આઝાદી મળે આપણને હજુ માત્ર પોણો સદી જ થઈ છે. આના વિશે ઘણું લખાયું છે અને માહિતીનો અપાર ભંડાર હાથવગે છે. તેમ છતાં, એટલું જ નહીં કે દેશની આઝાદીમાં મુસલમાનોના યોગદાનની કોઈ નોંધ લેવામાં આવી રહી નથી, બલ્કે તેમનાથી વતન-પ્રેમનો પુરાવો માગવામાં આવી રહ્યો છે અને તેમને દેશના વિભાજનના દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. દેશના ૭૫મા સ્વતંત્રતા દિવસના અવસરે ગુમ કરી દેવાયેલ ઇતિહાસને થોડોક તાજાે કરી લઈએ.
અંગ્રેજાેનું ભારતમાં આગમન
સૌપ્રથમ પોર્ટુગીઝોએ ભારતની ભૂમિ પર પગ મૂક્યા. અહીં વેપારની ઉજળી તકો જાેઈને અંગ્રેજાેને પણ આકર્ષાયા. પહેલી વાર ઈ.૧૬૦૧માં તેમના વેપારી જહાજાે અહીંના બંદરો પર આવી પહોંચ્યા. ઈ.૧૬૧૨માં મુગલ બાદશાહ જહાંગીરની પરવાનગી લઈને તેમણે ગુજરાતના સુરત શહેરને પોતાનું વેપારી કેન્દ્ર બનાવ્યું, અને પછી ખૂબ ઝડપથી અહમદાબાદ, અજમેર, બુરહાનપુર અને આગ્રામાં શાખાઓ સ્થાપી દીધી. ઔરંગઝેબના શાસન સુધી તો તેમની પ્રવૃત્તિઓ માત્ર વેપાર સુધી સીમિત હતી. પરંતુ તે પછી મુગલ સામ્રાજ્ય નબળું પડતાં ઘણા પ્રદેશોએ બગાવત કરીને પોતાના સ્વતંત્ર રાજ્યો ઊભા કરી લીધા. ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે માત્ર એક વેપારી કંપની હતી, તક જાેઈને દેશને મુઠ્ઠીમાં કરવાના કાવાદાવામાં લાગી ગઈ, તેણે રાજકીય શક્તિ વધારવાનું શરૂ કરી દીધું, ત્યાં સુધી કે તેણે કલકત્તામાં પોતાનો એક મજબૂત કિલ્લો ઊભો કરી દીધો.
આઝાદીની લડતની શરૂઆત
સામાન્ય રીતે કહેવામાં આવે છે કે અંગ્રેજાે સામે સશસ્ત્ર લડાઈની શરૂઆત ઈ.૧૮૫૭થી થઈ, પરંતુ ઐતિહાસિક રીતે આ વાત સાચી નથી. આ વાતને એટલા માટે ફેલાવવામાં આવી કે તેનાથી એકસો વર્ષ પહેલાં જે આંદોલનનો આરંભ થયો, અને જેના પરિણામે બંગાળના સિરાજુદ-દૌલાએ ઈ.૧૭૫૭માં, મજનૂ શાહે ઈ.૧૭૭૬ અને ૧૭૮૦માં, હૈદરઅલીએ ઈ.૧૭૬૭માં અને તેમના પુત્ર ટીપુ સુલતાને ઈ.૧૭૯૧માં, મૌલવી શરીઅતુલ્લાહ અને તેમના પુત્ર દાદુમિયાંએ ઈ.૧૮૧૨માં તેમજ સૈયદ અહમદ શહીદે ઈ.૧૮૩૧માં અંગ્રેજાે વિરુદ્ધ જે વિધિસર લડાઈઓ લડી તે સૌ ઇતિહાસની ધૂળમાં દબાઈમાં જાય, અને દેશવાસીઓ એ જાણી ન શકે કે મુસલમાનોના હૃદયમાં અંગ્રેજાે વિરુદ્ધ નફરતની આગ એ દિવસથી સળગી રહી હતી જે દિવસે તેમણે પોતાના પગ ભારતની ભૂમિ પર મૂક્યા હતા અને વેપારના નામે રાજકીય અને લશ્કરી વર્ચસ્વ પ્રાપ્ત કરીને અહીંના શાસકોને મજબૂર અને નિઃસહાય કરી દીધા હતા. એકસો વર્ષ સુધી મુસલમાનો પોતાની સંપૂર્ણ શક્તિની સાથે પોતાના આલિમોના નેતૃત્વમાં તેમનાથી લડતા-ભીડતા રહ્યા, ત્યાં સુધી કે ઈ.૧૮૫૭માં આઝાદીની લડતનો બીજાે તબક્કો શરૂ થયો, અને પછી બીજા સમુદાયોના લોકો પણ આ લડતમાં સામેલ થયા.
બંગાળનો નવાબ સિરાજુદ-દૌલા
બંગાળનો આ નવાબ પહેલો વ્યક્તિ હતો, જેણે અંગ્રેજાેના ખતરાને અનુભવી લીધો. તેમના વધતા કદમોને રોકવાની કોશિશ રૂપે પ્લાસીના મેદાનમાં તેમનાથી યુદ્ધ કર્યું. જાે સિરાજુદ-દૌલાના મંત્રીઓ મીર જાફર, યાર લુતુફખાન, જગત સેઠ, મહતાબચંદ, સ્વરૂપચંદ, રાય દુર્લભ જેવા લોકો ગદ્દારી ન કરતા અંગ્રેજાેના ઇરાદાઓ ત્યાં જ પૂરા થઈ જતા. આ ગદ્દારોના કારણે સિરાજુદ-દૌલાનો પરાજય થયો. ઈનામરૂપે અંગ્રેજાેએ મીર જાફરને બંગાળની ગાદી આપી. થોડાક દિવસો પછી તેને પણ બરતરફ કરીને તેના જમાઈ મીર કાસિમને સત્તા આપવામાં આવી. પરંતુ અંગ્રેજાેનો વિરોધ કરવાના કારણે તેને પણ તગેડી મૂકવામાં આવ્યો, ત્યાં સુધી કે અંગ્રેજાેએ ઈ.૧૭૬૪માં બિહાર અને સંપૂર્ણ બંગાળ પર કબજાે કરી લીધો, અને જાેત-જાેતામાં અવધ સુધી પહોંચી ગયા.
હૈદરઅલી અને ટીપુ સુલતાન
દખ્ખણના સમ્રાટ હૈદરઅલી અને ટીપુ સુલતાને અંગ્રેજાે સાથે ચાર લડાઈઓ લડી. ટીપુ સુલતાને ઈ.૧૭૮૨માં સિંહાસન સંભાળ્યું, ઈ.૧૭૮૩માં અંગ્રેજાે સાથે પહેલું યુદ્ધ થયું અને તેમાં અંગ્રેજાેનો પરાજય થયો. આ પરાજયનો બદલો લેવા અંગ્રેજાેએ ઈ.૧૭૯૨માં મૈસૂર પર હુમલો કર્યો. પોતાના કેટલાક મંત્રીઓના વિશ્વાસઘાત, વિશેષરૂપે મીર સાદિકની બેવફાઈ અને પોતાના જ લશ્કરની ગદ્દારી તેમજ અચાનક હુમલાના કારણે ટીપુ સુલતાનને સંધિ કરવા મજબૂર થવું પડ્યું. ટીપુએ હિન્દુસ્તાનના રાજા-મહારાજાઓ, નવાબોને અંગ્રેજાે સામે યુદ્ધ માટે તૈયાર થવા સમજાવ્યા. આ હેતુસર તેમણે તુર્કીના સુલતાન સલીમ ઉસ્માનીને, બીજા મુસ્લિમ બાદશાહો, હિન્દુસ્તાનના ઉમરાવો અને નવાબોને પત્રો લખ્યા, અને પોતે જીવનભર અંગ્રેજાે સામે લડતો રહ્યો. ત્યારે એવું લાગતું હતું કે અંગ્રેજાેની બધી યોજનાઓ પર પાણી ફરી વળશે અને તેઓ હિન્દુસ્તાન છોડવા મજબૂર થઈ જશે. પરંતુ અંગ્રેજાેએ દક્ષિણના અમીરો, હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓને પોતાના સાથે મેળવી લીધા. પોતાના મંત્રી પુર્ણિયા અને અન્ય મંત્રીઓના વિશ્વાસઘાતના કારણે છેવટે ટીપુ સુલતાને ઈ.૧૭૯૯માં શહીદી વહોરી. તેણે અંગ્રેજાેની ગુલામી અને તેમની દયા પર જીવતા રહેવા કરતાં મોતને પસંદ કર્યું. જ્યારે જનરલ હોર્સને ટીપુની શહીદીના સમાચાર મળ્યા તો તેણે ટીપુની લાશ પર પગ મૂકીને કહ્યું – ‘‘હવે હિન્દુસ્તાન અમારું છે.’’
શાહ વલીઉલ્લાહ/શાહ અબ્દુલ અઝીઝ અને સૈયદ અહમદ શહીદ
અંગ્રેજાેનું લશ્કર મરાઠાઓ સાથે ટકરાતું બંગાળના સિરાજુદ-દૌલા અને દક્ષિણમાં ટીપુ સુલતાનને હરાવીને દિલ્હી તરફ આગળ વધી રહ્યું હતું. મુસલમાન આલિમોમાંથી શાહ વલીઉલ્લાહે આ ખતરાને પામીને પોતાની કોશિશો શરૂ કરી દીધી. તેમણે અંગ્રેજાેના ખતરાને પોતાના પત્રોમાં, લેખોમાં, પુસ્તકોમાં લખવાનું શરૂ કરી દીધું. આ સંદર્ભમાં તેમના પર જીવલેણ હુમલાઓ પણ થયા. દુર્ભાગ્યે ઈ.૧૭૬૫માં તેમનું અવસાન થઈ ગયું. તેમના પછી તેમના સુપુત્ર શાહ અબ્દુલ અઝીઝે નેતૃત્વ સંભાળ્યું અને દેશભરમાં અંગ્રેજાે વિરુદ્ધ બળવાનું બ્યૂગલ ફૂંકયું. તેમણે દેશને ‘દારુલ હર્બ’ કહીને મુસલમાનોને અંગ્રેજાે વિરુદ્ધ જિહાદ કરવાનો ફતવો પણ આપ્યો. આ વિચારધારાને આગળ વધારવા તેમના ત્રણેય ભાઈઓ ઉપરાંત જે લોકોએ તેમને સાથ આપ્યો તેમાં સૈયદ અહમદ શહીદ, સૈયદ ઇસ્માઈલ શહીદ, શાહ અબ્દુલ હઈ, મુફ્તી ઇલાહીબક્ષ કાંધલવી મુખ્ય છે. શાહ અબ્દુલ અઝીઝે આ કામ માટે બે કમિટીઓ બનાવી, જેમાંથી એકનું કામ મસ્જિદોના મિમ્બરો પરથી ખુતબાઓ આપીને પ્રજાને અંગ્રેજાે વિરુદ્ધ કમર કસવા તૈયાર કરવાનો હતો. બીજી કમિટીનું નેતૃત્વ સૈયદ અહમદ શહીદને સોંપવામાં આવ્યું. તેમણે ગ્વાલિયરના મહારાજને અંગ્રેજાે વિરુદ્ધ યુદ્ધ માટે તૈયાર કરવાની કોશિશ કરી. તેઓ અમીરઅલી ખાં સંભલીને પણ મળવા ગયા, જેઓ તે વખતે જશવંતરાવ હોલ્કરની સાથે મળીને અંગ્રેજાે પર હુમલાઓ કરી રહ્યા હતા. તેમણે આખા દેશનો પ્રવાસ કર્યો અને લોકોને લશ્કરી ટ્રેઇનિંગ આપી, લશ્કર તૈયાર કર્યું અને અંગ્રેજાે પર હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું. પછી તેમણે એક હંગામી હકૂમતની પણ સ્થાપના કરી. પરંતુ તેમના લશ્કર પાસે સરો-સામાનની કમીના કારણે શિખો અને અંગ્રેજાેના આધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ સંયુક્ત લશ્કરની સામે તેઓ ટકી ન શક્યા, અને તેમણે અને તેમના સાથીઓેએ શહીદી વહોરી.
ફકીર-સંન્યાસી આંદોલન
દેશની આઝાદીની લડતનું એક ઝળહળતું પ્રકરણ ફકીર-સંન્યાસી આંદોલન છે. સિરાજુદ્-દૌલા પ્લાસીના યુદ્ધમાં તેમજ મુગલ બાદશાહ શાહઆલમ-૨, અવધના નવાબ શુજાઉદ્-દૌલા અને બંગાળના નવાબ મીર કાસિમ ત્રણેયની બનેલ સંયુક્ત સેના બક્સરના યુદ્ધમાં જ્યારે અંગ્રેજાે સામે હારી ગઈ, તો તે પછી અંગ્રેજાે સામે સૌપ્રથમ યુદ્ધનું રણશિંગૂ ફૂંકનાર બંગાળના ભૂખ્યા, ચીંથરેહાલ, નિઃસહાય-અજ્ઞાની ફકીરો હતા, જેમણે જંગે-આઝાદીનો દીપક નિરંતર ૩૭ વર્ષ સુધી પ્રજ્વલિત કરી રાખ્યો. મદારિયા પંથથી નિસ્બત ધરાવતા આ ફકીરો પોતાના પીરો-મુર્શીદ બાબા મજનૂશાહના નેતૃત્વમાં ગામે-ગામ જઈ-જઈને ખેડૂતો, મજૂરો અને કારીગરોને દેશની આઝાદી માટે અંગ્રેજાે સામે લડવા તૈયાર કરતા રહ્યા. જ્યારે વિપુલ સંખ્યામાં સૈનિકો મળી ગયા, તો તેમણે અંગ્રેજાે સામે સશસ્ત્ર સંગ્રામ શરૂ કરી દીધો. આ ફકીરોની જેમ નાગા અને ગીરી પંથના સંન્યાસીઓ પણ અંગ્રેજાેની સામે સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યા હતા. ફકીરો અને સંન્યાસીઓએ સાથે મળીને અંગ્રેજાેની સામે ઘણા વર્ષો સુધી લડાઈઓ ચાલુ રાખી. આ લોકોએ ટ્રેઈન્ડ અને આધુનિક શસ્ત્રોથી સજ્જ અંગ્રેજ સેનાના નાકે દમ લાવી દીધો હતો. આ લોકો જ્યારે કોઈ રીતે કાબૂમાં આવતા નહોતા, તો છેવટે મજનૂશાહના સાથીઓમાં અંગ્રેજાેએ ફાટફૂટ પેદા કરી. આનાથી આંદોલન નબળું પડી ગયું. એ દરમ્યાન અચાનક એક વખતે અંગ્રેજ સેનાએ તેમના પર હુમલો કરી દીધો અને તેઓ જીવલેણ ઈજાઓને લઈને મૃત્યુ પામ્યા. તે પછી તેમના ખલીફા મૂસા શાહે અંગ્રેજાે સામે લડાઈઓ ચાલુ રાખી. ૧૮૦૦ સુધી આ લડાઈઓ ચાલુ રહી, પછી જ્યારે મોટાભાગના નેતાઓ આ યુદ્ધોમાં શહીદ થઈ ગયા ત્યારે અંગ્રેજાે આ ફકીર-સંન્યાસી આંદોલનને કચડી શક્યા.
ફરાઈઝી આંદોલન
સૈયદ અહમદ શહીદનું સશસ્ત્ર આંદોલન પંજાબ અને સરહદી વિસ્તારોમાં ચાલુ હતું કે બંગાળમાં એક બીજું આંદોલન શરૂ થઈ ગયું, જેને ફરાઈઝી આંદોલનનું નામ આપવામાં આવ્યું છે. આના પ્રવર્તક હાજી શરીઅતુલ્લાહ હતા. આ આંદોલને એક તરફ લોકોમાં ધાર્મિક જાગૃતિ લાવવાનું કામ કર્યું અને બીજી તરફ લોકોને શોષણ વિરુદ્ધ તૈયાર કર્યા. આમાં જ્યારે સૈયદ અહમદ શહીદના ખલીફા સૂફી નૂરમુહમ્મદ, મૌલવી ઇનાયતઅલી અને મૌલવી ઇમામુદ્દીન સામેલ થઈ ગયા તો તેમણે લોકોને લશ્કરી ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું, સશસ્ત્ર લશ્કર તૈયાર કર્યું અને તેમણે અંગ્રેજાે વિરુદ્ધ લડાઈઓ શરૂ કરી દીધી, જેણે ઘણા વર્ષો સુધી અંગ્રેજાેને પરેશાન કર્યા.
રેશમી રૂમાલ આંદોલન
ઈ.૧૯૧૨માં રેશમી આંદોલન શરૂ થયું, જેના પ્રવર્તક શૈખુલ હિંદ મૌલાના મહમૂદુલ હસન હતા. તેમના વિશે ૨૦મી સદીના ઇસ્લામી ચિંતક મૌલાના અલી મિયાં કહે છે, ‘‘તેઓ અંગ્રેજ હકૂમત અને સત્તાના સખત વિરોધી હતા. સુલતાન ટીપુ પછી અંગ્રેજાેનો આવો દુશ્મન અને વિરોધી જાેવા મળ્યો નથી.’’ આ આંદોલનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા તેમના શિષ્ય મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીએ નિભાવી. તેમનું કામ એ હતું કે તેઓ અફઘાનિસ્તાનની હકૂમતને અંગ્રેજાે વિરુદ્ધ મદદ માટે તૈયાર કરવી અને અંગ્રેજાે વિરુદ્ધ પ્રજામત તૈયાર કરવો. શૈખુલ હિંદના શિષ્યો અને પ્રતિનિધિઓ દેશની અંદર અને દેશની બહાર અફઘાનિસ્તાન, હિજાજ વગેરે દેશોમાં દૂતનું કામ કરી રહ્યા હતા. શૈખુલ હિંદ પોતે પણ તુર્કી જવા માટે તૈયાર થયા. આના માટે તેઓ સૌપ્રથમ હિજાજ ગયા અને ત્યાં તુર્કીના ગવર્નર ગાલિબ પાશાથી મુલાકાત કરી અને મદીનામાં આવેલ તુર્કીના યુદ્ધ-મંત્રી અનવર પાશાથી પણ મુલાકાત કરી અને હિન્દુસ્તાનની પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા અને પોતાની યોજના જણાવી. તેમણે બધા પ્રકારની મદદની બાહેંધરી આપી. દેશની અંદર અને બહાર જે કાર્યકરો કામ કરી રહ્યા હતા, તેનું રહસ્ય જળવાઈ રહે તે માટે તમામ માહિતીની આપ-લે રેશમી રૂમાલ પર લખીને કરવામાં આવતી હતી. પરંતુ થયું એવું કે ઉબૈદુલ્લાહ સિંધીએ કાબુલથી રેશમી રૂમાલ પર જે રહસ્યની વાતો શૈખુલ હિંદને મક્કા મોકલી, તે રેશમી રૂમાલ દુર્ભાગ્યે અંગ્રેજ અફસરના હાથ લાગી થયોે. શૈખુલ હિંદને પકડી લેવામાં આવ્યા અને આખી યોજના પડી ભાંગી. ઈ.૧૯૧૬માં શરીફ હુસૈનની હકૂમતે તેમને મદીનામાં જ પકડીને અંગ્રેજ હકૂમતને સોંપી દીધા. શરીફ હુસૈને તુર્કીની ઉસ્માની ખિલાફત સામે બળવો કર્યો હતો, તે બ્રિટિશ હકૂમતનો મિત્ર હતો અને તેથી હિન્દુસ્તાનની આઝાદીની લડતનો પણ સખત વિરોધી હતો. આ આખા સંગઠનના નેતાઓને દેશનિકાલ કરીને સજારૂપે રોમ સાગરના માલ્ટા ટાપુમાં મોકલી દેવામાં આવ્યા. આમાં શૈખુલ હિંદ મહમૂદુલ હસનની સાથે મૌલાના હુસૈન અહમદ મદની, મૌલાના અઝીઝગુલ પેશાવરી, મૌલાના હકીમ નુસરત હુસૈન વગેરેને પણ દેશનિકાલ કરવામાં આવ્યા. તેમના પર અંગ્રેજાેએ ખૂબ અત્યાચાર કર્યો. ઈ.૧૯૧૯માં જમીઅતે ઉલ્માની સ્થાપના થઈ, જેનો મૂળ હેતુ વતનની આઝાદી હતો. શૈખુલ હિંદની મુક્તિ પછી સૌપ્રથમ ઈ.૧૯૨૦માં ‘અસહયોગ’નો ફતવો આપવામાં આવ્યો. શૈખુલ હિંદના અવસાન પછી મૌલાના કિફાયતુલ્લાહ અને મૌલાના હુસૈન અહમદ મદનીએ આ લડતને ચાલુ રાખી.
આઝાદી
આ એવા આંદોલનો છે, જેણે દેશના લોકોમાં અક સદી ઉપરાંત આઝાદીની લડતને જીવંત રાખી. આ અને બીજા આવા ઘણા સશસ્ત્ર આંદોલનોનો ઇતિહાસ આજે સાંપ્રદાયિકતાના ઢગલા નીચે દબાઈને રહી ગયો છે, જેની માહિતી સુદ્ધાં લોકોને નથી.
આઝાદીની જે લડત સિરાજુદ-દૌલાની પલાસીના યુદ્ધમાં શહાદતથી શરૂ થઈ હતી, તેને ફરીર-સંન્યાસી આંદોલન, ફરાઈઝી આંદોલન, રેશમી રૂમાલ આંદોલન, મોપલ્લા આંદોલન વગેરેએ સિંચી હતી, તે પછી ૨૦મી સદીમાં ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદના નેતૃત્વમાં અસહયોગ આંદોલન, ખિલાફત મૂવમેન્ટ, દાંડી માર્ચ, સવિનય કાનૂન ભંગ, ભારત છોડો અને નૌકા સેનાના બળવા સુધી પહોંચીને છેવટે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસ સુધી પહોંચી, છેવટે અત્યાચારી અંગ્રેજાેને ભાગવું પડ્યું અને દેશ બસો વર્ષના બલિદાનો પછી આઝાદ થયો.
પરંતુ, આ એક વિડંબના છે કે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના ઐતિહાસિક રાષ્ટ્રીય દિવસોના શુભ અને ખુશીના પ્રસંગે જ્યારે આઝાદીના વીરો અને લડવૈયાઓના બલિદાનોને યાદ કરવામાં આવે છે, તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, તો આ આંદોલનો, મુસલમાન આલિમો અને મુજાહિદોના સંઘર્ષની તદ્દન ઉપેક્ષા કરવામાં આવે છે, જેમણે દેશની આઝાદી માટે આંદોલનો ચલાવ્યા, અંગ્રેજાે સામે બાથ ભીડી, જેલોમાં ગયા, માલ્ટા અને કાળાપાણીની સજાઓ સહન કરી, ફાંસીના માંચડે ખુશી-ખુશી ચઢી ગયા, હજારો આલિમોને ગોળીએ દેવાયા અને ફાંસીએ લટકાવી દેવાયા, પોતાના જાન-માલની બાજી લગાવી દીધી. પણ શું આશા કરી શકાય એ લોકોથી, જેમણે એ વ્યક્તિને પણ ભુલાવી દીધો, જે ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ સાથે રહીને આઝાદી મળી ત્યાં સુધી ઝઝૂમતો રહ્યો, અને જે દેશના ભાગલાને માનવા જરા પણ તૈયાર ન હતો – તે છે મૌલાના અબુલ કલામ આઝાદ ! •