ઈતિહાસનું વિહંગાવલોકન કરશું તો સંસારમાં વિવિધ દૃશ્યો નજરે પડશે. ક્યાંક પ્રેમ અને સ્નેહની વસંત દેખાશે તો કોઈ પૃષ્ઠ પર હિંસા અને હત્યાની પાનખર!! પૃથ્વીના કોઈ ભાગ પર નાતજાત, ધર્મ સંપ્રદાય, રંગ અને ભાષામાં વિભાજીત સમાજ જાેવા મળશે તો કોઈ ખંડમાં એકતા અને બંધુતાના પુષ્પો ખીલતા જાેવા મળશે. કોઈ યુગમાં જુલ્મ અને અત્યાચારના વાવાઝોડા દેખાશે તો ક્યારેક ન્યાય અને ત્યાગનાં મોજા ઉછળતા દેખાશે. ક્યાંક અધિકારના નામે અરાજકતાનું રાજ હશે તો ક્યાંક અધિકારોનું ચુસ્ત પાલન. ક્યાંક ધર્મના નામે અંધવિશ્વાસ દેખાશે તો ક્યાંક તર્કના નામે કલ્પના. માનવ સારા ખોટા અનુભવોનો એક લાંબો ઈતિહાસ ધરાવે છે.
માનવ સંબંધોનો મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે તો સાથેસાથે તે ઘણો નાજુક પણ છે. આ સંબંધો એક પરિવારના હોઈ શકે, સગા-સંબંધીઓ સાથેના હોઈ શકે અને સામાજિક સ્તરના પણ હોઈ શકે. જેમ જેમ આ વર્તુળમાં વિવિધતાનો સમાવેશ થતો જાય છે તેમ તેમ તેની સંવેદનશીલતા વધતી જાય છે. આપણે એક એવા દેશમાં રહીએ છીએ જેની વિશેષતા જ વિવિધતા છે. શ્રદ્ધા હોય કે આસ્થા, સંસ્કૃતિ હોય કે સભ્યતા, ખાનપાન હોય કે પહેરવેશ, ભાષા હોય કે શરીર રચના, દરેક જગ્યા વિવિધતા છે. એક જ પરિવારના લોકોના સ્વભાવ જુદા જુદા હોય છે અને બધાને સાથે લઈને ચાલવું સરળ હોતું નથી. તેવામાં એક બહુસાંસ્કૃતિક સમાજમાં સહજીવન પડકારયુક્ત છે.
જ્યાં વિવિધ પ્રકારની વિચારધારા અસ્તિત્વમાં હોય ત્યાં અન્યાય, જુલ્મ,અધિકાર હનનની સંભાવના ઘણી વધી જાય છે. ન્યાય અને શાંતિની સ્થાપનાના માર્ગમાં અડચણરૂપ પરિબળો, હઠધર્મી અને સ્વાર્થીપણું, ઘૃણા અને અણગમો, પક્ષપાતપૂર્ણ વલણ, અને કોમવાદી માનસિકતા મોટી અડચણ છે. આ વસ્તુઓ પર નિયંત્રણ મેળવ્યા સિવાય કોઈ સમાજ આદર્શ કે સશક્ત બની શકતો નથી. એક શાંતિમય અને સમૃદ્ધ સમાજની રચના કોઈ પણ સભ્યતાનો ધ્યેય હોય છે.
માનવીય સંબંધોમાં જે વસ્તુ મીઠાશ પેદા કરે છે તે નૈતિકતા છે. અને જે વસ્તુ તેમને ન્યાય પર કાયમ રાખવા મજબુર કરે છે તે કાનુન છે. માનવીના નૈતિક ઘડતર અને કાનુનની સર્વોપરિતાના આધારે એક સુંદર, સુદ્રઢ, સાલસ સમાજની પરિકલ્પના સંભવ થઇ શકે છે. કેમકે નૈતિકતા પ્રેમ, સહકાર, સહિષ્ણુતા, બંધુતા, પોતાની જાત પર બીજાને પ્રાધાન્ય, સમુહજીવનની રીતભાત, સેવા વિગેરે ઉમદા ગુણોનું સિંચન કરે છે. કાનુન તેમને નિયત સીમામાં રાખે છે અને કોઈને પણ તેનાથી વિચલિત થવા દેતો નથી. નૈતિકતા મોટા ભાગે વ્યક્તિથી સંબંધ ધરાવે છે તો કાનુનની સુરક્ષા મોટા ભાગે સમૂહ કે સત્તાને આધીન હોય છે.
આ પણ વાસ્તવિકતા છે કે શ્રદ્ધા- આસ્થા આ બંને વસ્તુઓને ચોક્કસ બનાવે છે. જ્યાં સુધી માનવીમાં એક અલ્લાહ સામે ઉત્તરદાયી હોવાની ભાવના પ્રબળ ન બને તે પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો નથી. ઈશપારાયણતા કે ઈશ ભય જ એ પ્રેરક બળ છે જે માનવીને એકાંત અને જાહેરમાં ખોટું કરતા રોકે છે, કોઈની ઉપર જુલ્મ કરતા અટકાવે છે તેમજ અન્યાય અને હિંસાથી દૂર રાખે છે. ઈશપ્રેમ વ્યક્તિને માનવ પ્રેમ સારૂ ઉભારે છે, સેવા ભાવના અને માનવીય એકતાની ભાવનાને બળ આપે છે. જ્યાં શ્રદ્ધા મજબુત અને સત્ય ઉપર આધારિત હશે ત્યાં સમાજ એટલો જ દૃઢ અને ખુશહાલ હશે.
“જે વ્યક્તિ પણ સદ્કાર્ય કરશે, ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, શરત એ છે કે તેહોય ઈમાનવાળા, તેને અમે દુનિયામાં શુદ્ધ અને પવિત્ર જીવન જીવાડીશું અને (પરલોકમાં) આવા લોકોને વળતર તેમના સર્વશ્રેષ્ઠ કર્મો મુજબ આપીશું”.(સૂરઃ નહલ-૯૭)
પરંતુ અફસોસ કે શ્રદ્ધાની કમજાેરી કે ધર્મ લોભી, સ્વાર્થી અને પાખંડીઓના હાથમાં જવાથી સત્યનો ચંદ્ર વાદળોના વંટોળમાં છુપાઈ ગયો અને તેણે જમાના સાથે ચાલવાની શક્તિજ ગુમાવી દીધી. ધર્મ વ્યક્તિગત જીવન સુધી સીમિત થઇ ગયો અને સામુહિક જીવનમાંથી તેને તિલાંજલિ આપવામાં આવી. આમાં બીજા ધર્મોના મુકાબલામાં ઈસ્લામને વધુ નિશાન બનાવવામાં આવ્યો. એવો પ્રચાર કરવામાં આવ્યો કે ઇસ્લામનો ઈતિહાસ જાેર જુલ્મથી ભરેલો છે. તે તલવારના જાેરે ફેલાયો છે અને તેથીજ તેની પ્રગતિ માનવીય સમાજનો વિનાશ નોંતરશે. એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો કે ઇસ્લામ અલગાવવાદી માનસિકતા પેદા કરે છે અને બીજા ધર્મને માનનારાઓ તથા વિપરીત મત ધરાવતા લોકો સાથે સંબંધ વિચ્છેદનું શિક્ષણ આપે છે. ઇસ્લામી શાસન વ્યવસ્થા માટે એવો અપપ્રચાર કરવામાં આવ્યો કે તેમાં બિનમુસ્લિમો બધા જ માનવીય અધિકારોથીવંચિત થઇ જશે.આવા વિચારો પાછળ અજ્ઞાનતા, ઇસ્લામની ઉચ્ચ્તાના અસ્વીકારની માનસિકતા, ઘૃણા અને વેશ્વિક શક્તિઓના નિર્ધારિત લક્ષ્ય છે. વાસ્તવિકતા સાથે તેનો સાચેજ કોઈ સંબંધ નથી.
ઇસ્લામની મૂળ શ્રદ્ધા એકેશ્વરવાદ છે. અને અલ્લાહ કુરાનમાં માનવીય એકતા ઉપર પ્રકાશ પાડતાં ફરમાવે છે.
“લોકો! પોતાના રબ (માલિક)થી ડરો, જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તેજ જીવથી તેનું જાેડું બનાવ્યું અને આ બંન્નેથી ઘણા પુરુષો અને સ્ત્રીઓ દુનિયામાંફેલાવી દીધા. તે અલ્લાહથી ડરો જેના નામે તમે એકબીજાથી પોતાના હક્કો માગોછો, અને રિશ્તા-નાતાઓેના સંબંધો બગાડવાથી દૂર રહો. વિશ્વાસ રાખો કે અલ્લાહતમારા ઉપર દેખરેખ રાખી રહ્યો છે.” (સૂરઃ નિસા-૧)
અને શ્રેષ્ઠતાના માપદંડનો ઉલ્લેખ કરતાં કહે છે. “લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (સમુદાય) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા, જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે.” (સૂરઃ હુજરાત- ૧૩)
ઇસ્લામ ઉપર દુનિયા અને આખીરતની સફળતાનો આધાર છે. તે સમગ્ર માનવતાને સંબોધિત કરતો હોઇ, એ કઈ રીતે શક્ય છે કે તે કોઈ વર્ગવિશેષથી ઘૃણા અને શત્રુતા શીખવતો હોય. જે વિચારધારા સંકુચિત માનસિકતા ધરાવતી હોય તે લોકોને અપીલ કરી શકતી નથી.
“હે મુહમ્મદ ! કહો, ”હે મનુષ્યો! હું તમારા સૌ માટે તે અલ્લાહનો પયગંબરછું જે ધરતી અને આકાશોની બાદશાહીનો માલિક છે, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી” (સુરઃ આરાફ-૧૫૮)
ઇસ્લામ પોતાની શ્રુદ્ધા અને વિચારધારાને ફેલાવવા માટે બળ કે લોભ લાલચને અયોગ્ય ગણે છે. આમ પણ ઇસ્લામ પ્રસન્નચિત્તે અલ્લાહઅને તેના પયગમ્બર (સ.અ.વ.) ના અનુસરણનું નામ છે, જે બળજબરી થી પેદા થઇ શકતી નથી. તેનો એક જ માર્ગ છે. પ્રસાર અને પ્રચાર. અને આ માર્ગમાં વિરોધીઓ તરફથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો પોતાના અનુયાયીઓને તે ધૈર્ય રાખવાની તાલીમ આપે છે.
“દીન (ધર્મ)ના મામલામાં કોઈ બળજબરી નથી.”(સૂરઃ બકરા-૨૫૬)
“તો હે પયગંબર! તમે (આ લોકોના અશિષ્ટતાપૂર્ણ વર્તન પર) સજ્જનતાપૂર્વક ક્ષમાથી કામ લો.” (સૂરઃ હિજર – ૮૫ )
“જેઓ ગુસ્સાને પી જાય છે અને બીજાઓની ભૂલોને માફ કરી દે છે – આવા નેક (સદાચારી) લોકો અલ્લાહને ખૂબ પ્રિય છે.” (સૂરઃ આલે ઇમરાન-૧૩૪)
અને હે પયગંબર ! ભલાઈ અને બૂરાઈ સમાન નથી. તમે બૂરાઈને તે ભલાઈથી દૂર કરોજે સર્વોત્તમ હોય. તમે જાેશો કે તમારા સાથે જેની શત્રુતા હતી, તે આત્મીયમિત્ર બની ગયો છે. (સૂરઃ હામીમ સજદા-૩૪)
ઈસ્લામે બિન મુસ્લિમ માતાપિતા સાથે સદવર્તન કરવા, સગા-સંબંધીઓ સાથે સદ્વ્યવહાર કરવા, અનાથો, જરૂરતમંદો, પડોશીઓ, મુસાફરો, ગુલામો, કેદીઓ અંહી સુધી કે સર્વ સામાન્ય માનવો સાથે સારો વ્યવહાર કરવાની હિદાયત આપે છે.
“અલ્લાહ તમને એ વાતથી નથી રોકતો કે તમે તે લોકો સાથે સદાચાર અને ન્યાયનું વર્તન કરો જેમણે દીન (ધર્મ)ના મામલામાં તમારાથી યુદ્ધ કર્યું નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢયા નથી. અલ્લાહ ન્યાય કરનારાઓને પસંદ કરે છે.” (સૂરઃ મુમ્તાહીન્ના- ૮)
ઈસ્લામે તમામ માનવો પર ખર્ચ કરવાની હિદાયત આપી છે અને તેને ઇન્ફાક કહ્યું છે. શરૂઆતમાં ઇસ્લામના સખ્ત વિરોધના કારણે મુસલમાનો બિનમુસ્લિમો ઉપર ખર્ચ કરવામાં ખચકાતા હતા. અને એ પ્રાકૃતિક પણ હતું. કુરાને આદેશ આપ્યો “હે નબી ! લોકોને માર્ગદર્શન પ્રદાન કરવાની જવાબદારી તમારા ઉપર નથી. માર્ગદર્શન તો અલ્લાહ જ જેને ચાહે છે, પ્રદાન કરે છે અને ભલાઈના કાર્યોમાંજે ધન તમે ખર્ચ કરો છો તે તમારા પોતાના માટે સારું છે. છેવટે તમે એટલા જમાટે તો ખર્ચ કરો છો કે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત થાય, તો જે કંઈ ધન તમે ભલાઈના કાર્યોમાં ખર્ચ કરશો, તેનો પૂરેપૂરો બદલો તમને આપવામાં આવશે અનેતમને તમારા હક્કથી કદાપિ વંચિત રાખવામાં નહીં આવે.” (સૂરઃ બકરા-૨૭૨)
ઉપરોક્ત આયત વિશે હજરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદી. કહે છે કે અન્સારના સંબંધો બનુ કુરેઝા અને બનુ નઝીર સાથે હતા. અન્સાર તેમના ઉપર ખર્ચ કરવાનું ટાળતા હતા તેમની ઈચ્છા હતી કે તેઓ ઇસ્લામ લઇ આવે તો તેમના ઉપર ખરચ થાય. આ બાબતે ઉપરોક્ત આયતનું અવતરણ થયું.(ઇબ્ને જરીર જામેઅ બયાન ૫૮૮/૫)). હજરત અબ્દુલ્લાહથી જ આ રિવાયત પણ છે કે નબી સ.અ.વ. મુશરીકીન – અનેકેશ્વર વાદીઓ ઉપર ઇન્ફાક- સુચારુ ખર્ચ નહોતા કરતા તે અનુસંધાનમાં આ આયત અવતરિત થઇ. ઇબ્ને જરીર ૫૮૭/૫).આ જ વાત તેમના સાથીઓ વિશે પણ છે કે તેમને મુશરિક- અનેકેશ્વરવાદી સંબંધીઓ ઉપર ખર્ચ કરવાની પરવાનગી આપવામાં આવી.(બયહકી અલ્સુનન કીબ્રા ૧૯૧/૪). તેના પછી આપ સ.અ..વ.એ ફરમાવ્યું કે કોઈ પણ દીન (ધર્મ)માં માનનારો તમારાથી માંગે તો તેની ઉપર ખર્ચ કરો.(ઇબ્ને કસીર ૩૨૪/૧)
તે જ રીતે તેમની સાથે જમવા, ફરવા, ભેટ આપવા સ્વીકારવા, પૃચ્છા કરવા, મહેમાન થવા, તેમના જનાઝામાં શામેલ થવા, સેવા લેવા કે આપવા કે વ્યવસાયિક સંબંધો રાખવા વગેરે માટે પણ કોઈ મનાઈ નથી. આ બાબતે ઘણી બધી દલીલો હજરત મુહમ્મદ સ.અ.વ.ના જીવન ચરિત્રમાંથી સ્પષ્ટ રૂપે મળી જશે.
મુસલમાનોની જવાબદારી છે કે તેઓ દેશબાંધવો સાથે પ્રેમાળ સંબંધો સ્થાપિત કરે, તેમની ભ્રમણાઓ દૂર કરે અને ઇસ્લામના સાચા શિક્ષણથી તેઓને વાકેફ કરાવે. આપણો વાણી વ્યવહાર જ બિનમુસ્લિમ ભાઈઓ માટે દલીલ અને જ્ઞાનનો સાચો સ્રોત છે. પુસ્તકો વાંચવા અને ગુગલ પર ગંભીર અધ્યયન કરવાનો સમય કદાચ તેમની પાસે નહિ હોય. તેથી જ દરેક રીતે આપ સૌ મુસ્લિમો ઇસ્લામના એલચી- એમ્બેસડર બની જાઓ.