Friday, December 13, 2024
Homeઓપન સ્પેસપર્યાવરણીય કટોકટી મોટાપાયે ભાગીદારીની આવશ્યકતા

પર્યાવરણીય કટોકટી મોટાપાયે ભાગીદારીની આવશ્યકતા

લે. ડૉ. અબ્દુર્રશીદ આગવાન

પર્યાવરણીય સંકટ વર્તમાન સમયનું સૌથી મોટું સંકટ છે. તે તેટલું જ મહત્ત્વપૂર્ણ છે જેટલું મનુષ્યનું અસ્તિત્વ અને પૃથ્વી પરના અન્ય જીવોની નિરંતરતા. દુનિયાની મોટાભાગની સરકારો આને ઓછું કરવા માટે સક્રિય રૂપે કામ કરી રહી છે. સામાન્ય લોકો એ વાતથી ચિંતિત છે કે તેઓ જળ-વાયુ પરિવર્તનના રૂપમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમ કે મુખ્ય શહેરોમાં ઘાતક પ્રદૂષણની પ્રબળતા, જળચક્રનું વિઘટન, પીવાના પાણીની અછત, માટીમાં ખાતરની કમી, સમૃદ્ધતળમાં વૃદ્ધિ, કેટલીક જાતિઓનું વિલુપ્ત થવું વિગેરે.
ઓદ્યૌગિક ક્રાંતિ અને જનસંખ્યામાં વૃદ્ધિ પછી આ સમસ્યાઓ ધીમે-ધીમે સામે આવી છે. ઉદ્યોગોએ પ્રથમ સ્થાનિક સ્તરે, પછી વિશ્વ સ્તરે પ્રદૂષણનો વધારો કરવામાં યોગદાન આપ્યું છે. જંગલો કાપીને પ્રદૂષણના સ્તરમાં વૃદ્ધિ થઈ છે. કારણ કે પૃથ્વીની લીલી ચાદર મોટાપાયે કાર્બન સિંક સ્વરૂપે પ્રદૂષણને ઓછું કરી શકે છે. પ્રદૂષણના કારણે ગ્રીનહાઉસ પ્રભાવ અને ઓઝોનની કમીને કારણે ધરતી ખૂબ જ ગરમ થઈ રહી છે. પૃથ્વી ગરમ થવાના કારણે જળચક્ર અને પારિસ્થિતિક તંત્રનું વિઘટન, ધ્રૂવીય ગ્લેશિયર બરફનું પીગળવું, માટીમાં ખાતરની કમી, નવી નવી મહામારીઓ અને પ્રદૂષણને કારણે થતો મોતનો ઉપદ્રવ, પ્રજાતિઓનું વિલુપ્ત થવું વિગેરે બાબતો આપણી સામે છે. નાશ ન થઈ શકે તેવા પદાર્થોનો ખૂબ જ ઉપયોગ જેવા કે પ્લાસ્ટિક દ્વારા દુનિયાના મુખ્ય શહેરોમાં ‘કચરા-નિકાલ’ની કઠણ પરિસ્થિતિ સામે આવી છે. આ બધી સમસ્યાઓના નિકાલ માટે પર્યાવરણ સંબંધી સાચી નીતિઓ અને કાર્યક્રમોની જરૂરિયાત છે. તદ્‌ઉપરાંત આમાં સામાન્ય લોકોની જાગૃત ભાગીદારીની આવશ્યકતા છે. કારણ કે પર્યાવરણીય સંકટ માટે મોટા પાયે ભોગવાદી સંસ્કૃતિ પણ જવાબદાર છે.
જો કે પ્રદૂષણ હવે એક ઘરેલુ શબ્દ બની ગયો છે, પરંતુ જે લોકો તેના નિવારણ માટે સક્રિય છે, તેમની સંખ્યા પણ અત્યારે ખૂબ જ નજીવી છે. એવું મૂળ સ્વરૂપે ત્રણ કારણોથી છે. સૌ પ્રથમ લોકો પર્યાવરણને ટેક્નિકલ ક્ષેત્ર સમજે છે, જ્યાં ફકત નિષ્ણાતોની ભૂમિકાની અસર હોય છે. બીજું પર્યાવરણ સુધારણાને સરકારની જવાબદારી માનવામાં આવે છે, અને અંતે લોકોને એવું લાગે છે કે પહેલેથી કેટલાક અન્ય મુદ્દાઓના બોજા તળે દબેલા છે જે તેમના સામૂહિક સરોકારની પ્રાથમિકતા નક્કી કરે છે, જેમકે ચૂંટણીની રાજનીતિ, સામાજિક સામંજસ્ય, આર્થિક ઉન્નતિ, શૈક્ષણિક વિકાસ, ધાર્મિક દાયિત્વ વિગેરે… પર્યાવરણનો મુદ્દો ભાગ્યે જ તેમના એજન્ડા પર આવે છે. સૌથી પ્રથમ આપણે સમજવું જોઈએ કે પર્યાવરણ આપણા મોટા ઘરના જેવું છે, જેમકે આપણે આપણા ઘરની દેખભાળ માટે ઘણું બધું કરવા માટે ઇચ્છીએ છીએ, તેવી જ રીતે પર્યાવરણીય ઘર પોતાની તંદુરસ્તી અને નિરંતરતા માટે એક ઊંડી દેખભાળ ઇચ્છે છે. આપણી પાસે એક ઉચિત ઘર સિવાય કોઈ જગ્યા નથી, એવી જ રીતે અનુકૂળ વાતાવરણ સિવાય આપણું કોઈ ભવિષ્ય નથી. પર્યાવરણ આપણી આસપાસની વસ્તુઓનો સમૂહ છે જેમ કે માટી, ખેતર, પ્રાણી, વૃક્ષ, હવા જળસ્ત્રોત, ઊર્જાના સાધન, પરિવહન, વરસાદ, પહાડ અને સૌથી મહત્ત્વપૂર્ણ છે મનુષ્ય. સ્વસ્થ પર્યાવરણ સ્વસ્થ જીવનનું પોષણ કરે છે, તેમજ પ્રદૂષિત અને સમસ્યાગ્રસ્ત વાતાવરણ જીવનમાં તણાવ લાવે છે. પર્યાવરણ અને પારિસ્થિતિક તંત્રમાં પ્રશંસિત નિષ્ણાતોની તુલનામાં પર્યાવરણથી જોડાયેલું આપણું રોજિંદું જીવન આપણને આપણા પર્યાવરણને સારી રીતે સમજવામાં મદદ કરે છે. તે આપણને વાસ્તવિકતાઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણના મુદ્દાઓની બાબતમાં બારીકથી બારીક જાણકારી આપે છે, કારણ કે આપણે પર્યાવરણનો એક ભાગ છીએ, આપણે આપણા જીવનનો અધિકાંશ સમય પર્યાવરણનો સામનો કરીએ છીએ. અને તેને નજીકથી મહેસૂસ કરીએ છીએ, એમાં કોઈ શક નથી કે આપણે આપણી રાજધાનીમાં બેસેલા નિષ્ણાત કરતાં આપણે વધુ જાણીએ છીએ. કેટલાક ક્ષેત્રોમાં, સ્થાનિક લોકોમાં ટેક્નિકલ ગુરૂની તુલનામાં પર્યાવરણ બાબતે સૌથી ઊંડી ભાવના હોય છે. પર્યાવરણ જેની ટેક્નિકલ બાબતને સમજવા માટે નિષ્ણાતોની આવશ્યકતા હોય છે. પરંતુ તે એકલું તેમનું મેદાન નથી. તે તો સાચું છે કે પર્યાવરણ અને તેના પારિસ્થિતિક તંત્રના સંરક્ષણની જવાબદારી સરકારની છે પરંતુ પર્યાવરણના મુદ્દાઓની ગંભીરતાને જોઈએ તો લોકોની ભાગીદારી વગર એમાં સફળતા મળી શકે તેમ નથી. એ પણ એક સત્ય વાત છે કે કોઈ પણ સરકાર ફક્ત લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોય છે. જો લોકો પર્યાવરણ બાબતે જાગૃત, સક્રિય અને સશક્ત છે તો નિશ્ચિતરૂપે તેના પર કામ કરવા માટે પર્યાપ્ત સંવેદનશીલ સરકાર ચૂંટાશે. હવે એવું માનવું રહ્યું કે પર્યાવરણના કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓથી આજે મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે. પ્રતિ વર્ષ ૬૦ લાખથી પણ વધું. પારિસ્થિતિક તંત્રને નુકસાન પહોંચાડવાવાળી જીવન પદ્ધતિને કારણે આજે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ પર્યાવરણનો સુધારો કદાચ જ રાજકીય ચર્ચાનો વિષય બની શકે છે. આપણી પાસે જાતિ, પંથ અને પૂજાસ્થળો અને ધર્મસ્થળો અને સાંસ્કૃતિક ઓળખ કે ન્યાય બાબતમાં રાજકારણ કરવાનો સમય છે, પરંતુ પર્યાવરણીય સુધારા સંબંધી કોઈ રાજકીય સક્રિયતા નથી. એ સાચું છે કે શિક્ષણ, અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, સાર્વજનિક સુવિધાઓ અને એવી જ રીતે જીવનના અન્ય મુદ્દાઓને સંબોધિત કરવા માટે લોકો પર બોજો છે.
જો કે પર્યાવરણીય સ્થિરતા અને માનવઅસ્તિત્વના મુદ્દાની સામાન્ય લોકોના એજન્ડા પર ચર્ચા થવી જોઈએ. તેનું મોટું કારણ એ છે કે પર્યાવરણીય રક્ષણ આપણા સમયમાં ખાસ મુદ્દાની જનેતા છે. આ શિક્ષણ પ્રાપ્તિ, આર્થિક કલ્યાણ, સાર્વજનિક સ્વાસ્થ્ય, ખાદ્ય આપૂર્તિ, જીડીપી અને સૌથી મહત્ત્વપૂર્ણ પૃથ્વી પર જીવનના અસ્તિત્વને પ્રભાવિત કરે છે. આ એક ધાર્મિક દાયિત્ય પણ બની જાય છે, જ્યારે કે મોટાભાગે ધાર્મિક શિક્ષણ પર્યાવરણની પવિત્રતા અને તેને બનાવી રાખવાની પ્રણાલી પર જોર આપે છે. વિશેષરૂપે ઇસ્લામ પર્યાવરણસ્વરૂપે એક તંદુરસ્ત સમાજ માટે વ્યાપક સિદ્ધાંતો નિર્ધારિત કરે છે. આ એક સ્પષ્ટ તથ્ય છે કે પર્યાવરણની અધિકાંશ સમસ્યાઓ નિઃશંક માનવ ઉપભોગનું પરિણામ છે. અને આ ફક્ત જનતા છે, જે ઉપભોગની કેટલીક રીતો બદલીને પર્યાવરણીય સ્થિરતા અને નિરંતરતા સુનિશ્ચિત કરે છે.
ઉપરોક્ત સમજને નજર સમક્ષ રાખવું એ સમયની આવશ્યકતા છે કે વંચિત પર્યાવરણીય સુધારાઓ પ્રત્યે જાગૃકતા, શિક્ષણ અને સક્રિયતા માટે દરેક જગ્યાએ વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. તેના વગર જીવન અધૂરું અને ભયજનક હશે. એ મહેસૂસ કરવામાં આવે કે સરકાર અને જનતા બંને મળીને વર્તમાન સમયમાં પર્યાવરણીય મુદ્દાઓનો ઉકેલ મેળવી શકે, જેવા કે જળ-વાયુ પરિવર્તન, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, પ્રજાતિઓનું વિલુપ્ત થવું, વન અને વૃક્ષનું કાપવું, જળસ્ત્રોતની કમી, વરસાદની અનિશ્ચિતતા વિગેરે… તેના માટે જનતા જાગરૂકતા અને સરકારી પ્રતિબદ્ધતાઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાજકીય અને સાથે સાથે સામાજિક એજંડા પર પર્યાવરણીય મુદ્દાઓને લઈને સરકારી પ્રતિબદ્ધતાઓને સુનિશ્ચિત કરી શકાય તેમ છે. આ બંને વર્ગોની વચ્ચે પર્યાવરણ કાર્યકર્તાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે જે એક તરફ જનતાને જાગૃત કરી શકે અને બીજી તરફ સરકારની સાથે સંબંધિત મુદ્દા પર તાલમેલ જાળવી શકે, જો કે આપણા સમાજમાં એવા કાર્યકર્તાઓ ઓછા પ્રમાણમાં છે, પરંતુ વર્તમાન સ્થિતિને સુધારવા માટે દરેક જગ્યાએ તેની પ્રભાવી સક્રિયતા જ એક માત્ર રસ્તો છે. એટલા માટે પર્યાવરણ કાર્યકર્તાઓએ જેટલું શક્ય બને તેટલું પ્રભાવી ઢંગથી કામ કરવું જોઈએ, અને પ્રશિક્ષણ આપવું અને સંલગ્ન કરવાની આવશ્યકતા છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments