાર નથી નીકળ્યો, હું ચાલી પણ શકતો નથી. મારું જીવન એક હેન્ડીકેપ-અપંગ વ્યક્તિ જેવું બની ગયું છે.” શ્વાસ લેવા માટે વપરાતા પંપની કિંમત ₹1,000 છે જે માંડ 10 દિવસ ચાલે છે. ગરીબ પરિવારો દર મહિને ₹5,000 થી ₹7,000 માત્ર દવાઓ પાછળ ખર્ચી રહ્યા છે. પાણીની સમસ્યા પણ એટલી જ વિકટ છે; મહિલાઓએ 25 કિલોના વજનદાર કેન ભરીને દૂરથી પાણી લાવવું પડે છે.

બાળપણની સ્થિતિ પણ હૃદયદ્રાવક છે. નાના બાળકો શાળાએ જવાને બદલે ખુલ્લા પગે કચરાના પહાડ પર પ્લાસ્ટિકની બોટલો વીણે છે અને દિવસના માત્ર ₹100 થી ₹200 કમાય છે. આ સિવાય, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, લેન્ડફિલ પર ઠેર-ઠેર પ્રતિબંધિત કફ સિરપની હજારો ખાલી બોટલો મળી આવી છે, જે લોકો નશા માટે વાપરે છે. વહીવટી તંત્ર દ્વારા માત્ર હાઈવેની બાજુનો કચરો સાફ કરીને દેખાવ સુધારવાનો પ્રયાસ થયો છે, પરંતુ અંદરની વસાહતોમાં સ્થિતિ ભયાનક છે. અનેક લોકોએ એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચવાને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અહમદાબાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું 2030 સુધીમાં આ કચરો સાફ થશે ત્યારે આ નિર્દોષ લોકોના જીવ બચશે ખરા?

(આ અહેવાલ ‘KK Create’ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ ડોક્યુમેન્ટ્રી પર આધારિત છે.)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments