મતદાન એ એવો લોકશાહી અધિકાર છે જે તમામ નાગરિકો માટે સમાન છે. તેનો ઉપયોગ દરેક નાગરિકે ફરજિયાત કરવો જાઈએ. જે વ્યક્તિ મતદાન કરતી નથી તેને કોઈ પણ સરકાર પાસે આશા રાખવાનો કે ટીકા-ટિપ્પણી કરવાનો અધિકાર નથી. તેથી સરકારની રચનામાં નાગરિકનો ફાળો હોવો અતિ આવશ્યક છે.
લોકસભા ચૂંટણીનું રણશિંગું ફુંકાઈ ગયું છે. કોંગ્રેસ-ભાજપ સહિત તમામ પાર્ટીઓએ ચૂંટણી જંગ આરંભી દીધું છે. ૨૩મી એપ્રિલના દિવસે ગુજરાતની લોકસભાની તમામ ૨૬ બેઠકો પર એક સાથે મતદાન થશે, જેનું પરિણામ ૨૩મી મેના દિવસે જાહેર કરવામાં આવશે. ગુજરાતની વાત કરીએ તો અહીં ૧૯૯૫થી આ જ દિન સુધી ભાજપની સરકાર છે. (ઓકટોબર ૧૯૯૬થી માર્ચ ૧૯૯૮ દરમ્યાન રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર રહી જે અપવાદ રૂપ છે.) ગુજરાત ભાજપનું ગઢ છે અને આરએસએસની લેબોરેટરી છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ સર્વવિદિત છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬માંથી ૨૬ બેઠકો ભાજપે કબ્જે કરી હતી. એ વખતે જબરદસ્ત મોદી લ્હેરનો લોકજુવાળ અને કોંગ્રેસની ભ્રષ્ટાચારી છબીથી લોકોએ ભાજપને મત આપ્યા હતા. અને કેન્દ્રમાં તે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવામાં સફળ રહ્યો હતો. પાંચ વર્ષના સત્ર દરમ્યાન ઘણાં આડા-અવડા નિર્ણયો લઈ સતત વિવાદમાં રહેલી મોદી સરકારે ગમે તે રીતે ફરી સત્તા હાંસલ કરવા અને ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર જીત હાંસલ કરવા પ્રયત્નશીલ રહેશે.
તાજેતરમાં કોંગ્રેસના ચાર સીટીંગ એમએલએ સાત દિવસની અંદર પાર્ટીમાં રાજીનામું આપી ભાજપમાં જાડાઈ ગયા છે. ‘જાર કા ઝટકા ધીરે સે લગે’વાળી કહેવતને સાર્થક કરતાં ભાજપ ચૂંટણી જંગની શરૂઆત થતાં જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં સફળ થયો છે. બીજી તરફ પાટીદાર અનામત આંદોલનમાંથી નેતા તરીકે ઉભરનાર હાર્દિક પટેલ, જે ઘણાં સમયથી રાજનીતિમાં પ્રવેશવાની તક શોધી રહ્યા હતા, છેવટે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસને વચગાળાની રાહત તો મળી પરંતુ ઓબીસી અનામત આંદોલનમાંથી જનતા સમક્ષ નેતા તરીકે ઉભરનાર અલપેશ ઠાકોર કે જે પાટીદાર અનામત આંદોલનનો જ અરીસો છે તેમણે ૨૦૧૭માં કોંગ્રેસમાં જાડાઈ ધારાસભ્ય બન્યા હતા, હમણાં કેટલાક કારણોસર કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. તેથી તેમણે ભાજપમાં જાડાઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ બંને રાષ્ટ્રીય પક્ષોએ ખેંચાખેંચીનો દોર શરૂ કરી દીધો છે. હાલના તબક્કે ભાજપ, કોંગ્રેસને માત કરવામાં સફળ થઈ છે.
ગુજરાતની પ્રજા ભોળી છે. આમ તો આપણા દેશની બહુમતી પ્રજા જ ભોળી છે. ખૈર! મારે અહીં માત્ર ગુજરાતના જ પરિપ્રેક્ષ્યમાં વાત કરવી છે, તેથી લોકસભા ચૂંટણી બાબતે ગુજરાત સુધી મર્યાદિત રાખીશ.
૨૦૧૭ની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ભાજપ તેની નીતિ અને તેના મોવડીમંડળથી નારાજ થઈ ત્રણ યુવાન નેતાઓ ઊભર્યા.જેમાં હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે. આ ત્રણેય જદી જુદી પશ્ચાદ્ભૂમિ અને સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. હાર્દિક પટેલ પાટીદારોનું, જિજ્ઞેશ મેવાણી દલિતોનું અને અલપેશ ઠાકોર ઓબીસીનું પ્રતિક છે. રાજકીય સમીકરણની દૃષ્ટિએ જાઈએ તો પાટીદાર, ઓબીસી અને દલિતની ગુજરાતમાં મતોની કુલ ટકાવારીના ૫૦ ટકીથી વધુ છે. છતાં આ ત્રણેય સમુદાયના નેતાઓ ભાજપને કોઈ ખાસ નુકસાન પહોંચાડી શક્યા નથી. અલબત્ત તેને વિધાનસભાની ૧૦૦ બેઠકો સુધી મર્યાદિત કરવામાં જરૂર સફળતા મળી હતી. પરંતુ ભાજપને સરકાર બનાવવાથી રોકી શક્યા નહીં. કામની દૃષ્ટિએ જાઈએ તો ત્રણેય નેતાઓ પોતાના સમુદાયને ઓછું અને પોતાના કદને વધારવા અને ફાયદો પહોંચાડવા વધુ પ્રયત્નશીલ છે.
એમ તો કહેવાય છે કે રાજકારણ ખૂબ ગંદી રમત છે, જેમાં ભણેલા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોને નહીં જ ફાવે. પરંતુ હું એમ માનું છું કે રાજકારણમાં સારા લોકો નથી એટલે જ ખરાબ લોકોએ પગપેસારો કર્યો છે. અને તેઓ સારા લોકોને પોતાની મરજી મુજબ ચલાવી રહ્યા છે. ગુજરાતના લોકો ધંધો કરવામાં અને કમાવવામાં માને છે, પરંતુ જેમને રાજકારણની પરિભાષા બદલવી હોય, ન્યાયને પ્રસ્થાપિત કરવો હોય, દેશ અને દેશના લોકોને સુખી જાવા હોય.. તેમણે રાજકારણમાં જરૂર પ્રવેશ કરવો જાઈએ.
૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૭માં કોંગ્રેસની મતની ટકાવારી વધી હતી અને હાલની પરિસ્થિતિ જાઈએ તો પાંચ વર્ષના (કુ)શાસનમાં વિકાસની તકો ઉજળી થવાના બદલે વધુ ઘેરી અને ધૂંધળી બની છે. બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે, જી.એસ.ટી.ના કારણે લોકો ધંધામાં ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં નાના અને મધ્યમ કદના ધંધાર્થીઓ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તે જાતાં ભાજપનો ૨૦૧૯ સફર આસાન તો નહીં જ હોય.