નવી દિલ્હી,
દિલ્હીની અદાલતે આસિફ ઇકબાલ તન્હા, નતાશા નરવાલ અને દેવાંગના કાલિતાને તાત્કાલિક મુકત કરવાનો આદેશ આપ્યો, ત્યારબાદ ગુરુવારે સાંજે ત્રણેય વિદ્યાર્થીઓને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
જેલમાંથી મુક્ત થતાં જ સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાના સભ્યો અને જામિયા મિલીયા ઈસ્લામીયાના વિદ્યાર્થીઓ દ્વારા આસિફ ઈકબાલ તન્હાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તન્હાએ સફેદ માસ્ક પહેર્યું હતું, જેના ઉપર NO CAA અને NO NRC લખેલું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓના વિશાળ મેળાવડાને સંબોધતા આસિફ ઇકબાલે કહ્યું હતું કે, “હું સર્વશક્તિમાન અલ્લાહ અને મારા તમામ ટેકેદારો, મારા વકીલો અને અન્ય લોકોની મુક્તિ માટે લડત લડનારા બધા લોકોનો આભારી છું.” તન્હાએ આશા વ્યક્ત કરી હતી કે, ટુંક સમયમાં જ એ તમામ રાજકીય કેદીઓ જેઓને તેમની વિચારધારા અને ઓળખ માટે જેલની પાછળ રાખવામાં આવ્યા છે, તેઓને જલ્દીથી છૂટા કરવામાં આવશે.
આસિફ ઇકબાલે સરકારને અપીલ કરી હતી કે જેલમાં કોવિડની સમસ્યાઓ હલ કરવામાં આવે. વધારે ભીડ ન થાય તે માટે, નાની અને નજીવી ઘટનાઓના કેદીઓને મુક્ત કરવામાં આવે અને તમામ કેદીઓને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં આસિફ ઇકબાલે પુનરોચ્ચાર કર્યો કે તેમની લડત CAA વિરુદ્ધ છે, જે લોકો પ્રત્યે ભેદભાવ રાખે છે, કોઈ ખાસ વિશ્વાસમાં માનનારા લોકોની વિરુદ્ધ નહીં. અમારો શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહેશે. આસિફે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે આદરણીય અદાલતે ભારપૂર્વક કહ્યું હતું કે અમારા શાંતિપૂર્ણ અને લોકશાહી પ્રદર્શનોનો તોફાનો સાથે કોઈ લેવા દેવા નથી. મને આશા છે કે આ નિર્ણય મહત્વપૂર્ણ અને આદર્શ રહેશે.
ન્યાયતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરતાં, આસિફ ઇકબાલ તન્હાએ આશા વ્યક્ત કરી કે આ કેસોની ઝડપથી સુનાવણી કરવામાં આવશે અને અમે બધા જ નિર્દોષ છૂટી જશું.
આ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ ઉમર ખાલિદ, શર્જીલ ઇમામ અને અન્ય વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ કરી હતી.