એક છોકરી જંગલમાં હતી. તે દાગીનાથી લથપથ હતી. એક વ્યક્તિની નિય્યત બદલી ગઈ, તેણે છોકરીના માથે એક પત્થર માર્યો, છોકરી બેહોશ થઈ ગઈ. તે માણસે તેને વધુ એક પત્થર મારી તેનું માથું કચડી નાખ્યું અને તેના દાગીના ઊતારી લઈને નાસી ગયો. છોકરીને ઉપાડીને લાવવામાં આવી. તેણીમાં થોડો શ્વાસ બાકી હતો, તેને પૂછવામાં આવ્યું કે તેની સાથે આવું કૃત્ય કોણે કર્યું? તેણીમાં બોલવાની તાકાત પણ નહોતી. તેની સામે એક શંકાસ્પદ વ્યક્તિનું નામ લેવામાં આવ્યું કે આનું કૃત્ય છે? તે છોકરીએ માથું હલાવીને ના પાડી દીધી, બીજાનું નામ લેવામાં આવ્યું ત્યારે પણ ના પાડી, ત્રીજાનું નામ લેવામાં આવ્યું તો તેણે “હા” માં મોઢું હલાવી દીધું. તેના થોડી વાર બાદ તે છોકરી મૃત્યુ પામી ગઈ. તે વ્યક્તિને પકડીને લાવવામાં આવ્યો અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી, તેના પર દબાણ કરવામાં આવ્યું, તો તેણે તેનો ગુનો કબૂલ કરી લીધો. આથી બરાબર તે જ રીતે એ વ્યક્તિ સાથે કિસાસ (બદલો) લેવામાં આવ્યો. તેને પથરાળ જમીન પર સુવડાવીને ઉપરથી એક પથ્થરથી તેનું માથું કચડી નાખ્યું. જેવા સાથે તેવા. (બુખારી : 2413, મુસ્લિમ : 1672)
એક છોકરી તેની માતા સાથે ખેતરમાં કામ કરવા ગઈ. ચાર યુવાનોએ તેને પકડી, તેની સાથે ખરાબ રીતે મારપીટ કરી, તેની સાથે જાનવરોની જેમ બળાત્કાર ગુજાર્યો, ત્યાં સુધી કે મોતની અણી સુધી તેણીને પહોંચાડી દીધી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ તે પોતાનું જીવન હારી ગઈ. તે છોકરી સાથે આવું હિન કૃત્ય આચરનારા ચાર યુવાનો ખૂબ જ નામચીન છે, તે આ ઘટના પછી પણ સોસાયટીમાં જાહેરમાં ફરતા રહ્યા. પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી. છોકરી મરી ગઈ તો તેની લાશ પણ તેના ઘરવાળાને સોંપવામાં ન આવી, ત્યાં સુધી કે તેના અંતિમ દર્શનથી પણ વંચિત રાખ્યા અને પોલીસે લાશ તેમના કબજામાં લઈને બળજબરીથી રાત્રે અઢી વાગ્યે તેને બાળી નાખવામાં આવી. ત્યાર બાદ ખબર પડી કે પોલીસે આખી સોસાયટીને બાનમાં લઈ લીધી છે, અને કોઈને પણ, ત્યાં સુધી કે પ્રેસવાળાઓને પણ ત્યાં જવા દેવામાં આવી રહ્યા નથી.
ઉપર બે ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું. એક ઘટના ચૌદસો (1400) વર્ષ પહેલાં અરબમાં મદીનાની સોસાયટીમાં સામે આવી હતી. ત્યાં ઇસ્લામી સરકાર હતી અને પયગમ્બરે ઈસ્લામ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ જેવા મહાન વ્યક્તિ પોતે ઉપસ્થિત હતા. ગુના આચરનારો વ્યક્તિ શક્તિશાળી સમુદાય (યહુદ)નો સભ્ય હતો, પરંતુ જ્યારે તેણે ગુનો કર્યો તો તપાસ કર્યા પછી અને ગુનો સાબિત થવા પર તેની સાથે કીસાસ (બદલો) લેવામાં આવ્યો. તેને એવી જ સજા આપવામાં આવી જેવો તેણે ગુનો કર્યો હતો. તેનો શક્તિશાળી સમુદાય તેને સજા મેળવવાથી રોકી ન શક્યો અને તે સમયની સરકારે તેના પર જરા પણ નરમી ન દાખવી. આનું પરિણામ એ હતું કે તે સમયમાં વધુ પડતાં ધાર્મિક સમાજ શાંતિપ્રિય કિલ્લા બન્યા હતા. દસ વર્ષની મુદ્દતમાં ગુનાહના એકાદ બે કેસ સામે આવતા હતા અને જે નોટિસમાં આવતા તેની ઉપર તરત જ કાર્યવાહી કરવામાં આવતી અને ગુનેગારોને યોગ્ય સજા આપવામાં આવતી હતી.
બીજી ઘટના હમણાં થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં સામે આવી છે. પીડિત છોકરી દલિત સમાજની છે. જે સામાજિક રીતે નીચલા સ્તરના અને શુદ્ર સમજવામાં આવે છે અને કૃત્ય આચરનારા યુવાનોનો સંબંધ ઠાકુર જાતિ સાથે છે, જેને સામાજિક સ્તર પર શ્રેષ્ઠ સમજવામાં આવે છે. આ ઘટના ધોળે દિવસે સામે આવી. ગુનેગારોને ખબર હતી, પરંતુ તે કોઈથી ડરયા વિના ફરતા રહ્યા, કેમ કે તે જાણતા હતા, કોઈ તેમનો વાળ પણ વાંકો નહિ કરી શકે.
શાંતિપ્રિય અને કાનૂન ચલાવવાવાળી સંસ્થા પીડિતની પડખે આવવાને બદલે ગુનેગારોને બચાવવામાં લાગી છે. તે પીડિતા જેની ઈજ્જત સાથે છેડછાડ, અને હત્યાનો શિકાર થનારી છોકરીના ઘરવાળાઓને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે કે તે પોતાનું નિવેદન બદલી નાંખે, અને કોઈનું નામ ન લે. એ લોકોનો પૂરો પ્રયાસ છે કે તમામ સાક્ષી નાબૂદ થઇ જાય, જેથી ગુનેગારો વિરુદ્ધ મજબૂત કલમોની સાથે કેસ કાયમ ન થઈ શકે અને થોડા દિવસોમાં તે લોકો છૂટી જાય.
જો સમાજમાં વિકસતા જતા ગુનાને રોકવા છે તો તેના માટે જરૂરી છે કે પહેલી ઘટનાને નમૂનો બનાવવામાં આવે. કોઈ પણ ગુનો બન્યો હોય તો તરત જ ગુનેગારની ધરપકડ કરવામાં આવે. તે કોઈ પણ સમાજનાં માલિક હોય, તેમનો હોદ્દો તેમને સજાથી બચાવવામાં કારગર ન બને. ગુનાનો ખ્યાલ દિલમાં લાવવાવાળા દરેક વ્યક્તિને ખબર પડી જવી જોઈએ કે કોઈ પણ સંજોગમાં તે સજાથી નહિ બચી શકે. જો સજામાં બોધપાઠનો ગુણ વિશેષ હોય ત્યારે તે બીજા ગુનેગારોને ગુના કરવાથી દૂર રાખવામાં અસરકારક સાબિત થશે. ઇસ્લામી સજાઓને બર્બરતા કહેનારાને ખબર પડી જવી જોઈએ કે આ સજાઓના અમલીકરણ દ્વારા તેમને બીજા માટે બોધપાઠ બનાવી દેવામાં આવી છે.