Sunday, October 6, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપખેડૂતો મૂડીપતિઓના ગુલામ બની જશે !

ખેડૂતો મૂડીપતિઓના ગુલામ બની જશે !

જાગવું પડશે; નહીંતો જાતને વેચવાનો વારો આવશે !

લેખકઃ રમેશ સવાની

વડાપ્રધાન કહી રહ્યા છે કે ખેડૂતોની બહુ ચિંતા સતાવે છે; એટલે ત્રણ અધ્યાદેશો-Bills લાવવામાં આવ્યા છે ! વડાપ્રધાન બોલે છે તેનાથી કરે છે કંઈક જુદું ! નોટબંધીથી અર્થતંત્ર મજબૂત થશે; GST થી વેપારીઓને લાભ થશે; એવું કહ્યું હતું પણ થયું શું? વડાપ્રધાના જૂઠાણાંથી લોકો ત્રાસી ગયા છે. સમજદાર લોકોએ તો 2014 પછી ન્યૂઝ ચેનલો જોવાનું જ બંધ કરી દીધું છે ! ડોલરના મુકાબલે રુપિયો સતત ગગડી રહ્યો છે; પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધતા રહ્યા છે; GDP વધવાનો બદલે માઈનસમાં પહોંચી ગયો છે; ચીન સામે લાલ આંખ કરવાને બદલે આંખ ઊંચી થતી નથી ! લોકો કહે છે કે પોતાના નિવાસસ્થાને મોરને દાણા આપવાને બદલે; તેઓ ગુજરાતના CM હતા ત્યારે કેન્દ્ર સરકાર અને PM મનમોહનસિંહ વિશે જે કહ્યું હતું તેના વીડિયો જોઈને આત્મમંથન કરવું જોઈએ !

ખેડૂતો માટેના ત્રણ અધ્યાદેશ કોરોનાની મહામારીમાં લોકસભામાં મૂકવામા આવ્યા. તેના ઉપર ચર્ચા ન કરી. પ્રશ્ન એ છે કે ખેડૂતોના હિતમાં આ અધ્યાદેશો હોય તો લોકસભામાં તેની ચર્ચા થાય; તો ડર કેમ લાગે છે? અધ્યાદેશ-1 : The Farmers Produce Trade and Commerce (Promotion and Facilitation) Ordinance, 2020 લાગુ પડવાથી ખેડૂતો માટે સરળ અને મુક્ત માહોલ ઊભો થશે; જેથી પોતાની સુવિધા અનુસાર કૃષિ પેદાશો વેચવા/ખરીદવાની આઝાદી મળશે; ‘એક દેશ, એક કૃષિ માર્કેટ’ બનશે ! કોઈ ખેડૂત પોતાની ઉપજ ગમે તેને વેચી શકશે. ખેડૂતોને વધુ વિકલ્પ મળશે. ઉપજની સારી કિંમત મળશે; તેવો સરકારનો તર્ક છે. અધ્યાદેશ-2 : The Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Ordinance, 2020 લાગુ પડવાથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન મળશે; મોટી મોટી કંપનીઓ ખેડૂતો સાથે કરાર કરશે અને ઉપજની કિંમત અગાઉથી નક્કી થઈ જશે; જેથી કૃષિ ઉપજની સારી કિંમત મળતી નથી તે સમસ્યા સમાપ્ત થઈ જશે; તેવું સરકાર કહે છે. અધ્યાદેશ-3 : The Essential Commodities (Amendment) Ordinance, 2020 લાગુ પડવાથી કૃષિ ઉપજ સંગ્રહ કરવા ઉપર મર્યાદા નહીં રહે; ખેડૂતો કૃષિ ઉપજ સંગ્રહ કરી શકશે; જેથી કૃષિ ઉપજ ઈચ્છા થાય ત્યારે વેચી શકશે; તેવો સરકારનો તર્ક છે. ત્રણેય અધ્યાદેશોના નામ જૂઓ; કેવાં સરસ છે ! પરંતુ તે છેતરામણા છે. આમાં ખેડૂતોને ફાયદો ઓછો અને મૂડીપતિઓને ફાયદો અનેક ઘણો થશે. આ ત્રણેય અધ્યાદેશોને કારણે [1] ખાનગી કંપનીઓ APMCનું રુપ ધારણ કરશે. મનમાની વધશે. [2] ખેડૂતોની ખેતી ઉપર ખાનગી કંપનીઓનું પ્રભુત્વ સ્થપાશે. [3] ખાનગી કંપનીઓ જ કૃષિ ઉપજની કિંમત નક્કી કરશે.[4] કૃષિ ઉપજ સ્ટોરેજ કરવાની શક્તિ ખેડૂતો પાસે નથી; તેથી કંપનીઓ અમર્યાદિત સ્ટોરેજ કરશે અને પછી ઊંચા ભાવે વેચશે. [5] ખેડૂતો MSP-Minimum Support Price ગુમાવશે !

કૃષિ સુધારાની જરુર છે જ; પરંતુ ઇજારાશાહી અને સંગ્રહખોરીને પ્રોત્સાહન આપતા કૃષિ સુધારથી તો ખેડૂતો, મૂડીપતિઓના ગુલામ બની જશે ! આ કૃષિ સુધારામાં MSPની જોગવાઈ નથી; ડીસ્પુટ માટે કોર્ટે જવાની જોગવાઈ નથી ! રીટેઈલ સેક્ટર/કોમ્યુનિકેશન સેક્ટરમાં જેમ રીલાયન્સ કંપનીની ઇજારાશાહી ઊભી થઈ છે; તેવું કૃષિ ક્ષેત્રમાં બનશે ! દેશના 52% ખેડૂતો કરજમાં ડૂબેલા છે. 11 કરોડ ખેડૂતો છે; 29 કરોડ ખેતમજૂરો છે. ખેડૂતો ઘટી રહ્યા છે; ખેતમજૂરો વધી રહ્યા છે ! આ સ્થિતિમાં ખાનગી કંપનીઓ કૃષિ ક્ષેત્રમાં કબજો જમાવશે તો ખેડૂતો/ખેતમજૂરો સાથે મધ્યમવર્ગને પણ અસર પહોંચવાની છે. બટાટા/ડુંગળી/દાળ/ચોખા ખરીદવા જશો તો બજારમાં નહીં હોય, સ્ટોરેજમાં હશે; કિંમત વધશે ત્યારે તે વસ્તુઓ તમને મળશે ! જાગવું પડશે; નહીંતો જાતને વેચવાનો વારો આવશે !

(લેખકના વિચારોથી સંગઠન અથવા સંપાદકમંડળનું સહમત હોવું જરૂરી નથી.)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments