Homeઓપન સ્પેસડિજિટલ અર્થતંત્રની ચમક વચ્ચે ખોવાતી ભારતની ઊંઘ: એક ગંભીર ચિંતા

ડિજિટલ અર્થતંત્રની ચમક વચ્ચે ખોવાતી ભારતની ઊંઘ: એક ગંભીર ચિંતા

એક જમાનો હતો જ્યારે રાત્રે ૧૦:૦૦ વાગ્યે લોકો પથારીમાં જઈને સૂવાની તૈયારી કરતા હતા, પરંતુ આજે બ્રાન્ડ્સ આ જ સમયે પોતાના વિજ્ઞાપનો (એડ્સ) લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. કારણ સ્પષ્ટ છે; ભારતનો નવો ‘પ્રાઇમ ટાઇમ’ હવે ટીવી સ્ક્રીન પર નહીં, પણ પથારીમાં પડ્યા પડ્યા સ્માર્ટફોન સ્ક્રોલ કરવાથી શરૂ થાય છે. ‘એક્સચેન્જ ફોર મીડિયા’ના એક અહેવાલ અનુસાર, કંપનીઓ હવે રાત્રે ૧૦:૦૦ થી વહેલી સવારના ૨:૦૦ વાગ્યા સુધીના ગ્રાહકોને ટાર્ગેટ કરી રહી છે. આ એ જ સમયગાળો છે જ્યારે લોકો સૌથી વધુ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે, ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ પર વીડિયો જુએ છે અને ઓનલાઈન શોપિંગ કરે છે. પરંતુ, આ વધતી ડિજિટલ સક્રિયતાની સાથે જ ભારતની ઊંઘ ધીમે-ધીમે ગાયબ થઈ રહી છે.

‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના એક રિપોર્ટ તરફ નજર કરીએ તો, દેશમાં અનિદ્રા (ઇન્સોમ્નિયા) અને ઊંઘને લગતી બીમારીઓ એટલી ઝડપથી વધી રહી છે કે ભારતમાં સ્લીપ ક્લિનિક્સ, સ્લીપ ડાયગ્નોસ્ટિક્સ, દવાઓ અને ‘સ્લીપ ટેક’ પ્રોડક્ટ્સનું અબજો રૂપિયાનું એક નવું બજાર (બીઝનેસ ઈન્ડસ્ટ્રી) ઊભું થઈ ગયું છે. ‘ડેક્કન ક્રોનિકલ’ના મતે, ભારતીયો પહેલાની સરખામણીએ હવે ઘણી મોડી રાત્રે સૂઈ રહ્યા છે અને સ્માર્ટફોન તેમજ મોડી રાતનું ડિજિટલ જોડાણ આ બદલાવ પાછળના મુખ્ય કારણો છે.

તબીબોનું કહેવું છે કે, પૂરતી ઊંઘ ન મળવી એ માત્ર થાકનું કારણ નથી બનતી, પરંતુ તે વ્યક્તિની એકાગ્રતા, યાદશક્તિ, મૂડ અને ભાવનાત્મક સંતુલનને પણ ગંભીર રીતે પ્રભાવિત કરે છે. લાંબા સમય સુધી અધૂરી કે ખરાબ ઊંઘ લેવાથી લાઈફસ્ટાઈલને લગતી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

વાસ્તવમાં, ભારતમાં ઘેરાઈ રહેલા આ ઊંઘના સંકટ (Sleep Crisis) પાછળ માત્ર ફોન જ જવાબદાર નથી, પણ આપણી આધુનિક જીવનશૈલી પણ એટલી જ દોષિત છે. દિવસભરની ઓફિસની દોડધામ, કોલેજ, ટ્રાફિકનો કચવાટ અને પારિવારિક જવાબદારીઓ પતાવ્યા પછી, સામાન્ય માણસ પાસે પોતાના માટે રાત્રિના માંડ બે-ત્રણ કલાક બચે છે. આ જ કારણે મોડી રાતનું સ્ક્રોલિંગ હવે માત્ર મનોરંજન નથી રહ્યું, તે એક ભાવનાત્મક છટકબારી (એમોશનલ એસ્કેપ) બની ગયું છે. તે એક એવો ‘ડોપામિન હિટ’ આપે છે જે આપણને અહેસાસ કરાવે છે કે આપણો આખો દિવસ માત્ર વેતરૂં કરવામાં નથી ગયો, પણ આપણે પોતાના માટે પણ કંઈક જીવ્યા.

રસપ્રદ વાત એ છે કે, આજે વિજ્ઞાન આપણને જે ‘બાયોલોજિકલ ક્લોક’ જાળવવાની સલાહ આપે છે, તે જ તાલીમ દુનિયાના તમામ પ્રમુખ ધર્મોએ સદીઓ પહેલાં આપી દીધી હતી. ઇસ્લામમાં સ્પષ્ટ આદેશ છે કે રાત માત્ર આરામ માટે છે અને ઇશાની નમાઝ પછી મોડી રાત સુધી નકામી વાતો કે ગપસપ કરવાની મનાઈ ફરમાવી વહેલા સૂઈ જવાનો આગ્રહ રખાયો છે, જેથી માણસ સવારે ‘ફજર’ માટે તાજગી સાથે જાગી શકે. પરંતુ આજના ડિજિટલ યુગે ધર્મ અને પ્રકૃતિ બંનેની આ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખી છે.

આ આખીય બાબતમાં એક મોટી વિડંબના (Irony) છુપાયેલી છે. જે સમયે આપણું મગજ દિવસભરના થાકમાંથી મુક્ત થઈને રિકવર થવા માંગે છે, બરાબર એ જ સમયે આખી ડિજિટલ ઇકોનોમી આપણને વધુ ને વધુ જગાડી રાખવાના પ્રપંચો રચે છે. જ્યારે મોટી કંપનીઓ માટે રાત્રે ૧૦ થી સવારના ૨ વાગ્યાનો સમય કરોડો રૂપિયાના બિઝનેસની તક બની જાય, ત્યારે આપણે એ સવાલ પણ પૂછવો જોઈએ કે આ નફાની કિંમત કોણ ચૂકવી રહ્યું છે?

ઊંઘ એ માત્ર શરીરનો આરામ નથી; એ સમય દરમિયાન આપણું મગજ નવી યાદો બનાવે છે, દિવસભરની ભાવનાઓને પ્રોસેસ કરે છે અને આપણને આવતીકાલના પડકારો માટે સજ્જ કરે છે.

આજે સમય પાકી ગયો છે કે ભારતે માત્ર ‘ડિજિટલ ઇકોનોમી’ના ગુણગાન ગાવાનું છોડીને ‘સ્લીપ ઇકોનોમી’ એટલે કે દેશના નાગરિકોની સ્વાસ્થ્યપ્રદ ઊંઘ વિશે પણ ગંભીરતાથી ચર્ચા કરવી જોઈએ. કારણ કે, જો દેશની ઉત્પાદકતા (Productivity) વધી રહી હોય પરંતુ તેની સામે જો નાગરિકોની ઊંઘ અને સુખ-ચેન ઘટી રહ્યા હોય, તો આ પ્રકારનો વિકાસ કેટલો ટકાઉ (Sustainable) ગણાય? વિચારવા જેવો પ્રશ્ન છે, આ વાંચીને કદાચ તમારી પણ ઊંઘ ઉડી ગઈ હશે!


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments