બંધારણના રક્ષકોને સિદ્ધ કરવું પડશે કે તે કેટલા સેક્યુલર છે
સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ દેશવાસીઓ માટે ગૌરવનો વિષય છે. જો કે, દેશની સત્તામાં બેઠેલા, સતત 8 વખત લાલ કિલ્લા પરથી ઝંડો લહેરાવી ચૂકેલા નેતા અને તેમની પાર્ટી આત્મમુગ્ધ છે. આ બધાથી અલગ આ આત્મ ચિંતનનો પણ વિષય છે કે આપણે આ લોકતંત્રને આ 75 વર્ષોમાં એક પણ મુસ્લિમ વડાપ્રધાન આપ્યો નથી. દેશની સૌથી મોટી લઘુમતી તથા આમ કહો કે દેશની બીજી સૌથી મોટી બહુસંખ્યક સમુદાય જેની આબાદીની તુલનામાં ઘણા દેશો સમાઈ જાય તેમને દેશનો વડાપ્રધાન બનવાનો અવસર કોઈ પણ લોકતાંત્રિક રાજનૈતિક પાર્ટીએ આપ્યો નથી. હવે તો વડાપ્રધાન બનવા માટે યોગ્યતા કે યોગ્ય વ્યક્તિની વાતો પણ મતલબ વગરની લાગવા લાગી છે.
કેટલાક બુદ્ધિજીવીઓ કહે છે કે અહીં હિન્દુ બહુસંખ્યક છે આથી કોઈ મુસ્લિમનું વડાપ્રધાન બનવું અશક્ય છે. જો આ વાત સાચી છે તો દેશની સેક્યુલર કહેવાતી રાજનૈતિક પાર્ટીઓને આ પ્રશ્ન છે કે 75 વર્ષોમાં દેશના નાગરિકોને એક સેક્યુલર નાગરિકના રૂપમાં પ્રશિક્ષિત કરી ન શકી. દેશની તમામ રાજનૈતિક પાર્ટીઓ લોકતંત્રને સત્તા પ્રાપ્ત કરવાના રૂપમાં સ્વીકાર તો કરે છે, પરંતુ પોતાના કાર્યકર્તાઓ અને નાગરિકોને લોકતાંત્રિક વિચાર અને દ્રષ્ટિને લઈને પ્રશિક્ષિત કરતી નથી.
કહેવાય છે કે મુસ્લિમ 85 ટકા હિન્દુ લોકોનું સમર્થન પ્રાપ્ત કરી શકતી નથી. આથી તેમનું વડાપ્રધાન બનવું મુશ્કેલ છે. જો કે દેશના હિન્દુ હૃદય સમ્રાટ દેશનાં હિન્દુઓના 40 ટકા મત પણ પ્રાપ્ત કરી શકતાં નથી અને દેશનાં વડાપ્રધાન બની જાય છે. (બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હિન્દુ બહુમતી ધરાવતી વિધાનસભામાં 10 ટકા વોટ પણ પ્રાપ્ત કરી શકતાં નથી.)
આ બધું પાર્ટીઓ પર નિર્ભર કરે છે કે તે કેટલી લોકતાંત્રિક છે અને દેશને કેટલો લોકતાંત્રિક બનાવવા ઈચ્છે છે. સોનિયા ગાંધી, મનમોહન સિંહને બનાવવા પહેલા 85 ટકા હિન્દુઓની સલાહ લેવા નહોતી ગઈ. UPAના બીજા કાર્યકાળમાં કોઈ કોંગ્રેસી મુસ્લિમને દેશનો વડાપ્રધાન બનાવી શકાતો હતો, જેની માટે પણ દેશના 85 ટકા હિન્દુ પાસેથી સલાહ લેવાની નહોતી.
આપણે સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ મનાવીએ અને મજબૂત લોકતંત્રનું ઉદાહરણ દુનિયાની સામે રાખીએ તેની પહેલા આપણે આ સિદ્ધ કરવું પડશે કે ભારત સાચાં અર્થમાં એક લોકતાંત્રિક દેશ છે અને બંધારણમાં આપવામાં આવેલી યોગ્યતા મુજબ અને દેશવાસીઓની લોકતાંત્રિક વિચાર અનુરૂપ કોઈ પણ વ્યક્તિને વડાપ્રધાન બનાવી શકાય છે.
દેશનાં મુસલમાનોએ સ્વતંત્રતા આંદોલનોમાં પોતાના પ્રાણોની આહુતિ આપીને અને સ્વતંત્રતા બાદ લોકતાંત્રિક વિચારોને ગળે લગાડીને આ સિદ્ધ કર્યું છે કે તે એક દેશપ્રેમી, રાષ્ટ્રવાદી અને સેક્યુલર નાગરિક છે. હવે સેક્યુલર પાર્ટીઓને, લોકતંત્રને, બંધારણ રક્ષકોને અને દેશને આ સિદ્ધ કરવું પડશે કે તે કેટલા સેક્યુલર છે.