આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે સ્કૂલોમાં પ્રાર્થનામાં ભારતમાતાની પૂજાનો આદેશાત્મક પરિપત્ર દરેક સ્કૂલોને પાઠવવામાં આવ્યો છે. તેનાથી વિવાદ ઊભો થયો છે. બિન સાંપ્રદાયિક દેશમાં કોઈ એક ધર્મની પૂજા પધ્ધતિને દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો ઉપરાંત નાસ્તિક લોકો માટે લાદી દેવું સંવિધાન, દેશની સંસ્કૃતિ અને તેના આત્માની વિરુધ્ધ જણાય છે. તેનો વિરોધ કરવો દરેક નાગરિકનો અધિકાર છે.
ભારત માતાની પૂજાનો વિષય જ્યારે ઉઠાવવામાં આવ્યો છે, તેનો આદેશ આપવામાં આવ્યો છે. તો તેની વાસ્તવિક્તા જાણવી આવશ્યક છે. તેના સમર્થકો એ એટલું તો જણાવવું પડે કે ભારતમાતા વાસ્તવિક છે કે કાલ્પનિક, વાસ્તવિક હોય તો તેને વૈજ્ઞાનિક આધારે સાબિત કરવું પડે, કાલ્પનિક અને પ્રતીક હોય તો તેના માનનારાઓ સુધી મર્યાદિત કરી દેવું જાેઈએ, તેને થોપી ન શકાય. શું કલ્પનાને નકારી ન શકાય ? જે લોકો કલ્પનામાં રાચે છે, તે વાસ્તવિક્તા અને સત્યથી દૂર ભાગે છે.
મુસ્લિમ સમુદાય સમક્ષ આ પ્રશ્ન હંમેશાં મૂકવામાં આવે છે કે દેશ પહેલાં કે ધર્મ? તમે કોને પ્રાથમિક્તા આપશો. દેશ અને ધર્મ બંને અલગ વસ્તુ છે, બન્નેની તુલના ન થઈ શકે, બે દેશ અથવા બે ધર્મની તુલના થઈ શકે, આપણને ધર્મ અને દેશ બન્નેની જરૂર છે બન્ને મહત્ત્વના છે. ધર્મ જ દેશને પ્રેમ કરવાનું અને પ્રમાણિક રહેવાનું શીખવાડે છે.
સંવિધાન મુજબ ભારત દેશ છે, જે રાજ્યોનો સમૂહ છે. ભારતમાતા દેશ નથી, તેથી ભારત સિવાય અન્ય નામ આપવું કે અન્ય નામ સાથે સંબોધન કરવું સંવિધાનની વિરુધ્ધ ગણાય. ભારતમાતાની છબી અને મૂર્તિમાં તેમના હાથમાં ભગવો છે તિરંગો નથી, તેથી તે હિંદુત્વનું પ્રતીક ગણાય, ભારતીયતાનું નહીં, તેથી તે સંવિધાનની વિરુધ્ધ ગણાય. ભારત પુર્લિંગ એટ્લે કે પુરુષ વાચક શબ્દ છે, તેથી તેને માતાનું વિશેષણ ન લગાવી શકાય. ભાષાકીય રીતે જાેવા જઈએ તો પણ તે યોગ્ય નથી. ધરતીને માતા કહેવામા આવે છે, તેનાથી આગળ વધીએ તો ગંગા નદી અને અન્ય નદીઓને પણ માતા કહેવામાં આવે છે, ગાયને પણ માતા કહેવામાં આવે છે, તુલસીને પણ માતા કહેવામાં આવે છે, ધરતી, નદી, પશુ, વનસ્પતિ બધા જ માતા કેવી રીતે હોઈ શકે ? તેમના માનનારાઓ માટે હોઈ શકે અન્ય લોકોને માનવા માટે બાધ્ય ન કરી શકાય. દુનિયાના ૨૩૦ દેશમાંથી એક પણ દેશમાં ધરતીની પૂજા કે વંદના નથી થતી તેમ છતાં ત્યાં રાષ્ટ્રપ્રેમ અને પ્રમાણિક્તા આપણાં કરતાં વધારે જાેવા મળે છે.
ભારતમાં વિધવા આશ્રમો અને વૃધ્ધ આશ્રમો ફૂલીફાલી રહ્યા છે. સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે. સગી માતા વિધવા કે વૃધ્ધાશ્રમમાં સબડી રહી હોય, ત્યાં અન્ય કાલ્પનિક માતાઓને માનવી કેટલું યોગ્ય કહેવાય. જે લોકો સગી જનેતાને વિધવા કે વૃધ્ધાશ્રમમાં રઝળવા માટે મૂકી આવતા હોય તેમનાથી દેશ પ્રત્યે રાષ્ટ્રભાવના કે પ્રમાણિક્તાની અપેક્ષા કરવી નિરર્થક કહેવાય.
ભારતમાતાની પૂજાનો હેતુ લોકોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત કરવા અને તેમને પ્રમાણિક બનાવવાનો હોય તો મુસલમાનો તે વસ્તુ એક અલ્લાહ પર ઈમાન (આસ્થા) કે અલ્લાહ મને અને મારા દરેક કર્મો ને જાેઈ રહ્યો છે … અને મૃત્યુ પછી પોતાના કર્મોનો અલ્લાહ સમક્ષ હિસાબ આપવો પડશે તેના દ્વારા પોતાની અંદર જન્માવવા માંગે છે. આ આસ્થા તેને માનનારાઓને પ્રમાણિક બનાવે છે. નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે.
ઇસ્લામ એકેશ્વરવાદમાં દ્રઢ આસ્થા ધરાવે છે. જે મુજબ અલ્લાહ ઈશ્વર સિવાય કોઈની પણ પૂજા અર્ચના કે બંદગી કરવી મહાપાપ છે. ઇસ્લામમાં અલ્લાહ પછી મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) સાહેબનું સ્થાન આવે, તેમની પૂજા કરવી પણ મહાપાપ છે, ધરતીની વાત કરીએ તો મક્કા-મદીનાની ધરતી ખૂબ પવિત્ર ગણાય, તેની પુજા કરવી પણ મહાપાપ ગણાય. માતા-પિતાનું ઇસ્લામમાં ખૂબ જ મહત્ત્વ છે. તેમને માન-સન્માન આપવું તેમની આજ્ઞાનુ પાલન કરવું તેના વિષે ઘણા બધા આદેશ આપવામાં આવ્યા છે. તેમ છતાં તેમની પૂજા કરવી પણ મહાપાપ છે. મુસલમાન દેશને પ્રેમ ચોક્કસ કરે છે, તે પ્રમાણિક પણ છે, પણ તે દેશની પુજા નથી કરી શકતો. –•–
(લેખક જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના જનરલ સેક્રેટરી છે. મોબાઈલ નં. ૯૮૨૫૦૫૪૭૯૫)