Thursday, October 31, 2024
Homeમનોમથંનઅહમદાબાદ, કર્ણાવતી કે આશાવલ?

અહમદાબાદ, કર્ણાવતી કે આશાવલ?

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભઈ પટેલે નિવેદન આપ્યું કે અહમદાબાદનું નામ બદલીને કર્ણાવતી રાખવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ નિવેદન આપતાં જણાવ્યું કે અહમદાબાદનું નામ કર્ણાવતી રાખવા માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયાને સમજવામાં આવશે અને ત્યારબાદ નામ બદલવામાં આવશે. અહમદાબાદના મેયરે પણ જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી આ બાબતે માર્ગદર્શન મેળવવામાં આવશે અને ત્યારબાદ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વર્તમાન સમયમાં શાસક પક્ષ ભાજપ તરફથી ઉત્તર પ્રદેશમાં કેટલાક શહેરોના નામ બદલવાની પ્રક્રિયા થઈ જેનું અનુસરણ કરતા ગુજરાત સરકારે પણ અહમદાબાદનું નામ કર્ણાવતી રાખવાનું નક્કી કર્યું છે જેની પાછળ સ્પષ્ટ આશય જણાય છે કે ૨૦૧૯ના ઇલેકશન વખતે મતોનું ધ્રુવીકરણ થઈ શકે.

૧૯૮૬માં અહમદાબાદમાં કોર્પોરેશનમાં વિજય મેળવવા માટે ભાજપે કર્ણાવતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ભાજપે અહમદાબાદ કોર્પોરેશનમાં વિજય મેળવ્યો હતો. ત્યાર પછી તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર કોંગ્રેસની હોવાથી અહમદાબાદનું નામ બદલીને કર્ણાવતી રાખી શકાય એમ નથી અને આ મુદ્દો અભરાઇએ ચઢાવી દેવામાં આવ્યો. પછી ગુજરાત વિધાનસભાના ઇલેકશન વખતે આ મુદ્દો ફરી બહાર કાઢવામાં આવ્યો અને આ મુદ્દે અને બીજા અન્ય મુદ્દાઓ સાથે ભાજપે ગુજરાત વિધાનસભામાં સત્તા મેળવી. સત્તા મેળવ્યા પછી ભાજપે જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર ન હોવાના કારણે અહમદાબાદનું નામ બદલીને કર્ણાવતી રાખી શકાય એમ નથી. ત્યારબાદ ૨૦૧૪ના લોકસભા ઇલેક્શન વખતે આ મુદ્દો ફરી ઉઠાવવામાં આવ્યો અને લોકસભા ઇલેક્શનમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યો; અને અહમદાબાદ મ્યુ. કોર્પોરેશન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એમ ત્રણેય સ્થાને ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા. હવે ત્રણેય જગ્યાએ સત્તા મેળવ્યા પછી સાડા ચાર વર્ષ સુધી ભાજપને કર્ણાવતીનો મુદ્દો યાદ ન આવ્યો અને હવે જ્યારે કે ૨૦૧૯નું ઇલેક્શન સામે છે ત્યારે ફરી આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે જે સ્પષ્ટપણે ૨૦૧૯ના ઇલેક્શનમાં ધ્રુવીકરણ કરવાનો હેતુ ધરાવે છે.

૨૦૧૪ના લોકસભાના ઇલેકશન વખતે ભાજપના મેનિફેસ્ટોમાં ક્યાંય જણાવવામાં આવ્યું ન હતું કે જા અમે સત્તામાં આવીશું તો શહેરો અને રોડના નામો બદલીશું. ભાજપ મેનિફેસ્ટોમાં જે કાંઈ વાયદાઓ અને વચનો આપેલા તેને ભાજપ સરકાર પૂરા કરી શકી નથી. ૨૦૧૪નું ઇલેક્શન મુખ્યત્વે વિકાસના નામે લડવામાં આવ્યું હતું. પરંતુ આજે સાડા ચાર વર્ષ વીતી ગયા પછી આવનારા ઇલેક્શનમાં ભાજપ વિકાસનો મુદ્દો ઉઠાવી શકે એમ નથી તેથી ફરી એ જ હિંદુત્વના મુદ્દે ધ્રુવીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કોઈપણ સરકારનું આકલન કે એનાલિસિસ તેના મેનિફેસ્ટો અને સરકારની કલ્યાણકારી યોજનાઓ મુજબ કરી શકાય. આજે પણ ભારતીય પ્રજાની મૂળભૂત જરૂરિયાતોની પૂરતી થઈ શકી નથી. રોટી, કપડા અને મકાન ઉપરાંત રોજગાર, તબીબી સવલતો, એજ્યુકેશનની સ્થિતિ ખૂબ જ દયનીય છે, ૪૭% લોકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. આ બધી જવાબદારી સરકારની છે. સરકાર મૂળભૂત જરૂરિયાતોને નજર અંદાજ કરી શહેરોના નામ બદલવા જેવા ગૌણ વિષય ઉપર ધ્યાન આપી રહી છે.

અહમદાબાદનું નામ કર્ણાવતી રાખવાથી શું લોકોની મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ થઈ શકશે? લોકોની સુખાકારીમાં વધારો થઈ શકશે? શહેરનું નામ બદલવાથી શું આપણે વિકાસ કરી શકીશું? નામ બદલીને શું આપણે આપણો ઇતિહાસ બદલી શકીશું? આવા અનેક પ્રશ્નો સામાન્ય પ્રજાના મસ્તિષ્કમાં ઊભા થઈ રહ્યા છે ટીવી ઉપર નિરર્થક ચર્ચા થઈ રહી છે.

અહમદાબાદના ઇતિહાસ મુજબ ૧૪૧૧માં અહમદશાહ બાદશાહે અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી. આ જ ભાજપ સરકારે ૨૦૧૧માં શહેરની ૬૦૦મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરી હતી. આનો અર્થ એ થયો કે ભાજપ સરકારે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે અહમદશાહ બાદશાહે આ શહેરને વસાવ્યું હતું.

અહમદાબાદને હાલમાં જ વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જા મળ્યો છે જે એક અહમદાબાદી તરીકે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની વાત છે. હેરિટેજનો દરજ્જા મેળવવામાં અધિકતર ફાળો અહમદશાહના શાસનકાળના સ્થાપત્યનો રહ્યો છે. જેમકે શહેરને ફરતા અનેક દરવાજાઓ, કાંકરિયા તળાવ, સીદીસૈયદની જાળી, જુમા મસ્જિદ , સરખેજનો રોજા અને પથ્થરવાળી અનેક મસ્જિદ સ્થાપત્યો વગેરે. શું ભાજપ સરકાર અહમદાબાદના નામને બદલીને કર્ણાવતી રાખશે તો દર્શાવેલા બધા જ સ્થાપત્યોને પણ નાબૂદ કરી નાખશે? આજે પણ આ બધા જ સ્થાપત્યો અહમદાબાદની ઓળખ છે. ખાસ કરીને સીદી સૈયદની જાળીની કૃતિને અહમદાબાદની ઓળખ તરીકે દેશ-વિદેશના મહાનુભાવોને આપવામાં આવે છે. હાલમાં જ જાપાનના પ્રમુખ શિંજો આબે અહમદાબાદ પધાર્યા હતા, ત્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તેમને સીદી સૈયદની જાળીનો બેનમૂન નમૂનો બતાવ્યો હતો અને શિંજા આબે પણ તેને જાઈને ખૂબ જ અભિભૂત અને પ્રભાવિત થયા હતા.

આજે આપણી પ્રજાને નામકરણ નહીં પરંતુ મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ, રોજગાર તબીબી સવલતો અને એજ્યુકેશનમાં રસ છે. શહેરોના કે રોડના નામ બદલવામાં પ્રજાને જરા પણ રસ નથી. અહમદાબાદમાં ક્યાંય પણ કર્ણાવતી નામ રાખવા માટે કોઈપણ પ્રકારના આંદોલન કે રેલીઓ કે જાહેર સભાઓ પ્રજાવતિ યોજવામાં આવેલ નથી. તેથી ભાજપ સરકારનું આ પગલું કેમેય કરીને પ્રજાના હિત માટે દેખાતું નથી અને આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ૨૦૧૯ના ઇલેક્શનને દ્રષ્ટિ સમક્ષ રાખી આ બધા કામો કરવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં જ્યારે પણ રાજા-મહારાજાઓ કે મોટા સરમુખત્યારો કોઈપણ દેશ કે શહેર ઉપર વિજય પછી કબજા મેળવતા ત્યારે તેઓ તેના નામ બદલી નાખતા હતા. નરેન્દ્ર મોદી પણ પોતાને એક સરમુખત્યાર સમજે છે. તેમની કામ કરવાની શૈલી પણ દર્શાવે છે કે તેઓ એક સરમુખત્યારની જેમ શાસન કરી રહ્યા છે અને આ જ કારણે અનેક રાજ્યોના શહેરોના અને રોડના નામ બદલી રહ્યા છે. ભારત એક લોકતાંત્રિક અને બિનસાંપ્રદાયિક દેશ છે અને તે બંધારણ મુજબ જ ચાલવો જાઈએ. •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments