Sunday, September 8, 2024
Homeપયગામસ્વચ્છતા અને પવિત્રતા ઇસ્લામના પરિપેક્ષ્યમાં

સ્વચ્છતા અને પવિત્રતા ઇસ્લામના પરિપેક્ષ્યમાં

ઇસ્લામની સુંદરતા તેના ઉત્કૃષ્ટ શિક્ષણના લીધે છે. ઇસ્લામ જીવનના દરેક ક્ષેત્રમાં સરળ-સચોટ અને માનવીય પ્રકૃતિને શોભે તેવા આદેશો આપે છે. સ્વચ્છતા અને પવિત્રતાની બાબતમાં પણ ઇસ્લામના આદેશો ખૂબ જ સ્પષ્ટ અને ચડિયાતા છે. જ્યાં સફાઈ હોય ત્યાં સુંદરતા દેખાતી હોય અને સુંદરતા માણસના મનને ભાવે છે. પ્રાકૃતિક દૃશ્યો હોય કે પિકનિક સ્પોટ, કોર્પોરેટ ઇમારત હોય કે મોટી સડકો. ઇસ્લામે આંતરિક પવિત્રતાથી લઈને જાહેર પવિત્રતા સુધી અને વ્યક્તિગત શુદ્ધતાથી લઈને સામૂહિક સ્વચ્છતા સુધી તેના અનુયાયીઓને સ્વચ્છ રહેવાની તાકીદ કરી છે. પવિત્રતા કેળવ્યા વગર વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થઈ શકતો નથી, અને ન જ તે સાંસ્કૃતિક પ્રગતિ કરી શકે છે. સાફ સફાઈ અપનાવવાથી માત્ર શરીર તંદુરસ્ત નથી બનતું બલ્કે સંપૂર્ણ પરિવાર સ્વસ્થ બને છે.


આજ ઔદ્યોગિકરણ, સામાજિક ઉદાસિનતા, અને તંત્રની બેદરકારીના કારણે ઠેર ઠેર અસ્વચ્છતા અને ગંદકીના ઢગલા જોવા મળે છે જેના લીધે પર્યાવરણીય અને આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીની અદ્‌ભૂત પ્રગતિ હોવા છતાં ઘણાં બધા વિસ્તારોમાં આજે પણ સ્વચ્છતાના ક્ષેત્રમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. જો કે સરકાર “એક કદમ સ્વચ્છતા કી ઓર” અથવા “સ્વચ્છ ભારત અભિયાન” ઉજવી રહી છે પરંતુ આ સ્વચ્છતા વડાપ્રધાનના સ્વચ્છ ફોટો સુધી સીમિત છે, સામાજિક જાગૃતિની જવાબદારીમાં ઝાઝો ફેર પડ્‌યો નથી. પરિસ્થિતિ આ છે કે સ્વતંત્રતાના ૭૫ વર્ષે પણ દરેક ઘરમાં શૌચાલય બનાવી શકાયા નથી. સ્વચ્છતા માત્ર સરકારી જાગૃતિથી થઈ શકે નહીં દરેક વ્યક્તિએ પોતાની ધામિર્ક અને સામાજિક જવાબદારી નિભાવવી પડશે.વાસ્તવમાં આ એક એવો કર્મ છે જે સ્વયંશિસ્ત,અનુપાલન અને સાચી ધામિર્કતા વગર શકય નથી.


સ્વચ્છતા જાગૃતિમાં ઇસ્લામની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે. અલ્લાહની બંદગી કરવી હોય, કપડાં પહેરવા હોય, ખાવા પીવાના સૂચનો હોય, મસ્જિદનો આંતરિક માહોલ હોય, રસ્તા અને માર્ગો હોય, મળમૂત્ર ત્યાગની વાત હોય કે પત્નીથી લાભ ઉઠાવ્યો હોય વગેરે બધે સફાઈ સૂથરાઈ અને પવિત્રતા અપનાવવાની તાકીદ કરવામાં આવી છે. અહીં સુધી કે ઇસ્લામે મનનો મેલ પણ સાફ કરવાનો આદેશ આપ્યો છે, અને તેને નૈતિક અને આધ્યાત્મિક તરક્કી માટે ફરજિયાત જાહેર કર્યું છે.


સફાઈ રૂહ એટલે કે આત્માનો ખોરાક અને ઈમાન (શ્રદ્ધા)નો પાયો છે. તેને માનવીય પ્રકૃતિ પસંદ કરે છે. ઇસ્લામનો અકીદો પણ વિશુદ્ધ એકેશ્વરવાદ ઉપર આધારિત છે તે ર્શિકને પણ મનની અપવિત્રતા ગણે છે તેથી સાચા મુસલમાન બનવા માટે વૈચારિક રીતે પણ સ્વચ્છ થવું પડે. મન શુદ્ધ હોય તો કર્મો પણ શુદ્ધ અને અલ્લાહને ત્યાં સ્વીકાર્ય હશે. એટલે જ એક વ્યક્તિ જે કલમો પઢીને ઇસ્લામમાં દાખલ થાય છે, તેને પવિત્ર કલમો કહેવાય છે. લોકોને એ ગેરસમજ હોઈ શકે કે ધનવાન,સ્વરૂપવાન,મોટો ડિગ્રીધારક, મોભાદાર અને પ્રતિષ્ઠીત કે પ્રખ્યાત વ્યક્તિ અલ્લાહને પ્રિય છે. ના.. તે ભૌતિકતાને માપદંડ નથી બનાવતો બલ્કે ગુણોને માન્ય રાખે છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “અલ્લાહ એ લોકોને પસંદ કરે છે કે જેઓ તૌબા(પશ્ચાતાપ)નો માર્ગ અપનાવે છે, ખૂબ જ પવિત્ર રહે છે.” (સૂરઃ બકરહ-૨૨૨)


આ જ રીતે સૂરઃ મુદસ્સિરમાં કહેવામા આવ્યું, “પોતના રબની મોટાઈનું એલાન કરો અને પોતાના કપડાં પાક રાખો અને ગંદકીથી દૂર રહો.” (આયત ૩-૫)
અલ્લાહને પ્રસન્ન કરવા જે બંદગી કરવામાં આવે છે તેના માટે પણ પવિત્રતા જરૂરી છે, દા.ત. નમાઝ, નમાઝ માટે વુઝૂ કરવું ફરજિયાત છે. કુઑન વાંચવા માટે પાક સાફ હોવું અનિવાર્ય છે અને આ જ રીતે તવાફ (કાબાની પરિક્રમા) કરવા માટે પણ પવિત્રતા અને સફાઈ જરૂરી છે. કુઆર્નમાં અલ્લાહે ફરમાવ્યું છે,


આ એક ઉચ્ચ કોટિનું કુઆર્ન છે. એક સુરક્ષિત ગ્રંથમાં અંકિત, જેને પવિત્ર લોકો સિવાય કોઈ સ્પર્શ કરી શકતું નથી.” (સૂરઃ વાકિઆહ ૭૭-૭૯)


અમોએ ઇબ્રાહીમ અને ઈસ્માઈલને તાકીદ કરી હતી કે મારા એ ઘરને તવાફ અને એ’તેકાફ તેમજ સજદો કરનારાઓ માટે સ્વચ્છ અને પવિત્ર રાખે.” (સૂરઃ બકરહ ૧૨૫)
નમાઝ અદા કરવા માટે જે શરતો છે તેમાં જગ્યા, શરીર અને વસ્ત્રોનું સ્વચ્છ હોવું જરૂરી છે. વ્યક્તિ અપવિત્ર થઈ હોય (અર્થાત્‌ સહશયન કર્યું હોય કે સ્વપ્નદોષ થયો હોય) તેણે દર્શાવેલ પદ્ધતિ મુજબ સ્નાન કરવું જરૂરી છે.


સફાઈ વધારાનું કાર્ય નથી બલ્કે સ્વયં એક ઇબાદત છે, સફાઈ વ્યક્તિને ખુદાથી નજીક કરે છે, સફાઈ વ્હાલા નબી સ.અ.વ.ની સુન્નત છે,સફાઈ આપણા બુઝુર્ગોનો વારસો છે, સફાઈ વગર તઝ્‌કિયા(આત્મશુદ્ધિ) સંભવ નથી. અલ્લાહના નબી હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું “સફાઈ અડધું ઈમાન છે.” (મુસ્લિમ) અને કહ્યું કે “દસ વસ્તુઓ માનવીની પ્રકૃતિમાં દાખલ છે. એટલે કે મૂછો કાપવી, દાઢી વધારવી,મિસવાક કરવું, નાકમાં પાણી લઈ તેની સફાઈ કરવી, નખ કાપવા,શરીરના સાંધા ધોવા, બગલના વાળ કાઢવા, ડૂંટી નીચેના વાળ અસ્તરાથી સાફ કરવા અને પેશાબ કરીને સાફ કરવું.” (મુસ્લિમ)


પયગંબર મુહમ્મદ સ.અ.વ.એ કહ્યું કે ઃ “જાે આ વાતનો ખ્યાલ ન હોત કે મારી ઉમ્મત તકલીફમાં પડી જશે તો હું દરેક નમાઝ વખતે (એટલે પાંચ વખત) મિસવાકનો આદેશ આપત.” (બુખારી)


સફાઈ સૂથરાઈની સીમાને વધારીને ઇસ્લામે મસ્જિદો, ઘરો અને માર્ગો પણ સ્વચ્છ રાખવાનો આદેશ આપ્યો છે. આપ સ.અ.વ.એ મસ્જિદોને સ્વચ્છ રાખવા અને એમાં ખુશબૂની વ્યવસ્થા કરવાનો હુકમ આપ્યો છે.(અબૂ દાઊદ). આપે કહ્યું કે, તમે પણ સ્વચ્છતા સુંદરતાને અપનાવો અને ઘરોના આંગણા સ્વચ્છ રાખો. ગંદકીમાં યહૂદીઓની જેમ ન બનો (તિર્મિઝી). તેવી રીતે આપ સ.અ.વ.એ જાહેર જગ્યાઓ ઉપર સ્વચ્છતા રાખવાનો આદેશ આપ્યો છે, માણસ માર્ગોને ગંદા ન કરે . આ જ રીતે એ જગ્યાઓને ગંદી ન કરે જ્યાં લોકો આરામ કરવા બેસે છે. દા.ત. ઝાડનો છાંયડો.


આજે આપણે પોતાના હાથે રોગો ઉત્પન્ન કરી રહ્યા છીએ, ઘણી બધી જગ્યાએ આપણાં ઘરના કચરાનો આપણે યોગ્ય નિકાલ કરતાં નથી. તે દરવાજા બહાર કે ગલી ખૂણાના નાકે ફેંકી દઈએ છીએ.


આ મહિને કુર્બાનીના દિવસો આવવાના છે. એ પ્રસંગે પણ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કેટલીક જગ્યાએ બેદરકારી અને ઇસ્લામી શિક્ષણના અભાવે આપણાં ગલી મોહલ્લા પણ અસ્વચ્છ દેખાય છે. તેથી જાગૃતિ લાવવા મસ્જિદોના ઇમામ સાહેબોએ લોકોને આ મુદ્દે સંબોધન કરવું પડશે તથા કચરાના યોગ્ય નિકાલ માટે તંત્ર સાથે મળીને મજબૂત વ્યવસ્થા ગોઠવવી પડશે. યાદ રાખો, સફાઈ અને પવિત્રતા ઇસ્લામી સંસ્કૃતિનો અતૂટ હિસ્સો છે તેથી તે આપણી ઓળખ બનવી જોઈએ. આવો, હળીમળીને આ પ્રયાસોને સફળ બનાવીએ, આપણે આપણા આસપાસના વાતાવરણને સાફ અને પાકીઝા બનાવીએ, જેમકે ઇસ્લામી તાલીમાતનો તકાદોે છે. કેમકે સફાઈ આપણી ફરજ છે, અને બધાની સહિયારી જવાબદારી છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments