બેંગલુરુ: કર્ણાટકની બુશરા મતિને, જેણે સતત 16 ગોલ્ડ મેડલ જીત્યા, તેણે કહ્યું કે બધી સમસ્યાઓનો ઉકેલ નમાજ અદા કરવામાં છે અને તે સખત મહેનત, તહજ્જુદમાં માંગવામાં આવતી દુઆઓને તેની સફળતાનું મૂળ રહસ્ય ગણાવેછે. 10 માર્ચે બુશરા મતીનને લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યપાલના હાથે સન્માનિત કરવામાં આવી હતી.
કર્ણાટકના રાયચુર જિલ્લાની 22 વર્ષની વિદ્યાર્થિની બુશરા મતિને કર્ણાટકની વિશ્વેશ્વરૈયા ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન SLN કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે અને 16 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવીને 16 ગોલ્ડ મેડલ જીત્યા છે. 10 માર્ચના રોજ, બેલગાવીમાં યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં, લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બુશરા મતિનને એક સાથે 16 ગોલ્ડ મેડલ અને ડિગ્રીઓથી સન્માનિત કરી હતી.
એક મીડિયાના અહેવાલ મુજબ, બુશરાએ તેનું પ્રારંભિક શિક્ષણ સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કૂલ, રાયચુરમાંથી મેળવ્યું હતું. તેણે તમામ પરીક્ષાઓમાં 90%થી વધુ ગુણ મેળવ્યા છે. બુશરા મતીન કહે છે, “હું અલ્લાહની ખૂબ આભારી છું જેણે મને આવી સફળતા અને સન્માન આપ્યું છે. મારા કરતાં મારા ભાઈ અને બહેન વધુ ખુશ છે અને સફળતાનો શ્રેય ભાઈ શેખ તનવીરુદ્દીનને જાય છે. તેણીએ કહ્યું, “હું દરરોજ નમાઝ અને તહજ્જુદ પઢું છું. મેં તહજ્જુદના સમયે મારી સફળતા માટે ઘણી પ્રાર્થના કરી હતી. આજે, અલ્લાહે મારી ઈચ્છાઓ પૂરી કરી છે.આ સફળતા પ્રાર્થનાઓનું પરિણામ છે અને મારી સફળતાનું રહસ્ય નમાઝ છે.. હું માનું છું કે નમાઝ તમામ સમસ્યાઓનો ઉકેલ છે.નમાઝની સાતત્યતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તહજ્જુદના સમયે માંગવામાં આવતી દરેક પ્રાર્થના સ્વીકારવામાં આવે છે.”
બુશરા આગળ કહે છે કે છોકરીઓ તેમની કાબેલિયતને ઓળખે અને સખત મહેનત કરે. એક પ્રશ્નના જવાબમાં બુશરા મતીન કહે છે કે, “હું ચાર વર્ષથી હિજાબ પહેરીને કૉલેજ જઈ રહી છું પરંતુ ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તે અમારો બંધારણીય અને મૂળભૂત અધિકાર છે.” બુશરા તેના ભવિષ્ય વિશે જણાવે છે કે “મારે સિવિલ સર્વિસમાં જવું છે અને હું તેની તૈયારી કરી રહી છું.” માતા-પિતાએ છોકરીઓને અભ્યાસમાં વધુ તક આપવી જોઈએ, જેથી તેઓ તેમની કાબેલિયતો દુનિયા સમક્ષ રજૂ કરી શકે.