બિહારનું રાજકારણ ખુબ રોમાંચક રહ્યું. તમામ રાજકીય પંડીતોના વિશ્લેષણો ખોટા પડ્યા. તમામ Exit Pollએ ખરેખર Exit થઈ જવું જાેઈએ કાંતો ખોટી ભવિષ્યવાણી કરતાં અટકી જવું જાેઈએ. નિતિશ અને ભાજપાને સરકાર બનાવતા તમામ પરિબળોએ સક્રિય ભૂમિકા ભજવી. ડર, લાલચ, દંડ, રાષ્ટ્રવાદ, જાતિવાદ અને ફાસીવાદના તમામ મુદ્દાઓ જીતી ગયા અને લોકતંત્ર અને તેના મૂલ્યો હારી ગયા.
હવે તો બિહારની જનતા જ નહિં સમગ્ર દેશ ગરીબી, બેકારી, રોજગાર, વિકાસ જેવા મુદ્દાઓ સદંતર ભુલતા જાય છે. દેશમાં ચૂંટણી ભોળી જનતા માટે ઘર્મ જાતિ આધારિત છે. જ્યારે ધુતારાઓ માટે વ્યક્તિગત લાભ-ગેરલાભના સરવાળા-બાદબાકીનું અવસર છે.
સરકાર બનાવવા જરૂરી ૧૨૨ સીટો હાંફતા હાંફતા પણ NDAએ હાંસલ કરી. રાષ્ટ્રિય જનતા દળ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે પોતાની ગરીમા જાળવી રાખી છતાં ૫ સીટોનું નુકસાન થયું. નિતિશકુમારની હાલત સૌથી કફોડી છે, તે મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા છતાં બિહારમાં સૌથી મોટા Loser છે. ગત ચૂંટણી પરિણામોના મુકાબલે ૨૮ સીટોનું નુકસાન દર્શાવે છે કે તેમનું રાજકીય કદમાં કયાં સુધી ઘસારો થયો છે. સૌથી શાનદાર પ્રદર્શન ૨ રાજકીય પક્ષોએ કર્યું છે. નં. ૧ ભાજપાએ ૨૧ સીટોના વધારા સાથે કુલ ૭૪ સીટો કબ્જે કરી રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી બની. સૌથી મોટા પક્ષ એવા રાજદથી ભાજપા માત્ર ૧ સીટ પાછળ હોઈ બંને પક્ષોનું પ્રભુત્ત્વ એકસરખુ મજબૂત આંકી શકાય. નં. ૨ ઓવેસીની AIMIMએ ઉત્તર ભારતમાં શાનદાર પ્રદર્શન કરતાં ૫ સીટો હાંસલ કરી.
ઓવેસી પર ચર્ચા કરતાં પહેલાં દેશની પહેલી અને એકમાત્ર પાર્ટી પર ચર્ચા કરવી અત્યંત જરૂરી છે. હાં એ જ કોંગ્રેસ – કોંગ્રેસની હાલત દેશમાં ચૂંટણી દર ચૂંટણીએ કફોડી બનતી જાય છે. ૨૦૧૫માં તેણે મહાગઠબંધનના સહારે ૨૭ સીટો જીતી હતી જે હવે ૨૦૨૦માં માત્ર ૧૯ સીટો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસને સૌથી મોટું નકારાત્મક પરિબળ રાહુલગાંધી છે. રાહુલ ગાંધી પરિવારના સુપુત્ર હોઈ કોંગ્રેસ હાઈકમાન્ડની ધુરા સંભાળી રહ્યા છે. એમ તો રાહુલગાંધી કરતાં વધારે રાજકીય સૂઝબૂઝ અને અનુભવ ધરાવતા લોકો કોંગ્રેસમાં છે. પરંતુ પરિવારવાદથી સમગ્ર પાર્ટી ગ્રસ્ત છે. નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ ભૂતકાળ બની જાય તો નવાઈ નહિં.
હવે વાત કરીએ ઓવેસીની. ઓવેસી છેલ્લા ૨૦ વર્ષથી સાંસદ છે. મુસ્લિમોના તમામ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા છે. સાંસદ બનેલા બદરુદ્દીન અજમલ અને મર્હૂમ મૌલાના અસરારુલ હક કાસમી જેવા મૌલાનાઓેએ પણ ક્યારેય એવો અવાજ નથી ઉઠાવ્યો. મુસ્લિમોનું મહત્ત્વ ભારતમાં એક વોટબેંકથી વિશેષ નથી. કોંગ્રેસે વર્ષો સુધી મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યું અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી મુસ્લિમ નામવાળા પણ ખરેખર મુસ્લિમ નહિં હોય તેવા લોકોને જ અજમાવતી રહી. કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો મુસ્લિમોનું રાજકીય પ્રતિનિધિત્વ ઇચ્છતા નથી. તેઓ નથી ઇચ્છતા કે મુસ્લિમ રાજકીય રીતે જાગૃત બને. મુસ્લિમોનું નેતૃત્વ કરવા તમામ પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો ખડેપગે છે પરંતુ મુસ્લિમોનું નેતૃત્વ મંજૂર નથી.
બિહારમાં મુસ્લિમોની જનસંખ્યા ૧૭ ટકા જેટલી છે અને લગભગ તેટલી જ જનસંખ્યા યાદવોની છે. યાદવોએ બિહારમાં ઓછામાં ઓછું ૨૦ વર્ષ શાસન કર્યું છે. શું મુસ્લિમો માટે એવું કોઈ વિચારી શકે? કે તેઓ બિહારમાં ૫ વર્ષ પણ સત્તા પર રહે?? જાે તમને નવાઈ લાગતી હોય તો માની લો કે તમે આ દેશમાં રાજકીય ગુલામી વેઠી રહ્યા છો. આજે એક બિનમુસ્લિમ તરીકે તમે મુસ્લિમને સત્તારૂઢ થતાં વિચારી પણ નથી શકતા તો માની લો કે તમે બહુમતીવાદ (Majoritarian)થી પીડાઈ રહ્યા છો જ્યાં તમે એક લઘુમતી પ્રતિનિધિત્વ કરતાં આગેવાનને જાેઈ નથી શકતા.
ઓવેસીના નેતૃત્તવને RSSની ઝેરી અને અલગાવવાદી વિચારસરણી સાથે સરખાવવામાં આવે છે. જે તદ્દન ખોટું છે. ઓવેસીને ભાજપની B-Team તરીકે કોંગ્રેસ ચીતરે છે. સપા, રાજદ, બસપા, આપ તમામ પ્રાદેશિક પાર્ટીઓ AIMIMથી પોતાને જુદો રાખવાનો પ્રયત્ન કરે છે. તેને વોટ કાપનાર અને આક્રમક ગણે છે. પરંતુ આ તમામ બાબતો મિથ્યા છે. જે વિચારધારા સાથે રાજકીય પક્ષો AIMIMને મૂલ્વે છે તેની બુનિયાદો જ ખોટી છે. શરૂઆતના તબક્કામાં ઓવેસીની વાકછટા અને રાજકીય રેલી આક્રમક હશે પરંતુ તેમણે ક્યારેય સંવિધાનને ઓળંગવાનો પ્રયત્ન કર્યો નથી.
ઓવેસી જેવા ઘણાં રાજકીય આગેવાની પુરી પાડવા સમર્થ હોય તેવા મુસ્લિમ નેતાઓ છે. તેમણે દેશની લોકશાહી અને એકતામાં વિશ્વાસ ધરાવતા લોકોને કે જેઓ દેશને ફાસીવાદથી બચાવવા ઇચ્છે છે, સાથે રાખી દેશના વિકાસ માટે રાજકીય સત્તા હાંસલ કરવાના પ્રયત્ન કરવાની તાતી જરૂર છે. કારણ કે કોંગ્રેસ સહિત તમામ પ્રાદેશિક અને રાષ્ટ્રિય પક્ષો ફાસીવાદી પરિબળો સામે હારી ચૂક્યા છે. જરૂરત છે એક વિચાર અને એક આગેવાની પુરી પાડવાની. મુસ્લિમોએ ભૂલવું ન જાેઈએ કે તેમણે ૬૫૦ વર્ષ આ દેશ પર હુકુમત કરી છે. અને નેતૃત્વ પુરી પાડયું છે. મુસ્લિમોએ રાજકીય મેદાનમાં ઝુકાવવાની જરૂર છે અને પોતાના હક્કો અને અધિકારો રાજકીય હિસ્સેદારી થકી જ મેળવી શકાશે.