૪ જૂન ૨૦૨૪ના રોજ ૭ તબક્કામાં થયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. દસ વર્ષથી સત્તારૂઢ ભાજપની પરિસ્થિતિ પહેલા જેવી રહી નથી. તેથી ૨૭૩નો જાદુઈ આંકડો પાર થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ઈન્ડિયા જૂથની જાેરદાર લડત અને રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાના પ્રત્યાઘાતો ચૂંટણી પરિણામને ચોક્કસ પ્રભાવિત કરશે. ૨૦મી મે ૨૦૨૪ના રોજ ભારતીય પત્રકારો અને લેખક એસોસીએશન દ્વારા ચૂંટણી અસેસમેન્ટ જાહેર કરવામાં આવ્યું. તેમાં સમગ્ર એનડીએને ૨૫૦ સીટો મળી રહી છે, જ્યારે ઇન્ડિયા બ્લોકને ૨૫૩ સીટો મળી રહી છે. એટલે બંને પક્ષોને બહુમત પ્રાપ્ત નહીં થાય. આ અસેસમેન્ટ ગ્રાઉન્ડ રીયાલીટી દર્શાવી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષના કાર્યકાળમાં નોટબંધી, જીએસટી, પુલવામા, ઇલેકટોરલ બોન્ડ, ટ્રીપલ તલાક, કલમ ૩૭૦, મોંઘવારી, બેરોજગારી, ગરીબી ઉદારીકરણની નીતિ, આરક્ષણ વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ ભાગ્યે જ ભાજપની રેલીઓમાં સાંભળવા મળ્યા. કદાચ ભાજપ પારખી ગયું છે કે દેશની બહુમતી જનતા ગંભીર મુદ્દાઓના આધારે સરકાર નથી ચૂંટતી એટલે જ તેણે હિન્દુ, હિન્દુત્ત્વ, પાકિસ્તાન, મુસલમાન, અયોધ્યા, કાશી-મથુરા અને આતંકવાદની વાત કરી છે. વડાપ્રધાન મોદીમાં આત્મવિશ્વાસનો અભાવ હતો. અમિત શાહ ‘મોદીની ગેરન્ટી’ને એક જુમલો ગણાવતા જાેવા મળ્યા. ઘણા હિન્દુઓએ ભાજપની નીતિઓનો વિરોધ કર્યો, જ્યારે કેટલાકે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી લોકોની ભક્ત માનસિકતાને તાર્કિક બનાવવા ખૂબ મહેનત કરી.
તાજેતરમાં યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત કિશોર જેવા રાજકીય વિષલેશકોના સર્વેક્ષણે બધાને ચોંકાવી દીધા. પ્રશાંત કિશોરના મતે ભાજપને કોઈ ખાસ ફેર પડશે નહીં. ભાજપ પુર્ણ બહુમત સાથે ફરી સત્તામાં આવશે. પરંતુ આ સર્વેક્ષણ કે મંતવ્યનો આધાર મજબૂત નથી.યોગેન્દ્ર યાદવના ઇન્ડિયાન ગઠબંધનના મજબૂત દેખાવ ના આકલન ના જવાબમાં ડેમેજ કન્ટ્રોલની કવાયત રૂપે આ અભિપ્રાય આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.ભાજપનો લુપ્ત થતો આત્મવિશ્વાસ અને શિક્ષિત પ્રજાજનોનો ભાજપ પ્રત્યેનો વિરોધ તેને કદાચ બહુમત પ્રાપ્ત કરતા અટકાવશે.
ખૈર!! પરિણામ ગમે તે આવે તેનાથી મુસ્લિમોની વર્તમાન પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડવાનો નથી. મુસ્લિમોની સામાજિક, આર્થિક અને રાજકીય બદહાલીમાં ભાજપ કેટલાક છીંડા વધારે પાડશે પરંતુ સામાજિક આદતો જેવી કે લગ્ન-મૃત્યુના સામાજિક રીત રીવાજાે, સંબંધીઓ સાથે સંબંધ, સાફ-સફાઈ, રહેણી-કરણીમાં શું પરિવર્તન આવી જવાનું છે! આમાં તો મિલ્લતના દરેક વ્યક્તિની ધાર્મિક ફરજ છે કે તે લગ્ન ખર્ચમાં વ્યય ન કરે, દેખાડો ન કરે, સાદગી અપનાવે. મૃત્યુ વખતે ખોટી રસમો રિવાજાે ન કરે, સંબંધીઓ સાથે પ્રેમ અને વિનમ્રભાવના સંબંધો રાખે, પાડોશીની જરૂરીયાતોને ધ્યાનમાં રાખે, તેમને તકલીફો ન વેઠવી પડે. મહોલ્લા અને વિસ્તાર કે ઘરને સાફ રાખે, ગંદકી ન કરે, સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો ખ્યાલ રાખે, સફાઈ-સુથરાઈ માટે લોકોને સમજાવે વગેરે.. વગેરે.. આ બધા કાર્યોમાં ક્યાં ભાજપ વચ્ચે આવે છે! તે પોતાની ધાર્મિક ફરજ ભુલી મનના ગુલામ બની મનફાવે તેમ વર્તન કરે છે અને જીવનમાં તકલીફો વેઠે છે.
તેવી જ રીતે આર્થિક રીતે પગભર થવા માટે તેને શિક્ષણથી કોણે વંચિત રાખ્યા છે? શિક્ષણ હાંસલ કરી ધંધો કરવા માટે તેને કોણે રોક્યો છે? ધંધો ઈમાનદારીથી કરવા કોણ ના પાડે છે? ગેરકાયદેસર ધંધા કરવા કોણ દબાણ કરે છે? સરકારી યોજના ક્યા ધર્મના આધારે થાય છે? ધંધામાં સંગઠિત થતાં કોણ રોકે છે? ધંધા માટે જરૂરી દુકાન-મકાન ખરીદતા કોણ અટકાવે છે? આમ આર્થિક રીતે પગભર થવા અને વિકાસ કરવા કોઈ રાજકીય પાર્ટી અવરોધ રૂપ નથી. હા, કેટલીક મુશ્કેલીઓ અડચણો જરૂર છે. અશાંતધારા થકી મુસ્લિમોની સીમાઓ મર્યાદિત કરવા કાયદા જરૂર ઘડાયા છે. પરંતુ તેનાથી બીજી તકો બંધ થઈ જતી નથી.
તેવી જ રીતે રાજકીય અધોગતિ માટે કોઈ રાજકીય પક્ષને સંપુર્ણ દોષી ન ઠેરવી શકાય. રાજકીય રીતે સભાન મજબૂત અને જાગૃત બનવા સામાજીક મજબૂતી ખૂબ જરૂરી છે. મુસ્લિમોમાં આંતર ક્લહ પણ વધુ જાેવા મળે છે. સંગઠનમાં જીવવાનો અભાવ જાેવા મળે છે. મુસ્લિમોમાં ઘણી ઓછી જ્ઞાતિઓ છે જે સંગઠિત છે. ગુજરાતમાં વ્હોરા, મેમણ, છીપા, મનસૂરી, ઘાંચી, પટેલ વગેરે જ્ઞાતિઓ સંગઠિત છે છતાં તેમાંથી ગુજરાતમાં નેતા તરીકે એહમદ પટેલ સિવાય કોઈ ઉભર્યો નથી. રાજકીય સંગઠીતતા કેટલી મહત્ત્વની છે તે જાણવા છતાં રાજકીય પ્લેટફોર્મ પર મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે. ભારતના બીજા રાજ્યોમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ છે. ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહાર અને મહારાષ્ટ્રમાં મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી હોવા છતાં ત્યાં મુસ્લિમ રાજકીય વ્યક્તિત્વ ધુંધળુ છે. ઉત્તરપ્રદેશમાં આઝમખાન એક મજબૂત અને પ્રતિભાશાળી નેતા રાજકીય શત્રુતાની ભેટ ચઢાવી દેવામાં આવ્યો તે એક દુઃખદ કિસ્સો છે.
રાજકીય રીતે મુસ્લિમોમાં જાગૃતિનો અભાવ જાેવા મળે છે. તેનો જીવંત નમૂનો ચૂંટણીમાં તેમનું ઓછું મતદાન છે. તેમનામાં અને તેમના મતમાં કેટલી તાકાત છે તેનો અહેસાસ સુદ્ધાં તેમને નથી.
આમ સરકારનું પુનરાવર્તન થાય કે પરિવર્તન થાય બંને સંજાેગોમાં મુસ્લિમો માટે પોતાની સ્થિતિ બદલવા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે તેમની સોચ, સમજ અને ઇચ્છાશક્તિ વધુ મહત્ત્વની છે. આ સંજાેગોમાં કે જ્યારે મુસ્લિમો પોતાની જવાબદારી સમજી સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે જાગૃત બને તો સરકારની બેવડી નીતિ અને ધર્મ આધારિત રાજકારણ પણ તેમને વિકસિત બનતા રોકી નહીં શકે, ઈંશા અલ્લાહ!!…