આપણો દેશ ભારત, જેને વિવિધતામાં એકતા સ્વરૂપે જોવામાં આવે છે, એ જ ભારતનું એક રાજ્ય ગુજરાત, આજકાલ એક ગરમાગરમ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની ગુજરાત સરકારની પહેલે મુસ્લિમ સમાજ માટે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, કારણ કે તેઓ ઇસ્લામિક સિદ્ધાંતો પર આધારિત પર્સનલ લૉ પર નિર્ભર રહ્યાં છે. ગુજરાત સરકાર આ પગલાંને સમાનતા તરફ એક કદમ કહી રહી છે. પણ શું આ પહેલ ખરેખર સમાનતા તરફનું પગલું છે? કે ભારતના સૌથી મોટા અલ્પસંખ્યક સમુદાયની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ માટે ખતરો છે?
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ડ્રાફ્ટિંગ કમિટીની રચના થયા પછી આ ચિંતાઓ વધી ગઈ છે. કારણ કે રંજના દેસાઈ એ જ છે જેમણે ઉત્તરાખંડમાં UCC ડ્રાફ્ટિંગ કમિટીની અધ્યક્ષતા કરી હતી. ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાની પ્રક્રિયામાં સંવાદનો અભાવ રહ્યો હતો અને જે ડ્રાફ્ટ તૈયાર થયો છે તેમાં ઘણી કાયદાકીય ખામીઓ અને ગૂંચવાડા છે, ખાસ કરીને મુસ્લિમો અને અન્ય સાંસ્કૃતિક સમુહો માટે—એવું કાયદાના નિષ્ણાંતો માને છે. એટલે જ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિમાં એક પણ મુસ્લિમ કે અન્ય લઘુમતી સમુદાયનું પ્રતિનિધિત્વ ન હોવું, ગુજરાત માટે ચેતવણીરૂપ ઉદાહરણ બની ગયું છે. વધુમાં, ગુજરાતની ભાજપા સરકારે રાજકીય લાભના હેતુસર આદિવાસી સમુદાયને UCCમાંથી બાકાત રાખ્યા છે, જે સરકારના ઈરાદા પર શંકા ઊભી કરે છે.
ઐતિહાસિક અને સંવિધાનિક સંદર્ભ
UCC વિશેની ચર્ચા, તેની વિવિધ વ્યાખ્યાઓ અને તેના પર રહેલા મતભેદ કોઈ નવી બાબત નથી. સંવિધાન સભાની ચર્ચાઓ દરમિયાન પણ આ મુદ્દે મતભેદ હતો. પરંતુ રસપ્રદ વાત એ છે કે જે UCC લાવવાના પ્રયત્નો પાછળ ગોદી મીડિયા આજે મુસ્લિમો સામે અપપ્રચાર કરી રહ્યું છે, તેમને સમજવું જોઈએ કે જ્યારે સંવિધાન સભાની ચર્ચાઓ જોવામાં આવે ત્યારે જાણવા મળે છે કે UCCનો વિચાર 1937ના શરીઆ એપ્લિકેશન ઍક્ટ માંથી આવ્યો હતો, જે મુસ્લિમ સ્ત્રીઓને વારસાના અધિકાર આપે છે. UCC પાછળનો મુખ્ય હેતુ જેમ ઉપર ઉલ્લેખિત છે, સમાન અધિકાર especially લિંગ ન્યાય (Gender Justice) સુનિશ્ચિત કરવાનો હતો. પરંતુ સંવિધાનસભાને પણ ચિંતા હતી કે આ હેતુ હાંસલ કરતી વખતે ધાર્મિક અને સાંસ્કૃતિક સમુદાયોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય. ડૉ. બી.આર. આંબેડકરે UCCને સ્વૈચ્છિક બનાવવા સમર્થન આપ્યું હતું, એમના મત પ્રમાણે UCC ફક્ત તેમને લાગુ પડે જે સ્વેચ્છાએ તેને અપનાવે. ડૉ. આંબેડકરે કહ્યું હતું: “મને લાગે છે કે લોકોએ કલમ 35 (હાલ 44)ને લઇને વધુ પડતું અર્થઘટન કરી નાખ્યું છે. આ કલમ ફક્ત એટલું કહે છે કે રાજ્ય નાગરિકોને સમાન સિવિલ કોડ આપવાના પ્રયત્ન કરશે. આ એવું નથી કહેતું કે કોડ તૈયાર થયા પછી તે દરેક નાગરિક પર ફરજિયાત રીતે લાગુ પડશે. ભવિષ્યની સંસદ આવું કોઈ પ્રાવધાન રાખી શકે છે કે કોડ ફક્ત તેમને માટે લાગુ થશે જેઓ જાહેરાત કરશે કે તેઓ તેને અપનાવવા તૈયાર છે. આ કોઈ નવી રીત નથી. 1937ના શરીઆ ઍક્ટમાં પણ આવી જ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જેમાં કાયદો કહે છે કે જો કોઈ મુસ્લિમ જાહેર કરે કે તે આ કાયદાથી બંધાયેલો રહેવા તૈયાર છે, તો તે અને તેના વારસદારો પર આ કાયદો લાગુ રહેશે.” આથી, કલમ 44ને રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં ગણવામાં આવી છે, જે ફરજિયાત નહીં પણ માર્ગદર્શક છે.
UCCને લગતાં કેટલાક સાંવિધાનિક પડકારોછે જેને અવગણવામાં નહીં આવે. કલમ 25થી 29ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક અધિકારોનું રક્ષણ કરે છે. સુપ્રીમ કોર્ટે ‘સર્લા મુદ્ગલ કેસ (1995)’માં પણ ચેતવણી આપી હતી કે માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત અધિકારોથી ઉપર નથી. કાનૂની નિષ્ણાતો માને છે કે ગુજરાત જેવા રાજ્ય સ્તરે UCC લાગુ કરવાનો પ્રયાસ મૂળભૂત અધિકારોનું હનન છે. પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી એ સૂચવ્યું હતું કે કલમ 44 મુજબ UCC લાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, જેથી રાજ્ય સરકારની પહેલ સાંવિધાનિક રીતે સંદિગ્ધ છે. 21મા લૉ કમિશન (2018)એ પણ કહ્યું હતું કે: “આ સમયે UCC ન તો જરૂરી છે અને ન ઇચ્છનીય.22મા લો કમિશને પણ સમાન અભિગમ દાખવ્યો હતો અને જણાવ્યું હતું કે UCC લાવવાને બદલે સમુદાયોમાં સુધારાઓ કરવા જોઈએ. તેમણે ભારતની બહુવિધતાના સન્માન કરવા પર ભાર મૂક્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર આ બધું અવગણીને, કોઈ મજબૂત દલીલ વિના, માત્ર રાજકીય હેતુથી UCC લાવવા માટે ઉતાવળમાં છે.
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC): ચિંતાઓ અને પ્રભાવ
મુસ્લિમ ચિંતાઓ
પીયુ રિસર્ચ સેન્ટરના 2021ના સર્વે “Religion in India: Tolerance and Segregation” મુજબ, 74% મુસ્લિમો માને છે કે તેમના લગ્ન, તલાક અને વિરાસત જેવા પર્સનલ લૉ ધર્મ પ્રમાણે હોવા જોઈએ જ્યારે 84% ભારતીય પોતાના જીવનમાં ધર્મને મહત્વ આપે છે. મુસ્લિમ સંગઠનો અને વિદ્વાનો માને છે કે UCC સીધાસીધો ઈસ્લામિક પર્સનલ લૉને લક્ષિત કરે છે, જે લગ્ન, છૂટાછેડા, વારસા અને દત્તક જેવી બાબતોને આવરી લે છે. આ કાયદા કુરાન અને હદીસ પરથી ઘડાયા છે અને ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર માનવામાં આવે છે. તેમને બદલવાનો પ્રયાસ ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો ગણાય છે. આ ચિંતા નિરાધાર નથી—ઉત્તરાખંડમાં UCC લાગુ થવાથી વિવિધ ધાર્મિક લગ્ન અને વારસા મામલાઓમાં ઉલઝન ઊભી થઈ છે. આવી જ અસરો ગુજરાતમાં પણ થઈ શકે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે ઈસ્લામિક કાયદો સ્ત્રીઓને વારસા અને કૌટુંબિક મુદ્દાઓમાં મજબૂત હક આપે છે. તેથી UCCને “મુસ્લિમ સ્ત્રીઓ માટે લિંગ ન્યાયનું સાધન” ગણાવવું ભ્રામક અને આધારહીન છે.
રાજકીય પરિમાણો
આલોચકો UCCને હિંદુત્વ પ્રેરિત રાજકીય ઇરાદાના ભાગરૂપે જુએ છે. BJPની સાંસ્કૃતિક એકરૂપતાની વિચારધારા ઘણીવાર કાનૂની અને સામાજિક સુધારાના નામે મૂકાય છે, પણ તે લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને અસમાન રીતે અસર કરે છે. વોટ બેંક માટે આદિવાસીઓને તેમની માંગણી વિના પણ UCCમાંથી બહાર રાખી અને મુસ્લિમોનો વિરોધ હોવા છતાં તેમને શામેલ કરવું, સમગ્ર પ્રક્રિયામાં પસંદગીયુક્ત અને રાજકીય સ્વભાવને રેખાંકિત કરે છે. વધુમાં, જ્યારે UCC પર ચર્ચા ચાલી રહી છે, ત્યારે મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણની ઘટતી ગુણવત્તા જેવી સમસ્યાઓ પર લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. આવા ભાવનાત્મક પરંતુ નિષ્ફળ મુદ્દા ઉઠાવી સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. AIMPLBના પ્રવક્તા એસ.ક્યૂ.આર. ઇલ્યાસ કહે છે: “UCC મતદારોને વિભાજિત કરવા અને બેરોજગારી જેવી નિષ્ફળતાઓ છુપાવવાનું સાધન છે તે ઉલ્લેખનીય છે.
અન્ય સમુદાયો પર અસર
UCCની અસર ફક્ત મુસ્લિમો પૂરતી નથી. ખ્રિસ્તી, શીખ, જૈન, અને તે સમુદાયો જેઓનાં પોતાના પર્સનલ લૉ છે તેમની કાનૂની અને સાંસ્કૃતિક સ્વતંત્રતા ગુમાવશે. ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયને પણ ખ્રિસ્તી લગ્ન અને વારસાના કાયદા પર UCCના પરિણામો વિશે ચિંતા વ્યક્ત કરી છે. હિંદુ પરંપરાઓમાં પણ પ્રાદેશિક ભિન્નતા છે, જે UCC જેવી એકરૂપ વ્યવસ્થાને અપ્રાકૃતિક અને અન્યાયી બનાવે છે.
ગુજરાતમાં UCC ન્યાય તરફ નહીં, પણ ભારતની બહુવિધતાને ખતમ કરવાની દિશામાં છે. કાયદાકીય સુધારાઓ સમુદાયોની આંતરિક ચર્ચાથી જન્મવા જોઈએ, થોપવાથી નહીં. સંવિધાન “એકતામાં વિવિધતા”નો સિદ્ધાંત આપે છે, એકરૂપતા નહીં. મુસ્લિમો અને અન્ય દબાયેલા સમુદાયોએ લોકશાહી રીતે વિરોધ (Democratic Protest) માટે સંગઠિત થવું જોઈએ, “વિશેષાધિકાર” માટે નહીં પણ “અધિકાર”ની રક્ષા માટે. વાસ્તવિકતા એ છે કે એકતા કાયદો ઘડવાથી આવતી નથી; એકતા માટે જરૂરી છે કે સામાજિક સમુહો એકબીજાના વિચારો અને સંસ્કૃતિનો માન આપતા થાય, મતભેદોને માન્યતા આપે અને માત્ર નફરત ફેલાવતા તત્વોને પ્રેરિત ન કરે ત્યારે જ સાચી એકતા ઉભી થશે. એટલે સરકારે વિભાજનકારી એજન્ડા છોડીને શિક્ષણ સુધારણા, રોજગાર સર્જન અને અર્થવ્યવસ્થાની પુનઃપ્રાપ્તિ જેવા મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. ગુજરાત અને ભારતના લોકો ન્યાય આધારિત શાસન ઈચ્છે છે, માત્ર વિભાજનકારી નીતિઓ નહીં…