The Environmental Crisis is Fundamentally Spiritual Crisis
“પર્યાવરણીય કટોકટી એ મૂળભૂત રીતે આધ્યાત્મિક કટોકટી છે.”
ઉપર લખેલું આ વિધાન ૨૦મી સદીના જાણીતા સાંસ્કૃતિક ઇતિહાસકાર (Cultural Historian) થોમસ બેરીનું છે. આ વિધાનને સમજતા પહેલાં, ચાલો પર્યાવરણીય સંકટની ગંભીરતા પર એક નજર નાખીએ. પર્યાવરણીય કટોકટી એ ખૂબ જ જટિલ અને ગંભીર સમસ્યા છે. માનવ જીવન સાથે તેનો સીધો સંબંધ છે. સમગ્ર વિશ્વમાં આના વિશે ચર્ચા થઈ રહી છે. અને તેના ખતરનાક પરિણામો લોકો સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. આ સમસ્યા માણસના વ્યક્તિગત જીવનથી લઈને વૈશ્વિક સ્તર સુધી વિસ્તરેલી છે. તેથી, વૈશ્વિક સ્તરેથી સ્થાનિક અને વ્યક્તિગત સ્તરે આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે. આ જ કારણ છે કે છેલ્લા ઘણા વર્ષોથી વૈશ્વિક સ્તરે United Nations Climate change Conference યોજાઈ રહી છે, જેના દ્વારા આ સમસ્યાને લગતા જાગૃતિ, સૂચનો અને સુધારા માટે ઠરાવો પસાર કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે, આપણા દેશમાં, રાજ્ય અને સ્થાનિક સ્તરે પણ આપણે કેટલીક જગ્યાએ આ સંબંધિત જાગૃતિ જોઈ રહ્યા છીએ. પરંતુ કમનસીબે, આ જાગૃતિ ખૂબ જ મર્યાદિત લોકો, મર્યાદિત સીમાઓ સુધી છે. આ અવાજને વધુ વ્યાપક બનાવવાની અને મોટા પાયે લોકો સુધી પહોંચાડવાની જરૂરત છે.
અમે ઉપર જણાવ્યું તેમ, પર્યાવરણીય કટોકટી હવે વિશ્વભરમાં એક ગંભીર અને ધ્યાન ખેંચનારી સમસ્યા બની ગઈ છે અને તેની અસરો પણ વ્યાપકપણે દેખાઈ રહી છે. કારણ કે તે માણસ અને તેની આસપાસની દરેક વસ્તુ સાથે સંબંધિત છે, તે ફક્ત પર્યાવરણની સમસ્યા અથવા કુદરતી વસ્તુઓના બગાડની સમસ્યા નથી. બલ્કે, તે બહુપરીમાણીય (Multidimensional) સમસ્યા છે જેમાં વૈચારિક, સામાજિક, રાજકીય અને આરોગ્ય સંબંધિત પાસાઓનો સમાવેશ થાય છે. આ સંદર્ભે, જ્યાં આ મુદ્દે સત્તાવાર નીતિ, કાયદો અને અન્ય સત્તાવાર સૂચનાઓ અથવા સામૂહિક સૂચનાઓની જરૂર છે, ત્યાં વ્યક્તિગત પ્રશિક્ષણ પણ જરૂરી છે. કારણ કે પર્યાવરણીય સંકટનું એક મોટું કારણ માણસનો સ્વાર્થ અને લોભ અને ભૌતિકવાદ છે. જ્યાં સુધી આપણે આ પાસા પર ધ્યાન કેન્દ્રિત નહીં કરીએ, પર્યાવરણ અંગે આપણે ગમે તેટલી નીતિઓ અને કાયદાઓ બનાવીએ, આપણે તેને સારી રીતે હલ કરી શકતા નથી.
વ્યક્તિગત પ્રશિક્ષણ બે રીતે કરી શકાય છે, એક તેને નૈતિકતાનો પાબંદ બનાવવામાં આવે જેથી તે શિસ્તથી બંધાયેલ હોય અને કોઈને નુકસાન ન પહોંચાડે, અને બીજું તેનામાં આધ્યાત્મિકતા વિકસાવવી જેથી તે ભૌતિકવાદ અને સ્વાર્થીપણાથી બચે. આ સંદર્ભમાં થોમસ બેરીના શબ્દો ખૂબ મહત્ત્વના છે. આ વિધાનનું અર્થઘટન એ છે કે પર્યાવરણીય કટોકટી ઘટાડવા માટે, માણસની અંદર જાગૃત થવું, શિસ્તબદ્ધ થવું અને તેની ઇચ્છાઓને નિયંત્રિત કરવી, કુદરતી સંસાધનોનો જરૂરી હોય તેટલો ઉપયોગ કરવો અને તેનું રક્ષણ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ વલણ છે. અને આ વલણ આધ્યાત્મિકતા અને નૈતિકતા વગર વ્યક્તિમાં પેદા થાય તેમ નથી. તેથી પર્યાવરણીય સંકટને નિયંત્રણમાં રાખવા માટે જ્યાં ઘણા બધા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યાં એક મૂળભૂત કાર્ય એ પણ છે કે માનવને પ્રશિક્ષણ આપવામાં આવે. પર્યાવરણીય નૈતિકતા સમજાવવામાં આવે. અને તેને સમજાવવામાં આવે કે તેણે આ દુનિયામાં નિરંકુશ ઘોડાની જેમ જીવવું જોઈએ નહીં, પરંતુ એક વિશ્વાસપાત્ર વ્યક્તિની જેમ જીવવું જોઈએ અને આ દુનિયામાં કુદરતી સંસાધનોને બગાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને તેને જરૂરી હોય તેટલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તે આ વિશ્વમાં દરેક વસ્તુ માટે જવાબદાર છે.
મૂળ વાત એ છે કે પર્યાવરણીય કટોકટીના સંબંધમાં જે પ્રકારની વ્યક્તિગત પ્રશિક્ષણની જરૂર છે તે નૈતિકતા અને આધ્યાત્મિકતાના વિકાસમાંથી ઉદ્ભવશે. અને આ બંને વસ્તુઓ કોઈ પણ વ્યક્તિ ધર્મ દ્વારા જ પ્રાપ્ત કરી શકે છે. તેથી, વ્યક્તિને ધાર્મિક દૃષ્ટિકોણથી પ્રશિક્ષણ આપવુ જોઈએ, જેથી કરીને તેનામાં આ બે વસ્તુઓનું નિર્માણ થાય. જો પર્યાવરણીય સંકટને ધર્મના સંદર્ભમાં સંબોધિત કરવામાં નહીં આવે તો વૈભવ અને ભૌતિકવાદમાં ગરકાવ થયેલો માનવી પોતાની નિરંકુશ ઇચ્છાઓથી આ જગતના કુદરતી સંસાધનોનો વેડફાટ કરતો રહેશે અને આપણે નીતિ અને કાયદા ઘડતા રહીશું. •••