Justice delayed is justice denied.” ન્યાયમાં વિલંબ એ ન્યાયનો નકાર છે”. બાળપણથી જ આ ઉક્તિ આપણે સૌને ભણાવવા સમજાવવામાં આવતી હતી. ન્યાયાધીશોથી લઈ સામાન્ય નાગરિક સુધી સૌ આનાથી ચિંતિત અને પરેશાન પણ છે. પરંતુ 70 વર્ષની પરિપકવ લોકશાહી પશ્ચાત આપણે આને યથાર્થ રૂપે જોઈ અનુભવી રહ્યા છીએ. હજારો બલકે લાખો બેગુનાહ લોકો પોતાના કિંમતી વર્ષો જેલમાં ગુમાવી રહ્યા છે અને ન્યાયના વિલંબ થકી કુટુંબથી દૂર રહી યાતનાઓ ભોગવી રહ્યા છે. બીજી તરફ સત્તાધીશો અને તાનાશાહો આ પ્રક્રિયાનો ભરપૂર ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેઓને ખબર છે કે ન્યાય મેળવવામાં મહિનાઓ નહીં બલ્કે વર્ષો વીતી જશે અને પછી ભલેને તેઓ નિર્દોષ છુટી પણ જતાં. આ ધાતક વિલંબિત સમય અનેકના સપના ચકનાચૂર કરી દે છે. થકવી દે છે. નાસીપાસ કરી દે છે. ઘણીવાર જ્યારે ન્યાય મળે છે ત્યારે પરિસ્થિતિ જ એટલી બદલાઈ ગઈ હોય છે અને નવા પરિમાણો એવા ઊભા થયા હોય છે કે ન્યાય મળવાની પણ કોઇ અસરજ રહેતી નથી.
હાલમાંજ, ત્રણ ચળવળકાર આસિફ તન્હા, નતાશા નરવાલ અને દેવાંગના કલીતા જેઓ CAA NRC વિરુદ્ધ દિલ્હીમાં દેખાવોમાં ભાગ લઈ રહ્યા હતા અને જેમના ઉપર UAPA ધારો લગાવી જેલમાં નાંખી દીધેલ તેમને 1 વર્ષ થી વધુ સમય બાદ દિલ્હી વડી અદાલતે જામીનમુક્ત કરતાં, આ ચુકાદો ચર્ચાની એરણે છે. આસિફ SIO સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા નો સભ્ય છે તો આ બે બહેનો પિંજરાતોડ સઁસ્થા ના સભ્ય છે.
પાછલા સપ્તાહમાં આવેલ બીજા બે ચુકાદાઓ પણ ખૂબ મહત્વના છે. નાંદેડ મહારાષ્ટ્રના મહંમદ ઈરફાન ગૌસ અને ઈલિયાસ મુહમ્મદ અકબર આ બંન્નેને 9 વર્ષ જૂના UAPAના કેસમાં પુરાવાના અભાવે કોર્ટે છોડી દીધા છે. લશ્કર-એ-તોઈબા મારફત આતંકી કૃત્ય માં રાજકારણીઓ અને પત્રકારોની સામે કાવતરું ઘડવાના આરોપમાં આ બન્નેને જેલ માં નાંખી દીધેલ. બીજો કેસ કર્ણાટક હાઈકોર્ટે જેમને જામીન આપ્યા તે મુજમ્મિલ પાશા અને બીજા ૧૧૫ મુસ્લિમો, જેઓ તુફાનો અને તેને લઈ પોલીસ ગોળીબાર ના કેસ 2020ના આરોપીઓ છે તેમનો છે. આરોપીઓને કોઈપણ જાતની નોટીસ આપ્યા કે સાંભળ્યા વગર પોલીસે ૯૦ દિવસનો, આરોપનામું દાખલ કરવાની મુદ્દતમાં, વધારો કરી દીધો, તેની સામે અદાલતે વાંધો લીધો. એક તરફ આ બધા ચુકાદાઓ આપણને ઢારસ બંધાવે છે તો બીજી તરફ આ UAPA કાળા કાયદાના મનસ્વી તંત્રમાં સબડતા હજારો લોકોની દયનીય પરિસ્થિતિ તરફ આપણું ધ્યાન પણ દોરે છે.
તો આવો, ચકાસીએ આ કાળા કાયદા ની કુંડળી. શું છે તેનો ઇતિહાસ અને શા માટે સરકારો તેને આટલો બધો ચાહેછે અને પસંદ કરે છે.
UAPA અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એકટ (ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત ધારો) સૌપ્રથમ 1967 માં ઘડવામાં આવ્યો. ૨૦૦૪ અને ૨૦૦૮માં તેને આતંકવાદી ધારામાં સમાવેશ કરાયો. યાદ રહે કે તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસ તથા સાથી પક્ષોની સરકાર હતી. સાદી કાયદાકીય પદ્ધતિ ટાળીને પોતાનું વિશિષ્ટ સામ્રાજ્ય આ કાયદો ઊભું કરે છે, જેમાં આરોપી ના બંધારણીય હક્કો બિલકુલ ખતમ થઇ જાય છે. અથવા ત્યાં સુધી પહોંચવુંજ અઘરું અને મુશ્કેલ થઈ જાય છે. જેલ ની અવધિ આ કાયદો વધારી દે છે અને જામીન જે સ્વાભાવિક રીતે મળવા જોઈએ તે નથી મળતાં.કસ્ટડીની અવધિ લંબાઈ જાય છે અને જજને પ્રથમ દ્રષ્ટિએ સંતોષ થાય કે કોઈ કેસ નથી બનતો તો જ જામીન મળી શકે છે. આ પરિસ્થિતિમાં જામીન લગભગ અશક્ય બની જાય છે. જામીન તો બાજુ પર રહ્યા, પરંતુ ટ્રાયલ ઘણા લાંબા સમય સુધી ચાલતો હોઇ આરોપીને પહેલા જ આતંકવાદ જેવા ગંભીર ગુનાનો ગુનેગાર ઠરાવી દે છે. બીજા શબ્દોમાં ચુકાદો જે કંઈ પણ આવે, આ કાયદાનો આરોપી જેલમાંજ રહેવાને લાયક છે એવું ઠરાવી દે છે.
UAPA ના કાળા કાયદાની કાળી ચમકની સાક્ષી ખુદ સરકારના આંકડા જ બોલેછે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો NCRBના એહવાલ મુજબ 2016 થી 2019 વચ્ચે 4231 FIR આ કાળા કાયદા હેઠળ નોંધાયછે. જેમાં ફક્ત 112 માં કસૂર પુરવાર થાય છે.બેકસુર છૂટવા વાળા જોકે ફક્ત 187 કેસજ છે, પરંતુ નિર્દોષ બેગુનાહ સબડતા લોકો 83 % છે અને ફક્ત 17%નાજ આરોપનામાં ઘડી શકાયા છે,જે ન્યાયવંચિતોનો ઘણોજ મોટો આંકડો કહી શકાય. ટ્રાયલ ના તબક્કે 95.5% કેસો પડેલા છે, જે સ્પષ્ટ દર્શાવેછે કે 5 ટકાથી પણ ઓછા ટ્રાયલ પૂર્ણ થાય છે. આ પરિસ્થિતિમાં કાચાકામ ના કેદીઓની જેલવાસની અવધિ લંબાતી રહેછે. આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં જ સર્વોચ્ચ અદાલતે એક ઉપાય પણ સૂચવ્યો છે. નજીબ વિરૂદ્ધ ભારત સરકારના કેસમાં કોર્ટે એમ ઠરાવ્યું કે યુએપીએમાં ભલે જામીન ન આપી શકાતા હોય, પરંતુ બંધારણીય અદાલત પાયાના અધિકારો Fundamental rightsના આરોપીના અધિકારના ઉલ્લંઘનને સામે રાખી જામીન મંજૂર કરી શકે છે. નજીબે પાંચ વર્ષ જેલમાંજ વિતાવેલ હતા. કોર્ટે નોંધ્યું કે યુ.એ.પી.એ.ની જામીન બાબતે આકરી શરતો, આરોપીને જે સજા થઈ શકે છે, તેનો મોટો ભાગ જેલમાં વિતાવ્યા હોવા છતાં, હજુ પણ જામીન મળતા રોકી રહી છે અને ટ્રાયલ માં ઘણો લાંબો સમય જઈ શકે છે તેવા સંજોગોમાં તેને જામીન મળવા જોઈએ. આસિફ ઈકબાલ તન્હા વિરુદ્ધ દિલ્હીના કેસમાં કોર્ટે એક કદમ આગળ જતાં નોંધ્યું કે ટ્રાયલ ચલાવવા માં જે લાંબો સમય તેને છુટવા સુધીમાં વિતી જાય તે ઇચ્છનીય નથી અને જ્યારે તેણે ઘણો મોટો ભાગ નિર્ધારીત સજાનો જેલમાં વિતાવ્યો છે ત્યારે જામીન મળવા જોઈએ. અદાલતે દૂરંદેશી દાખવીને, હજારો લોકો ટ્રાયલ પૂર્ણ ન થવાને લીધે જે સમય બગડે છે તેને ધ્યાને રાખી, નજીબ કેસના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા કરવી જોઇએ. જોકે આસિફ ઇકબાલ તન્હા અને મોહમ્મદ ગૌષના જુદા જુદા ન્યાય મેળવવાના, નજીબ કેસ ના સિદ્ધાંતો મુજબ, મળતા લાભો, રાહત મેળવવામાં વિક્ષેપ નાખી શકે છે. મોહમ્મદ ગૌષને જુલાઈ 2019 માં નિયમિત જામીન મળતા છુટકારો મેળવ્યા પછી સુપ્રીમ કોર્ટમાંથી એનઆઈએ એ સ્ટે ઓર્ડર મેળવેલ છે તેની તેને જાણજ નહોતી. આ કાળો કાયદો મોટાભાગે અન્યાયી પરિણામો તરફ દોરી જાય છે, જેમકે ગૌતમ નવલખા વિરુદ્ધ NIA ના સર્વોચ્ચ અદાલત ના ચુકાદામાં આપણે જોયું અનુભવ્યું. આ કેસમાં સર્વોચ્ચ અદાલત ઘરની નજરકેદ ને ન્યાયિક કસ્ટડીમાં તો ગણે છે, પરંતુ જે દિવસો આ દરમિયાન ગયા તેને કસ્ટડીમાં ગણાવવાનો ઇનકાર કરેછે. આ જ પ્રમાણે દિલ્હી હાઈકોર્ટના ત્રણ આંદોલનકારીઓ ના જામીન પર છૂટકારા બાબતે સર્વોચ્ચ અદાલતે આધાર તરીકે ન ગણવાનો સ્ટે આપી દીધો. આશાનું એક કિરણ લોકોને દેખાયું હતું તે ફરીથી ધૂંધળું થઈ ગયું. આવી બધી ટેકનિકલ ક્ષતિઓનો ભરપૂર લાભ સરકાર લે છે અને નિર્દોષ લોકોને પ્રતાડિત કરતી રહે છે.
બીજી તરફ, ગોલી મારો સાલોકો બોલવા વાળા બિન્દાસ ફરતા રહે, પોલીસ અધિકારી ની હાજરીમાં ધમકીઓ ઉચ્ચરાય,આંદોલનકારીઓ પર ધોળે દિવસે કેમેરાની સામે ગોળીબાર થાય પરંતુ તેમની સામે કોઈ કેસજ ન થાય અથવા ફાલતુ કેસ બનાવી ભીનું સંકેલે. પીડિતનેજ આરોપી બનાવવાનો અને જાલીમને સીધું સંરક્ષણ પૂરું પાડવાનું. તમે શું ઉખાડી લેશો અમારું તેવી ગર્ભિત ચીમકી દરેક પગલામાં સ્પષ્ટ દેખાય તે રીતે પાસા ગોઠવવાના!!
ઉમર ખાલિદ અને ભીમા કોરેગાંવ ના કેસમાં આ બધું સ્પષ્ટ દેખાય છે. જો તમે હિંમત કરી સરકાર સામે દેખાવો કરવાની કે વિરોધ કરવાની તો તૈયાર રહેજો!! તમારી સામે આવા અનેક આકરા કેસો થશે જ અને તમે જેલમાં સબડશો તે નક્કી જાણજો!! તમે ડિબેટ કરતા રહો,લેખો લખો, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કૂદીલો. તમે એટલા પ્રતાડિત થશોકે આની ભવિષ્યમાં હિંમતજ નહીં કરી શકો.
CAA વિરુદ્ધ આંદોલને અને કિસાન આંદોલને જે રીતે સરકારને ઘેરી છે તેથી તે પાઠ ભણાવવા માંગેછે. અને આ કાળા કાયદા હાથવગા છે.
આ પરિસ્થિતિ માં હવે કિસાનો, દલિતો, મુસ્લિમો સહિત સૌ પીડિતોએ નક્કી કરવાનું છે કે તે કેટલી હિંમત બતાવેછે અને ન્યાય મેળવવા સારૂ કેટલા કટિબદ્ધ છે.
ન્યાયતંત્ર સહારો આપેછે. કેટલીક વાર સારા ન્યાયાધીશ વધુ સારો સધિયારો પણ આપે છે. બોબડે અને ગોગોઈ પછી સર્વોચ્ચ અદાલતના નવા મુખ્ય ન્યાયાધીશ રામન્ના એક નવી આશા જન્માવેછે. જુલીઓ રિબેરો આને ભૌતિક શાસ્ત્રના રમણ સિદ્ધાંત જોડે એક લેખમાં સરખાવેછે તે કદાચ યથાર્થ છે.
મોબાઈલઃ 9925212453