વિદ્યાર્થીઓને તો માટે ભાગે કશી ખબર જ નથી કે તે જે શિક્ષક કે અધ્યાપકને ગુરુ સમજે છે, આજે વંદન કરે છે અને શુભેચ્છા આપે છે; એમાંના હજારો શિક્ષકો કે અધ્યાપકોની આજે શી સ્થિતિ છે. આશ્ચર્ય અને આઘાત તો ત્યારે જન્મે છે કે જ્યારે શિક્ષકો અને અધ્યાપકો જ એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે આજે. જરા જોઈએ:
(૧) સેંકડો શિક્ષકોને અન્ય શિક્ષકોનો બોજો વેંઢારવો પડે છે કારણ કે સરકારે જરૂરી શિક્ષકોની અને અધ્યાપકોની નિમણૂક કરી જ નથી. આચાર્યો પણ અનેક શાળાઓ અને કોલેજોમાં નથી.
(૨) ખાનગી શાળાઓમાં અને કોલેજોમાં શિક્ષકો અને અધ્યાપકોનું ભારે શોષણ થાય છે પગારની બાબતમાં.
(૩) શાળાઓ અને કોલેજોમાં પણ અધ્યાપન સિવાયનું વહીવટી કામ શિક્ષકો અને અધ્યાપકોએ કરવું પડે છે કારણ કે જરૂરી કર્મચારીઓની નિમણૂક સરકાર કરતી નથી.
(૪) શાળાઓના શિક્ષકોને અને આચાર્યોને સરકાર એટલા બધા કાર્યક્રમોમાં બોલાવે છે કે એમને બાળકોને ભણાવવા માટેનો સમય ઓછો પડે છે.
(૫) એકની એક માહિતીઓ સરકાર એટલી બધી મંગાવ્યા કરે છે કે શિક્ષકો, આચાર્યો અને અધ્યાપકો એમાં થાકી જાય છે.
(૬) સરકાર કેટલાક શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપે છે અને શિક્ષક દિન ઉજવ્યો એમ માને છે. કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્યાપકોને તો સરકાર શિક્ષક ગણતી જ નથી. એટલે એમને કોઈ એવોર્ડ આપવાની જરૂર સરકારને લાગતી નથી. હા, અધ્યાપકોને ડરાવવા અને ધમકાવવાની ખાસ્સી તજવીજ સરકારે કાયદો કરીને કરેલી છે.
બસ, બસ, બહુ થયું આટલું.
શુભેચ્છાઓ ઓછી મળી હોય તો મારા તરફથી પણ લઈ લો અને સરકાર સામે કશું જ નહિ બોલવાનું વ્રત લીધું હોય તો તોડો તો સર્વપલ્લી રાધાકૃષ્ણનના આત્માને ચોક્કસ આનંદ થશે.