Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઆપણા યુવાનો માટે દુઃખના દહાડા?

આપણા યુવાનો માટે દુઃખના દહાડા?

સમાચાર એવા છે કે કેરળ જેવા દક્ષિણ ભારતના રાજ્યમાં વયોવૃદ્ધોની કાળજી માટે નવી ચૂંટાયેલી સરકારે એક અલગ વિભાગ શરૂ કર્યો છે. વૃદ્ધોની સંખ્યા એટલી વધી રહી છે કે આપણી સરેરાશ આયુષ્યરેખા સારી થઈ છે. સમાજની ખરી મૂડી અને ખરું ભવિષ્ય દેશના યુવાનો હોય છે. એમને માટે વર્ષોથી સરકારમાં વિભાગો હોવા છતાં એમની સમસ્યાઓ વિશે બહુ ધ્યાન અપાતું ન હોય એવું લાગ્યા કરે છે.

સમકાલીન સ્થિતિની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુવાનોને પીડે છે. સમય પર પેપરો ફૂટી જાય, પરીક્ષાઓ ફરી લેવી પડે, એ પ્રક્રિયા પૂરી થવામાં, નિમણૂકમાં વર્ષો વીતી જાય એના કોઈ ઉકેલો થતા હોય એવું લાગતું નથી. તબીબી ક્ષેત્રમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવી એ ‘નીટ’ (NEET) ની પરીક્ષાનું પેપર ફૂટી જવાને કારણે હવે બધા ઉમેદવારોને વધુ એકવાર એની એ જ પરીક્ષાની તૈયારી કરવી પડશે અને આપવી પડશે. વિવિધ શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ આવી પરીક્ષાઓ યોજાય છે. તબીબી, ઈજનેરી અને મેનેજમેન્ટ આ ક્ષેત્રોમાં પ્રવેશ માટે જે પરીક્ષાઓ લેવાય છે તેની તૈયારી બે-ત્રણ વર્ષો પૂર્વેથી શરૂ થઈ જાય છે. એનું એક આખું બજાર ઊભું થઈ ગયું છે, કારણ એની એટલી વ્યાપક માંગ છે. એમાં ભાગ લેતા યુવાનો એટલું ઇચ્છે છે કે પરીક્ષાઓ સમયસર લેવાતી રહે, પરિણામો સમયસર બહાર પડતાં રહે, એ પ્રક્રિયામાં કોઈ બિનજરૂરી અવરોધો ઊભા ન થાય. ક્યારેક યુવાનોની આ લઘુતમ અપેક્ષાઓ પણ સંતોષાતી નથી.

શિક્ષણનું ક્ષેત્ર અતિ મહત્વનું છે. એમાં શિક્ષક બનવા માટે વિશેષ અભ્યાસક્રમો છે. એ પૂરો કર્યા પછી પણ ‘ટેટ’, ‘ટાટ’ નામની બે પરીક્ષાઓ પાસ કરવી અનિવાર્ય છે. એ વિના નોકરી મળતી નથી. થોડા સમય પર એમાં પણ ઘણા ગોટાળા થયા. એના ઉમેદવારોએ એટલે કે ભાવિ શિક્ષકોએ રાજ્યની રાજધાનીમાં દેખાવો કરવા પડ્યા. એ દરમિયાન કેટલાકને પોલીસોના હાથે માર ખાવાનો – ઇજાગ્રસ્ત બનવાનો પણ પ્રસંગ ઊભો થયો.

યુપીએસસી-જીપીએસસી (UPSC-GPSC) ની પરીક્ષાઓ ઉચ્ચ અધિકારીની પસંદગી માટે હોય છે. કેન્દ્રની પરીક્ષાઓનું કેલેન્ડર બરાબર જળવાય અને રાજ્ય પરીક્ષાઓનું કેલેન્ડર અનિયમિત હોય એવું ચાલતું જ આવે છે. પરિણામો તો મોડાં આવે જ પણ પરિણામો પછી નિમણૂક મેળવવામાં પણ એકાદ વર્ષ કે તેથી વધુ સમય વીતી જતો હોય છે! કોર્ટ કેસો અને આન્સરકીની ગુણવત્તાના પ્રશ્નો તો ઊભા જ હોય છે.

સ્નાતક થયેલા દેશના યુવાનો સાથે સમાજ અને સરકાર જે વર્તાવ કરે છે તે અત્યંત ચિંતાજનક છે. આપણને ખ્યાલ આવતો નથી કે આ નકારાત્મક અસરોનો ભોગ બનનારો પછી કઈ રીતે કાયમી વિધાયક માનસિકતા કેળવશે? એની ધીરજ અને સહનશીલતાની કસોટી કરવામાં આપણા તંત્રે કશું જ બાકી રાખ્યું નથી. તેમ છતાં આપણી એની પાસે અપેક્ષાઓ તો ઊંચી જ રહેવાની. એના માથે જ નવી જવાબદારી આવવાની છે કે એના પછી આગળ આવતી પેઢી કેવી રીતે પોતે ભોગવેલાં દુઃખોનો ભોગ ન બને. ભારતમાં ઘણીબધી વાર મુશ્કેલી એ હોય છે કે નવી આવતી પેઢીને ફરી એની એ જ દુઃખદાયક પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. આ પરિક્રમાનો અંત દેખાતો નથી.

રાજ્યના ઉચ્ચ અધિકારીઓ માટેની જે પરીક્ષાઓ ત્રણ તબક્કે લેવાય છે, તેના છેલ્લા તબક્કે ઇન્ટરવ્યૂ એટલે કે મૌખિક પરીક્ષા મહત્વની બનીને આવે છે. એમાં સફળ થયા તો જીવનનૈયા પાર ઉતરી જાય. પણ ખરી મુશ્કેલી અહીં જ આવીને ઊભી રહી છે. જાહેર આયોગ માટે આ આખરી તબક્કાનું આયોજન કરવું એ જ સહેલું સટ નથી. કારણ એ છે કે આવી ઉચ્ચ બંધારણીય સંસ્થામાં જેટલા સભ્યો અને અધ્યક્ષની નિમણૂક થયેલી હોવી જોઈએ તે જ થયું હોતું નથી, થતું નથી.

સુશાસનના તાલીમી વર્ગો ગોઠવાય છે પરંતુ એમાં જોડાયેલો કર્મચારી-અધિકારી વર્ગ જાણે છે કે એનો માથાનો દુઃખાવો તો ખાલી જગ્યાઓનો છે. મંજૂર થયેલ જગ્યાઓમાંથી ઓછી ભરાયેલી હોય અને ખાલી વધુ હોય એવા સંજોગોમાં શાસનને સફળ, પરિણામદાયી અને સુશાસન કેમ બનાવવું એ જ મોટી સમસ્યા બનીને ઊભરી આવે છે.

આરોગ્યતંત્ર હોય, પોલીસતંત્ર હોય, શાળા-કોલેજો હોય કે સરકારી કચેરીઓ હોય, નાના કર્મચારીઓ એ તંત્રના હાથ-પગ હોય છે. એ લકવાગ્રસ્ત હોય, એ ગેરહાજર હોય, તો તંત્ર પોતાનો હિસાબ કેવી રીતે આપી શકે એ પ્રશ્ન મસમોટો છે. ધારાસભ્યનું અવસાન થાય તો જોગવાઈ છે કે વધુમાં વધુ છ માસમાં પેટાચૂંટણી યોજીને પેલી ખાલી જગ્યા પૂરી દેવી. આવી કોઈ જોગવાઈ વહીવટીતંત્ર અંગે બંધનકર્તા કેમ નથી એ મોટી સમસ્યા છે.

સરકારે જે મહેકમ નક્કી કર્યું છે તે સદાય માટે કાર્યરત્‌ હોય એવું આયોજન તો હોવું જોઈએ. આ સંદર્ભમાં આપણે અંગ્રેજ વહીવટને પણ પાછળ પાડી દીધો હોય એવું જણાય છે. કેટલાક લોકો તો એથી આગળ વધીને દેશી રજવાડાના વહીવટને વખાણે છે, એનાં ઉદાહરણો આપે છે. આઝાદ ભારતમાં સરકારો બદલાતી રહે છે, પણ પેલી ખાલી જગ્યાઓ ભરવાની સ્થિતિ પૂરેપૂરી બદલાતી નથી. પ્રજા તરીકે લાભાર્થીઓ તો એનો ભોગ બને જ છે, પણ એથી વધુ ભોગ બને છે આપણી યુવાપેઢી. સમાનતાનો એક અર્થ એ છે કે તકની સમાનતા ઊભી કરવી. તમારી યોગ્ય વયે, યોગ્ય સમયે, તક જ ઉપલબ્ધ ન હોય તો તમે તમારૂં હીર કેવી રીતે પ્રગટ કરી શકો?

યુવાનોની આ અકથ્ય પીડાનો કોઈ ઉકેલ નજરે પડતો નથી. આઝાદ ભારતમાં નાગરિકો અને યુવાનો એટલા તો ડરેલા છે કે પોતાની વ્યથા રજૂ કરતાં પણ ડરે છે. એમાં એમને નુકસાન દેખાય છે; રખેને તંત્ર એને કોઈ રીતે મુશ્કેલીમાં મૂકી દેશે તો? આખા સમાજનો જો માહોલ આ હોય તો આપણે કઈ આઝાદી મેળવી અને કેટલા આઝાદ કહેવાઈએ એ સવાલ તો ઊભા થવાના. સરકાર વધુ આઝાદ હોય ને નાગરિક બંદીવાન હોય તો એને સાચી લોકશાહી ન કહી શકાય. લોકશાહી એટલે લોકો પોતાને આઝાદ અનુભવે, મજબૂત અનુભવે અને મુક્ત અનુભવે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments