કોઈપણ દેશના સુશાસન, માથાદીઠ આવક, સ્વાસ્થ્ય, આયુષ્યની સરેરાશ, વિશ્વસનીયતા, સામાજિક સહયોગ, સ્વતંત્રતા, ઉદારતા, જીડીપી ગ્રોથ જેવા અનેક આધારો પરથી સર્વેક્ષણ અને મૂલ્યાંકન હાથ ધરી યુનોના વિદ્વાનો દ્વારા ‘પ્રોજેકટ હેપીનેસ’ અંતર્ગત દરેક દેશનું રસપ્રદ અને વિશ્વસનીય સંશોધન કરીને તારતમ્ય મેળવવામાં આવે છે. આ સંશોધનનો હેતુ યુનો દ્વારા દેશના શાસકોને દર્પણ બતાવવાનો હોય છે કે તેમની નીતિઓ જે તે દેશના નાગરિકોને સુખી રાખવામાં સકારાત્મક ભૂમિકા નિભાવે છે કે નકારાત્મક? જો કે આ વર્ષે જાહેર થયેલા પ્રસન્નતા સુચકાંકમાં ભારત વધુ વ્યથિત અને દુઃખી જણાય છે આમ તો ભારત પહેલાથી જ પાછળ હતું પરંતુ આ વર્ષે સીધા જ ૧૩૩ થી ૧૪૦માં સ્થાને પહોંચી જઈ વિશ્વની પ્રસન્ન પ્રજામાં ભારતની સુખાકારી હજુ કેટલાક પગથિયાં નીચે ગગડી છે.એનું એક અને મોટું કારણ એ પણ બતાવાઈ રહ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં દેશમાં દોઢ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. એક નોકરી પર આખો પરિવાર નભતો હોય તો નવા દુઃખી લોકોની સંખ્યામાં એ સીધો જ વધારો છે.આમ, તો યુનોનું મુખ્ય કામ દુનિયાના દેશો વચ્ચેની પારસ્પરિક સુમધુરતાને પ્રોત્સાહન આપવાનું અને આંતરરાષ્ટ્રીય વિગ્રહોમાં યુદ્ધશૂન્ય સ્થિતિમાં સંધિ કરાવવાનું છે. પરંતુ મહાસત્તાઓની શૃંગઉછાળ પ્રવૃત્તિઓને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘ પોતાના મૂળભૂત કરતૃત્વમાંથી હાંસિયામાં સરી ગયું છે એને ‘માર્જિનલ બીહેવીયર’ કહેવાય. જો કે, યુનોના આ ‘પ્રોજેકટ હેપીનેસ’ થકી તે, જે-તે દેશના પ્રશાશકોને કાન આંબળી હકીકતનું ભાન કરાવે છે અને પ્રજાને પોતાના દેશની સચ્ચાઈથી અવગત કરવાનું સૌથી મોટું કામ કરે છે.
દેશને દરેક ક્ષેત્રમાં મરણતોલ ફટકો આપનારા નોટબંધી અને જીએસટીના પગલાઓ પછીની વાસ્તવિકતાઓ કેન્દ્ર સરકાર સ્વીકારવા જ તૈયાર નથી. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘે એના અહેવાલમાં એમ કહ્યું કે, પ્રસન્નતાની યાદીમાં ભારત આટલું પાછળ છે ત્યારે એ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભારતનો નાગરિક પ્રસન્નતા લાવે તો લાવે ક્યાંથી? છેલ્લા પાંચ વર્ષમાં જે કરોડપતિઓ હતા તે કેન્દ્ર સરકારની પોલિસીના કારણે અબજોપતિ થઈ ગયા પરંતુ જેઓ લાખોપતિ હતા તેમના બેંક એકાઉન્ટમાં હવે હજારોના પણ ઠેકાણા રહ્યા નથી. શ્રીમંતો અધિક શ્રીમંત થાય કારણકે, પૈસો પૈસાનું સર્જન કરે છે અને એ તો આંતરરાષ્ટ્રીય આર્થિક સિદ્ધાંત છે પરંતુ ગરીબો વધુ ગરીબ ત્યારે જ થાય જ્યારે સરકારનો હેતુ પ્રજાને નિર્ધન અને રાંક બનાવવાનો હોય ! ભારતીય પ્રજાનો બહોળો સમુદાય રંક પણ છે અને રાંક પણ છે. શાસકોને એની દયા આવતી નથી, કરણ કે તેઓ સ્પષ્ટ પણે એમ માને છે કે, લોકો ગરીબ હશે તો જ ધર્માંધ થશે અને ધર્માંધ થશે તો અમને મત આપશે.પ્રજાને ધર્માંધ બનાવવા પાછળ માત્ર અને માત્ર રાજકીય પક્ષો અને જે તે ઉમેદવારો પોતે પણ અંગત સ્વાર્થમાં જ રાચે છે પક્ષોને પોતાની શાખ મજબૂત કરવી છે અને પોતાનો એજન્ડા પાર પાડવો છે જ્યારે ઉમેદવારોને પોતાની સાત પેઢીનું ભરણું ભરવાની લ્હાય હોય છે. અહીં દેશની કફોડી હાલત કરવામાં આ સ્વાર્થવૃત્તિને વળગેલા પક્ષો અને તેના થકી પદાધિકારી બનેલા સફેદ હાથીઓ જ જવાબદાર હોવાનું સ્પષ્ટ માનવાને, કારણ માત્ર સિદ્ધાંતવિહોણું રાજકારણ જ છે. જ્યાં સુધી ધર્મને વ્યક્તિની અંગત બાબત પૂરતું જ સીમિત સમજવાની મસમોટી ભૂલ માંથી બહાર નિકળવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષમાં સિદ્ધાંતને વળગી રહેવાની અપેક્ષા ઠગારી જ નીવડી શકે છે. ધર્મ કોઈ પણ અયોગ્ય કર્મ કે અસત્ય માર્ગ તરફ પ્રવૃત્ત કરતો નથી, ધર્મ થકી જ વ્યક્તિમાં ઈશપરાયણતા કે ઈશભય અને માનવપ્રેમ ઉભો થઇ શકે છે અને જ્યારે વ્યક્તિમાં મુખ્ય આ ત્રણ ખૂબી ઉભરશે તો કોઈ કાળે કોઈ શંકાને સ્થાન નથી કે, કોઈ અવ્યવહારુ કે અયોગ્ય કર્મ એ વ્યક્તિ થકી થઈ શકે પછી સર્વસ્વ શાંતિ, ભાઈ-ચારો અને પ્રગતિ નિશ્ચિત જ હોય શકે જ છે. ધર્મ થકી જ રાજકારણ કરવાનું છે જ્યારે દેશની કમનસીબી એ છે કે ધર્મ માટે રાજકારણ કરવામાં આવે છે અને આજ સબળ કારણ છે કે કુલ ૧૫૬ માંથી આપણે છે…ક ૧૪૦માં નંબરે પહોંચ્યા છીએ, પછી પ્રજા વ્યાકુળ જ થાય અને સરકાર પ્રત્યે અણગમો અને ગ્લાનિ ઉભી કરીને જ જવાબ કરે જ, જે સર્વસત્ય સર્વ-સામાન્ય અને માનવસહજ નિયમ છે.