કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023 માટે રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટ પર સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું.
“કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ માટે રજૂ કરવામાં આવેલ બજેટ સમાન વિકાસના મહત્વના મુદ્દાઓને સંબોધિત કરતું નથી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની જરૂરિયાતોને સંબોધવામાં નિષ્ફળ જાય છે. આ બજેટ કોવિડ મહામારીના કારણે શિક્ષણ ક્ષેત્રમાં ઊભી થનારી એ સમસ્યાઓને પણ સંબોધિત કરતું નથી, જેના કારણે શાળાઓ અને કોલેજો મહિનાઓ સુધી બંધ રહી હતી અને દેશભરમાં વિદ્યાર્થીઓએ વર્ષોથી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો.
શિક્ષણ બજેટમાં વધારો થયો છે તે પ્રશંસનીય છે, પરંતુ કોઠારી કમિશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા જીડીપીના 6%ના ભાગને શિક્ષણ બજેટ હેતુ ફાળવણી કરવાની ભલામણ કરતા પણ ઓછું છે. 2019 થી, શિક્ષણ બજેટ GDPના 2.9% ફાળવવામાં આવ્યું છે. જો કે, સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષો દરમ્યાન શિક્ષણ પર અંદાજ કરતાં પણ ઓછો ખર્ચ કર્યો છે.
જ્યાં સુધી લઘુમતીઓના શિક્ષણ માટેની શિષ્યવૃત્તિનો સવાલ છે, ત્યારે મેટ્રિક-કમ-મીન્સ શિષ્યવૃત્તિ રૂ. 365 કરોડથી ઘટાડીને રૂ. 44 કરોડ કરીને ભારે કાપ મૂકવામાં આવ્યો છે. જે પ્રિ-મેટ્રિક અને MANF શિષ્યવૃત્તિ બંધ કર્યા પછી પણ બેજવાબદાર વલણ દર્શાવે છે. આ લઘુમતીઓના શિક્ષણ અને ગૌરવ પર સીધો હુમલો છે. છેલ્લા બજેટમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રૂ. 900 કરોડ ફાળવવા અને પછી તેને રદ કરવા એ લઘુમતીઓ પ્રત્યે સરકારનો પૂર્વાગ્રહને દર્શાવે છે. અગાઉના બજેટની સરખામણીમાં મદ્રેસાઓ માટે ફાળવવામાં આવેલા ભંડોળમાં ભારે ઘટાડો એ લઘુમતીઓ પ્રત્યે સરકારનો સ્પષ્ટ એજન્ડા દર્શાવે છે.
‘ઉસ્તાદ’ અને ‘નઈ મંઝિલ’ જેવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનું બજેટ કરોડોથી ઘટાડીને માત્ર 10 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.
લઘુમતીઓ માટે સંશોધન કાર્યક્રમો અને મફત કોચિંગ માટે ફાળવવામાં આવેલા બજેટમાં પણ અગાઉના બજેટની સરખામણીએ 50%નો ઘટાડો જોવા મળ્યો છે, જે લઘુમતીઓ પ્રત્યે સરકારનું ઉદાસીન વર્તન દર્શાવે છે.
શાળા શિક્ષણ માટે ફાળવવામાં આવેલ ભંડોળમાં થયેલો વધારો પ્રશંસનીય હોવા છતાં વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને વિકાસ માટે ફાળવેલ બજેટમાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. અને અન્ય દેશોમાં યુવાનોના સ્થળાંતરનું પણ કારણ બને છે.
કેન્દ્રીય વિદ્યાલયોને ફાળવવામાં આવેલ ભંડોળ સામાન્ય સરકારી શાળાઓને ફાળવવામાં આવેલા ભંડોળ કરતાં 200 ગણું વધુ છે, જે સખત વિરોધાભાસ દર્શાવે છે અને શિક્ષણમાં સમાનતાના મુદ્દા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
SIO નર્સિંગ કોલેજોની સંખ્યા વધારવાના નિર્ણયને આવકારે છે, પણ સાથે સાથે SIO વર્તમાન કોલેજોને આધુનિક સાધનોથી સજ્જ કરવાની જોગવાઈ કરવાની પણ માંગ કરે છે. શિક્ષકોનાં પ્રશિક્ષણ માટે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રો અને ડિજિટલ અને ભૌતિક પુસ્તકાલયો સારા પગલાં છે, પરંતુ તેમના અમલીકરણના સ્તર અંગે પ્રશ્નો ઊભાં જ છે. આ સિવાય બેરોજગારી જેવી મોટી સમસ્યાને પહોંચી વળવા વર્તમાન બજેટમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.
SIOનું માનવું છે કે લઘુમતી શિક્ષણ બજેટ એ દેશના લઘુમતીઓ સાથે સ્પષ્ટ ભેદભાવ અને અન્યાય છે અને કેન્દ્ર સરકારે તેમના ઉત્થાન માટે કોઈ નક્કર પગલાં લીધા નથી. અમારું માનવું છે કે સરકારની આ ટૂંકી દૃષ્ટિ દેશના સમાન વિકાસ માટે સારી નિશાની નથી.
લિ. ડો.રોશન મોહિઉદ્દીન
રાષ્ટ્રીય સચિવ, સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO)