આજરોજ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૨, બુધવારના દિવસે મર્કજી તાલીમી બોર્ડ, ગુજરાત અને તેની સહયોગી સંસ્થા ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(FMEII), ગુજરાત ચેપ્ટર દ્વારા કેરીયર કાઉન્સેલર ટ્રેનિંગ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં ગુજરાતના વિવિધ ગામ અને શહેરોમાંથી શાળાઓના ૭૫ શિક્ષકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બિ. ઉમર મન્સૂરી એ કુરાનના પઠન અને ભાષાંતર સાથે કર્યું. મર્કજી તાલીમી બોર્ડના કેરીયર કાઉન્સેલિંગ વિભાગના જવાબદાર ડૉ યાસર ઉમરે મહેમાનો અને હાજરજનોનું શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ મર્કજી તાલીમી બોર્ડ, ગુજરાતના ચેરમેન અને FMEII, ગુજરાતના કન્વીનર ડૉ. ઈફ્તેખાર મલેક દ્વારા હાલની પરિસ્થિતિઓમાં શૈક્ષણિક જાગૃતિની સાથે સાથે સમાજમાં આવનારી પેઢીના ભવિષ્યને યોગ્ય દિશા મળે તો જ સાચા અર્થમાં સામાજીક ઉત્થાનના કાર્યને વેગ મળે અને સમાજને વિકાસના નવા સોપાન સર કરાવવામાં સફળતા મળે તેમ જણાવ્યું. આ બાબતે મર્કજી તાલીમી બોર્ડ દ્વારા એક સર્વાંગી વિકાસનું રાષ્ટ્રીય મંચ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ચાર વર્ષના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આના ભાગરૂપે જ આજનો આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે તેવું તેમણે જણાવ્યું. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ માટેની કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ બાબતે FMEII તરફથી કરવામાં આવેલા પ્રયત્નો વિશે માહિતી આપી. આ પ્રસંગે બિ. ફહીમુદ્દિન શેખ દ્વારા ઓલ ઇન્ડિયા આઇડિયલ ટીચર્સ એસોસિયેશન AIITA નો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ મહારાષ્ટ્રના મુંબઈ શહેરથી પ્રખ્યાત પ્રશિક્ષક અને કેરિયર કાઉન્સેલર વિશેષજ્ઞ એવા ડૉ કાજીમ માલિક સાહેબ દ્વારા ખૂબ સરસ અને સહજ રીતે આવેલા શિક્ષકોને કારકિર્દીની પસંદગી બાબતે બાળકોને માર્ગદર્શન આપવા માટેના વિવિધ જરૂરી પાસાઓનો વિસ્તૃત ચિતાર રજૂ કરવામાં આવ્યો. બાળકોની માનસિકતા, વાલીઓની માનસિકતા અને આર્થિક પરિસ્થિતિ, સામજિક માળખા અને વિવિધ ભૌગોલિક અને સાંસ્કૃતિક એમ દરેક પાસાઓને ધ્યાનમાં રાખી કારકિર્દી માર્ગદર્શનને કેવી રીતે વધારે આયોજનબદ્ધ રીતે કરવું જોઈએ તેનું સરસ રીતે પ્રશિક્ષણ આપ્યું. આવનારા દશ વર્ષમાં વિશ્વમાં જે ધરખમ ફેરફારો થવાના છે તેનો ખ્યાલ રાખી કયા પ્રકારની કારકિર્દીઓ હવેના સમયમાં બાળકો સામે મૂકવી જોઈએ અને તેની પસંદગીમાં માર્ગદર્શક તરીકે શું ધ્યાન રાખવું જોઈએ તેનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન આપ્યું. અંતમાં જમાતે ઇસ્લામી હિંદ, ગુજરાતના અમીર જનાબ શકીલ અહમદ રાજપૂત સાહેબે ટુંકમાં જમાતે ઇસ્લામી હિંદની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો અને શિક્ષકોને બાળકોના કારકિર્દી ઘડતર સાથે નૈતિક ઘડતર માટે કટિબદ્ધ થવા ઉપર ભાર મૂક્યો. આપણી એક ‘ખૈરે ઉમ્મત’ તરીકેની જવાબદારી નિભાવવા માટે સમાજને તૈયાર કરવામાં શિક્ષકની ભૂમિકા બાબતે પણ તેમને વાત કરી અને આ માટે આવેલ શિક્ષકોને ઈમાનદારીથી પ્રયત્નો કરવાની વિનંતી કરી. અંતમાં દુઆ અને આભાર સાથે કાર્યક્રમ પૂરો થયો. શિક્ષકો તરફથી ખૂબ સારો પ્રતિભાવ જોતા મર્કજી તાલીમી બોર્ડ ગુજરાતે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આ કાર્યક્રમની કડીરૂપે વધુ કાર્યક્રમના આયોજન કરવાની રૂપરેખા તૈયાર કરવાનું નક્કી કર્યું છે.
મર્કજી તાલીમી બોર્ડ, ગુજરાત અને તેની સહયોગી સંસ્થા ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ગુજરાત ચેપ્ટર દ્વારા કેરીયર કાઉન્સેલર ટ્રેનિંગ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES