હાલમાં ચારતોડા કબ્રસ્તાનમાં સફાઈ અભિયાન પુરજાેશ રીતે ચાલી રહ્યું છે
કોરોના કાળમાં અહમદાબાદ પૂર્વ વિસ્તારના મુસ્લિમ ખિદમતગાર ગ્રુપ દ્વારા જનસેવાના વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા. હવે વિસ્તારના અમુક જાગૃત નાગરિકો દ્વારા “હેલ્પિંગ રેસ્ક્યુ ફાઉન્ડેશન”ની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં માનવ સંસાધનની અછતને વહીવટીતંત્ર અને સરકાર દ્વારા પૂરા કરવાના પ્રયાસ કરવાનો છે.
‘‘હેલ્પિંગ રેસ્ક્યુ ફાઉન્ડેશન’’ના પ્રમુખ ડો. શબ્બીર અન્સારીએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સંસ્થાની મિટીંગમાં અમુક કાર્યક્રમો પ્રત્યે નિર્દેશ કરવામાં આવ્યા છે. છેલ્લા મહિનાઓમાં લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં પરપ્રાંતીય મજૂરો અને ગરીબો માટે “દો રોટી દેશ કે નામ” અભિયાન ચલાવવામાં આવ્યો હતો અને મજૂર વર્ગને તેમના ઘરો સુધી પહોંચાડવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું. તે જ કોરોનાના લોકડાઉન કાળમાં આ વિસ્તારમાં એમ્બ્યુલન્સની અછત જોવામાં આવી. તેથી અમારી સંસ્થા ‘હેલ્પિંગ રેસ્ક્યુ ફાઉન્ડેશન’ વતી આ બાબતને ધ્યાનમાં રાખીને મફત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનું પણ આયોજન છે, જેને ઇન્શાઅલ્લાહ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. આ બાબતે તેમણે સમાજના સમૃદ્ધ અને માલદાર લોકોથી અપીલ પણ કરી હતી કે મફત અબ્યુલેન્સ સેવામાં સહયોગ આપે. ડો. શબ્બીર અન્સારીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં પણ માનવ સેવાના કાર્ય માટે રેસ્ક્યુ ઓપરેશનની જરૂર હોય ત્યાં અમારી સંસ્થાના ખિદમતગારો રબની પ્રશંસા હાસલ કરવા માટે આગળ આવશે અને સેવાના કાર્યોમાં ભાગ લેશે. તેમણે વિસ્તારના લોકોથી અપીલ કરી છે કે સમજુ અને જાગૃત લોકો આવા કાર્યોમાં આગળ આવે અને સંસ્થા સાથે જોડાય.
પ્રથમ ચરણમાં સંસ્થા દ્વારા સરસપુર ખાતે આવેલા ચારતોડા કબ્રસ્તાનની સફાઈ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થાના સભ્ય મોહસિન હુસેને ગર્વની લાગણી અનુભવતાં જણાવ્યું હતું કે, ચારતોડા કબ્રસ્તાનન સફાઈ અભિયાનમાં અમારી સાથે ૭૦ વર્ષના વૃદ્ધ કાકા ઉનાળાની તકલીફ સહન કરીને પણ અમારી સાથે જોડાયા છે જે અમારા જેવા યુવાઓમાં હિંમત અને જુસ્સો વધારે છે.
તેમણે ઉમેર્યું હતું કે વરસાદના કારણે જે નકામા ઝાડી-ઝાંકરાઓથી અડચણરૂપ હોય છે અને નવી કબ્ર ખોદવામાં અને લોકોને પોતાના મર્હૂમોની કબરો શોધવામાં મુશ્કેલી પેદા થઈ રહી હતી. તેથી અમે અઠવાડિયામાં રવિવારના દિવસે સવારથી બપોર સુધી અમે આ સફાઈનું કાર્ય કરીએ છીએ.