તારીખ 10 માર્ચના રોજ ધોળકામાં 15 વર્ષની સગીરા પર આઠ જેટલા વિધર્મી યુવકો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી વ્પાપી ગઈ છે. સગીરાને આઠ નરાધમો દ્વારા ખેતરમાં ઉપાડી જઈ કુકર્મ આચરવામાં આવ્યું હતું. સ્થાનિકોમાં પ્રચંડ ગુસ્સો અને રોષ સ્વાભાવિક છે. પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરાતા આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા સગીર હોવાથી પોસ્કો કાયદા મુજબ તપાસ આગળ વધારવામાં આવી છે.
બળાત્કાર એક જઘન્ય અપરાધ હોઈ પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તેવી હિંદુ-મુસ્લિમ એમ બંન્ને સમાજના અગ્રણીઓની માંગ છે. જોકે બળાત્કાર ગુજારનાર વ્યક્તિઓમાં એક વ્યક્તિ ભાજપના વર્તમાન કાઉન્સિલરનો પુત્ર છે,તેથી તપાસમાં રાજનૈતિક વગ વાપરી કેસ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવા સંજોગો હોવાથી તમામ અગ્રણીઓએ સુક્ષ્મ નજર રાખવી પડશે.
મળતી માહિતી મુજબ સગીરાના માતા-પિતાને સમાધાન કરી લેવા એક ગ્રુપ સક્રીય બન્યું છે. પરંતુ સગીરાના માતા-પિતાએ સમાધાન કરવાનો ઇન્કાર કર્યો છે અને ન્યાય માટે વ્યવસ્થાતંત્ર તેમજ ન્યાયતંત્રને ગુહાર લગાવી છે.
વારંવાર ઘટતી બળાત્કારની ઘટના રાજ્યની વર્તમાન સરકારની ન્યાય પ્રત્યેની ઉદાસિનતા સૂચવે છે. ન્યાયની પ્રક્રિયા સાવ લંગડી-લૂલી ગતીએ ચાલે છે અને રાજનૈતિક વગ વાપરીને પીડિતાને અને તેના માતા-પિતાને સમજાવી દેવામાં આવે છે. જેના કારણે બળાત્કાર ગુજારનારા લોકોને કોઈ ફેર પડતો નથી. અને આવી શરમજનક ઘટના વારંવાર બનતી રહે છે.
સરકાર દ્વારા ભલે દીકરીઓ માટે સુરક્ષા અને સલામતીની ગુલબાંગો પોકારાતી હોય છતાં રાજ્યમાં દીકરીઓ તો સુરક્ષિત નથી જ. જે સુરક્ષા અને સલામતીની વાતો વોટ મેળવવા કે રાજનીતિ કરવા માટે કરવામાં આવે છે તેનાથી ઉપર ઉઠી ખરેખર દેશની દીકરીઓ અને મહિલાઓ માટે ચિંતા કરવાની જરૂર છે. આવા કેસો સુપરફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા જોઈએ અને જાહેરમાં સજા કરી ઝડપી ન્યાય આપવો જોઈએ.
આવા જઘન્ય અપરાધમાં ધર્મ કે નાતજાત જોવાના ન હોય. પરંતુ કમનસીબે આપણા ત્યાં આ ઉઘાડેછોગ થઈ રહ્યું છે. જો આ પ્રકારના કેસમાં દીકરી દીકરા ઉલટા ધર્મથી જોડાયેલા હોત તો કેટલો ઉત્પાત મચી ગયો હોત!
આશા રાખીએ કે પોલીસ અને ન્યાયતંત્ર નિષ્પક્ષ અને ઝડપી કાર્યવાહી કરી દોષીતો ને યોગ્ય સજા કરશે.