Wednesday, June 12, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપર્યાવરણના રક્ષણમાં આપણી ભૂમિકા

પર્યાવરણના રક્ષણમાં આપણી ભૂમિકા

પ્રકૃતિ અને માણસ એકબીજાના પુરક છે. પ્રકૃતિ વગર માણસના જીવનની કલ્પના જ ના થઈ શકે. બ્રહ્માંડ અને શ્રુષ્ટિ એ અલ્લાહનું સૌથી શ્રેષ્ઠ સર્જન છે. તેણે લાખો આકાશ ગંગા, વિશાળકાય તારાઓ, ગ્રહો, ઉલ્કાઓ વગેરે સહિત આખા બ્રહ્માંડનુ સર્જન કર્યું છે. અને માનવજાત હજુ સુધી બ્રહ્માંડના એકેય ગ્રહની મુલાકાત લઈ શકી નથી. અને મનુષ્ય બ્રહ્માંડના એક અતિશય સૂક્ષ્મ ભાગ પૃથ્વી પર જ રહે છે. અલ્લાહે સંતુલિત વાતાવરણનુ સર્જન કરીને માત્ર પૃથ્વી પર જ જીવનની શક્યતાઓ ઊભી કરી છે જ્યાં જીવન સમૃદ્ધ થઈ શકે છે. આથી મનુષ્ય અલ્લાહનું શ્રેષ્ઠ સર્જન છે તેણે તેને રહેવા માટે શ્રેષ્ઠ સ્થાન પૃથ્વી પ્રદાન કરી છે. અને પૃથ્વી પરની પ્રકૃતિ જ જીવની શક્યતાને પ્રમાણિત કરે છે. “તેણે આકાશો અને ધરતીની તમામ વસ્તુઓને તમારા આધીન કરી દીધી, આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ચિંતન-મનન કરનારા છે.” (કુર્આન, ૪૫ : ૧૩)
પ્રકૃતિ પાંચ તત્વોથી બનેલી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. પ્રકૃતિ અને માણસ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. કુદરત જ પૃથ્વીને પોષણ પૂરૂ પાડે છે. જેમ પ્રાણીઓનુ જીવન માતાના ખોળામાં ઉછરે છે, તેમ પ્રકૃતિના સાનિધ્યમાં જીવનનો વિકાસ સરળ અને સુગમ બને છે. પર્યાવરણ, જેમાં અલ્લાહે તેના બંદાઓને પાણી, માટી, સૂર્ય અને હવા જેવા અનુપમ સંસાધનોની ભેટ આપી છે. “આ તો અમારી મહેરબાની છે કે અમે આદમની સંતાનને પ્રતિષ્ઠા આપી અને તેમને જમીન અને પાણીમાં સવારીના સાધનો આપ્યા અને તેમને શુધ્ધ વસ્તુઓમાંથી રોજી આપી અને અમારી અનેક મખ્લૂકો ઉપર શ્રેષ્ઠતા આપી (કુઆર્ન, ૧૭ : ૭૦) તેથી તેની જાળવણી કરવાની જવાબદારી પણ માણસની જ છે. પરંતુ ભૌતિકવાદ, આધુનિક પ્રગતિએ મનુષ્ય અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરી છે. “એક બીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધુને તમને ગફલતમાં નાખી રાખ્યા છે.” (કુર્આન, ૧૦૨ : ૧)
ઇસ્લામ તેના અનુયાયીઓને પર્યાવરણની સાર-સંભાળ શીખવે છે. મુસલમાન માને છે કે અલ્લાહે તેમને દુનિયાના સંરક્ષક અથવા પ્રતિનિધિ (ખલીફા) નિમેલા છે અને તેઓ તેના રક્ષણ માટે જવાબદાર છે. અલ્લાહે મનુષ્યને કુર્આન મારફતે પર્યાવરણના રક્ષણ માટે માર્ગ સૂચવ્યો છે. જે લગભગ ૨૦૦ જેટલી કુર્આનની આયતોમાં વર્ણવેલ છે. અલ્લાહ મનુષ્યોને કુદરતી સંસાધનોનો દુરુપયોગ ટાળવા અને પર્યાવરણને નુકસાન કે બગાડ કરતા કોઈ પણ કાર્યથી દૂર રહેવાની આજ્ઞા આપે છે. “જમીન અને સમુદ્રમાં બગાડ પેદા થઈ ગયો છે લોકોના પોતાની હાથની કમાણીથી.” (કુઆર્ન, ૩૦ : ૪૧) અલ્લાહે માનવજાતને કુદરતી સંસાધનોના રક્ષક એટ્‌લે કે પ્રતનિધિ નીમેલ છે. જો કે તેનો દુરુપયોગ અથવા નાશ ન થાય તે રીતે તેના ઉપયોગની બાંયધરી અર્પે છે. ઇસ્લામિક ઉપદેશનો પ્રથમ સિદ્ધાંત જે પર્યાવરણના ટકાઉપણાનો નિર્દેશ કરે છે એ ખિલાફત/રક્ષકનો વિચાર છે. હકીકત એ છે કે મનુષ્યને ખલીફા તરીકે ગણવામાં આવે છે, તે સૂચવે છે કે તે પર્યાવરણનો અતિશય ઉપયોગ કર્યા વગર તેનો લાભ મેળવે કારણ કે પર્યાવરણ તેના એકલા માટે નથી પરંતુ સમાજ અને ભાવિ પેઢી માટે પણ છે. સાતત્યપૂર્ણ વિકાસની પણ એ જ વ્યાખ્યા છે, એ વિકાસ કે જે ભવિષ્યની પેઢીઓની પોતાની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા સાથે સમાધાન કર્યા વિના વર્તમાનની જરૂરિયાતો પૂર્ણ કરે.
જો કે માનવ આત્મસંતોષ અને લોભને કારણે અલ્લાહ દ્વારા વર્ણવેલા જીવનપથથી ભટકી ગયો છે. મનુષ્યો પૃથ્વીના કુદરતી સંસાધનોને એટલી નાટકીય અને ર્નિદય રીતે પરિવર્તિત કરી રહ્યા છે કે લગભગ દસ લાખથી પણ વધારે વનસ્પતિ અને પ્રાણીઓની જાત હવે લુપ્ત થવાની કગાર પર છે, જે પર્યાવરણ માટે ભયંકર ખતરો છે, જેના પર વિશ્વના તમામ જીવોનું અસ્તિત્વ ર્નિભર છે. મનુષ્ય પહેલાં કરતાં વધુ અનાજ ઉગાડી રહ્યો છે જે પ્રકૃતિ સાથે સંતુલિત નથી, જેના કારણે પૃથ્વીની ચોથા ભાગની ઉપજાઉ જમીન ખરાબ થઈ ગઈ છે. ઉદાહરણ તરીકે મધમાખી અને બીજા અનેક સૂક્ષ્મ જંતુઓ લુપ્ત થવાના કારણે વાર્ષિક કરોડો રૂપિયાના નુકસાન ફળ-ફળાદી અને શાકભાજી ઉગાડવામાં થઈ રહ્યો છે. માણસો બિનટકાઉ રીતે જમીન અને જંગલોનું શોષણ કરી રહ્યા છે. માનવીએ ઊર્જા માટે અશ્મિભુત ઇંધણનું ધમધોકાટ વપરાશ ચાલુ રાખેલ છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. જો પૃથ્વીનું સરેરાશ તાપમાન પૂર્વ ઔદ્યોગિક સ્તર કરતાં ર ડિગ્રી વધે તો વિશ્વભરમાં આશરે પ ટકા પ્રજાતિ લુપ્ત થઈ જશે. હદીસ : “હું તમને ૧૦ વાતોની તાકીદ કરું છું, કોઈ ફળાઉ ઝાડ ન કાપતા, કોઈ આબાદ જમીનને વિરાન ન કરતાં, કોઈ બકરી કે ઊંટને ભોજનની જરૂરિયાત વગર ન કાપતા, મધમાખીઓ ને ન બાળતા તેમજ ન જ વેરવિખેર કરતાં”
હાલમાં પર્યાવરણ સંકટમાં છે. પરંતુ હજી ઘણું મોડું નથી થયું આપણે પર્યાવરણની જાળવણીમાં મદદ કરી શકીએ છીએ. ગો ગ્રીન કે જે પર્યાવરણની સંતુલિત પ્રવૃત્તિ છે તે ફક્ત પૃથ્વીને મદદ નહીં કરે પણ તે આપણને પૈસા, સમય અને સંસાધનોની બચત કરવામાં પણ મદદ કરશે. જેથી ભવિષ્યની પેઢીને સ્વચ્છ હવા અને પાણી પૂરૂં પાડશે.
પર્યાવરણના રક્ષણ માટે નીચે જણાવેલ પગલા લેવા જોઈએ :
(૧) પોતાના વિચાર વ્યક્ત કરવા, આપણા વિચાર લોકો જોડે આદાન પ્રદાન કરવા, જેથી આપણા મિત્રો, પાડોશીઓ અને સહકર્મીઓ પણ પર્યાવરણના રક્ષણની વાત કરે અને સકારાત્મક અભિગમ દ્વારા જરૂરી ફેરફાર લાવી શકાય.
(ર) જાણકારી મેળવો અને જાતે માહિતગાર થાવ. જાણકારી અને વિચારો મૂકવાથી પ્રભાવશાળી લોકો, મિત્રો તેને અપનાવી તેના પર કામ કરશે.
(૩) પર્યાવરણને રાજકીય મુદ્દો બનાવવો, આપણે મત આપીને સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણા નેતાઓ જવાબદારી ઉઠાવે, સચોટ પોલીસી આગળ વધારે.
(૪) જવાબદારીપુર્વક મુસાફરી કરીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઓછામાં ઓછું ઈંધણ અને ટકાઉ રસ્તાની પસંદગી ગ્લોબલ વોર્મિંગને ખૂબ ઘટાડી શકે છે.
(પ) જંગલોનું નાશ થતું અટકાવવુ અને સ્થાનિક આબોહવાને વધુ અનુકૂળ હોય તેવા ખોરાકની પસંદગી કરવી અને પ્રોત્સાહન આપવું, જેથી પૈસા પણ બચે અને ગ્રામીણ સમુદાયને રોજગાર મળે.
(૬) બગાડ ઓછો કરવો. શક્ય તેટલો ઓછો ખોરાક બગાડવો. “ખાવો પીવો અને હદથી આગળ ન વધો અલ્લાહ હદથી આગળ વધી જનારાઓને પસંદ નથી કરતો.” (કુર્આન, ૭ : ૩૧) અને વસ્તુઓને રીસાયકલ અને રીયુઝ કરવી. જરૂરી નથી કે પર્યાવરણના રક્ષણ માટે તમારે તમારી જીવનશૈલીમાં ખૂબ જ પરિવર્તન લાવવું પડે પણ જો આપણે દૃઢ સંકલ્પ લઈએ કે જીવન જીવવાની પદ્ધતિમાં એક કે બે પરિવર્તનથી પર્યાવરણને ટકાઉ બનાવી શકાય. પર્યાવરણની રક્ષા કરવાનો સમય આ જ છે. આવતા વર્ષે, આવતા અઠવાડિયે કે આવતી કાલે નહીં. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments