દેશભરમાં ૧૩-૧૫મી ઓગસ્ટ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા “હર ઘર તિરંગા લહેરાવીએ” અભિયાનની જાહેરાત કરવામાં આવી. આ અભિયાન દરમ્યાન દરેક ઘરની ઉપર તિરંગો ફરકાવવાનું આહ્વાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું. સ્વતંત્ર દિવસની ઉજવણી આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોઇ અમૃત મહોત્સવ તરીકે કરવામાં આવી. સમગ્ર દેશ ભક્તિમય થઈ ગયો હોય તે રીતે ઉજવણી કરવામાં આવી. જાહેરાતના દરેક માધ્યમ એટલે કે કોલર-ટ્યુન, હોર્ડિંગ્સ, અખબાર, મેસેજ, ઇમેજ, વીડિયો વિ.નો ઉપયોગ કરી રાષ્ટ્ર પ્રત્યે આપણો પ્રેમ અને ભક્તિ પ્રગટ કરવાનો આ અવસર ચૂકી ન જવાય તેવા સંદેશા વહેતા કરવામાં આવ્યા. કેટલાક લોકોએ એવી રીતે તિરંગો ફરકાવવાનું આહ્વાન કર્યું જાણે રાષ્ટ્ર પ્રેમનું એકમાત્ર પ્રમાણ આ જ હોય.!
આ સ્વતંત્રતા દિવસની આ રીતે ઉજવણી સૂચવે છે કે આ દેશને એક પૂજનીય વસ્તુ તરીકે જાેવામાં આવે, તેની પૂજા-અર્ચના અને વંદના કરવામાં આવે, સરકાર સંપૂર્ણપણે દેશહિતમાં કાર્યરત્ છે તેથી તેને મદદ કરવામાં આવે વિ. સ્વતંત્રતાના ૭૫ વર્ષમાં જાણે દેશપ્રેમ કરનારાઓ હતાં જ નહીં અને મોદી સરકાર દેશપ્રેમ શીખવાડી રહી હોય તે રીતે પ્રચાર અભિયાન ચાલ્યો. દેશભક્તિ માટે કરવામાં આવતા પ્રચાર ખરેખર કેટલા દેશહિતમાં છે તેનો હિસાબ પણ કરવા જેવો છે. આ વિશ્લેષણ કરવાનો વિષય છે. દેશપ્રેમ કે દેશભક્તિનું પ્રમાણ તિરંગા ફરકાવવા માત્રથી થઈ જતું હોય તો બધા જ બેઇમાનો અને દેશને નુકસાન પહોંચાડનારા લોકો દેશના પાકા ભક્ત સાબિત થઈ જાય. હકીકતમાં સરકાર દેશભક્તિના નામે રાષ્ટ્રવાદના પાયા મજબૂત કરી રહી છે. રાષ્ટ્રવાદ એવી ઉન્માદી માનસિકતાને જન્મ આપે જે દ્વેષ અને નફરતને પ્રોત્સાહન આપે છે. મોદી સરકાર સૌથી વધુ દેશપ્રેમ ધરાવતી પાર્ટી છે તેવો ભ્રમ ઊભો કરવામાં તે સફળ થઈ છે અને લોકોના મન-મસ્તિષ્ક પર છવાઈ ગયું છે કે તેના સિવાય તમામ પાર્ટીઓ વત્તા ઓછા અંશે દેશ વિરોધી છે.
ખરેખર જાેઈએ તો દેશને આવા ઉત્સવો કરવાની અને પ્રચાર પાછળ મોટા ખર્ચાઓ કરવાની કોઈ જરૂર નથી. દેશ લોકોનો બનેલો છે અને દેશના લોકોની સેવામાં જ દેશનો વિકાસ અને ઉત્થાન છે. દેશ પ્રત્યે તમારો પ્રેમ દર્શાવવાનો વિકલ્પ આના સિવાય બીજા કોઈ હોઈ જ ન શકે કે તમે દેશમાં વસતા લોકોની જરૂરીયાત સમજાે અને પરિપૂર્ણ કરવાનો અથાગ પ્રયત્ન કરો. દેશના પૂજવા લાયક દેવી કે દેવતા તરીકે પ્રસ્તુત કરવું એ લોકોને શ્રધ્ધા અને ભાવુકતા નજીક લાવી તેમના વાસ્તવિક મુદ્દાઓ, મુશ્કેલીઓ અને જરૂરીયાતોથી ભ્રમિત કરી દેવાનો કીમીયો માત્ર છે. આજે લોકોના મુખ્ય મુદ્દાઓ ઘર, ભરપેટ ભોજન અને રોજગાર સાથે સંકળાયેલા છે. સરકારે આ સમયગાળામાં “હર ઘર રોજગાર લાવીએ” તેવા સૂત્ર સાથે સ્વતંત્રતા દિવસ મનાવવાની જરૂર હતી, પરંતુ બજારમાં પ્રવર્તમાન મોંઘવારી, મંદી અને ધીમો રોકડ પ્રવાહ જેવા મહાકાય મુદ્દાઓ પ્રશ્નો બની જવાનું જાેખમ માથે હતું તેથી સરકારે તિરંગો ફરકાવીને જ દેશની સેવા કર્યાનો સંતોષ માન્યો. આ સંતોષ સરકાર અને સરકારી માણસો પૂરતો છે. દેશની બહુમતિ જનતા ‘અચ્છે દિન’ની રાહ જાેઈને અસંતોષની લાગણી અનુભવી રહી છે. તેમના માટે સરકાર ક્યારે રોજગાર પૂરો પાડશે? દેશમાં ગરીબી અને મોંઘવારી ક્યારે ઓછી થશે? આ પ્રશ્નોના ઉત્તર સરકાર ક્યારે આપશે!?
દેશની કુલ જનસંખ્યાના પાંચમાં ભાગના નાગરિકો એટલે ૨૭ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. બીજી રીતે કહીએ તો દરેક પાંચમો માણસ ગરીબી રેખા હેઠળ જીવી રહ્યો છે. ગરીબી રેખાની વ્યાખ્યા પણ ચોંકાવનારી અને હાસ્યાસ્પદ છે. જે વ્યક્તિ દરરોજ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અનુક્રમે ૩૩ અને ૨૭ રૂ. કમાઈ શકતો હોય તે ગરીબી રેખા હેઠળ જીવી રહ્યો છે. એટલે કે મહિનાના ૧૦૦૦ રૂ. થી વધારે કમાતો માણસ ગરીબ નથી. અને ગ્રામીણ વિસ્તારમાં મહિનાના ૮૧૦થી વધારે કમાતો વ્યક્તિ ગરીબ નથી. સરકારે આ ગરીબી રેખાની વ્યાખ્યા કરી ઘણાને ગરીબી રેખાની ઉપર લાવી દીધા છે. આ ખરેખર ગરીબો સાથે મોટી મજાક છે. હવે તમે વિચારી શકો છો કે દેશમાં કયા અમૃત મહોત્સવની જરૂર છે.
૨૦-૨૪ વર્ષના નવયુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ૪૩.૭ ટકા છે. એટલે કે જેમની પાસે રોજગાર નથી તેવા ૧૦૦માંથી ૪૩ લોકો છે. બેરોજગારોની સંખ્યા લગભગ ૨૭ કરોડ છે. એટલે કે દેશમાં દરેક ૫મો વ્યક્તિ બેરોજગાર છે. બેરોજગારી અને ગરીબીને સકારાત્મક સંબંધ છે. બેરોજગારી વધતા ગરીબી વધે છે અને બેરોજગારી ઘટતા ગરીબી ઘટે છે. તો સરકારે ખરેખર કયા અભિયાનની હાકલ કરવી જાેઈએ. ‘સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ’ની કે ‘રોજગાર લાવીએ – ગરીબીનો ખાત્મો બોલાવીએ’ની!!!
દેશમાં ક્યાં તિરંગો ફરકાવવામાં આવ્યો અને ક્યાં નથી ફરકાવવામાં આવ્યો, અને ક્યા ધાર્મિક સ્થળ પર નથી જાેવા મળ્યો તેને દેશપ્રેમ સાથે જાેડવાનો કોઈ તર્ક નથી અને સરકારનું આ કામ પણ નથી. લોકહિતના કાર્યો જ ખરેખર દેશ હિતના કાર્યો છે. તે બાબત સરકાર સમજે છે પરંતુ તે એવા કાર્યો કરવા નથી ઇચ્છતી. કારણકે ગરીબ પાસેથી સરકારને શું મળવાનું છે? વોટ તો એમને એમ જ મળી જાય છે.! સરકાર તો અદાણી, અંબાણી કે ટાટાને લઈને કઈ રીતે ફાયદો પહોંચાડાય તેના વિશે વિચારે છે અને ભોળી જનતાને રાષ્ટ્રવાદના અફીણમાં ગરકાવ કરી દે છે. ક્યારેય કોર્પોરેટ જગતના કોઈ મૂડીવાદીને ઝંડો ફરકાવતા જાેવામાં આવ્યો? હંમેશા ગરીબ અને બેરોજગાર વિસ્તારમાંથી રાષ્ટ્રપ્રેમના ગીતો સંભળાય છે અને રેલીઓ કઢાય છે.!
સરકાર ઘણા જાયન્ટ કોર્પોરેટ્સને ખૂબ જ નજીવા વ્યાજ દરે લોન આપે છે અને ખૂબ જ સસ્તી કિંમતે જમીન આપી દે છે. આ લોકશાહી દેશમાં મૂડીવાદીઓએ એવો પંજા ખોસી દીધા છે કે તેઓ સરકારો સાથે મળીને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરીને સફળ થયા છે. આ મિલિભગતમાં સરકારને સત્તા, મૂડીવાદીઓને રૂપિયા અને જનતાને ઠેંગા વાળું સમીકરણ કાર્યરત્ છે.
જ્યાં સુધી સરકાર ‘હર ઘર રોજગાર’ વાળો અમૃત મહોત્સવ નહીં ઉજવે ત્યાં સુધી ઉજવણીઓ અને ઉત્સવો દેશની બહુમતી જનતા માટે વિષ સમાન હશે!!