Friday, December 13, 2024
Homeપયગામઅસ્પૃશ્યતાનું સામાજિક કેન્સરઃ ઉપચાર શું?

અસ્પૃશ્યતાનું સામાજિક કેન્સરઃ ઉપચાર શું?

એક બાજુ દેશ આઝાદીનો અમૃત મહોત્સવને ઉમંગ ભેર ઉજવી રહ્યો છે અને બીજી બાજુ જાતિગત અત્યાચારની પ્રાચીન પરંપરાની માનસિકતાના દર્શન થઇ રહ્યા છે. દેશને આઝાદ થયે ૭૫ વર્ષ થઇ ગયા પરંતુ સદીઓથી ચાલતી અસ્પૃશ્યતાનો અભિશાપ દલિતોને હજુ સહન કરવો  પડી રહ્યો છે. બંધારણના ઘડવૈયાઓ એ બંધારણ બનાવતી વખતે ખુબ જ તકેદારી રાખી હતી કે દેશમાંથી અસ્પૃશ્યતા, આભડછેટ અને ભેદભાવને સંપૂર્ણ પણે ડામી શકાય. જાતિગત ભેદભાવને જડમુળથી ઉખેડી ફેંકવા કાયદાઓમાં કોઈ કમી દેખાતી નથી, છતાં પ્રશ્ન એ છે કે અસ્પૃશ્યતાના પાપનો ઘડો ક્યારે ભરાશે? વર્ણ વ્યવસ્થાના નામે શુદ્ર-દલિત વર્ગ ઉપર હજારો વર્ષથી જે અત્યાચાર થઇ રહ્યો છે તે સમાપ્ત થતો દેખાતો નથી. હમણાં જ, આ ચાલુ ઓગસ્ટ ૨૦૨૨ના મહિનામાં ઘટિત બે ઘટનાઓનું વર્ણન કરીશ જે દર્શાવે છે કે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આપણે ઠેરના ઠેર છીએ.

યુ.પી.ના બાંસગાંવના એક દલિત ગામના ‘સરપંચ’ સત્યમેવને, ઠાકુર અને બ્રાહ્મણો સાથે સંકળાયેલી ઉચ્ચ જાતિના સભ્યો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. હત્યારાઓએ તેના ઘરે જઈ તેની માતાને પુત્રનો મૃતદેહ ખેતરમાંથી મેળવી લેવા જણાવ્યું અને તેની સામે જાતિવાદી અપશબ્દો પણ બોલ્યા. સરપંચના એક સંબંધીએ મીડિયાને જણાવ્યું કે ઠાકુર અને બ્રાહ્મણો સત્યમેવને પસંદ નહોતા કરતા કારણ કે તે ક્યારેય ઉચ્ચ જાતિની લાઇનમાં પગ મૂકતો નહતો, ગામના કામ અંગે પણ હંમેશા સ્વતંત્ર ર્નિણય લેતો હતો અને માથું ઊંચુ રાખીને ચાલતો હતો. આ  વસ્તુ ઉચ્ચ જ્ઞાતિઓને ગમતી ન હતી અને પરિણામે તેની હત્યા કરવામાં આવી. જાેકે ગામમાં ઠાકુરો અને બ્રહ્મણો માત્ર ૧૫ ટકા જેટલાં જ છે.

રાજસ્થાનના જાલોર જિલ્લાના ૯ વર્ષના દલિત છોકરાને ઉચ્ચ જ્ઞાતિના લોકો માટેના ઘડામાંથી પાણી પીતા જાેઈ એક શિક્ષક ગુસ્સે ભરાયા અને બાળકને ઢોર માર માર્યો હતો. ઇજાઓના કારણે અહમદાબાદની એક હોસ્પીટલમાં તેનું મૃત્યુ થયું હતું.

બંન્ને કિસ્સામાં પીડિત અનુસુચિત જાતિના વ્યક્તિ છે. સરપંચ કે જે ગામની પ્રતિષ્ઠીત વ્યક્તિ હોય છે, પરંતુ આ બંધારણીય પદ પણ જાતિ આગળ વામણું લાગે છે. અને શિક્ષણધામ કે જ્યાં ભારતનું ભવિષ્ય નિર્માણ પામે છે તેના નિર્માતા પણ ભેદભાવની ગંધથી સીધા પ્રભાવિત દેખાય  છે. સ્વતંત્રતાના ૭૫ વર્ષ પછી પણ બાળક એવી રીતે જાતિગત ભેદભાવનો ભોગ બને છે જેવી રીતે આંબેડકરે નાનપણમાં ભેદભાવ જાેયા હતા, કે જ્યારે તે અને તેમના અન્ય અસ્પૃશ્ય સહપાઠીઓ તરસ્યા હોય, ત્યારે ઉચ્ચ જાતિના લોકો પાણીને ઊંચાઈએથી રેડતા હતા જેથી તેઓ  વાસણના સંપર્કમાં ન આવે.

બાબા સાહેબ આંબેડકરે સમાનતા પર આધારિત ન્યાય માટે લડવાનો સંકલ્પ કર્યો. અને જીવનભર સામાજિક ભેદભાવ, આર્થિક વિચલન, અને રાજકીય બાદબાકીમાંથી દલિતોની સ્વતંત્રતા માટે સંધર્ષશીલ રહ્યા. તેમણે સમાજમાં દલિતોને આહલેક લગાવી, સંઘર્ષ માટે તૈયાર કર્યા અને અથાક મહેનત કરી. તેમના પછી પણ ઘણા નેતાઓએ આપણા દેશમાંથી અસ્પૃશ્યતાના મુદ્દાને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો, દ્રવિડ ચળવળ પણ ચાલી પરંતુ બધા નિષ્ફળ રહ્યા છે. એવું લાગે છે કે આભડછેટ કે ભેદભાવની આ બીમારી ભારતીય સમાજની ગળથુથીમાં ભરાઈ ગઈ છે. આપણો દેશ ભારત જ નહીં, અમેરિકા જેવો વિકસિત દેશ પણ અશ્વેતો પ્રત્યે ધિક્કારની લાગણી ધરાવે  છે. વિચારકો એવું માનતા હતા કે લોકશાહી સંસ્થાઓ અને પ્રજાસત્તાક મૂલ્યો અસ્પૃશ્યોની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે સુપરસ્ટ્રક્ચર તરીકે કામ કરશે. પરંતુ એ સ્વપ્ન જ બનીને રહ્યું. માનવ અધિકાર ઘોષણા પત્રની બહુ બોલબાલા થઇ પરંતુ અમલીકરણ બાબતે તે પણ ફૂટેલી કારતૂસ સાબિત થયું. એ જાેતાં  ક્યારેક એવું લાગે છે કે ફ્રેન્ચ બળવાખોર રૂસોએ સાચું કહ્યું હતું કે માણસ સ્વતંત્ર  જન્મ્યો હતો, પરંતુ દરેક જગ્યાએ બંધાયેલો છે.

અસ્પૃશ્યતા પણ એક પ્રકારની સામાજિક ગુલામી છે અને કહેવાતા નીચી જાતિના ભાઈઓને ઉચ્ચ જાતિની કેદમાંથી મુક્ત કરવા મોટા પાયે સામાજિક જાગૃતિ અને માનસ પરિવર્તનની જરૂર છે. આ સમસ્યા માત્ર કાયદા કાનુન, જાગૃતિ કાર્યક્રમ અને બંધારણીય સુધારાથી નાબુદ નહિ થાય. તેના માટે એક મજબુત આધાર અને ઈતિહાસમાંથી ઘણું શીખવાની જરૂર છે.

ઇસ્લામના છેલ્લા પયગંબર હજરત મુહમ્મદ સ.અ.વ.ના યુગમાં ૧૪૦૦ વર્ષ અગાઉ આરબોમાં પણ ગુલામી પ્રથા ખુબ જ પ્રચલિત હતી. હબશીઓને વિશેષ રૂપે ગુલામ બનાવીને રાખવામાં આવતા હતા. તેમની પરિસ્થિતિ ખુબ જ દયનીય હતી. હઝરત મુહમ્મદ સ.અ.વ.એ એક ઈશ્વર પર વિશ્વાસ અને તેના આદેશો સામે સમર્પણની ભાવના થકી એવી વ્યવસ્થા ઉભી કરી કે ટૂંક સમય માં જ જાતિ-જ્ઞાતિ, વર્ણ – વંશ, રંગ-રૂપ, અમીર -ગરીબ, ઊંચ-નીચ, દેશ-કોમ, ભાષા અને બોલીના બધા ભેદભાવ જડમુળથી ખંખેરી નાંખ્યા. આપ સ.અ.વ.એ  તે સમયની દુનિયામાં જાેવા મળતા વિવિધ પ્રકારના ભેદભાવ વિરુદ્ધ માત્ર મૌખિક વાતોના વડા ન કર્યા, આચરણની દુનિયામાં કામ કરીને બતાવ્યું અને માનવગરીમાને સુનિશ્ચિત કરી. બંદગીની રીતમાં એવી વ્યવસ્થા ઉભી કરી કે નમાજ અદા કરવા ઉભા થઈએ તો સાથીઓની શ્રેણીમાં કોઈ ભેદભાવ ન હોય. એટલે જ અલ્લામા ઇકબાલ રહ. એ કહ્યું હતું કે,

 એક હી સફમેં ખડે હો ગયે

મહમૂદ વ અયાઝ

ન કોઈ બંદા રહા

ન કોઈ બંદા નવાઝ 

મસ્જિદની અંદર જ નહીં, સામાજિક જીવનમાં પણ સમાન દરજ્જાે આપ્યો. કોઈ આરક્ષણની જરૂર ન પડી, કોઈ ચળવળ ચલાવવામાં ન આવી, કોઈ ફિલસુફી આપવામાં ન આવી, ગુલામો તરફથી સમ્માન અને હકની કોઈ લડાઈ લડવામાં ન આવી, કોઈ સીમ્પોજીયમ કે સેમીનાર નહોતા કરવામાં આવ્યા. પરંતુ ધરમૂળથી એવું પરિવર્તન આવ્યું કે ઈતિહાસમાં ભેદભાવ નાબુદીનો આના જેવો બીજાે કોઈ દાખલો જડતો નથી.  સાથે રહેવા જમવાનું હોય, વાટકી વ્યવહાર કે બેટી વ્યવહાર હોય, શૈક્ષણિક,આર્થિક કે રાજકીય ક્ષેત્રે કોઈ પદ પ્રાપ્તિ હોય કે ન્યાયાલયમાં કાઝી બનવું હોય, નમાઝ માટે ઈમામ બનવું હોય કે ધર્મશાસ્ત્રમાં નિષ્ણાત થવું હોય, તમામ લોકો માટે બધું જ શક્ય બન્યું. દરેક વ્યક્તિને કોઈ પણ ભેદભાવ વગર તમામ  ક્ષેત્રોમાં લાયકાત મુજબ ઉચ્ચ દરજ્જા આપવામાં આવ્યા અને એવા શબ્દોને પ્રતિબંધિત કરવામાં આવ્યા જેનાથી માનવ ગૌરવને કોઈ ક્ષતિ પહોંચતી હોય. અશ્પૃશ્તા, ઊંચ નીચ અને ભેદભાવના સંદર્ભમાં ઈસ્લામે સ્પષ્ટ  શિક્ષણ આપ્યું.

“લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞ અને સુમાહિતગાર છે.” (સૂરઃ અલ હુજુરાત-૧૩)

એટલે એક આદમની સંતાન હોવાના નાતે બધા માનવો ભાઈ બહેન છે. તેમની વચ્ચે જાેવા મળતી વિવિધતા માત્ર ઓળખ માટે છે અને શ્રેષ્ઠતા નૈતિકતાના આધારે છે. કુરાનમાં અલ્લાહ  માનવીના દરજ્જા ઉપર પ્રકાશ પડતા કહે છે,

“આ અમારી મહેરબાની છે કે અમે આદમની સંતાનને પ્રતિષ્ઠા આપી”. (સૂરઃબની ઇસરાઇલ- ૭૦)

માનવ સમાનતાનું ઉદાહરણ મક્કા વિજય પછીના હજરત મુહંમદ સ.અ.વના  ઉદબોધનથી પણ લગાવી શકાય છે. આપ સ.અ.વ.એ  કહ્યું કે આભાર અલ્લાહનો જેણે તમારી અંદર અજ્ઞાનની બુરાઈ અને તેનું ઘમંડ દૂર કર્યું. લોકો! બધા માનવોના માત્ર બે જ ભાગ છે. એક નેક અને સંયમી, જે અલ્લાહની નજરમાં ઈજ્જતવાળો છે અને બીજાે અવજ્ઞાકારી અને નાફરમાન જે અલ્લાહની નજરમાં હલકો છે. આમ તો બધા માનવો આદમની સંતાન છે અને અલ્લાહે આદમ ને માટીમાંથી પેદા કર્યા હતા. (બયહકી, તિર્મીઝી)

વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનો અહંકાર પરવરીશ ન પામે તેના માટે આપ સ.અ.વ.એ આદમની ઉત્પત્તિ ઉપર પ્રકાશ પડતા કહ્યું કે તેમને માટીમાંથી પેદા કરવામાં આવ્યા. એક બીજી જગ્યાએ આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે અલ્લાહ કયામતના દિવસે તમારો કુળ-વંશ નહિ પૂછે, અલ્લાહને ત્યાં સૌથી ઈજ્જતવાળો તે છે જે સૌથી વધુ સંયમી હોય.( ઇબ્ને જરીર)

એવી રીતે અંતિમ હજ પ્રસંગે એક સંબોધનમાં આપ સ.અ.વ. એ કહ્યું, ‘લોકો જાણી લો ! તમારા સૌનો ખુદા એક જ છે, કોઈ આરબને બિન આરબ ઉપર, કોઈ બિન આરબને આરબ ઉપર, તથા કોઈ ગોરાને કોઈ કાળા ઉપર અને કોઈ કાળાને કોઈ ગોરા ઉપર શ્રેષ્ઠતા નથી, પરંતુ સંયમના આધારે. 

આપ સ.અ.વ.એ હજરત બિલાલ રદી કે જેઓ નીગ્રો હબશી હતા, તેમને પ્રથમ મુઅઝ્‌ઝીન (નમાઝ માટે આહ્વાન કરનાર) બનાવ્યા. એટલું જ નહિ મક્કા વિજયના સમયે હજરત બિલાલ રદી. ને આપ સ.અ.વ એ કાબાની છત પર ચઢી અઝાન આપવા કહ્યું, પરંતુ કાબાની દીવાલ ઊંચી હોવાથી આપ સ.અ.વ.એ આપના ખભા વડે દીવાલ પર ચઢવાનું સૂચવ્યું. કોઈ કાળો વ્યક્તિ તે સમયના પયગંબરના ખભા પર પગ મુકે એનાથી મોટું માનવ પ્રતિષ્ઠાનું દ્રષ્ટાંત બીજું શું હોઈ શકે.!!

 આવી રીતે એક દાખલો હઝરત ઉમર રદી. ના જીવન માંથી મળે છે. હજરત અનસ રદી.એ કહ્યું કે ઇજિપ્તના લોકોમાંથી એક વ્યક્તિ હજરત ઉમર બિન ખત્તાબ (રદિ) પાસે આવ્યો અને કહ્યું, ‘હે અમીરુલ મુમીનુન, હું તમારી પાસે આશ્રય માંગું છું, અન્યાયથી. હજરત ઉમરે પૂછ્યું, ‘તમને શું જાેઈએ છે. તે માણસે કહ્યું, ‘મેં અમ્ર બિન અલ-આસ રદી. (ગવર્નર)ના પુત્ર સાથે સ્પર્ધા કરી અને હું જીતી ગયો, પરંતુ તેણે મને ચાબુક વડે મારવાનું શરૂ કર્યું અને કહ્યુંઃ હું પ્રતિષ્ઠિત વ્યક્તિનો પુત્ર છું!’ આ સાંભળી હજરત ઉમર રદી.એ હઝરત અમ્રને પત્ર લખીને આદેશ આપ્યો કે તે તેના પુત્ર સાથે હાજર થાય. તેઓ તેમના પુત્ર સાથે આવ્યા ત્યારે હઝરત ઉમર રદી એ પૂછ્યું , ‘ તે ઇજિપ્શીયન ક્યાં છે?’  તેમણે તેને ચાબુક આપ્યો અને હઝરત અમ્રના પુત્રને મારવાનું કહ્યું. તે વ્યક્તિએ તેને મારવાનું શરૂ કર્યું ત્યારે હઝરત ઉમર રદી. કહી રહ્યા હતા, ‘અજ્ઞાનીના પુત્ર પર પ્રહાર કરો!’.  હજરત અનસ રદી. એ કહ્યું, ‘અલ્લાહની સોગંધ, તે વ્યક્તિએ તેને માર્યો અને અમને તેની માર પસંદ પડી, અને જ્યાં સુધી અમે ન ઈચ્છયું  તે રોકાયો નહીં’. પછી હઝરત ઉમર રદી. એ મિસરીને હઝરત અમ્ર તરફ ફરવા કહ્યું.  ઇજિપ્શીયને કહ્યું, ‘હે અમીરુલ મોમીનીન ! મને ફક્ત તેના પુત્રએ જ  માર્યો અને મેં મામલો બરાબર કરી લીધો. પછી હઝરત ઉમર રદી એ હઝરત અમ્ર રદીને કહ્યુંઃ ‘તમે લોકોને ક્યારથી ગુલામ બનાવ્યા, જાેકે તેઓ તેમની માતાની કુખમાંથી તો આઝાદ જન્મ્યા હતા’?

ઇસ્લામે એક સામાન્ય ગુલામ વ્યક્તિને કેટલું ઉચ્ચ સ્થાન આપ્યું તેનો અંદાજ  હઝરત ઉમર રદી.ના આ વાક્યથી લગાવી શકાય છે કે,તેઓ કહેતા હતા કે “હઝરત અબુ બકર (ર.અ.) અમારા સરદાર છે અને તેમણે અમારા સરદાર (એટલે કે બિલાલ)ને આઝાદ કરાવ્યા.” (હઝરત જાબીર બિન અબ્દુલ્લાહ,સહીહ અલ-બુખારી)

ઈસ્લામે જન્મના આધારે મળતી તમામ પ્રકારની શ્રેષ્ઠતાને ભૂંસી નાંખી અને તેનો આધાર નૈતિકતા, સંયમ અને ઈશપરાયણતાને બનાવ્યો અને એક એવી વિશ્વ બીરાદરીની રચના કરી જેમાં સૌ માનવો સમાન હતા. આજે ૨૧મી સદી જયારે કે માનવ સભ્યતા પ્રગતિના શિખરે પહોંચી રહી છે ત્યારે આપણા દેશમાં બનતા અસ્પૃશ્યતા અને ભેદભાવના બનાવો આપણા માટે કલંક રૂપ છે. સમયાંતરે બનતી  આવી ઘટનાઓ આપણી માનસિકતા અને દંભીપણાને છતું કરે છે. વંશીય,જાતીય, રંગભેદ વીગેરેની શ્રેષ્ઠતા બીજા પ્રત્યે નફરતની ભાવના પેદા કરે છે, જે દેશમાં આગળ જતાં આંતર વિગ્રહને આમંત્રણ આપે છે. આવો સમાજ ક્યારેય મજબુત થઇ શકે નહિ. વિવિધતા એ કુદરતની દેણ છે, શ્રેષ્ઠતાનું ચિહ્ન નથી. કોઈ પણ વસ્તુ કે કાયદો સમાજમાંથી આ ઘૃણાસ્પદ બીમારીને દૂર ન કરી શકે જ્યાં સુધી આપણે પોતે આપણા મગજ માંથી ઊંચ નીચની ભાવનાને ભૂંસી ન નાખીએ અને એટલેજ આ બાબતે ઇસ્લામનું શિક્ષણ લાભદાયી નીવડી શકે છે. તેના પર વિચારવું જ રહ્યું. એટલે જ હું કહું છું,

હો જિસમેં ખોફે ખુદા બસ ઊંચા વહી ઇન્સાન હૈ.

જાતિ બિરાદરી રંગ ભાષા સબ દુનિયા કી પહચાન હૈ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments