ડૉ. આંબેડકર એક એવું નામ છે જેનો પરિચય આપવાની જરૂર નથી. તેઓ માત્ર રાજકીય નેતા જ નહોતા બલ્કે એક ઉચ્ચ કક્ષાના વિદ્વાન, સમાજ સુધારક, કાયદાવિદ, સ્વપ્નદૃષ્ટા અને વિચારશીલ પુરુષ પણ હતા. તેમણે ન માત્ર દલિત સમાજના અધિકારો માટે સંઘર્ષ કર્યો બલ્કે જાતિવાદ અને અસ્પૃશ્યતા સામે પણ બાથ ભીડી. તેમનેે ભારતીય બંધારણના ઘડવૈયા કહેવા અતિશયોક્તિ નથી જેમાં સમાનતા, ન્યાય, બંધુતા અને વ્યક્તિગત સ્વતંત્રતા જેવા નાગરિક અધિકારોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ ના રોજ મહારાષ્ટ્રના મહુમાં થયો હતો. તેઓ મહાર જાતિમાં જન્મેલા, જે તે સમયના હિંદુ સમાજમાં અસ્પૃશ્ય ગણવામાં આવતી હતી. શાળામાં તેમને અસ્પૃશ્યતાનો સામનો કરવો પડયો કારણ કે તેમને ત્યાં પાણીના ઘડાને અડવાની મંજૂરી ન હતી, અને શિક્ષકો તરફથી પણ ભેદભાવ કરવામાં આવતો હતો. ખૂબ જ આર્થિક તંગી અને પીડા સાથે તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને મહારાજા ગાયકવાડની શિષ્યવૃત્તિથી તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૯૨૭ માં ચાવદાર તળાવ સત્યાગ્રહ કર્યો અને ત્યારપછી અસ્પૃશ્યોને પાણી પીવાની મંજુરી મળી. તેમણે મંદિર પ્રવેશ માટે આંદોલન ચલાવ્યું. તેમણે તેમના સમગ્ર જીવનમાં ઘણી બધી કઠણાઈઓનો સામનો કર્યો કેમકે બ્રાહ્મણવાદી અને પરંપરાગત સમાજના લોકો તેમનો વિરોધ કરતાં હતા. પરંતુ ડો આંબેડકરના અજાેડ ધૈર્ય અને સતત સંઘર્ષના કારણે શુદ્રોમાં એક નવી ચેતનાનો સંચાર થયો.
પ્રશ્ન એ ઊભો થાય છે કે તેમને આ વિરોધનો સામનો કેમ કરવો પડયો? તો તેના મૂળમાં હતી વર્ણવ્યવસ્થા !!
વર્ણવ્યવસ્થા એટલે શું ?
હિંદુ સમાજની આ એક પરંપરાગત સામાજિક વ્યવસ્થા છે જે ચાર મુખ્ય વર્ણોમાં વહેંચાયેલી છે. આ વર્ણવ્યવસ્થાનો ઉદ્ભવ પ્રાચીન હિંદુ ગ્રંથો, ખાસ કરીને વેદો અને મનુસ્મૃતિ દ્વારા કરવામાં આવેલ હતો. જે નીચે મુજબ છે.
ब्राह्मणोऽस्य मुखमासीद्बाहू राजन्यः कृतः । ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत ॥(ઋગ્વેદ ૧૦.૯૦.૧૨)
૧. બ્રાહ્મણ – બ્રહ્માના મસ્તકમાંથી ઉત્પન્ન થયા છે. આ સર્વોપરી જાતિ છે જેનું મુખ્ય કાર્ય શિક્ષણ, ધર્મ, અને જ્ઞાનનું છે. તેમાં પંડિત કે શિક્ષક થતાં.
૨. ક્ષત્રિય – બ્રહ્માની ભૂજામાંથી ઉત્પન્ન થયા જેમનું કાર્ય રાજકારણ અને રક્ષણ કરવાનું છે તેઓ રાજા અને યોદ્ધાઓ થતાં.
૩. વૈશ્ય – બ્રહ્માની જંઘામાંથી ઉત્પન્ન થયા. તેમનું કાર્ય વેપાર અને કૃષિ કરવાનો હતો.
૪. શુદ્ર – બ્રહ્માના પગમાંથી ઉત્પન્ન થયાં તેથી તેમનું કાર્ય ઉપરના બધા વર્ણોની સેવા અને મજૂરી કરવાનું હતું.
કહેવાય છે કે શરૂઆતમાં આ વ્યવસ્થા વ્યક્તિની ક્ષમતા (ગુણ) અને વ્યવસાય (કર્મ) આધારિત હતી, પણ પાછળથી તે જન્મઆધારિત બની ગઈ. અને એટલી પ્રબળ રીતે તેને લાગુ કરવામાં આવી કે સ્વતંત્ર ભારતમાં આજે પણ અસ્પૃશ્યતા અને ભેદભાવના પડઘા સંભળાઇ રહ્યા છે. ઘણા ગામડાઓમાં આજે પણ પરિસ્થિતિ દયનીય છે. દલિત મૂછ ન જ રાખી શકે, ન ઘોડી ઉપર ચઢી શકે, ન જ કથિત ઉચ્ચ વર્ગની સોસાયટીમાં ઘર લઈ શકે. હજુ પણ દલિતોને મંદિરમાં પ્રવેશ, એક જ કૂવામાંથી પાણી ભરવું, અને ઉચ્ચજાતિઓ સાથે બેસી ભોજન ખાવું મુશ્કેલ છે. SC/ST Act હોવા છતાં દલિતો સામે હિંસા, ગુનાખોરી (જેમ કે દુષ્કર્મ, મારઝૂડ, જમીન કબજા) અને અન્ય શોષણની ઘટનાઓ થાય છે. કેટલાક દલિત વિસ્તારોમાં જમીન હડપાઈ જાય છે, ઋણમાં ફસાવાઈ જાય છે, અને રાજકીય શક્તિઓ તેમના હકોને દબાવે છે.
शूद्रं तु कारयेद् दास्यं क्रीतमक्रीतमेव वा ।
दास्यायैव हि सृष्टोऽसौ ब्राह्मणस्य स्वयम्भुवा મનુસ્મૃતિ (8.413):
પરંતુ શુદ્ર, ભલે ખરીદેલ હોય કે ન ખરીદેલ, તેને સેવાનું કામ કરાવવું પડશે; કારણ કે તેને સ્વજન્મ દ્વારા બ્રાહ્મણ માટે સેવાનું કામ કરવા માટે બનાવવામાં આવ્યો છે.
एकमेव तु शूद्रस्य प्रभुः कर्म समादिशत् ।
एतेषामेव वर्णानां शुश्रूषामनसूयया ॥ મનુસ્મૃતિ (1.91):
“એક જ જાતિ માટે એક જ ધર્મ છે, પણ શુદ્રો બ્રાહ્મણોની સેવા કરીને જ મોક્ષ મેળવી શકે.”
બ્રાહ્મણ તથા બીજાઓની દેહાંત સજામાં પણ અસમાનતા હતી, દા. ત.
मौण्डयं प्राणान्तिको दण्डो ब्राह्मणस्य विधीयते ।
इतरेषां तु वर्णानां दण्डः प्राणान्तिको भवेत् ।। (મનુસ્મૃતિ ૯: ૩૭૯)
(વ્યભિચારના અપરાધમાં) બ્રાહ્મણનું માથું મુંડી નખાવવું, એ જ એને માટે દેહાંતદંડ ગણાય છે, પણ બીજા વર્ણોને તો (અપરાધ બદલ) દેહાંતદંડની જ સજા હોય.
મનુસ્મૃતિકાળમાં સ્ત્રીઓની દશા:
આવી જ રીતે સ્ત્રીઓને પુરુષોની તુલનાએ નીચી માનવામાં આવતી હતી, જે સમકાલીન દૃષ્ટિકોણથી વિવાદાસ્પદ ગણાય છે.
“સ્વતંત્રતામનાર્હસ્ય સ્ત્રિય:” મનુસ્મૃતિ (૯.૩):
(અર્થ: સ્ત્રીને કદી પણ સંપૂર્ણ સ્વતંત્રતા આપવી ન જાેઈએ.)
बाल्ये पितृवशे तिष्ठेत्पाणिग्राहस्य यौवने ।
पुत्राणां भतेरि प्रेते न भजेत्त्री स्वतन्त्रताम् ॥ મનુસ્મૃતિ (5.148)
“પિતા બાળપણમાં, પતિ યુવાવસ્થામાં અને પુત્ર વૃદ્ધાવસ્થામાં સ્ત્રીનું રક્ષણ કરે. સ્ત્રી કદી સ્વતંત્ર નથી.”
એ જ રીતે સ્ત્રીઓને શિક્ષણ અને સાંસ્કૃતિક જીવનમાં ભાગ લેવાની મંજૂરી ન હતી. કેટલીક જગ્યાએ શુદ્ર સ્ત્રીને તેમની છાતી ઢાંકવાનો પણ અધિકાર ન હતો અથવા બ્રેસ્ટ ટેક્ષ આપવો પડતો હતો. સતી પ્રથા એટલે સ્ત્રીને પતિના મૃત્યુ બાદ તેના સાથે જ દહન થવાની પ્રથા હતી. વિધવાઓ પુનર્વિવાહ કરી શકતી ન હતી. વેદોમાં સ્ત્રીઓને મિલકતના હકો હતા, પણ મનુસ્મૃતિ પછી તેઓ આ અધિકારો ગુમાવી બેઠી. (સંદર્ભ આપવા અત્યારે અસ્થાને છે લખાણ લાંબુ થઈ જશે.)
શા માટે આંબેડકરે ધર્મ પરિવર્તન કર્યો?
જાતિવાદ અને અસ્પૃશ્યતા, શૂદ્રોનો અનાદર, સામાજિક ધાર્મિક અસમાનતા, ભેદભાવ, શૈક્ષણિક અને રાજકીય અન્યાય વગેરે કારણોથી ડૉ.બાબાસાહેબ આંબેડકરે હિંદુ ધર્મ ત્યાગવા અંગે સ્પષ્ટ અને તીવ્ર મંતવ્ય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે, “હું હિંદુ તરીકે જન્મ્યો છું, પણ હિંદુ તરીકે મરીશ નહીં.” અને કહ્યું કે, “હિંદુ ધર્મમાં જન્મ લેવો કદાચ ભાગ્ય હોઈ શકે, પણ હિંદુ ધર્મમાં મરણ મારી પસંદગી રહેશે નહીં”. અને આંબેડકરે ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ના રોજ લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, કારણ કે તેઓ માનતા હતા કે હિંદુ ધર્મમાં સમાનતા અને માનવાધિકાર શક્ય નથી. તેમણે કહ્યું કે “હું ધર્મ બદલું છું, કારણ કે જે ધર્મ મને સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો ન આપે, તે ધર્મ મારા માટે નથી.”
ડૉ.આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કારણ કે તેઓ ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મમાં જઈને સંપૂર્ણપણે અલગ થઈ જવા માંગતા ન હતા. તેમણે ‘મૂળ ભારતીય’ સંસ્કૃતિ સાથે જાેડાયેલા રહી સમાનતા પ્રાપ્ત કરવી હતી. કેમકે તેમની મૂળ લડાઈ ધર્મ પરિવર્તન માટે નહીં પણ સામાજિક ક્રાંતિની હતી. જાે કરોડો દલિતો મુસ્લિમ બની જાય તો, દલિત હિતોની લડત એક અલગ દિશામાં જઈ શકે. તેમજ એવું પણ શક્ય છે કે તેમને મુસ્લિમ સમાજમાં પણ કઈંક અંશે જાતિવાદ કે ઊંચ-નીચનો અનુભવ થયો હોય.
બૌદ્ધ ધર્મ સ્વીકારવાથી સમાજમાં તેમના અનુયાયીઓની પરિસ્થિતિમાં થોડો સુધાર થયો, પણ પૂર્ણ ઇચ્છિત પરિવર્તન આવ્યું નહીં. દલિત અને બૌદ્ધો શોષિત વર્ગમાં જ રહ્યાં, કેમ કે તેમની પાસે જમીન, ધંધો અથવા મજબૂત આર્થિક આધાર ન હતા, અને આર્થિક અને સામાજિક વલણમાં પણ કોઈ વિશેષ બદલાવ ન આવ્યો. અને વાસ્તવિકતા આ છે કે જે ક્ષેત્રોમાં દલિત સશક્ત થયા છે તેમાં સામાજિક જાગૃતિની ભૂમિકા ઓછી, બંધારણે આપેલ સંવિધાનિક સુરક્ષા વધુ હતી. ભારતીય સંવિધાન મુજબ સમાનતા (આર્ટિકલ ૧૪), ભેદભાવ વિરોધ (આર્ટિકલ ૧૫), અને છૂતઅછૂત વિરોધી કાયદા (SC/ST Act, ૧૯૮૯) અને સરકારી નોકરીઓ, શાળાઓ અને રાજકારણમાં અનામત (Reservation) છે જેના કારણે કેટલાક દલિતો ઉચ્ચ પદો પર પહોંચી શક્યા.
ઇસ્લામ અને સમાનતા
મુસ્લિમ સમાજમાં ભારતીય સંસ્કૃતિના આધીન અજ્ઞાનતાવશ કોઈ સામાજિક ભેદભાવ હોઈ શકે, પરંતુ સામાન્યત: સૈદ્ધાંતિક અને વ્યવહારુ રીતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ શક્ય નથી. સરકાર તરફથી ‘અશરફ’ (ઉચ્ચ વર્ગ), ‘અજલફ’ (મધ્યમ વર્ગ), અને ‘અરઝલ’ (અંત્યજ) શબ્દોનો દુરુપયોગ કરી દુષ્પ્રચાર કરવામાં આવે છે. કેમકે આ બાબતે ઇસ્લામનું શિક્ષણ ખુબ જ સ્પષ્ટ અને સચોટ છે. ઇસ્લામે સમાનતા, બંધુતા, ન્યાય, જાતિગત ભેદભાવ વિષે જે શિક્ષણ આપ્યું છે અને જે આદર્શ સમાજની રચના કરી છે તે બેજાેડ છે. અમુક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે.
કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે,
૧. બધા માણસો સમાન છે
“હે મનુષ્યો! અમે તમારૂં નિર્માણ એક પુરુષ અને એક સ્ત્રીમાંથી કર્યું છે અને પછી તમને વિવિધ જાતિઓ અને વંશોમાં વહેંચ્યા છે, જેથી તમે એકબીજાને ઓળખી શકો. અલબત્ત, અલ્લાહની નજરમાં સૌથી વધુ સમ્માનનીય એ છે, જે તમારામાં સૌથી વધુ પરહેજગાર છે. ખરેખર, અલ્લાહ સર્વજ્ઞ અને વાકેફ છે.” (કુર્આન, ૪૯:૧૩)
૨. માનવીય સમાનતા અને ન્યાય
“હે ઈમાનવાળાઓ! હંમેશાં અલ્લાહ માટે ન્યાયના સમર્થક બનો, ભલે તે તમારા પોતાના, તમારા માતા-પિતાના કે નજીકના સંબંધીઓ વિરુદ્ધ જાય.” કુર્આન, ૪:૧૩૫)
૩. માનવજાતિના મહાન દરજ્જાની ઘોષણા
“અને નિશ્ચય જ, અમે આદમની સંતાનને મહાન બનાવ્યા છે, તેમને જમીન અને સમુદ્રમાં પરિવહન માટે સક્ષમ બનાવ્યા છે, અને તેમને શ્રેષ્ઠ જીવનોપયોગી વસ્તુઓ પ્રદાન કરી છે, તેમજ તેમને ઘણી જ સૃષ્ટિઓ કરતાં શ્રેષ્ઠ બનાવ્યા છે.” (કુર્આન, ૧૭:૭૦)
૪. કોઈ જાતિ કે રંગને અન્ય પર અગ્રતા નથી
હઝરત મુહમ્મદ સ.અ.વ. ફરમાવે છે, “કોઈ અરબીને અજમી (અરબી સિવાયના) પર કે કોઈ અજમીને કોઈ અરબી પર, કે કોઈ શ્વેતવર્ણ વ્યક્તિને કાળાવર્ણ પર કે કાળાને શ્વેત પર કોઈ અગ્રતા નથી; માત્ર તેમના તકવા (ધાર્મિકતાના સ્તર) સિવાય.” (મુસ્નદ અહમદ: ૨૨૩૯૧)
૫. સ્ત્રી પુરુષ સમાનતા
“અલ્લાહે તેમની પ્રાર્થનાને સ્વીકારી. હું તમારા કોઈ પણ કર્મને વ્યર્થ જવા દઈશ નહીં, ભલે તે પુરુષ હોય કે સ્ત્રી. તમે એકબીજાના ભાગીદાર છો.” (કુર્આન, ૩:૧૯૫) ; “અને સ્ત્રીઓને એવા જ હક્કો પ્રાપ્ત છે, જેમ કે તેમનો ઉલ્લેખ તેમના પરની જવાબદારી તરીકે થાય છે, ન્યાયસંગત રીતે” (કુર્આન, ૨:૨૨૮) ; “અને તે વસ્તુઓની ઇચ્છા ન કરો, જેમાં અલ્લાહે કેટલીક જાતિઓને અન્ય પર શ્રેષ્ઠતા આપી છે. પુરુષોને તેમની કમાણીમાં હિસ્સો છે અને સ્ત્રીઓને પણ તેમની કમાણીમાં હિસ્સો છે.”(કુર્આન, ૪:૩૨)
ઇસ્લામમાં સમાનતા અને માનવીય ગૌરવ માટે કોઈ ભેદભાવ નથી. કુર્આન અને હદીસમાં જણાવાયું છે કે દરેક વ્યક્તિ જાતિ, રંગ, અને ભાષા આધારે સમાન છે, માત્ર અલ્લાહનો ભય અને ન્યાયપરાયણતા જ મહત્વ ધરાવે છે. હઝરત બિલાલ રદિ.ને આપ સ.અ.વ. દ્વારા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થવું, નમાઝમાં રાજા અને રંકને એક જ કતારમાં ઊભા રહેવું, હજ્જના સમયે એક સમાન વસ્ત્રો ગ્રહણ કરવા, કાનૂનનું નિષ્પક્ષ અને ભેદભાવ વગર લાગુ થવું વગેરે ઇસ્લામની સુંદરતા અને શ્રેષ્ઠતાના પ્રતીક છે. ઇતિહાસ સાક્ષી છે કે જે લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો હતો તેમને માનવીય સ્વતંત્રતા, ગરિમા અને સમાન અધિકારો પ્રાપ્ત થયા.