સ્ટાલિનને કોણ નથી ઓળખતું !! એક કટ્ટર સામ્યવાદી અને ધર્મનો સખ્ત વિરોધી. જેણે રશિયામાં ક્રાંતિની સાથે ધાર્મિક સ્થાનોને બન્ધ કરાવી દીધા હતા અને લાખો લોકોનો નરસંહાર પણ કર્યો. પરંતુ જયારે ૧૯૪૧માં જર્મની એ આક્રમણ કર્યું ત્યારે તેને લાગ્યું કે આ મુસીબતથી કોઈ બચાવી નહીં શકે, તો તેણે ધાર્મિક સ્થાનોને ફરી પાછા ખોલવા અને પ્રાર્થના કરવા માટે આહ્વાન કર્યું. કહેવાનું તાત્પર્ય આ છે કે જયારે વ્યક્તિ કોઈ એવી આપત્તિમાં ફસાઈ જાય કે જેનાથી છુટકારો મેળવવા તેણે કશું સુઝતું ન હોય, બુદ્ધિના દિવા ઓલવાઈ ગયા હોય, તેની બધી યોજનાઓ નિષ્ફળ થઇ જાય, પ્રકૃતિની આગળ લાચાર અને વિવશ થઇ જાય, ત્યારે તેના અંતરાત્માંમાંથી એક જ અવાજ સંભળાય છે કે કોઈક એવી શક્તિ છે જે તેને આ આપત્તિમાંથી બચાવી શકે છે. જે લોકો એ પોતાની બુદ્ધિને કે ઈશ્વર સાથે બીજાને ઉપાસ્ય બનાવી લીધા છે, આપત્તિના સમયમાં એ બધા ભુલાઈ જાય છે અને એકમાત્ર ઈશ્વરને જ વ્યક્તિ પોકારે છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,
“તે અલ્લાહ જ છે જે તમને જમીન અને સમુદ્રમાં ચલાવે છે. આથી જ્યારે તમે નૌકાઓમાં સવાર થઈ સાનુકૂળ પવન સાથે હરખાતા-હરખાતા મુસાફરી કરી રહ્યા હોવ છો અને પછી અચાનક પ્રતિકૂળ પવન જોર પકડે છે અને દરેક દિશામાંથી મોજાની થપાટો વાગેછે અને મુસાફરો સમજી લે છે કે તોફાનમાં ઘેરાઈ ગયા, તે વખતે સૌ પોતાના દીન (ધર્મ)ને અલ્લાહ માટે જ વિશિષ્ટ કરીને તેના પાસે દુઆઓ માગે છે કે, ”જોતેં અમને આ આફતમાંથી ઉગારી લીધા તો અમે કૃતજ્ઞ બંદા બનીશું.” (સુરઃ યુનુસ-૨૨)
વર્તમાન સમયમાં કોવીડ-૧૯ની મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લઇ લીધી છે. વિજ્ઞાનની આટલી પ્રગતિ છતાં અને ટેકનોલોજીના અભૂતપૂર્વ વિકાસ છતાં મનુષ્ય તેના સંક્રમણને અટકાવવામાં મહદઅંશે નિષ્ફળ ગયો છે. લોકો પોતાના વ્હાલાસોયાને પોતાની નરી આંખે મરતા જોઈ રહ્યા છે. ડોકટરો પોતે સાવચેતીના પગલા લેવા છતાં અસુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે. મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમ ક્રિયા કરવા માટે પણ લોકો તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં લોકો ઉપરની તરફ જોઈ રહ્યા છે. આસ્તિક તો ઠીક પરંતુ નાસ્તિક પણ મનોમન પ્રકૃતિની તરફ હાથ લાંબો કરી રહ્યા છે. વાસ્તવમાં માનવીની પ્રકૃતિમાં એક ઈશ્વરની વિભાવના અને તેને સર્વશક્તિમાન સ્વીકારી તેની સમક્ષ મદદ માટે નમી જવાનો ભાવ સાહજીક છે, નૈસર્ગિક છે. આવી વિકટ પરિસ્થિતિ ફક્ત એક ઈશ્વરના અસ્તિત્વને સાહજિક સ્વીકારે છે. વ્યક્તિ તટસ્થ બુદ્ધિથી વિચાર કરશે તો સત્ય સુધી અચૂક પહોંચી જશે. પરંતુ જો તે પોતાની વિચાર વર્તણુક પર હઠધર્મીથી અડેલો રહેશે તો પોતાનો જ વિનાશ નોંતરશે.
આપદાઓ કેમ આવે છે
આપદાઓ ખોટી પગદંડી ઉપર ચાલતા વ્યક્તિને જરાક થોભીને વિચાર કરવાની અને પાછા વળવાની તક આપે છે. તૌબા(પશ્ચાતાપ/ ક્ષમાયાચના) વ્યક્તિની આંતરદૃષ્ટિને ખોલે છે, તેની ચેતનાને જાગૃત કરે છે. તૌબા ત્રણ વસ્તુઓનું સંયોજન છે. વ્યક્તિ પોતે કરેલા કૃત્યો પર પશ્ચાતાપ કરે, ભવિષ્યમાં ખોટા કાર્યને ન કરવાનો સંકલ્પ કરે અને તેને તુરંત છોડી દે. પવિત્ર કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,
“શું આ લોકો જોતા નથી કે દર વર્ષે એક-બે વખત તેમને અજમાયશમાં નાખવામાં આવે છે ? આમ છતાં પણ તેઓ ન તૌબા કરે છે, ન કોઈબોધ ગ્રહણ કરે છે.”(સુરઃ તોબા-૧૨૬)
આ સંસાર એક પરીક્ષાગૃહ છે. દરેક પ્રકારના વ્યક્તિની તે કસોટી કરે છે. કોઈ સારો વ્યક્તિ આપત્તિમાં સપડાઈ જાય તો તેની પરખ થઈ જાય છે કે આ દુઃખના સમયમાં તેના આચાર વિચાર અને મનોદશા કેવી રહે છે. જો સારો વ્યક્તિ સંકટના સમયમાં ધૈર્ય રાખે, ઈશ્વરનું સ્મરણ કરે અને તેના ર્નિણયો પર પ્રસન્ન રહે તો તેના માટે આ આપત્તિ આ કસોટી આ પડકાર અવસર પુરવાર થાય છે. અને જો વ્યક્તિ દુષ્ટ હોય તો તેના માટે મુસીબત એક ચેતવણી સમાન છે,કે તે ખોટા કૃત્યોથી પાછો વળે અને ઈશ્વર સાથે પોતાનો સંબંધ કેળવે અને મજબૂત કરે. જો તે પોતાની અંદર કોઈ પરિવર્તન નથી લાવતો તો આ મુસીબત તેના માટે ઈશ્વરનો પ્રકોપ બની જાય છે.
અઝાબના કારણો
ઈશ્વરે સૃષ્ટિની રચના ખુબજ સુંદર કરી, તેમાં માનવને વસવાટ માટે ઉતાર્યો અને સમગ્ર સૃષ્ટિને એક સિધ્ધાંતમાં બાધ્ય રાખી. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,
“અને એ કે મનુષ્ય માટે આ સિવાય કશું જ નથી પરંતુ તે કે, જેના માટે તેણે પ્રયાસ કર્યો છે.” (સુરઃ નજ્મ-૩૯). અલ્લાહે તેને કર્મની સ્વતંત્રતા આપી છે. તેના કેટલાક કુકર્મોના દુષ્પરિણામ મનુષ્યને દુનિયામાં પણ ભોગવા પડે છે. અને પરલોકમાં તો તેના માટે સખત યાતનાઓ છે. “આવા લોકો માટે દુનિયાના જીવનમાં જ યાતના છે, અને પરલોકની યાતના તેનાથી પણ વધુ સખત છે. કોઈ એવો નથી જે તેમને અલ્લાહથી બચાવનાર હોય.”(સુરઃ રઅદ- ૩૪)
કુદરતી આપત્તિઓ માત્ર વૈજ્ઞાનિક કે ભૌતિક કારણો થીજ નથી આવતી પરંતુ ચોક્કસ પણે નૈતિક અને આધ્યાત્મિક કારણો પણ હોય છે.માત્ર બળ અને દબાણથી કોઈ વ્યક્તિને આધીન ન બનાવી શકાય બલકે તેની આંતરિક શક્તિ પણ મહત્વનો ભાગ ભજવે છે.વ્યક્તિ જે કોઈ પણ કર્મ (ACT) કરે છે તેના થી એક શક્તિ કે તરંગ નું ઉત્સર્જન થાય છે, જે બીજાને પ્રભાવિત કરે છે.રોજિંદા જીવનમાં આ શક્તિનું પ્રદર્શન થાય છે.દા.ત. વ્યક્તિના સદગુણોના પ્રભાવથી બીજા લોકો આકર્ષિત થાય છે અને તે જ રીતે વ્યક્તિના કુકર્મોના કારણે લોકો તેનાથી અંતર બનાવી લેછે. તેવી જ રીતે તેના નૈતિક અને આધ્યાત્મિક કાર્યોનો પ્રભાવ પ્રકૃતિ ઉપર પણ પડે છે. બગાડ જયારે એક સીમાને પાર કરે ત્યારે આપણો પ્રભુ તેને ચેતવવા પ્રાકૃતિક આપદા મોકલે છે. જેમકે કોઈ બાળક કોઈ ખોટું કાર્ય કરે તો તેને તેની સગી જનનીના ક્રોધનો સામનો કરવો પડે છે. જો બાળક પસ્તાવો કરે, માફી માંગે તો માતાના અપાર પ્રેમને પામે છે. અને જો નફ્ફટાઈ વર્તે તો ક્રોધનો જ્વાળામુખી ફાટે છે. અલ્લાહ પણ આપણને ખોટા અને અસત્ય માર્ગથી ચેતવવા મુસીબતો આફતો મોકલે છે.
બચવાનો માર્ગ શું?
આપત્તિ માનવીય હોય કે પ્રાકૃતિક તેનાથી બચવા માટે આપણે બે કાર્યો કરવા પડશે. એક બાજુ તે સંકટના નિવારણ માટે ઈશ્વરે આપેલી બુદ્ધિનો ઉપયોગ કરી યોજના બનાવવી અને સાથેજ ઈશ્વરને પ્રાર્થના પણ કરવી. વિચાર પણ તે જ સુઝાડેછે અને તેની ઈચ્છાથીજ વિચાર સફળતાને પામે છે. તેથી કોઈ પણ સંકટને પહોચી વળવા શ્રેષ્ઠ યોજના બનાવો પરંતુ વિશ્વાસ તે સર્વ શક્તિમાન અલ્લાહ ઉપર રાખો જે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરી રહ્યો છે. “તે તો જ્યારે કોઈ વસ્તુનો ઇરાદો કરે છે તો તેનું કામ માત્ર એ છે કે તેને આજ્ઞાા કરે કે ‘થઈ જા’ અને તે થઈ જાય છે. પવિત્ર અને મહિમાવાન છે તે જેના હાથમાં દરેક વસ્તુની સંપૂર્ણ સત્તા છે, અને તેના જ તરફ તમે પાછા લઈ જવામાં આવવાના છો.” (સુરઃ યાસીન-૮૩)
પરીક્ષા કેમ થાય છે?
દુનિયાની આ રીત છે કે વ્યક્તિને ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે કસોટી માંથી પસાર થવું પડે છે. ઉચ્ચ કક્ષાના પુરસ્કારો એમજ નથી મળી જતા. વ્યક્તિને કઠીન પરિશ્રમ કરવો પડે છે. પરીક્ષા મનુષ્યમાં વધુ પ્રગતિ સાધવાની ઉર્જા ઉત્પન્ન કરે છે. પરીક્ષા તેને ઉચ્ચ કાર્ય કરવા પ્રેરે છે. પડકારો મનુષ્યને નવા સંશોધનો અને નવા અન્વેષ્ણો કરવા વિવેકબુદ્ધિને તીક્ષ્ણ કરવાનું કાર્ય કરે છે.ઈશ્વરે પોતાના બંદા માટે ઘણા બધા પ્રકારના ઇનામો રાખી મુક્યા છે.જોવ્યક્તિ પોતાનો સર્વાંગી, સંતુલિત અને સુગમ વિકાસ કરવા માંગતો હોય તો તેને પોતાના ચારિત્ર્યને ઈશદુતો દ્વારા મળેલ માર્ગદર્શનના બીબામાં ઢાળવું પડશે. આમીર ઉસ્માની રહ.એ સરસ પંક્તિ કહી છે,
આજમાઇશ એ દિલ લાખ સહી લેકિન,
યે નસીબ ક્યા કમ હૈ, કોઇ આજ્માતા હૈ
મૃત્યુ શું છે ?
મૃત્યુ એવી અટલ હકીકત છે કે એક નાસ્તિક પણ તેનો અસ્વીકાર કરી શકતો નથી. “જો બના હૈ વો ફના હૈ” અર્થાત સૃષ્ટિની દરેક વસ્તુ અંતે નાશ પામવાનીછે. પરંતુ અલ્લાહની હસ્તી જ અમૃત અને અવિનાશી છે. મૃત્યુ પરલોકની દુનિયામાં જવા માટે એક પ્રવેશદ્વાર છે. ખોટા વ્યક્તિને ગભરાવાની જરૂર છે, પંરતું સાચો હોય તો તેના માટે શુભ સમાચાર અને સ્વર્ગના ઇનામો છે.
શ્રદ્ધા કેમ જરૂરી છે
શ્રુદ્ધાની શક્તિ જ મનુષ્યમાં આત્મવિશ્વાસ અને આશાનું કિરણ ઉત્પન્ન કરે છે. માણસમાં સકારાક્મતા કેળવે છે. માનવો પરત્વે પ્રેમ અને સંવેદના પેદા કરેછે. મનુષ્યના હૃદયમાં વિશાળતા અને વ્યાપકતા ઉત્પન્ન કરે છે. માણસમાં નવો જોશ, ઉમંગ અને તરંગ ઉત્પન્ન કરે છે. તેના માનસમાં આવતા આત્મહત્યાના વિચારોથી મુક્ત કરે છે. ઈશ્વરના ર્નિણયો પર પ્રસન્નતા માણસને ભય અને માનસિક તાણથી મુક્તિ આપાવે છે. શ્રદ્ધા વ્યક્તિ ને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.
ફ-ફિર્રુઈલાલ્લાહ (દોડો અલ્લાહની તરફ…)
વર્તમાન કોરોના કોવિદ-૧૯નું સંક્રમણ માનવજાતને તેના સર્જનહાર અને પાલનહાર તરફ પાછો વળવાનું આહ્વાન કરી રહ્યું છે. એટલેજ કુરઆન સાદ કરે છેઃ ફ-ફિર્રુઈલાલ્લાહ (દોડો અલ્લાહ ની તરફ). આ કોઈ ભૌતિક ઉચ્ચતા પ્રાપ્ત કરવાની દોડ નથી, બલકે પોતાના જીવન ઉદેશ્યને સાર્થક કરવાની દોડ છે.અંધશ્રુદ્ધાથી શ્રુદ્ધા, માન્યતાથી વાસ્તવિકતા, બુરાઈથી ભલાઈ, અન્યાય થી ન્યાય, મનનીઅશાંતિથી વૈશ્વિક શાંતિ તરફ કૂચ કરવાનું નામ છે.
ઈશ્વર કેવો છે
વિશેષતઃ કુઆર્ન અને બીજા ધર્મ ગ્રંથોમાં ઈશ્વરનો જે પરિચય આવ્યો છે તે મુજબ, ઈશ્વર નિરંજન- નિરાકાર છે, અમૃત છે, અવિનાશી છે, સર્વજ્ઞ છે, તે સર્વશક્તિમાન, સમગ્ર બ્રહ્માંડનો એકમાત્ર સ્વામી અને સંચાલક છે, તેને ન ઊંઘ આવે છે ન તેને થાક લાગે છે. તે જ્ઞાનનો ભંડાર, દયા અને પ્રેમનો સાગર છે, તે પ્રાર્થનાને સાંભળનાર વાસ્તવિક સહાયક,માર્ગદર્શક, સંકટમોચન અને પરદુઃખભંજન છે.તે વાસ્તવિક શાસક અને કાયદા નો આપનાર છે, તે જ વાસ્તવિક ઉપાસ્ય છે.
આધ્યાત્મિક વિકાસનો માર્ગ
અલ્લાહે આ દુનિયા માનવજાતની સેવા માટે બનાવી છે, અને મનુષ્યને પોતાની ઉપાસના અને આજ્ઞાપાલન કરવા માટે પેદા કર્યો છે. હવે જો વ્યક્તિ દુનિયામાં ડૂબીને ઈશ્વરને ભૂલી જાય છે તો વાસ્તવિક સુખ અને પરમ શાંતિની શોધમાં વલખાં મારે છે. અને જો સંસારને ત્યજી ઈશલીન થવા પ્રયત્ન કરે છે તો તે પ્રાકૃતિક આવેગોને કચડી નાંખે છે. આમ તેના સર્જન પાછળની ઈશ્વરીય સ્કીમનો ધ્યેય પૂર્ણ થતો નથી. તેથી તેને સંતુલિત તથા મધ્યમ માર્ગ પર ચાલવાની જરૂર છે. ઇસ્લામ વ્યક્તિને આ માર્ગ સ્પષ્ટ રીતે બતાવેછે કે સંસારમાં રહી ને કઈ રીતે આધ્યાત્મિકતાનો રુહાનિયત નો વિકાસ કરવો. ભૌતિક વાદ અને વૈરાગ્યની વચ્ચેનો શ્રેષ્ઠ માર્ગ ર્કુઆને દર્શાવ્યો છે. પોતાની જાત ઉપર સંયમ રાખી, પોતાની મનેચ્છાઓ પર નિયંત્રણ કેળવી,મોહ, માયા, લોભ લાલચ, અહમ અહંકારથી મુક્ત થઇ, પોતાની જાતને અલ્લાહને સમર્પિત કરી વ્યક્તિ સાચી આત્મોન્નતિ કરી શકે છે.
આ ભ્રમણા પણ દૂર થવી જોઈએ કે આધ્યાત્મિકતા ચમત્કાર કે વશીકરણ કરતા શીખી જવાનું નામ નથી. ન જ મંત્રો અને તંત્રો થી લોક સેવા કરવાનું નામ છે. આઘ્યાત્મિકતા- રુહાનીયત પોતાની જાતને ઈશમય બનાવી દેવાનું નામ છે. જીવનના દરેક ક્ષેત્રમાં, સંસારના દરેક કાર્યમાં તે આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકે છે. આધ્યાત્મિકતા એ સંકટમાં પણ મનને આનંદમય રાખે છે. આમીર ઉસ્માની રહ. એ ખૂબ સરસ કહ્યું છે :
ઈશ્ક(ઈશ્પ્રેમ) કે મરાહીલ મેં વો મરહલા ભી આતા હૈ
આફતે બરસતી હૈ ઔર દિલ સુકુન પાતા હૈ.