લે. સલમાન અહમદ
થોડા મહિનાઓ પહેલાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા. લગ્ન પછીની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. આ લગ્ન સમારોહમાં વિશ્વભરની હજારો હસ્તીઓએ ભાગ લીધો હતો. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ આ સમારોહમાં લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણા સમયથી આ ઘટનાઓની ચર્ચા થઈ રહી છે. વ્યક્તિ અથવા કુટુંબના વ્યક્તિગત સુખ, ઇચ્છાઓ અને બાબતોને ધ્યાનમાં ન લઈએ તો પણ આ પ્રકારની ઘટનાઓ સામૂહિક સામાજિક મનોવિજ્ઞાન, સામાજિક અપેક્ષાઓ અને ધોરણો અને વલણો પર ઊંડી અસર કરે છે. આવા સંજોગોમાં આ બાબતે લોકોને યોગ્ય અને સંતુલિત માર્ગદર્શન આપવામાં આવે અને ધન અને શક્તિના પ્રદર્શન અને અપવ્યય પર આધારિત આવી ઘટનાઓની અનિષ્ટ અસરોથી સમાજને બચાવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવે તે અત્યંત આવશ્યક બની જાય છે.
આ સંદર્ભમાં, નીચે કેટલીક મહત્ત્વપૂર્ણ ભલામણો રજૂ કરવામાં આવી રહી છે. આશા છે કે આ મુદ્દાઓને જાહેર ચર્ચાનો વિષય બનાવીને, ઇસ્લામ દ્વારા રજૂ કરાયેલ સાદગીપૂર્વક્ના લગ્નના સરળ ખ્યાલની તરફેણમાં લોકોનો સકારાત્મક અભિપ્રાય બનાવવાના પ્રયાસોમાં સંપૂર્ણ સહયોગ મળશે.
૧. લગ્ન વધુ ને વધુ મુશ્કેલ બનતા આપણા દેશમાં ખર્ચાળ લગ્નનું એક સામાજિક દૂષણ વ્યાપી ગયું છે. દેશમાં ગરીબી, બેરોજગારી, સામાજિક-આર્થિક અસમાનતાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં દહેજ, લગ્ન-ઉજવણીમાં બિનજરૂરી ઉડાઉપણું , છોકરા-છોકરીઓ તરફથી વિવિધ બાબતો અંગે અવાસ્તવિક અપેક્ષાઓ વગેરેને કારણે મામલો વધુ બગડી રહ્યો છે. પ્રગતિ ગ્રામ ઉદ્યોગ અને સમાજ કલ્યાણ સંસ્થાન (PGS)ના સંશોધન મુજબ, દેશમાં લગભગ ૬૦% પરિવારો લગ્ન માટે લોન લે છે. ઇન્ડિયા લેન્ડ્સ અનુસાર સામાન્ય લોકો દ્વારા લેવામાં આવેલી લોનની યાદીમાં લગ્નની લોન ટોચ પર છે. આ લોન પરનો વ્યાજ દર ૧૦.૫% થી લઈને ૩૭% સુધીનો છે. વ્યાજખોરો પાસેથી લીધેલ લોન કેવી રીતે જીવન બરબાદ કરી રહી છે તેની એક ઝલક ‘ઇન્દુમતી’નાં જીવનમાંથી મળી શકે છે. ‘ડેક્કન ક્રોનિકલ’ અનુસાર, ૨૦૧૬ માં, તમિલનાડુમાં ૫૮ વર્ષીય ખેડૂત, ‘મિથુ’એ તેની પત્ની, પુત્ર અને પુત્રી સાથે માત્ર એટલા માટે આત્મહત્યા કરી હતી, કારણ કે તેને લગ્ન માટે લોન ન મળી શકી. આ અકસ્માતની વિગતો ખૂબ જ દર્દનાક છે, તપાસ મુજબ પહેલાં દીકરી ઇન્દુમતિએ ‘મારા કારણે આ આર્થિક સમસ્યા ઊભી થઈ છે’ તેમ કહીને આપઘાત કર્યો હતો, દીકરી અને બહેનના આ દર્દનાક મોતથી માતા-પિતા અને ભાઈને પણ અસર થઈ હતી અને આખું કુટુંબ વિખેરાઈ ગયું.
૨. નકામા ખર્ચાવાળા અમીરોના લગ્ન ગરીબો માટે આપત્તિ છેઃ ઘણા લોકો આ વાતને સમજે છે અને કહે છે કે જો કોઈ શ્રીમંત અને પૈસાદાર વ્યક્તિ પોતાની સાધનસામગ્રી અનુસાર લગ્ન સમારોહનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરે છે તો તેમાં ખોટું શું છે? છેવટે, તે પોતાની સંપત્તિનો ખર્ચ કરે છે, અન્ય કોઈને અતિશય ખર્ચ કરવા માટે દબાણ કરતું નથી, એવું કહેવાય છે કે સમાજના પ્રભાવશાળી લોકોનું વર્તન સામાજિક વલણ અને ધોરણોની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જ્યારે શ્રીમંત લોકો તેમના લગ્નની બાબતોને ચોક્કસ રીતે આયોજન કરવાનું શરૂ કરે છે, ત્યારે તે સમાજના અન્ય સભ્યો પર ધનિકોના ધોરણો અનુસાર તેમને અનુસરવાનું દબાણ કરે છે, અને આ દબાણ ઘણીવાર એટલું તીવ્ર હોય છે કે સૌથી મજબૂત વ્યક્તિ પણ આ દબાણથી પોતાને મુક્ત કરી શકતી નથી. આ લગ્નો પર સરેરાશ ૧૨.૫ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ધ ન્યૂઝ મિનિટના હેડ ઑફ એડિટોરિયલ રિપોર્ટિંગ, પૂજા પ્રસન્નાના જણાવ્યા અનુસાર, દેશમાં લોકો લગ્નો પર શિક્ષણ કરતાં બમણો ખર્ચ કરે છે. દેશમાં સૌથી મોંઘા લગ્ન કેરળ અને દિલ્હીમાં થાય છે.
વાસ્તવિક જીવનના ઉદાહરણ સાથે સામાજિક દબાણ કેવી રીતે કાર્ય કરે છે તે સમજો. જો કે મુકેશ અંબાણીએ તેમના પુત્રના લગ્નમાં હજારો કરોડો રૂપિયા ખચ્ર્યા હતા, તે તેમની કુલ સંપત્તિના ૧% કરતા પણ ઓછા છે, તેથી આ ઉડાઉ તેમના આર્થિક સ્વાસ્થ્ય પર વધુ અસર કરશે નહીં, પરંતુ જ્યારે આ પ્રકારની સંપત્તિનું પ્રદર્શન દેખાડે તેવા લગ્નો સામાન્ય બની જાય તો જેમની પાસે થોડી સંપત્તિ છે તેઓને પણ પોતાના અને તેમના પરિવારના લગ્નો પાછળ વધુ ખર્ચ કરવાની ફરજ પડશે. ફ્રાન્સિસ બુલોક, સોનાલ્ડે દેસાઈ અને વિજેન્દ્ર રાવે કર્ણાટકમાં ૮૦૦ ગરીબ પરિવારોનો સંશોધન સર્વેક્ષણ હાથ ધર્યો હતો. સર્વેક્ષણના પરિણામો ખૂબ જ ચોંકાવનારા અને દર્દનાક છે, સર્વેક્ષણ મુજબ, કર્ણાટકમાં આ પરિવારો તેમની ર્વાષિક આવક કરતાં લગભગ ૬ ગણો વધુ ખર્ચ લગ્ન પર કરે છે અને આ ખર્ચ મુખ્યત્વે તેમની સારી સામાજિક સ્થિતિને સાબિત કરવા અથવા તેને જાળવી રાખવા માટે કરવામાં આવે છે. તેમનો સંપન્ન અને સભ્રાંત હોવાનો ભ્રમ તેમને આવા દેખાડા માટે પ્રેરે છે. હવે, થોભો અને આ સંખ્યા વિશે વિચારો. શ્રીમંત વ્યક્તિનો અતિરેક તેના આર્થિક સ્વાસ્થ્યને અસર નથી કરતો, પરંતુ તે પોતાના કાર્યો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પર જે સામાજિક દબાણ ઊભું કરી રહ્યો છે તે તેમને ગરીબીની દલદલમાં ધકેલી રહ્યું છે. પ્રોફેસર પી. સાઇનાથના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ૬ જિલ્લાઓમાં માત્ર એક વર્ષમાં, સત્તાવાર આંકડા અનુસાર, ૩ લાખથી વધુ પરિવારોને ઓળખવામાં આવ્યા છે જ્યાં છોકરીઓના લગ્ન નથી થઈ રહ્યા. આ માત્ર ૬ જિલ્લાનો મામલો છે અને કુલ સંખ્યા દેશમાં જિલ્લાઓની સંખ્યા ૭૮૮ છે. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે આ સમસ્યા કેટલી ગંભીર બની ગઈ છે. આ સમસ્યાની ગંભીરતાને સમજવા માટે આ પ્રકારના ડેટાની જરૂર નથી. જો આપણે આપણી આસપાસના લોકોના જીવન પર નજર કરીએ, તો આપણે ડઝનેક દાખલાઓ આપણી આસપાસના પરિવારોમાં સરળતાથી જોઈ શકીએ છીએ કે જેઓ આ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
૩. સરળ લગ્નની સકારાત્મક કહાનીઓ પણ છેઃ સરળ લગ્નને લઈને અમારી વચ્ચે ઘણાં દૃષ્ટાંત છે. આપણે ઉડાઉ લગ્નોની જાહેર ટીકા કરતાં હકારાત્મક ઉદાહરણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સમયે, અમે સરળ લગ્નની તરફેણમાં લોકોના અભિપ્રાયને તાલીમ આપવા અને સુગમ બનાવવા અંગે કેટલાક સકારાત્મક ઉદાહરણો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.
હઝરત અબ્દુલ રહેમાન બિન ઔફ રદિ. તેમના સમયના સૌથી ધનિક લોકોમાંના એક હતા. તેઓ એક સફળ ઉદ્યોગપતિ હતા. એક સંશોધન મુજબ તેમની કુલ સંપત્તિ લગભગ ૭ બિલિયન ડૉલર હતી પરંતુ જ્યારે તેમણે મદીનામાં અન્સારની એક મહિલા સાથે લગ્ન કર્યા ત્યારે લગ્નની સરળતા અને સાદગીની નિશાની એ હતી કે તેમણે આ લગ્નની જાણ અલ્લાહના પયગંબર સ.અ.વ.ને પણ કરી ન હતી. ન તો તેઓએ ઘણા લોકોને આમંત્રણ આપ્યું હતું. આ ઘટનાનું એક અનોખું પાસું એ છે કે અબ્દુલ-રહેમાન બિન ઔફ રદિ.એ જાણ કર્યા વિના લગ્ન કર્યા ત્યારે કોઈ એક વ્યક્તિએ પણ આશ્ચર્ય અથવા અણગમો વ્યક્ત કર્યો ન હતો. સહીહ બુખારીમાં આ લગ્નની વિગતો નીચે મુજબ નોંધવામાં આવી છે. અનસ બિન મલિક રદિ. વર્ણન કરે છે કે અબ્દુલ-રહેમાન બિન ઔફ રદિ. અલ્લાહના પયગંબર સ.અ.વ.ની સેવામાં આવ્યા અને તેમની પાસે નિકાહ સૂત્રના ચિહ્નો હતા (પીળું અત્તર). અલ્લાહના પયગંબર સ.અ.વ.એ તેમને (આ ચિહ્નો વિશે) પૂછ્યું. અબ્દુલ રહેમાન બિન ઔફ રદિ.એ કહ્યું કે મેં અન્સારની એક મહિલા સાથે લગ્ન કર્યા છે. પયગમ્બર સ.અ.વ.એ પૂછ્યું કે તમે તેને કેટલી મહેર આપી? તેઓએ કહ્યું કે મેં પામ સ્ટોન જેટલું સોનું ચૂકવ્યું. અલ્લાહના પયગંબર સ.અ.વ.એ તેમને કહ્યું, “લગ્નની મિજબાની કરો ભલે તે (માત્ર) એક બકરી હોય.” (અનુવાદ)
આ કેટલી સુંદર વાત છે કે જ્યારે લોકો અનંત અંબાણી અને તેના જેવા લગ્નોને એક મોડેલ તરીકે જોઈ રહ્યા હોય, તેની ચર્ચાઓ થતી હોય ત્યારે હઝરત અબ્દુલ રહેમાન બિન ઔફ રદિ.ના લગ્નની પદ્ધતિને ચર્ચાનો વિષય અને કેન્દ્ર બનાવવામાં આવે. જ્યારે અનંત અંબાણીના લગ્નમાં સામેલ થયેલા દુનિયાભરના મોટા નામો વિશે લોકો વાત કરી રહ્યા હોય ત્યારે આપણે તેમને જણાવીએ કે એક સહાબીએ પોતાના પ્રિય અતિ પ્રિય પયગંબર સ.અ.વ.ને આમંત્રણ આપ્યા વિના લગ્ન કરી લીધા હતા. જ્યારે લોકો લગ્નમાં થતા ખર્ચથી મંત્રમુગ્ધ થતા હોય ત્યારે આપણે તેમને અબ્દુલ રહેમાન બિન ઔફ રદિ.ના માનવતાના વિકાસ અને ભલાઈ અને ન્યાયના પ્રચાર માટે કરેલા ખર્ચની વાર્તા કહીએ અને સમાજના અંતરાત્માને લગ્નના આ બંને અબજોપતિઓના વિવાહના મોડલથી વાકેફ કરાવીએ. બંને અબજોપતિઓનાં વિવાહના મોડેલના તફાવતને સમજાવીને તેમને વધુ સારા રોલ મોડલ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરીએ. કોઈ કહી શકે કે આ બંને તો જુદા જુદા જમાનાની વાતો છે, એક ધામિર્ક વ્યક્તિ અને રસૂલનો સહાબી છે. આજના યુગમાં ધનિક લોકો આવું ન કરે, જો તમને પણ એવું જ લાગતું હોય તો નીચેની યાદી અને તેની વિગતો તપાસો.
૧. મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગ અને પ્રેસ્કીલાચાને ૨૦૧૨માં તેમના ઘરના પાછળના ભાગમાં તેમના ટૂંકા લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં ૧૦૦થી ઓછા મિત્રો અને પરિવારના સભ્યો હાજર હતા. મીડિયા અહેવાલો અનુસાર, ઇવેન્ટમાં સ્થાનિક રેસ્ટોરન્ટમાં તૈયાર કરાયેલ મેક્સિકન ફૂડ, સુશી અને સ્થાનિક રીતે બનાવેલી ચોકલેટ પેસ્ટ્રી ($૩.૫૦) પીરસવામાં આવી હતી.
૨. વિશ્વના ૧૦ સૌથી ધનાઢ્ય લોકોમાંના એક વોરેન બફેટે ૨૦૦૬માં તેની પત્ની સુસાન બફેટના મૃત્યુ બાદ એસ્ટ્રિડ મેન્ક્સ સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, રિજન્સીમાં બોનફિશ ગ્રિલ નામની નજીકની સીફૂડ રેસ્ટોરન્ટમાં પોસ્ટ-વેડિંગ ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
૩. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે ૮ માર્ચ, ૧૯૯૧ના રોજ યોસેમિટી નેશનલ પાર્કની અહોની હોટેલમાં બૌદ્ધ સાધુ કોબાન ચિનો ઓટોગાવાના નેતૃત્વમાં ખૂબ જ સાદા ઝેન બૌદ્ધ સમારોહમાં લોરેન પોવેલ સાથે લગ્ન કર્યા હતા.
૪. અઝીમ પ્રેમજીના પુત્ર રશદ પ્રેમજીના લગ્ન ૨૦૧૫માં થયા હતા. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, લગ્નમાં લગભગ ૧૫૦ મહેમાનો આવ્યા હતા. આ સમારોહ બેંગ્લોરની એક હોટલમાં યોજાયો હતો અને પરિવારે સજાવટ અને ઉજવણી સાદી રાખી હતી.
૫. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ ૧૯૬૬માં ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, અઝીમ પ્રેમજીના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી.
અમે અહીં કેટલાક સેલિબ્રિટીના લગ્ન સમારોહને હાઇલાઇટ કર્યા છે. આ વિગતોનો ઉપયોગ કરવાની સાથે સાથે, અલ્લાહના પયગંબરના સાથીઓના લગ્ન, તેમજ આપણી આસપાસ બનતા સાદા લગ્નોને સમયાંતરે સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. વિવિધ સંસ્થાઓનાં સાદા સમૂહ લગ્ન સમારંભો નિયમિતપણે યોજવામાં આવતા હોય, તે પ્રત્યે લોકોનું ધ્યાન આર્કષિત કરવા અને તેને ચર્ચાનો વિષય બનાવવા પ્રયાસો કરવા જોઈએ. ચાલો આપણે આપણા અને આપણા પરિવારના લગ્ન શક્ય તેટલા સાદા અને સરળ બનાવવાનો પ્રયાસ કરીએ અને સાદા લગ્નની તરફેણમાં વ્યવહારૂ સાક્ષી બનીએ, જેથી ઉડાઉ અને અપવ્યય વગરના સાદા લગ્ન એક સામાજિક ચલણ બની શકે.
યાદ રાખો કે સાચો નમૂનો અને મજબૂત કથાનક અને વ્યવહારૂ વર્ણન સામાજિક ધોરણોને બદલી નાખશે, જ્યારે આવું થશે ત્યારે આજે જે નિરર્થક સમારંભો છે, આવતીકાલે તેમના પ્રત્યે અણગમો અને અરુચિ પેદા થશે અને સરળ લગ્નોને સ્વીકૃતિ મળશે અને તેના પ્રત્યે તિરસ્કાર સમાપ્ત થઈ એક સામાજિક ધોરણ આકાર પામશે, ઇન્શાઅલ્લાહ. અલ્લાહ આપણ સૌને આ દિશામાં વિચારવાની અને સખત મહેનત કરવાની ક્ષમતા આપે. (આમીન) •••