Friday, March 29, 2024
Homeઓપન સ્પેસશિક્ષણ મંથનઃ મુસ્લિમોની વર્તમાન શિક્ષણ સ્થિતિ અને શૈક્ષણિક પડકારો

શિક્ષણ મંથનઃ મુસ્લિમોની વર્તમાન શિક્ષણ સ્થિતિ અને શૈક્ષણિક પડકારો

એક નવા પુસ્તકનું આગમન
  • અનસ એસ. બદામ (ગોધરા)       

૧૮ જૂન, ૨૦૨૨ના રોજ વોટ્સએપ પર એક ન્યૂઝ કટિંગ મળે છે, ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબારના ફ્રન્ટ પેજ પર પ્રકાશિત અને ખાસ ઇન્વેસ્ટિગેશન પર આધારિત એ ન્યૂઝ સ્ટોરીનું હેડિંગ આ પ્રમાણે હોય છે:

From Emergency to Gujarat riots, lessons of past deleted from textbooks of future

        આ સ્ટોરી તાજેતરમાં NCERTના પાઠ્યપુસ્તકોમાં કરાયેલ ફેરફાર વિષેના સંશોધન પર આધારિત હતી, જેમાં ધોરણ ૬ થી ૧૨નાં ઇતિહાસ, પોલિટિકલ સાયન્સ અને સમાજશાસ્ત્રનાં ૨૧ જેટલાં પુસ્તકોમાં જબરદસ્ત ફેરફારો થયાનો ઘટસ્ફોટ કરાયો હતો.

        ૨૦૧૪માં કેન્દ્રમાં બીજેપીની સરકાર બન્યા પછીથી હમણાં સુધી આ ત્રીજી વાર પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરાયા છે, ઇન્ડિયન એક્સ્પ્રેસના આ સંશોધનાત્મક અહેવાલ અનુસાર, પહેલી વાર ૨૦૧૭માં NCERTએ ૧૮૨ પુસ્તકોમાં કુલ ૧,૩૩૪ ફેરફાર કર્યા હતા, ત્યારબાદ ૨૦૧૯માં અને હવે આ ત્રીજી વાર જબરદસ્ત ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફારોમાં ૨૦૦૨ના મુસ્લિમ વિરોધી નરસંહાર, તત્કાલીન મુખ્યમંત્રીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ આપેલ રાજધર્મ નિભાવવાનું નિવેદન, ઇમરજન્સી દરમિયાન લાગુ કરાયેલ સખત કાયદાઓનો લોકમાનસ પર પ્રભાવ, દલિતો અને લઘુમતીઓ પર થયેલા અત્યાચારોનું વર્ણન અને ભેદભાવ પરનાં પ્રકરણો, વર્ણ વ્યવસ્થા વિષેનાં પ્રકરણો, સામાજિક આંદોલનોનો ઇતિહાસ જેમકે ચીપકો આંદોલન, નર્મદા બચાવ આંદોલન, દલિત પેન્થર્સ વગેરે વિષેનાં પ્રકરણોનો છેદ ઉડાવી દીધાનો વિસ્તૃત અહેવાલ હતો, ત્યાર બાદ આ જ સ્ટોરી સતત ચાર દિવસ સુધી પોતાનો આ સંશોધનાત્મક અહેવાલ રજૂ કરતી રહે છે, જેમાં મુસ્લિમ શાસનકાળ, મુઘલ સામ્રાજ્ય, ઇસ્લામ અને મુસ્લિમો વિષેની અમુક બાબતો તેમજ દલિતો અને લઘુમતીઓ વિષેનાં કેટલાંક અગત્યનાં પ્રકરણો કાઢી નાખ્યાંની વાત કરે છે.

        ત્યાર બાદ ૨૫ જૂનના રોજ મુખ્યધારાનું એકમાત્ર મુસ્લિમ ગુજરાતી અખબાર ‘ગુજરાત ટુડે’ આ અહેવાલનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરે છે, જેના સ્ક્રીનશૉટ લઈને મેં મારા એક વોટ્સએપના લાઇબ્રેરી ગ્રૂપમાં એવા કેપ્શન સાથે મૂક્યા હતા કે, “એક મેઇનસ્ટ્રીમના અખબારે (ઇન્ડિયન એક્સ્પ્રેસ) તો આની નોંધ લીધી, ખાસ સંશોધન કરાવ્યું ને તેને મુખ્યધારાનો મુદ્દો બનાવ્યો, પણ શું જેને આ ફેરફારોની સૌથી વધુ અસર થવાની છે, એ મુસ્લિમ જગતના શિક્ષકો, બુદ્ધિજીવીઓમાં પણ કોઈ ચર્ચા-વિચાર અને ક્રિયા-પ્રતિક્રિયાનો માહોલ છે! હોવું તો એ જોઈએ કે આ અહેવાલના પ્રકાશનને એક સોનેરી તક સમજી તેને જાહેર ચર્ચા-વિચારનો મુદ્દો બનાવવામાં આવે, તેના ઉપર વાર્તાલાપ થાય, કોમને જાગૃત કરવામાં આવે અને તેની ઉપર કાનૂની રાહે પોતાની પ્રતિક્રિયા નોંધાવવામાં આવે! પણ અહીં કોને પડી છે આવનાર પેઢી અને તેના ભવિષ્યની!! બધા પોતપોતાની લાઇફમાં મસ્ત ને વ્યસ્ત છે! જ્યારે બીજી બાજુ આયોજનબદ્ધ રીતે નવી પેઢીને એક ખાસ વિચારધારાના બીબાંમાં ઢાળવાનું સોલીડ કામ થઈ રહ્યું છે. દસ જૂનના રોજ ઇતિહાસ વિષય પરના એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અમિત શાહે સ્પષ્ટ કહેલું કે, “ભારત પાસે પાંડ્ય, ચોલ, મૌર્ય, ગુપ્ત અને અહોમ જેવા અનેક સામ્રાજ્યોનો ગૌરવશાળી ઇતિહાસ છે, પરંતુ ઇતિહાસકારોએ માત્ર મુઘલોના ઇતિહાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ હવે આપણને આ ઇતિહાસને બહાર લાવતા કોઈ અટકાવી નહીં શકે.”(ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૧૧ જૂન, ૨૦૨૨)  

        આ પહેલાં મે-૨૦૨૨માં, આ જ ઇતિહાસ વિષય ઉપર એક અત્યંત માહિતીપ્રદ અને ચિંતાજનક લેખ ‘ઝીંદગી-એ-નૌ’ નામના ઉર્દૂ સામયિકમાં વાંચેલો, ‘ભારતીય ઇતિહાસ અને ઇતિહાસ લેખન’નાં શીર્ષક હેઠળ લખાયેલ આ લેખ વાંચતાની સાથે જ તેની ઉપયોગિતા અને તેના પ્રચાર-પ્રસારની આવશ્યકતાનો તીવ્ર અહેસાસ થયો, અને ગુજરાતી વાચકો માટે પણ તેનો અનુવાદ કરવામાં આવે તેવા વિચારબીજ સાથે મેં તરજુમો કરવાનું મન બનાવી લીધું, પરંતુ જેમ દરેક કામનો એક સમય નિશ્ચિત હોય છે, તેમ આ કામ પણ ઠેલાતું રહ્યું. જ્યારે ઉપરોક્ત અહેવાલ વાંચ્યો, તો તેને કઈ રીતે કાઉન્ટર કરવું? તેનો ઉત્તર આ લેખમાં હતો, તેથી, તેના અનુવાદની જરૂરત વિષે મનોમન વિચાર વલોણું થતું રહ્યું, છતાં અનુવાદનું કામ જેમનું તેમ રહ્યું. ૧૩ જુલાઇના રોજ ફરી એક વાર ઉર્દૂ અખબાર ‘ઇન્કિલાબ’માં મન વિચલિત કરી દે એવા સમાચાર વાંચવા મળે છે, જેમાં NCERT દ્વારા મુસ્લિમો અંગેની અમુક પ્રચલિત ગેરસમજોને દૂર કરતા કેટલાક પેરેગ્રાફ્સ હટાવી દીધાનાં સમાચાર હોય છે, સમાચારની વિગતો વાંચી મનમાં ઉદાસી ને ચિંતાનાં વમળ ઘેરી વળે છે.

        તેમાં ‘ધી ટેલિગ્રાફ’નાં સંદર્ભથી લખ્યું હતું કે, એક પુસ્તકમાં નબી  ﷺસંબંધિત અમુક પેરેગ્રાફ હટાવી નાખ્યા છે, જેમાં લખ્યું હતું કે, ““ખ્રિસ્તી ધર્મની જેમ ઇસ્લામ પણ એક એવો ધર્મ છે, જેમાં બધા માટે સમાનતા છે અને તેમાં એકતા ઉપર ભાર અપાયો છે.” એ જ રીતે છઠ્ઠા ધોરણના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી મુસ્લિમો વિષે પ્રચલિત ગેરસમજનું નિવારણ કરતો એક પેરેગ્રાફ હટાવી દીધો છે, જેમાં લખ્યું હતું કે, “કેટલાક મુસ્લિમો વિષે એવી ગેરસમજ પ્રવર્તે છે કે તેઓ દીકરીઓનાં શિક્ષણમાં રસ ધરાવતા નથી, અને તેથી તેમને શાળાએ મોકલતા નથી, પરંતુ ખરેખર એવું નથી, એક સર્વેમાં સામે આવ્યું છે કે મુસ્લિમોમાં ગરીબાઈ વધારે છે, તેના કારણે મુસ્લિમ છોકરીઓ શાળાએ જતી નથી, અથવા અધવચ્ચે છોડી દે છે.”

        જ્યારે આ સમાચારનું કટિંગ મેં મારા વોટ્સએપ ગ્રૂપોમાં પોસ્ટ કર્યું, તો એક મિત્રનો રિપ્લાય આવે છે કે, “અફસોસ સિવાય આપણે બીજું શું કરી શકીએ!” બસ, આ શબ્દોએ કલમ ઉપાડવા મજબૂર કર્યો ને એક જ સપ્તાહમાં બે લેખ; જે લગભગ ૩૪ પેજના હતા, અનુવાદ કરી ફાઇનલ કરી નાખ્યા અને એ મિત્રને કહ્યું કે, આ લેખ વાંચો! તેમાં આપણે શું કરી શકીએ? તે અંગે ખૂબ ઉપયોગી માર્ગદર્શન અપાયું છે, આ બંને લેખો ‘ઝીંદગી-એ-નૌ’ નામના ઉર્દૂ સામયિકમાં મે-૨૦૨૨ અને જુલાઈ-૨૦૨૨ના અંકોમાં પ્રકાશિત થયા હતા, તેના લેખક છે જનાબ સૈયદ સઆદતુલ્લાહ હુસેની સાહેબ, અત્યંત વિદ્વાન, ધીર-ગંભીર મિજાજના માણસ. જ્યારે લખે ત્યારે અત્યંત તાર્કિક, નિષ્પક્ષતાપૂર્વક, સંશોધનાત્મક અને રિસર્ચ બેઝ્ડ લખે, તેમના એક એક લેખનાં રેફરન્સની સંખ્યા પચાસ-પચાસ જેટલી હોય છે, તેમના લખાણોનો હું જબરો આશિક.

        બંને લેખો (‘ભારતીય ઇતિહાસ અને ઇતિહાસ લેખન’ અને ‘હિંદુત્વ, શૈક્ષણિક વિચારધારાઓ અને શિક્ષણ પ્રણાલી’) શિક્ષણ સંબંધિત હતા, તેથી મેં શિક્ષકો માટેના એક શૈક્ષણિક પ્રોગ્રામમાં તેને છપાવીને વહેંચવાનું નક્કી કરી લીધું, તેથી હું મારા મિત્ર અનીસભાઈ ઉમરજી સાહેબ; જેઓ ગ્રાફિક્સ ડિઝાઇનમાં માહેર છે, અને પોતે પુસ્તક પ્રકાશનનું પણ કામ કરે છે, પાસે ગયો અને આ બાબતે વાત કરી અંદાજિત ખર્ચનું એસ્ટિમેટ કઢાવ્યું, તો તેમની સલાહ હતી કે, ફોટો કૉપી કરાવવા કરતાં પુસ્તક સ્વરૂપે છપાવશો તો તે વધુ આકર્ષક, ટકાઉ અને સસ્તું પડશે, તેથી મેં પુસ્તક સ્વરૂપે છપાવવાની હિમ્મત કરી.

        ઘરે આવ્યો તો મનોમન ખ્યાલ આવ્યો કે, જ્યારે પુસ્તકનો જ ખર્ચ કરીએ છે, તો શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને ઉપયોગી થાય એવાં અન્ય લખાણો પણ કેમ ન સમાવી લઈએ! તેથી, તરત મારી પાસે ઉપલબ્ધ પુસ્તકો ફંફોસી જોયાં, જેમાં એક પુસ્તક મારા અતિપ્રિય લેખક, સંખ્યાબંધ ઇસ્લામી પુસ્તકોના લેખક, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના જનરલ સેક્રેટરી અને ઇસ્લામી વિદ્વાન હઝરત મૌલાના મુફ્તી ખાલિદસૈફુલ્લાહ રહમાની સાહેબનું હાથમાં આવ્યું, જેનું નામ હતું ‘દીની વ અસરી તાલીમ’. મને ખ્યાલ હતો જ કે મારા વિષયને લગતું વિષયવસ્તુ આમાંથી મળી જ રહેશે, જેવું પુસ્તક ફેંદવાનું શરૂ કર્યું, ત્યાં જ એક આખું પ્રકરણ “દુન્યવી શિક્ષણ અને શાળાઓ”ના નામે મળી ગયું. બસ, જોતાવેંત વાંચીને અનુવાદ કરવાનું શરૂ કરી દીધું અને ખૂબ જ ટૂંકા ગાળામાં સાઠથી પાસઠ જેટલાં પેજ અલ્હમ્દુલિલ્લાહ અનુદિત થઈને તૈયાર થઈ ગયાં.

        આ ઉપરાંત અમે કેટલાક મિત્રો સદભાવના ઈ-મેગેઝિનના નામે એક ઈ-માસિક પ્રકાશિત કરતાં હતા; જેમાં અમારા વડીલ અને મુરબ્બી સમાન મૌલાના ઇકબાલહુસેન બોકડા સાહેબના આ વિષયે પ્રકાશિત લેખો સ્મૃતિપટ પર હાજરી નોંધાવવા લાગ્યા, તરત કોમ્પ્યુટર ખોલ્યું ને સદભાવનાની ફાઇલો તપાસી; તો પાંચેક મૂલ્યવાન અને ખૂબ માહિતીપ્રદ લેખો તેમાંથી મળી આવ્યા, જેમાં ત્રણ મૌલાના ઇકબાલહુસેન બોકડા સાહેબના હતા, અને બીજા બે પૈકી એક પ્રસિદ્ધ પત્રકાર સ્વામીનાથન ઐયરનો લેખ હતો, જે તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં અસદુદ્દીન ઉવૈસીને સંબોધીને પત્ર સ્વરૂપે લખ્યો હતો, અને ત્યારે જ મેં તેનો ગુજરાતી અનુવાદ કરી સદભાવનામાં પ્રકાશિત કરેલો, બીજો એક લેખ ગુજરાતના મશહૂર સમાજશાસ્ત્રી પ્રોફેસર ગૌરાંગ જાની સાહેબનો છે, જે તેઓની ફેસબુક વૉલ પરથી સાભાર લેવામાં આવ્યો છે. વિષય સાથે એકરૂપતાને કારણે આ બધા લેખોને પણ વ્યવસ્થિત મઠારી, એડિટ કરીને આ સંગ્રહમાં સંકલિત કરી લીધા. આમ, આ બધી મથામણ પછીનું પરિણામ આ પુસ્તક છે. 

        કુલ ૧૮ જેટલા લેખોનો આ સંગ્રહ વાચકોની સરળતા ખાતર ચાર પ્રકરણોમાં વિભાજિત કર્યો છે:

પ્રકરણ: ૧ ઇસ્લામમાં શિક્ષણનું મહત્ત્વ અને મુસ્લિમ સમાજ (૫ લેખો)

પ્રકરણ: ૨ શિક્ષણ અને મુસ્લિમોની વર્તમાન સ્થિતિ (૩ લેખો)

પ્રકરણ: ૩ મુસ્લિમ સમાજ અને વર્તમાન શૈક્ષણિક પડકારો (૬ લેખો)

પ્રકરણ: ૪ શિક્ષકો, બાળકો, વાલીઓ અને સંચાલકોની જવાબદારી (૪ લેખો)

        આ પૈકી સૌથી મહત્ત્વનું પ્રકરણ અને આ પુસ્તક કરવા પાછળનું જે નિમિત્ત બન્યું, તે ત્રીજું પ્રકરણ છે, જેમાં વર્તમાન શૈક્ષણિક પડકારોના શીર્ષકથી કુલ ૬ લેખો સમાવ્યા છે, તે પૈકી ભારતીય ઇતિહાસ અને ઇતિહાસલેખન’ અને ‘હિંદુત્વ, શૈક્ષણિક વિચારધારાઓ અને શિક્ષણ પ્રણાલી’ શીર્ષક સાથે લખાયેલ લેખો પુસ્તકના સૌથી ઇમ્પોર્ટન્ટ લેખો કહું તો કદાચ અતિશયોક્તિ નહીં લેખાય; કારણ કે અત્યારે શિક્ષણ ક્ષેત્રે જે સૌથી મોટા પડકારો મોં ફાડીને ઊભા છે, તે પૈકી શિક્ષણ ક્ષેત્રે હિંદુત્વ વિચારધારાનું પ્રભુત્વ, સરકારી છત્રછાયા હેઠળ ઇતિહાસ અને સવિશેષ મુસ્લિમ ઇતિહાસ સાથે થઈ રહેલ વિકૃત પ્રયાસો, ઇતિહાસનું પુનઃલેખન (Re-writing of History), NEPમાં મુસ્લિમ સમુદાય અને તેમના ધર્મ અને સંસ્કૃતિની અવગણના કરી એક ચોક્કસ વિચારધારાને થોપવી વગેરે જેવા મુદ્દાઓ પર અત્યંત તાર્કિક, વિશ્વસનીય સંદર્ભો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને સલાહ-સૂચનો કરાયા છે.

                અલ્લાહ તઆલા આ પુસ્તકને ગુજરાતી મુસ્લિમ જગતમાં શૈક્ષણિક ક્રાંતિનું નિમિત્ત બનાવે અને તેમાં દર્શાવેલ સલાહ-સૂચનો અને માર્ગદર્શનને અનુસરવા આખી મુસ્લિમ કોમને તૌફીક બક્ષે. (આમીન.)

પુસ્તક પ્રાપ્તિની વિગતો:

નામ: શિક્ષણ મંથન: મુસ્લિમોની વર્તમાન શિક્ષણ સ્થિતિ અને શૈક્ષણિક પડકારો

અનુવાદ અને સંકલન: અનસ બદામ

કિંમત: ૧૦૦ (સપ્ટેમ્બર-૨૦૨૨ સુધી જ આ વિશેષ ડિસ્કાઉન્ટ રહેશે.)

સંપર્ક: અનસ એસ. બદામ (ગોધરા)

MO. 9904315546


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments