ગત્ દિવસો દરમ્યાન હું એક જબરજસ્ત કટોકટી વાળા અનુભવમાંથી પસાર થયો. મારે ત્યાં બાળકનો જન્મ થયો. તેની હાલત અત્યંત નાજુક હતી. બાળકને તુરંત જ વેન્ટીલેટર પર મૂકી દેવામાં આવ્યો. આ અગાઉ હું એક બાળક આવી જ રીતે ગુમાવી ચૂક્યો હતો. મારા મનમાં ફરીથી એ જ દૃશ્ય ઘૂમરાવા લાગ્યું અને મન-મસ્તિષ્કને નિરાશા, ગમ અને આશંકાઓએ ઘેરી લીધા. વ્યાકુળતા ધીમે ધીમે વધતી જઈ રહી હતી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એવી જ રીતે દિવસો વીતતા જઈ રહ્યા હતા. પરંતુ તુંરત જ મારા મનમાં આ વિચાર આવ્યો કે જાે આવી જ રીતે લાગણીઓના પ્રવાહમાં તણાઈને એક એક દિવસ પસાર થશે તો આ સ્વયં મારા પોતાના માટે અને બીજાઓ માટે નુકસાનકારક હશે, અને આ રીતે સંજાેગોનો સામનો કરવાની શક્તિ પણ ઓછી થતી જશે. આથી મને આ સંજાેગોનો સામનો લાગણીઓથી નહીં બલ્કે સમજદારીથી કરવો જાેઈએ. આ માર્ગ અપનાવતાં જ મારામાં એક નવી આશા અને હિંમત પેદા થવા લાગી. નકારાત્મક આશંકાઓ તથા ઘટનાઓ પ્રત્યે ધ્યાન ઓછું થવા લાગ્યું, અને મારી અંદર સંતોષની કૈફિયત વધવા લાગી. અલહમ્દુલિલ્લાહ ૯ દિવસ પછી બાળકને અંતે હોસ્પીટલથી છુટકારો મળ્યો.
આ સમગ્ર ઘટનાથી જે બોધ મને મળ્યો તે આ છે કે જીવનની અજમાયશોનો મુકાબલો-સામનો આપણે ઈમાન તથા સભાનતા-સમજદારી દ્વારા કરવો જાેઈએ, કેમ કે ધૈર્ય તથા તવક્કુલ (અલ્લાહ પર ભરોસો) આનાથી જ પ્રાપ્ત થાય છે. હાલમાં જ્યારે અનેક ભૌતિક સંસાધનો માણસને મળી ચૂક્યા છે અને તે પોતાના જીવનને એશ-આરામનું સ્થળ બનાવવાનું સ્વપ્ન જાેઈ રહ્યો છે, ત્યારે માનસિક તથા રૂહાની બીમારીઓ ખૂબ ઝડપથી તેને પોતાની પકડમાં લઈ રહી છે. ડિપ્રેશન, ભય, ગુસ્સો અને પાશવિકતાના લીધે વ્યક્તિગત્ તથા સામૂહિક જીવનમાં બગાડ વ્યાપી ગયો છે. તેનું મૂળ કારણ જીવનની મુશ્કેલીઓ અને તકલીફોમાં ખરૂં વલણ અપનાવવાની લાયકાત ન હોવી છે; અને ખરૂં વલણ ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે માણસ જીવનની વાસ્તવિકતાને સમજી લે. માણસ જીવનમાં કેવું વલણ અપનાવશે તેનો આધાર આના પર છે કે તેની જીવન તથા મૃત્યુની ધારણા શું છે?
શક્ય છે કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન જન્મે કે અરે ધારણાઓથી તેના જીવનનો શું સંબંધ છે ? તમામ વહેવાર અને વલણ આપોઆપ અસ્તિત્વમાં આવી જાય છે. પરંતુ આ વાત બુદ્ધિ તથા નિરીક્ષણની વિરુદ્ધ છે. માણસનો મામલો રોબોટ કે મશીનો જેવો નથી કે તેને પ્રોગ્રામિંગ કરીને છોડી દેવામાં આવે અને તે ચાલતો રહે. બલ્કે માણસ એક સભાન બુદ્ધિશાળી મખ્લૂક-સર્જન છે. તેનું દરેક કાર્ય તેના ઇરાદા સાથે હોય છે, અને આ અમલની પાછળ કેટલીક ધારણાઓ કાર્યરત્ હોય છે. અલબત્ત આ ધારણાઓની સભાનતા તેને ક્યારેક હોય છે અને ક્યારેક નથી પણ હોતી. જરૂરત આ વાતની છે કે માણસ પોતાની ધારણાઓને દુરસ્ત રાખે કે જેથી તેના વલણમાં સારપ આવે.
પ્રશ્ન આ ઉદ્ભવે છે કે ખરૂં વલણ જે ધારણાના આધારે બને છે એ ધારણા શું છે ? આપણા આ સમગ્ર વિચાર વિમર્શનો મુદ્દો કે હેતુ પણ આ જ છે કે આપણે તેને જાણીએ. જીવન તથા મૃત્યુની કલ્પના અંગે એક અભિપ્રાય આ છે કે જીવન ફક્ત એક સંયોગ છે, જેને પણ આ મળે તેણે તે ખૂબ જ એશ-આરામથી જીવવું જાેઈએ. બીજાે અભિપ્રાય આ છે કે જીવન માત્ર એક છળ – ધોખો છે. માણસે આ છળને સમજવાનું છે અને તેની કેદમાંથી આઝાદ રહેવાનો પ્રયાસ કરવાનો છે. મૃત્યુ દ્વારા માણસ આનાથી સંપૂર્ણ આઝાદી પામી લેશે. વિચાર કરો તો જીવનની આ બન્ને ધારણાઓ જીવનના અર્થને ખતમ કરી દે છે અને આ અસ્વાભાવિક પણ છે કારણ કે પ્રથમ ધારણાવાળો માણસ જ્યારે જીવનનું નિરીક્ષણ કરે છે તો તેને જણાઈ આવે છે કે અહીં ડગલે ને પગલે અજમાયશો મૌજૂદ છે. એશ-આરામ તો છે પરંતુ તેમાં સાતત્ય કે કાયમીપણું નથી, અને શાંતિથી ખાલી છે, અને બીજી ધારણાવાળી વ્યક્તિની હાલત આ છે કે તે ડગલે ને પગલે પોતાની મનેચ્છાઓને કચડીને પોતાની પ્રકૃતિ સાથે લડી રહી છે, તેમાં મોટાભાગે તે હારી જાય છે અને પરિણામે અપ્રાકૃતિક કામ કરી બેસે છે, અને કેટલાક લોકો આવી જ રીતે પ્રકૃતિ પર જુલમ-અત્યાચાર કરતાં કરતાં મોતને ભેટે છે.
સાચી વાત આ છે કે આ બન્ને ધારણાઓ જીવનની અજમાઈશોનો સામનો કરવા માટે ખરૂં વલણ કે દિશા આપવામાં અસમર્થ છે. કેમ કે બન્નેમાં જીવનની ખરી સમજૂતી યોગ્ય રીતે છે જ નહીં. આની વિરુદ્ધ કુર્આને જીવનની જે ધારણા રજૂ કરી તે આ છે કે જીવન એક પરીક્ષા-સ્થળ છે જ્યાં માણસને અજમાયશમાં નાખવામાં આવ્યો છે. અજમાયશ આ છે કે માણસ પર તેના જીવનમાં જે સંજાેગો પણ સામે આવ્યા તેમાં તે પોતાના સર્જનહારનો આજ્ઞાપાલક બંદો બનીને રહે. આથી કુર્આન ની નજીક દુનિયાની દરેક વ્યક્તિ ચાહે એ અમીર હોય કે ગરીબ, તંદુરસ્ત હોય કે બીમાર, કાળી હોય કે ગોરી, તંગીમાં હોય કે સમૃદ્ધિમાં, શક્તિશાળી હોય કે કમજાેર, દરેક સ્થિતિમાં અલ્લાહના ફેસલા પર રાજી રહે. આ સંજાેગોનો સામનો એ ચોક્કસપણે પોતાની યુક્તિઓથી કરે, પરંતુ બધા જ પ્રયત્નો પછી જે પણ પરિણામ આવે તેને ધૈર્ય તથા ‘તવક્કલ’ (અલ્લાહ પર ભરોસો) સાથે સ્વીકારી લે. જાે માણસ આ ખરૂં વલણ અપનાવે છે તો મૃત્યુ પછી આખિરતમાં અલ્લાહતઆલા તેને પોતાની જન્નતમાં સ્થાન આપશે અને જાે ખોટું વલણ અપનાવે છે તો તેને જહન્નમના હવાલે કરી દેવામાં આવશે.
આ છે એ જીવન-ધારણા જે માણસને સભાનતાના સ્તરે સંતોષ એનાયત કરે છે. તેને હું ‘ઈમાની શઊર’ (શ્રદ્ધાકીય સભાનતા) કહું છું. જ્યાં સુધી માણસ આ ઈમાની ‘શઊર’ (સભાનતા)ને પોતાના મનમાં જીવંત રાખે છે, ત્યાં સુધી મોટામાં મોટી આફતો અને દર્દનાક બનાવોનો સામનો તે ખૂબ જ સહેલાઈથી કરી લે છે. ચોક્કસપણે તેને તકલીફ થાય છે, ભાવનાઓ બે-કાબૂ થવા લાગે છે, પરંતુ જેવો માણસ સમજદારીપૂર્વક કામ લેવાનું શરૂ કરે છે, તે સ્વયં પોતાને સંભાળવા લાગે છે અને પોતાની તમામ આશાઓ અલ્લાહથી જાેડી લે છે, અને આ રીતે એ જીવનને સહેલાઈથી જીવવા લાગે છે. –•–
Array
જીવનની કસોટીઓનો મુકાબલો ઇમાની સભાનતાથી કરો
RELATED ARTICLES