નવી દિલ્હી, “વડાપ્રધાન દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત લોકશાહી અને ખેડૂતોની મોટી ઉપલબ્ધિ છે. આ કૃષિ કાયદાઓને રદ્દ કરવા અતિ જરૂરી હતાં અને હવે જ્યારે તેને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તો ચોક્કસપણે તે લોકશાહી અને આપણા દેશનાં ખેડૂતોની ભવ્ય જીત સાબિત થઈ છે.” આ વાત જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ પ્રેસને જારી કરેલા નિવેદનમાં કહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ ભારતનાં લોકો અને તે તમામ લોકોની પણ જીત છે જેમણે જનવિરોધી, ગરીબ વિરોધી અને ખેડૂત વિરોધી કાયદાઓના વિરોધમાં ખેડૂતોને સમર્થન આપ્યું હતું. પરંતુ અમને એ હકીકતથી દુઃખ થાય છે કે ખેડૂતોને આ અન્યાયી કાયદાઓ સામે લડવા માટે ભારે કિંમત ચૂકવવી પડી છે અને સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. અમે આવાં ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપીએ છીએ જેમણે આ હેતુ માટે પોતાનો જીવ આપ્યો.”
સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું હતું કે, “ખેડૂતોએ તેમનાં વિરોધ પ્રદર્શન દ્વારા બતાવ્યું કે કેવી રીતે શાંતિપૂર્ણ વિરોધ લોકશાહી રીતે કરી શકાય છે અને દેશ અને સમાજનાં હિતની વિરુદ્ધ જતી નીતિઓ અને કાયદાઓ સામે નાગરિક સમાજની સકારાત્મક ભૂમિકા પણ દર્શાવી છે અને તેને નાબૂદ કરવાની ખાતરી કરવામાં ફાળો આપે છે. અમે અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોની હિંમત અને દ્રઢતાને સલામ કરીએ છીએ જેમણે તેમના હેતુને જાળવી રાખવા માટે જબરદસ્ત બલિદાન આપ્યું છે. ખેડૂતોનાં વિરોધમાં પણ સરકારની ઉદાસીનતા દર્શાવવામાં આવી હતી કારણ કે તેણે બળથી આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.”
સૈયદ હુસૈનીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે હવે સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ અન્ય જનવિરોધી અને ગેરબંધારણીય કાયદાઓ જેવા કે CAA, NRC વગેરે પર ધ્યાન આપે અને તેને શક્ય તેટલી વહેલી તકે પાછી ખેંચી લેવાની ખાતરી આપે. અમને ખુશી છે કે આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેડૂતોની માંગણીઓ સ્વીકારી લીધી, જો આ પહેલા કરવામાં આવ્યું હોત તો નુકસાન ટાળી શકાયું હોત.”