કોરોના વાયરસની મહામારીએ વૈશ્વિક કટોકટીની સ્થિતિનું સર્જન કર્યું છે, ત્યારે વિશ્વના મોટા ભાગના દેશોએ વાયરસના ચેપને ફેલાતો અટકાવવા લોકડાઉન લાગુ કર્યું છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં પણ લગભગ દોઢ મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે. આ લોકડાઉનના વ્યવસ્થિત પાલન હેતુ ધોમધખતા તડકામાં પણ પોલીસકર્મીઓ ખડે પગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ લોકડાઉન દરમિયાન સમયનો સદઉપયોગ કરતાં ઘણા યુવાનો અને વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાઓ અને સર્જનાત્મકતા બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા જ એક અમદાવાદના જુહાપૂરા વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય પ્રતિભાશાળી એન્જીનીયરીંગના વિદ્યાર્થી અદીબ મનસુરીએ પોતાના વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની મદદ હેતુ ‘સૌર છત્રી’ બનાવી છે.
યુવાસાથીની ટીમે તેની આ સર્જનાત્મકતા વિશે વધુ માહિતી મેળવવા વાતચીત કરી હતી. વાતચીતના કેટલાંક અંશો અહીં પ્રસ્તુત છે.
અદીબ મનસુરી અમદાવાદના જુહાપૂરામા રહે છે, તેણે એલ.જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી માંથી મિકેનીકલ એન્જીનીયરીંગમા ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે જણાવ્યું કે લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ તેમજ સામાન્ય દિવસોમાં નોકરી કરતા સિક્યોરીટી ગાર્ડ્સ અને રેકડી કરતા લોકોને ઉનાળાની ગરમીમાં છાંયડો મળી રહે તેમજ એક નાનો પંખો અને સેલફોન ચાર્જ કરી શકાય તેવો એક પોઇંટ મળી જાય એવા વિચાર સાથે આ સૌર છત્રી બનાવવાનો મે નિર્ણય કર્યો. આ છત્રીમાં તેના બહારના છાપરાના ભાગ પર સોલર પેનલ લગાડેલ છે, અને અંદરના ભાગ પર તેની સાથે એક પંખો, એક લાઇટ અને એક ચાર્જીંગ પોઇંટનું જોડાણ કર્યું છે. ખાસ બાબત એ છે કે તેને સહેલાઈથી હેરફેર કરી શકાય છે અને ખૂબ નજીવી કિંમતમાં પરવડે તેવી છે. અદીબે જણાવ્યું કે આ સમગ્ર વિચાર અને તેના આધારે તેનું પ્રાથમિક મોડેલ મે તૈયાર કર્યા પછી મે મારા કોલેજના પ્રોફેસર સામે મૂકતાં તેમણે મને ઘણો બિરદાવ્યો અને કેટલીક નાની મોટી સલાહ આપી તેને આખરી રૂપ આપવામાં મારી મદદ કરી. આ છત્રી તૈયાર કર્યા પછી અમે વિસ્તારના PSI સામે રજુ કરી અને તેમના પોલીસકર્મીઓને ભેટ કરવાની અમે રજુઆત કરતાં તેમણે ભારોભાર ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને તેમણે મને અભિનંદન પાઠવ્યા અને આભાર વ્યક્ત કર્યો.
અદીબે જણાવ્યું કે ISRO ના એક વૈજ્ઞાનિકે અને IIT ખરગપૂરના એક પ્રોફેસરે મારો સંપર્ક કરી મારા આ નવીન ઉપકરણ વિશે વિગતે જાણ્યું અને મને અભિનંદન પાઠવ્યા.
અદીબ માસ્ટર્સનો અભ્યાસ કરવા જર્મની જવા ઇચ્છે છે અને તેના માટે તેણે તૈયારી પણ શરૂ કરેલ છે. તે પોતાની આ સફળતા માટેનો શ્રેય તેના માતા-પિતાને આપે છે. અને આ કાબેલિયત માટે અલ્લાહનો આભાર માને છે.
યુવાસાથીની ટીમ તેની આ સફળતા માટે તેને અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવે છે.