નવી દિલ્હી: દિલ્હીના ઇન્દ્રલોકમાં શુક્રવારના રોજ દિલ્હી પોલીસના બે હેડ કોન્સ્ટેબલ દ્વારા સડકના કિનારે જુમ્માની નમાઝ પઢી રહેલા લોકોને સજદા દરમ્યાન કથિત રીતે લાત મારવાનો મામલો સામે આવ્યો છે જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પોલીસકર્મી દ્વારા નમાઝીઓને મારવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો પોલીસકર્મી પર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઇન્દ્રલોકમાં લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યો.
વિડિયો વાયરલ થયા બાદ ઇન્દ્રપુરીના પોલીસ ચોકી પ્રભારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ડીસીપી (નોર્થ) મનોજ મીણાએ કહ્યું, “દિલ્હી પોલીસના એક અધિકારીને કથિત રીતે ઉત્તર દિલ્હીમાં સડક પર નમાઝ પઢી રહેલા લોકો સાથે મારપીટ કરતાં જોવામાં આવ્યાં, હવે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
દિલ્હીના ડીસીપી (નોર્થ) મનોજ કુમાર મીણાએ કહ્યું, “…વિડિયોમાં દેખાતા પોલીસકર્મીના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ચોકી પ્રભારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જરૂરી શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે… ટ્રાફિક હવે ખુલ્લો થઈ ગયો છે, હાલત હવે સામાન્ય છે.”
વાયરલ વિડિયોમાં બે પોલીસકર્મી અધિકારી સડક પર નમાઝ પઢી રહેલા લોકોને લાત અને થપ્પડ મારતાં નજરે આવી રહ્યાં છે. વિડિયોમાં એક હેડ કોન્સ્ટેબલ અને તેમના બીજા સાથીને નમાઝ પઢી રહેલા લોકો પર બૂમો પાડતા જોઈ શકાય છે.
પોલીસ ડેપ્યુટી કમિશનર (નૉર્થ) મનોજ મીણાએ કહ્યું કે વિડિયોમાં લોકો સાથે મારપીટ કરતાં દેખાતા અધિકારીઓના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ “અધિકારીઓએ કહ્યું કે શુક્રવારના રોજ ઇન્દ્રલોક વિસ્તારમાં એક વ્યસ્ત ચોકમાં લોકો નમાઝ અદા કરી રહ્યાં હતાં અને તે ચકાસવામાં આવી રહ્યું છે કે શું તે સ્થળ પર નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી.”
આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર લોકો શેર કરી રહ્યાં છે અને પોલીસકર્મીઓ પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ વિડિયો શેર કરીને જવાબદાર પોલીસકર્મીઓ પર કાર્યવાહીની માંગ કરી છે.
પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું છે કે, “ઇન્દ્રલોક દિલ્હીમાં નમાઝ પઢી રહેલા વ્યક્તિને લાત મારનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે એવો પોલીસકર્મી જેનો સાંપ્રદાયિક ચહેરો કેમેરામાં કેદ છે તેના પર કાયદાકીય કાર્યવાહી ક્યારે થશે? @DelhiPolice તમે તો રાજધાનીની પોલીસ છો, તમારે તો મોટું ઉદાહરણ બેસાડવું જોઈએ.”
કોંગ્રેસની સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મની ચેરપર્સન સુપ્રિયા શ્રીનેતે પણ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રિયાએ ટ્વિટ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધતા લખ્યું છે, “અમિત શાહની દિલ્હી પોલીસનો સૂત્ર છે, શાંતિ, સેવા અને ન્યાય, સંપૂર્ણ તાકાતથી કામ પર છે.”