રાશિદ અનવર ✍️
તુર્કીની ડ્રામા સિરીઝ અર્તૂરૂલ ગાઝીએ ભારતીય ઉપમહાદ્વિપ ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધૂમ મચાવી દીધી છે. આ ડ્રામો પહેલી વખત ૨૦૧૪માં આવ્યો, જેનું મૂળ નામ દ્વિતીય અર્તૂરૂલ છે, જે ટર્કિશ ભાષામાં હતી. જેને તુર્કીની સરકારી ટેલિવિઝન ચેનલ ટીઆરટીએ સૌ પ્રથમ પ્રસારિત કરી. સન ૨૦૨૦માં પાકિસ્તાની ચેનલ પીટીવીએ ઉર્દૂમાં અનુવાદ કરી પ્રસારિત કરવાનું શરૂ કર્યું, જે યૂટ્યુબ ઉપર પણ ઉપલબ્ધ છે. આ સીરિયલની લોકપ્રિયતાનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે દર્શકોની સંખ્યા કરોડોમાં છે. ગામે ગામમાં ધૂમ મચાવી છે, ઘણાં બધાં મુસ્લિમ યુવાનોએ સીરિયલના અદાકાર અર્તૂરૂલને પોતાનો રોલ મોડેલ માની લીધો છે. વૃદ્ધો, બાળકો, યુવાનો, છોકરાઓ તથા છોકરીઓ આતુરતાપૂર્વક આગલા એપિસોડની રાહ જાેતા હોય છે. ઘણા વિશેષજ્ઞોએ તો આને “ગેમ્સ ઓફ થાર્નસ” સુધીની સંજ્ઞા આપી દીધી છે. વાસ્તવમાં આ સિરીઝમાં ઓસ્માનિયા સલતનત સ્થપાઈ તેની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે, જેની અવધિ લગભગ ૬૦૦ વર્ષ છે. ઓટોમન સામ્રાજ્ય જાે કે ૨.૨ કરોડ વર્ગ કિલોમીટર સુધી ફેલાયેલો હતો, જેનો વિસ્તાર ઇજિપ્ત, ગ્રીસ, બલગેરિયા, રોમાનિયા, મેસેડોનિયા, હંગરી, પેલેસ્ટાઇન, જાેર્ડન, લેબનોન, સીરિયા અને અરબના વધુ પડતા ભાગોના નજીક આફ્રિકાના તટીય વિસ્તારો સુધી ફેલાયેલો હતો. આવો, જાણવાનો પ્રયાસ કરીએ કે આની સ્ટોરી શું છે ? આની વિશેષતાઓ અને ત્રુટીઓને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. પાંચ સીઝન પર આધારિત આ સિરીઝમાં ૪૪૮ એપિસોડ છે. એક એપિસોડ લગભગ ૪૫ મિનિટનો છે. જાે કોઈ વ્યક્તિ એક સાથે જાેવા ઈચ્છે તો પણ ૩૩૬ કલાકથી ઓછો સમય નહિ લાગે.
પહેલી સીઝનમાં કાઈ કબીલા તથા સલીબી (ઈસાઇઓ)ની વચ્ચે સંઘર્ષની સ્ટોરી છે, દ્વિતીય સીઝનમાં મંગોલ, દોદુર્ગા તથા કાઈ કબીલા, ત્રીજી સીઝનમાં ચાવદાર કબીલા, કાઈ કબીલા તેમજ સલ્જુક સલતનતમાં ઉપસ્થિત ગદ્દારોની સ્ટોરી, ચોથી સિઝનમાં સલ્જુક સલતનતમાં ગદ્દારોની સાથે મંગોલ અને પાંચમી સિઝનમાં સલ્જુક તથા મંગોલોને દેખાડવામાં આવ્યા છે. સ્વયં સિરીઝની શરૂઆતમાં ડ્રામાની વિશેષતા જણાવતાં કહેવાયુંં છે કે, “અર્તૂરૂલ ગાઝી ૧૩મી સદીનાં અનાતોલીયા તુર્કીના ઇતિહાસમાંથી લેવામાં આવેલી એક મહાન ગાથા તથા સમજૂતી છે. ઈમાન, ન્યાય તેમજ પ્રેમની રોશનીમાં લખવામાં આવેલી એક બહાદુર યોદ્ધાની સ્ટોરી જેણે પોતાની દ્રઢતા, હિંમતથી ફક્ત કાઈ કબીલો જ નહિ, બલ્કે સંપૂર્ણ ઇસ્લામી જગતના ભાગ્યને બદલી નાખ્યો. તુર્કીમાં હરતાં ફરતાં કાઈ કબીલાને એક એવા વતનની શોધ હતી, જ્યાં તેમની પેઢીઓ પરવાન ચઢી શકે, કાઈ કબીલાના સરદાર સુલેમાન શાહના પુત્ર અર્તૂરૂલ ગાઝીએ ઇસ્લામનો ઝંડો ઊંચો રાખવા ખાતર તેમના પ્રાણ, ધન દોલત, સગા સંબંધીઓને ખતરામાં નાખીને પોતાના યોદ્ધાઓની સાથે થોડા વર્ષોમાં સલીબીઓ, મંગોલો, સલ્જુક સલતનતમાં ઉપસ્થિત ગદ્દારો અને અન્ય શત્રુ-શક્તિઓને પરાજિત કરી ઈ. સ. ૧૨૮૦માં અર્તૂરૂલના દેહાંત બાદ તેમના પુત્ર ઓસ્માને સલતનતે ઓસ્માનિયાને સ્થાપિત કરી. આ ડ્રામા સિરીઝ ઐતિહાસિક અદાકારો અને ઘટનાઓમાંથી લેવામાં આવી છે.”
આ સિરીઝમાં પહેલી સિઝન ૭૬ એપિસોડ પર આધારિત છે. સ્ટોરીની શરૂઆત હલીમા સુલતાન પર આક્રમણ અને અર્તૂરૂલ ગાઝી દ્વારા તેને બચાવવાથી થાય છે. પહેલી સિઝનમાં વાસ્તવમાં કાઈ કબીલા તથા ઈસાઇઓની વચ્ચેના સંઘર્ષને દેખાડવામાં આવ્યો છે. કાઈ કબીલાના સરદાર સુલેમાન શાહ છે, જે અર્તૂરૂલ ગાઝીના પિતા છે. હાયમા ખાનમ સુલેમાન શાહની પત્ની છે. કાઈ કબીલાનો મુખ્ય વ્યવસાય કાર્પેટ બનાવી વેચવું તથા પાલતુ પ્રાણીઓને પાળવું હતું. આ ૭૬ એપિસોડમાં કાઈ કબીલા તથા સલીબીઓના સંઘર્ષને દેખાડવામાં આવ્યો છે. અંતમાં ઉસ્તાદે આઝમ બનેલ ટાઇટુસનું સલીબી કિલ્લામાંથી નાસી જવા પર અર્તૂરૂલ ગાઝીનો વિજય થાય છે. આ સિઝનનું સમાપન સુલેમાન શાહની મોત તથા હલીમા સુલતાન તથા અર્તૂરૂલ ગાઝીના વિવાહ બાદ થાય છે.
દ્વિતીય સિઝનમાં જેમાં ૧૦૪ એપિસોડ છે, જેમાં કાઈ કબીલા તથા મંગોલની વચ્ચેના સંઘર્ષને દેખાડવામાં આવ્યો છે. આ સિઝનની શરૂઆત કાઈ કબીલા પર અચાનક મંગોલોના આક્રમણથી થાય છે, જેનો કમાન્ડર નોયાન છે. કાઈ કબીલાને લાચાર થઈને દોદુર્ગા કબીલામાં શરણ લેવી પડે છે. દોદુર્ગા કબીલાનો સરદાર હાયમા ખાનમનો ભાઈ છે. બંને કબીલાની સંયુક્ત દેખરેખમાં મંગોલો સાથે સંઘર્ષ યથાવત્ રહે છે. આ મંગોલ સંઘર્ષમાં અર્તૂરૂલ ગાઝીના મામેરા ભાઈને મારી નાંખવામાં આવે છે. આખરે અત્યંત જખ્મી હાલતમાં નોયાનને મરતો સમજીને અર્તૂરૂલ ગાઝી તેના ઘાયલ ભાઈને કાઈ કબીલામાં લાવે છે.
ત્રીજી સિઝનની શરૂઆત ફરી કાઈ કબીલાના પ્રવાસથી થાય છે, જ્યાં ચાવદાર કબીલાની સાથે સામનો થાય છે. આ સિઝનના મુખ્ય પાત્રો સાદેતીન કોપેક, ઉરાલ, બહાઈર, સુલતાન અલાઉદ્દીન વગેરે છે. હાનલી બજાર જે એક બિઝનેસ સેન્ટર છે, જેનો માલિક સિમોન સલીબી છે. તેના પર અર્તૂરૂલ ગાઝી દ્વારા કબ્જાે મેળવવામાં આવે છે. આ બજાર આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર તથા આવકનો એક મોટો સ્ત્રોત પણ છે. સાથે કારાજયસાર કિલ્લામાં સલીબીઓના સહયોગથી જમીનદાર સાથે અર્તૂરૂલ ગાઝીનો સંઘર્ષ ચાલુ રહે છે. સલ્જુક સલતનતના આ ક્ષેત્રનાં ગવર્નર સાદેતીન કોપેક વાસ્તવમાં એક ગદ્દાર હોય છે અને સુલતાન અલાઉદ્દીન સમાન પોતાની સરકાર ચલાવવા ઇચ્છે છે.
ચોથી સિઝનમાં સુલતાન અલાઉદ્દીનનું આગમન થાય છે. અર્તૂરૂલ ગાઝી તથા તેના મિત્રો દ્વારા કારાજયસાર કિલ્લા પર વિજય પ્રાપ્ત કરી કબજાે કરી લેવામાં આવે છે, જ્યારે કે જમીનદાર એરિસ તથા તીતાન ભાગવામાં સફળ થઈ જાય છે. આ સમય સુધી અસ્લહા ખાતુનના નિકાહ અર્તૂરૂલ ગાઝીના કમાન્ડર તુર્ગુત સાથે થઈ જાય છે. તેમજ થોડા દિવસો બાદ તે ચાવદાર કબિલાનો સરદાર બની જાય છે. આની વચ્ચે બામ્સીને કાઈ કબીલાનો નવો કમાન્ડર બનાવવામાં આવે છે. અમીર સાદેતીન કોપેક સુલતાન અલાઉદ્દીનને ઝેર અપાવીને તેની હત્યા કરાવી નાખે છે અને સાથે તેનો નાનો પુત્ર ક્રિચ અર્સલાનની પણ હત્યા કરી દેવામાં આવે છે તેમજ સલ્જુક સલતનતનો નવો સુલતાન શહેજાદા ગ્યાસુદ્દીન બની જાય છે. સુલતાન તરફથી અમીર સાદેતીન કોપેકના મોતના ગુપ્ત ફરમાન જારી કર્યા બાદ તેના અંજામ સુધી પહોંચે છે. આ જ સિઝનમાં ફરી મંગોલ કમાન્ડર નોયાનનું આગમન થાય છે અને અર્તૂરૂલ ગાઝીની મંગોલો સાથે લડાઈ ચાલુ રહે છે. આ જ સિઝનમાં અર્તૂરૂલ ગાઝીના ત્રીજા દીકરા ઓસમાનનો જન્મ થાય છે અને હલીમા સુલતાન મૃત્યુ પામે છે. સોગુતની તરફ પ્રવાસની સાથે આ સિઝનનો અંત આવે છે.
પાંચમી સિઝનમાં પણ કાઈ કબીલાને દેખાડવામાં આવ્યો છે. આની શરૂઆત ૧૦ વર્ષ પછી થાય છે જ્યારે અલબેલ્ઝા ખાતૂન ઓસમાનને ઘાયલ હાલતમાં લાવે છે. બાદમાં અલબેલ્ઝા ખાતુન સાથે અર્તૂરૂલ ગાઝીની શાદી થઈ જાય છે. સલ્જુક સલતનત ફક્ત નામની રહી જાય છે. અહીં મંગોલ કઠપૂતળી બેસાડી દેવામાં આવે છે. આ સિઝનમાં દ્રેંગોસ, અર્તૂરૂલ ગાઝીનો સૌથી મોટો દુશ્મન હોય છે. આ જ સિઝનમાં અર્તુરૂલ ગાઝીના પુત્ર ગુંદુઝ અને ઓસમાન યુદ્ધમાં ભાગ લે છે. આ સિઝનના અંતમાં અર્તૂરૂલ ગાઝી એક નવા અભિયાન પર જતાં રહે છે અને અહીં આ સિરીઝનો અંત આવે છે.
સિરીઝના નિર્માતા ટીમનો દાવો છે કે આમાં વાસ્તવિકતા તથા ઇતિહાસને દર્શાવવામાં આવ્યો છે. આમાં ઇસ્લામી સંસ્કૃતિ, નૈતિકતા, માનવીય મૂલ્યોને દર્શાવવામાં આવ્યા છે. જ્યારે કે અશ્લીલતા, નગ્નતાથી દૂર પરંતુ આકર્ષક, સુંદર, પ્રાકૃતિક તેમજ ઐતિહાસિક દ્રશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુંદર પર્વત, ગાઢ જંગલ, નદી, ઝરણાં તેમજ દરિયાના મનમોહક તેમજ સુંદર દ્રશ્યો દર્શકોને સ્ક્રિનની તરફ આકર્ષિત કરે છે. આખી સિરીઝમાં તલવારબાઝી, તીર, ધનુષ્ય તથા ભાલાનો જ પ્રયોગ દેખાડવામાં આવ્યો છે, જે આને રોમાંચક બનાવે છે તેમજ ઇતિહાસ દર્શનની ઝલકો પ્રસ્તુત કરે છે. પાત્રો દ્વારા પ્રયોગ કરવામાં આવેલા વસ્ત્રોની જૂની શૈલી કબીલાઈ જીવનનું સુંદર ચિત્રણ છે.
આ સિરીઝની ખાસ વિશેષતા તેના સંવાદ છે, જે આખી સિરીઝને જીવંત બનાવે છે તેમજ દર્શકોની નસ નસમાં ક્રાંતિનું સંચાર કરે છે. મહત્ત્વપૂર્ણ સંવાદ દરમ્યાન આકર્ષક સંગીતનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સંવાદ દરમ્યાન ઐતિહાસિક કથાઓ તથા ઘટનાઓનું પણ કનેક્શન નજરે પડે છે. જેમ કે હાબિલ કાબિલની ઘટના, હઝરત યૂનુસ અ.સ.નું માછલીના પેટમાંથી બહાર આવવું, હઝરત યૂસુફ અ.સ.નું કૂંવામાંથી બહાર નીકળવા જેવી ઘટનાઓથી અર્તૂરૂલ ગાઝી પ્રેરણા લેતા નજરે પડે છે. આ સિરીઝથી આધ્યાત્મિક શિખામણ, જીવનથી બોધપાઠ, ન્યાયને પ્રાથમિકતા, નિર્દોષ તથા નબળા લોકોની સહાયતા અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખવાની પ્રેરણા મળે છે. એવું નથી કે આના ફક્ત સકારાત્મક પાસાં છે અને આલોચનાઓથી બહાર છે. બલ્કે જેટલી વસ્તુઓ આમાં દેખાડવામાં આવી રહી છે એટલું તો ઇતિહાસમાં પણ જાેવા મળતું નથી. સાથે બોલિવૂડ ફિલ્મની જેમ ઘણા બધા ફાજલ દ્રશ્યો પણ દેખાડવામાં આવ્યા છે, જે પ્રેક્ટિકલ લાઈફમાં શક્ય નથી.
ઘણા પાત્રોનું અચાનકથી ગાયબ થઈ જવું, કત્લેઆમના દ્રશ્યો, એક જ ખંજરથી પાંચ વાર મારવા પર પણ પાત્રનું જીવંત રહેવું, ત્યાં બીજી બાજુ ખંજરના એક જ વારથી મરી જવું તદ્દન અતાર્કિક પ્રતીત થાય છે.
આ સિરીઝની પ્રોડક્શન કંપની તકદેન ફિલ્મ છે. જ્યારે કે પ્રોડ્યુસર મેહમત બોઝદેગ છે, નિર્દેશક મતીન ગુને છે. મૂળ રૂપે આ ટર્કિશ ભાષામાં છે. જ્યારે કે મોટા ભાગનું શૂટિંગ તુર્કીના રિવા, ઇસ્તંબુલમાં થયું છે.
મુખ્ય કલાકાર ઃ એન્જિન એલ્ટાન (અર્તૂરૂલ ગાઝી), એસરા બેલ્જિક (હલીમા સુલતાન), સરદાર ગોખાન (સુલેમાન શાહ), હુલિયા દાર્કીન (હાયમા ખાતૂન), મુરાત ગૈરીપાગલો (સાદેતીન કોપેક), સરદાર ડેનિસ (ટાઇટુસ), ઉસ્માન શૌકત (ઇબ્નુલ અરબી), બૈરિસ બેગુ (નોયાન) વગેરે.
આર્ટ તથા કલ્ચર જીવનનો અભિન્ન અંગ છે. સ્માર્ટ ફોનના આગમનથી મનોરંજનના સાધન સુલભ થાય છે. આવામાં સમજદારી રાખનારા મહાનુભવો તથા બુદ્ધિજીવીઓને મનોરંજનના આ નવા મોડેલનો બે ચાર એપિસોડનો આનંદ અવશ્ય લેવો જાેઈએ.